શૅરબજારની આ જ તો કમાલ હોય છે, ફન્ડામેન્ટલ્સની અસર સમય લે છે, સેન્ટિમેન્ટ તરત રીઍક્ટ કરે છે

23 February, 2026 09:19 AM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજાર ટિપિકલી વધ-ઘટ કરી રહ્યું છે; વધે ઓછું, ઘટે વધુ. ગ્લોબલ અસરો ચાલ્યા કરે છે. બજાર પણ મુખ્યત્વે વૈશ્વિક ડેવલપમેન્ટ પર ધ્યાન આપે છે. આ બધાની વચ્ચે ભારતીય અર્થતંત્રના ફન્ડામેન્ટલ્સ મજબૂત બનવા તરફ ગતિ કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કેન્દ્રીય બજેટની જાહેરાત યાદ છે કે ભૂલી ગયા? બજેટમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પરનો સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) વધારવાની જાહેરાત થઈ કે બજારે તરત રીઍક્શન આપીને માર્કેટને તોડવાનું કારણ ધર્યું હતું. એમાં વળી બજેટ પાસે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સમાં રાહતની અપેક્ષા પણ પૂર્ણ નહીં થતાં બજાર નિરાશ થઈને નીચે ઊતરી ગયું હતું. આમ નાના-નાના સમાચારોની અસર શૅરબજાર પર વારંવાર તાત્કાલિક ધોરણે થતી જોવા મળે છે, પરંતુ આમાં મોટા-સારા-મજબૂત કહી શકાય એવા સમાચારોની ઉપેક્ષા થઈ જાય છે, કારણ કે એ સમાચાર લાંબા ગાળાના હોય છે. આ માનસિકતા ધરાવનારા બહુમતીમાં હોય છે જે આ બજારની કરુણતા છે. આને કારણે જ બજાર લાંબા ગાળાની તંદુરસ્તી હાંસલ કરી શકતું નથી. પરિણામે વૉલેટાઇલ રહ્યા કરે છે. ક્યારેક હકીકતમાં એવું લાગે કે બજાર ફન્ડામેન્ટલ્સ કરતાં સેન્ટિમેન્ટને વધુ મહત્ત્વ આપી દેતું હોય છે. જોકે એની અસર ટૂંકા ગાળાની રહે છે.

ફન્ડામેન્ટલ્સની દૃષ્ટિએ મજબૂત સમાચાર

આ વાતને વધુ સ્પષ્ટ સમજવા માટે તાજેતરના કેટલાક નક્કર સમાચારોને જોઈએ તો હાલમાં જ ભારતના વડા પ્રધાને ફ્રાન્સ સાથે લાંબા ગાળાના નક્કર વેપાર-કરાર કર્યા છે જેની વ્યાપક ચર્ચા થઈ. નરેન્દ્ર મોદી તાજેતરની AI સમિટ દરમ્યાન વિશ્વના ઘણા લીડર્સને મળ્યા, જેમની સાથેની ચર્ચામાં મોદીએ વેપાર, ટેક્નૉલૉજી, ડિફેન્સ, કને​ક્ટિવિટી, ક્લીન એનર્જી માટે કરાર કરવાની વાટાઘાટ કરી. નરેન્દ્ર મોદી જે લીડર્સને મળ્યા એમાં ગૂગલના CEO, સ્પેનના પ્રેસિડન્ટ, ભુતાનના લીડર, સર્બિઆના પ્રેસિડન્ટ ઉપરાંત કઝાખસ્તાન, ફિનલૅન્ડ, એસ્ટોનિયા વગેરેનો સમાવેશ થાય છે. ભારત આ દરેક સાથે વિવિધ સેક્ટરમાં સહયોગ-ભાગીદારી કે વેપાર કરવા માગે છે જે આગામી સમયમાં અમલમાં મુકાશે, પરંતુ બજાર આવા સમાચારને પ્રતિભાવ આપતું નથી, જ્યારે કે સ્માર્ટ રોકાણકારો આમાંથી લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટનેન્ટ પ્લાન કરી લે છે. આ સમાચારમાં ગ્લૅમર કે તરતના લાભ દેખાય નહીં, પણ વાસ્તવમાં આ ઘટનાઓ જ લાંબા ગાળાની વૃદ્ધિના અને વિશ્વાસના પુરાવાસમાન ગણાય. વેપાર-કરાર નિકાસ માટે ભારત જ્યારે અમેરિકા સાથે સંઘર્ષમાં હતું અને કદાચ હજી પણ ગણાય એ ભારત અન્ય નાના-મોટા કે મધ્યમ દેશો સાથે વેપાર માટે સંબંધો બાંધતું અને વધારતું જાય એ લૉન્ગ ટર્મ પ્લાનિંગ અને સ્ટ્રૅટેજી કહી શકાય. આના પરથી રોકાણકારો ભાવિ બિઝનેસ અને ઇકૉનૉમિક ટ્રેન્ડનો સંકેત મેળવી શકે છે.

વિશ્વને ભારતનું આકર્ષણ શા માટે?

વર્તમાન સમયમાં વિશ્વના વિવિધ દેશોનો ભારત પરનો વિશ્વાસ વધ્યો હોવાના સમાચાર બહુ દેખાતા કે ચર્ચાતા નથી. એમાં મીડિયાને ઝાઝો રસ પડતો નથી, ભલે મીડિયાને રસ ન પડે, પણ રોકાણકારોને ચોક્કસ રસ પડવો જોઈએ. ટ્રેડર વર્ગ પણ આમાં ખાસ રસ લેશે નહીં, કેમ કે તેઓ શૉર્ટ ટર્મ અભિગમ સાથે જ કામકાજ કરતા હોય છે. જ્યારે કે દેશના આર્થિક ફન્ડામેન્ટલ્સ માટે આવી તમામ ઘટના મહત્ત્વની છે અને ઇન્વેસ્ટર્સે એને મહત્ત્વ આપવું જોઈએ. અત્યારે ભારતની સ્ટેબિલિટી અને પૉલિસી ક્લૅરિટી તેમ જ કન્સિસ્ટન્સી સૌથી વધુ મહત્ત્વની છે, જેને વિશ્વ મહત્ત્વ આપી રહ્યું છે. આ હકીકતને ભારતીય રોકાણકારોએ સમજવી જોઈએ.

રિલાયન્સ-જિયોનું જંગી રોકાણ

દરમ્યાન આ AI યુગને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીએ ભારતમાં ૧૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે, જેમાં ડેટા સેન્ટર સાથે ગ્રુપ કંપની જિયો સૉવરેન કૉમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરશે એટલું જ નહીં, આ ગ્રુપ ભારતમાં અફૉર્ડેબલ કિંમત કે ખર્ચમાં AI ઉપલબ્ધ થાય એવું લક્ષ્ય રાખશે. જિયો ભારતના દરેક સેક્ટર-સમાજ અને સામાન્ય માનવી સુધી AIને લઈ જવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે, જે એણે ઇન્ટરનેટ માટે કર્યું એ હવે ઇન્ટેલિજન્સ માટે કરશે.

ગલ્ફ ફન્ડ્સનું ધ્યાન ભારત પર

એક મહત્ત્વના ધ્યાનપાત્ર અહેવાલ મુજબ ગલ્ફના દેશોનાં ફન્ડ્સ નૉર્થ અમેરિકા અને યુરોપને સ્થાને હવે ભારત અને ચીન તરફ રોકાણ માટે ફંટાઈ રહ્યાં છે. ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે તેમને હાલ એશિયા વધુ બહેતર લાગ છે. અહીંનાં વૅલ્યુએશન પણ આકર્ષક જણાય છે. હિન્દુસ્તાન આ ફન્ડ્સને સારું લાગવાનાં કારણોમાં ભારતની સ્ટેબલ નિયમનકારી વ્યવસ્થા, આર્થિક સુધારા, માથાદીઠ વધતી આવક અને વપરાશ, મજબૂત વર્કિંગ એજ પૉપ્યુલેશન, વિકાસની અઢળક સંભાવના તેમ જ ડાઇવર્સિફિકેશનનો સમાવેશ થાય છે.

કેકેઆરનો ભારતમાં જંગી રોકાણ-પ્લાન

વધુ એક મહત્ત્વના સમાચાર મુજબ અગ્રણી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની કેકેઆર આગામી દાયકામાં ભારતમાં ૨૦ અબજ ડૉલરનું રોકાણ કરવાનો પ્લાન ધરાવે છે. ભારતની કંપનીઓને ક્વૉલિટીમાં અમેરિકન કંપનીઓ સાથે સરખાવતાં અને બિરદાવતાં કેકેઆરના કોફાઉન્ડર હેન્રી ક્રેવિસે મીડિયાને કહ્યું છે કે ગ્રુપે છેલ્લાં ૨૦ વર્ષમાં ભારતમાં ૧૩ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે, જેમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં ૯ અબજ ડૉલર કમિટ થયા હતા. તેમના મતે હાલમાં અમેરિકાની બહાર ભારત અને જપાન બે મોટી માર્કેટ ગણાય છે.

ગૂગલનો મહત્ત્વાકાંક્ષી પ્લાન

વૈશ્વિક જાયન્ટ કંપની ગૂગલ ભારતમાં AIના માહોલની વિકાસની સંભાવનાને ધ્યાનમાં રાખી ભારતમાં AI ક્ષેત્રે ભાગીદાર બનીને કામ કરવા ઉત્સુક છે એવું વિધાન ગૂગલના CEO સુંદર પિચાઈએ કર્યું છે. ગૂગલ AIમાં ચૅમ્પિયન ગણાય છે અને એનો AI માટેનો કૅપિટલ એક્સપેન્ડિચરનો પ્લાન  ૧૮૫ અબજ ડૉલરનો છે.

ઊથલપાથલમાં લાભ કોને થાય?

આ બધા ફન્ડામેન્ટલ્સની દૃષ્ટિએ મજબૂત અહેવાલો વચ્ચે પણ બજાર મજબૂતી પકડીને આગળ વધ્યું નહીં. અગાઉના સપ્તાહનાં અંતે તૂટેલું માર્કેટ ગયા સોમવારે પ્રથમ દિવસે રિકવરી સાથે શરૂ થયું હતું, કરેક્શનના ભાવે ખરીદીનો સમય ગણી બજારે સુધારો દર્શાવ્યો હતો. મંગળવારે અને બુધવારે આ સુધારો આગળ વધ્યો હતો. જોકે ગુરુવારે પ્રૉફિટ-બુકિંગ અને ક્રૂડના ભાવોને કારણે ઝડપી અને હેવી કરેક્શન (સેન્સેક્સ ૧૨૩૬ અને નિફ્ટી ૩૬૫ પૉઇન્ટ) આવતાં અગાઉનો સુધારો ભારે પ્રમાણમાં ધોવાઈ ગયો હતો. જોકે શુક્રવારે વૅલ્યુ-બાઇંગને પગલે રિકવરી આવી હતી, ગ્લોબલ સંકેત પણ સકારાત્મક હોવાની અસર હતી. આમ વર્તમાન સંજોગોની ઊથલપાથલમાં માર્કેટ કરેક્શન અને રિકવરીમાંથી સતત પસાર થતું રહેશે. આવામાં લાંબા ગાળાના રોકાણકારો, હેવી કરેક્શનમાં ખરીદી કરવાની તક ઉઠાવતા રોકાણકારો અને સિસ્ટેમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ધરાવનારા લાભમાં રહેશે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટના આદેશની અસર

તાજા સમાચાર મુજબ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટૅરિફ-આદેશોને ગેરકાનૂની ઠેરવતાં આ મામલે ગૂંચવણ ઊભી થવાની સંભાવના છે. શૅરબજાર આ ઘટનાને કેવું રીઍક્ટ કરે છે એ આજે ખબર પડશે. હાલ તો બજાર આને પૉઝિટિવ રિસ્પૉન્સ આપશે એવો અંદાજ છે. ટ્રમ્પ આડેધડ ટૅરિફ જાહેર કરતાં અટકશે. 

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

AI ક્ષેત્રે ભારતમાં આગામી બે વર્ષમાં ૨૦૦ અબજ ડૉલરનું રોકાણ આવી શકે છે એવી આશા IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કરી છે.

ગયા સપ્તાહના પ્રથમ દિવસે એક AI કંપની ફ્રૅક્ટલ ઍનલિટિક્સનો શૅર ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટેડ થયો હતો. આમ તો આ ઇશ્યુ ૨.૬૬ ગણો છલકાયો હતો, પરંતુ લિસ્ટિંગમાં ચરબી નીકળી ગઈ હતી.

ભારતીય માર્કેટની ડામાડોળ સ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યુ એજ કંપનીઓ પોતાના ઇશ્યુઝની સાઇઝ ઘટાડી રહી હોવાના અહેવાલ છે.

સોનાની વધતી જતી આયાત ભારત માટે ચિંતાનો વિષય બની રહી છે. જેને લીધે ટ્રેડ-ગૅપ વધી રહ્યો છે.  

એક અભ્યાસ મુજબ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)એ ભારતીય સ્ટૉક માર્કેટમાં ફેબ્રુઆરીના પ્રથમ ૧૫ દિવસમાં કૅપિટલ ગુડસ, ઑઇલ-ગૅસ અને ફાઇનૅન્શ્યલ સેક્ટરમાં વધુ બાયર રહ્યા છે, તેમને આ ગાળામાં ૧૫ જેટલાં સેક્ટરમાં ૩૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ ફાળવ્યું છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange