અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ઊંચી સપાટીએ : રૂપિયો અને ડૉલેકસ સ્ટેબલ

17 January, 2022 03:31 PM IST  |  Mumbai | Biren Vakil

યુક્રેન-કઝાખ ક્રાઇસિસને પગલે ક્રૂડ ૮૭ ડૉલરને પાર, ચીનમાં વિકાસદર ધીમો પડવાના સંકેત

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ગ્રાહક ભાવાંક ૯.૭ ટકાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વાર્ષિક ધોરણે આ વધારો ૪૦ વર્ષમાં સૌથી વધુ છે. ફેડે મોડે-મોડે પણ સ્વીકાર્યું છે કે ફુગાવો હવે કામચલાઉ નથી. જોકે ફેડના આ વિધાનને અંડર સ્ટેટમેન્ટ જ ગણવું પડે, કેમ કે દાયકાઓ સુધી ફુગાવો ૧-૧.૭ ટકા આસપાસ રહ્યો અને દીર્ઘકાલીન ઇઝી મની અને લિક્વિડિટીની છાકમછોળ અને કોરોના પછીના સપ્લાય ડિસરપ્શન જેવાં અનેક કારણોથી ફુગાવો ફેડના બે ટકાના લક્ષ્યાંક સામે ૯ ટકાને પાર પહોંચી ગયો છે. ફેડે ફુગાવો ડામવા આક્રમક લક્ષ્યાંક રૂપે ૨૦૨૨ના અંતે ફુગાવો ૨.૮ ટકા અને ૨૦૨૩ના અંતે ફુગાવો ૨.૬ ટકા કહ્યો છે. આ લક્ષ્યાંક અત્યંત આશાવાદી છે અને નિયત સમયમર્યાદામાં વિન્ડો ડ્રેસિંગ – આંકડાની  માયાજાળ કર્યા વિના હાંસલ થઈ શકે એમ નથી. અમેરિકામાં ફુગાવાના ડેટા પછી યીલ્ડ થોડા નીચા આવ્યા છે. ફેડને કદાચ વ્યાજદર ઝડપી અને ઘણા વહેલા વધારવા પડશે.
બજારોની વાત કરીએ તો ૧૦ વર્ષના યીલ્ડ મામૂલી ઘટીને ૧.૭૯૩૦ થયા હતા. ડૉલેકસની મંદી અટકી હતી. ડૉલેકસ ૯૬.૪૦થી ઘટી ૯૪.૮૦ હતો. યુરો ૧.૧૪૧૪ના મથાળે ટકેલો હતો. પાઉન્ડ પણ ૧.૩૬૫૦ આસપાસ ટકેલો હતો. અમેરિકી ટેક્નૉલૉજી શૅરોમાં ઉછાળે વેચવાલી હતી. ગ્રોથ સ્ટૉક્સમાં આકર્ષણ ઘટ્યું છે. વિકસિત બજારોમાં વૅલ્યુ ઇન્વેસ્ટિંગમાં કમબૅક સ્ટોરી દેખાય છે. 
ઘરઆંગણે રૂપિયો ૭૩.૯૦થી ઘટી ૭૪.૧૫ થયો હતો, પણ એકંદરે રેન્જબાઉન્ડ રહ્યો છે. ચીનમાં આર્થિક વિકાસ ધીમો પડે એમ લાગે છે. ઑકટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરમાં વિકાસ દોઢ વર્ષની નીચી સપાટીએ રહેવાનો અંદાજ છે. નાણાકીય નીતિ મામલે ચાઇના કદાચ એકોમોડેટિવ રહેશે. યુઆનમાં ત્રણ વર્ષથી ચાલતી તેજી અટકે તેમ લાગે છે. યુઆન ૬.૩૫ જેવો બંધ રહ્યો હતો. લેટિન અમેરિકામાં મૅક્સિકન પેસો અને અન્ય લેટામ કરન્સીમાં ફુગાવો વધતા નરમાઈ છે. ટર્કી લીરા અને રેન્ડની મંદી પણ ધીમી પડી છે.
યુરોપમાં વીજળીના ઊંચા ભાવ, નેચરલ ગૅસના ઊંચા ભાવ અને રશિયા નાટો વચ્ચે યુક્રેન મામલે તંગદિલીને કારણે ઇમર્જિંગ યુરોપનાં ચલણો દબાણમાં છે. પોલૅન્ડે વ્યાજદર વધાર્યો છે. આગળ પર ઝેક, હંગેરી વગેરે પણ વ્યાજદર વધારે એવી અપેક્ષા છે. યુરોપમાં અને યુકેમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. જોકે હવે લૉકડાઉન પોસાય એમ નથી. વાઇરસ બદલાઈ રહ્યો છે. આપણે પણ બદલાવું પડશે એમ કહી સત્તાધીશોએ પોતાના હાથ ખંખેરી નાખ્યા છે. 
સ્થાનિક બજારોની વાત કરીએ તો ઓમાઇક્રોન સંક્રમણ આઠ માસની ટોચે છે. જોકે હૉસ્પિટલાઇઝેશન દર ઘણો ઓછો છે. ફુગાવો ૫.૬૦ થયો છે એ જોતાં રિઝર્વ બૅન્કે જૂન સુધીમાં કમસેકમ એક વ્યાજદર વધારો આપવો પડશે. જો ફેડનું ટાઇટનિંગ ઝડપી અને તીવ્ર રહે અને ભારતીય નાણાનીતિ એકૉમેડિવ રહે તો કેપિટલ ફલાઇટ ફોરેક્સ આઉટફ્લોના જોખમો વધી જશે. હાલમાં બજારની નજર એલઆઇસીના આઇપીઓ પર છે. અંદાજે ૧૨ અબજ ડૉલરનો આ આઇપીઓ ભારતીય મૂડીબજારનો મોટામાં મોટો આઇપીઓ હશે. હાલમાં ક્રૂડ ઑઇલ અને સ્ટીલ, કોલસો જેવા કાચા માલની તેજી ફુગાવાના મોરચે ચિંતાનો વિષય છે. બ્રેન્ટ ક્રૂડ ૮૭ ડૉલર થઈ ગયું છે. ક્રૂડ ૯૦-૯૫ ડૉલર સુધી જવાની સંભાવના છે. કઝાખ, યુક્રેન ક્રાઇસિસ, હાજર બજારમાં ટાઇટનેસને કારણે ક્રૂડ મજબૂત છે. અમેરિકાએ પોતાની રિઝર્વમાંથી ક્રૂડ વેચ્યું છે. ચાઇના પણ અમેરિકાની વિનંતીને માન આપી ક્રૂડ વેચશે.
રૂપિયો હાલમાં તો ડલ બજાર જ દેખાય છે. વૉર કે મૉનિટરી ઇવેન્ટ જેવી કોઈ મોટી ઘટના ન બને ત્યાં સુધી રૂપિયામાં કોઈ મોટો ફેરફાર થઈ જાય એમ લાગતું નથી. રૂપિયો લિક્વિડિટી આધારિત પાર્ટી છે. રાજકોષીય ખાધ, ફુગાવો, બેરોજગારી જેવા જમીની પડકારોને રૂપિયો કે શૅરબજાર હાલ ગણકારતા નથી. ટૂંકા ગાળામાં રૂપિયાની રેન્જ ૭૩.૮૫-૭૫.૫૫, પાઉન્ડ ૧.૩૩૦૦-૧.૩૭૦૦, યેન ૧૧૩-૧૧૬, યુરોની રેન્જ ૧.૧૨૦૦-૧.૧૫૦૦, બીટકૉઇન ૪૧૦૦૦-૪૬૦૦૦, ઇથર ૩૫૦૦-૪૧૦૦ ગણાય. 

business news