બેતરફી વધઘટ દાખવી બજાર છેવટે નરમ, મેટલ અને સરકારી બૅન્કો જોરમાં

15 January, 2026 08:17 AM IST  |  Mumbai | Anil Patel

સોના-ચાંદીમાં નવા શિખરના પગલે ભળ‍તી તેજીમાં MMTC ૧૦ ટકા ઊછળ્યો, જ્વેલરી શૅરમાં મોટા ભાગે નબળાઈ : BMCની ચૂંટણીના કારણે શૅરબજાર આજે બંધ રાખવાનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

લેબર કોડના પગલે ૧૨૮૯ કરોડના વન-ટાઇમ પ્રોવિઝનમાં ઇન્ફીનો નફો ૨.૨ ટકા ઘટ્યો : ગાઇડન્સિસમાં સુધારાના પગલે ઇન્ફીના ADRમાં સવાબે ટકાની પ્રારંભિક મજબૂતી : ઍક્સિસ બૅન્ક અને સ્ટેટ બૅન્ક નવા બેસ્ટ લેવલે, IT નવી તળિયે જઈને ફ્લૅટ : તાતા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિન્ક, નાલ્કો, વેદાન્તા, સેઇલમાં નવા ઊંચા ભાવ : સોના-ચાંદીમાં નવા શિખરના પગલે ભળ‍તી તેજીમાં MMTC ૧૦ ટકા ઊછળ્યો, જ્વેલરી શૅરમાં મોટા ભાગે નબળાઈ : BMCની ચૂંટણીના કારણે શૅરબજાર આજે બંધ રાખવાનો નિર્ણય

ટ્રમ્પના ટૅરિફની કાયદેસરતાને લઈ અમેરિકા ખાતે સુપ્રીમ કોર્ટની કારવાઈ શરૂ થઈ ગઈ છે. એનો ચુકાદો ટ્રમ્પની વિરુદ્ધમાં આવે તો પણ બહુ ખુશ થવા જેવું નથી, કેમ કે ટ્રમ્પ પાસે બીજા વિકલ્પ મોજૂદ છે. વિશ્વબજારમાં ચાંદી નવા શિખર સાથે ૯૦ ડૉલરની પાર થઈ છે, સોનામાં પણ વાયદો ૪૬૫૦ ડૉલર ભણી નવા ટૉપ સાથે ગતિમાન છે. હાજર સોનું પણ ૪૬૩૫ ડૉલરના બેસ્ટ લેવલે પહોંચી ગયું છે. ક્રૂડ સુધારાની ચાલમાં ૬૬ ડૉલર વટાવી ગયું છે. બિટકૉઇન ૯૫૦૦૦ ડૉલર નજીક આવ્યો છે. ચાઇનાના નજીવા ઘટાડાને બાદ કરતાં ગઈ કાલે તમામ એશિયન બજાર પ્લસ હતા. જૅપનીઝ નિક્કેઈ ૫૪,૪૮૭ની લાઇફટાઇમ ટૉપ બતાવી ૧.૪ ટકા વધીને ૫૪,૨૭૮ બંધ થયું છે. સાઉથ કોરિયા, તાઇવાન, ઇન્ડોનેશિયા પોણા ટકા આસપાસની આગેકૂચમાં નવી ટોચે પહોંચ્યા છે. સિંગાપોર નવું શિખર દર્શાવી નહીંવત સુધર્યું છે. હૉન્ગકૉન્ગ અડધો ટકો તો થાઇલૅન્ડ પોણો ટકો અપ હતું. યુરોપ ખાતે રનિંગમાં બહુધા ધીમો સુધારો દેખાયો છે. લંડન ફુત્સી ૧૦૧૭૫ના બેસ્ટ લેવલે ગયો છે. પાકિસ્તાની શૅરબજાર ૮ જાન્યુઆરીએ સર્વોચ્ચ સપાટીએ ગયા પછી વધઘટે નરમાઈમાં છે. ગઈ કાલે રનિંગમાં ૧૩૪૮ ઘટી ૧,૮૨,૬૦૩ ચાલતું હતું.

ઘરઆંગણે સત્તાવાળાઓએ ફેરવી તોળતાં મુંબઈ ખાતે BMCના ઇલેક્શનને લઈને ૧૫મીએ બજારમાં રજા જાહેર કરી છે. એટલે કે આજે બજાર બંધ રહેશે.

સેન્સેક્સ આગલા બંધથી ૨૭૦ પૉઇન્ટ નરમ, ૮૩,૩૫૮ ખૂલી છેવટે ૨૪૫ પૉઇન્ટ ઘટીને ૮૩,૩૮૩ નજીક તો નિફ્ટી ૬૭ પૉઇન્ટના ઘટાડે ૨૫,૬૬૫ ગઈ કાલે બંધ થયો છે. નેગેટિવ ઓપનિંગ બાદ માર્કેટ ઉપરમાં ૮૩,૮૧૦ બતાવી નીચામાં ૮૩,૧૮૫ થઈ ગયું હતું. માર્કેટ બ્રેડ્થમાં રસાકસી ચાલુ રહેતાં NSEમાં વધેલા ૧૫૭૨ શૅર સામે ૧૫૬૭ જાતો ઘટી છે. માર્કેટ કૅપ જોકે ૩૯,૦૦૦ કરોડ રૂપિયા વધી ૪૬૮.૧૯ લાખ કરોડ નજીક ગયું છે.

બજારનાં બહુમતી સેક્ટોરલ માઇનસ થયાં છે, પણ મેટલ ઇન્ડેક્સ તથા PSU બૅન્ક નિફ્ટી નવી વિક્રમી સપાટી બનાવી અનુક્રમે ૨.૭ ટકા તથા ૨.૧ ટકા પ્લસ હતો. IT ઇન્ડેક્સ એક ટકો અને રિયલ્ટી પણ એક ટકો ઘટ્યો છે. તાતા સ્ટીલ નવી ઑલટાઇમ હાઈ સાથે ૩.૭ ટકા ઊછળીને બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. એશિયન પેઇન્ટ અઢી ટકા જેવી નબળાઈમાં ટૉપ લૂઝર રહી છે. HDFC બૅન્ક સવા ટકા ઘટી બજારને ૧૪૫ પૉઇન્ટ તો ICICI બૅન્ક ૧.૩ ટકા ઘટી ૧૧૧ પૉઇન્ટ નડી છે. ઍક્સિસ બૅન્ક ૧૩૦૮ના શિખરે જઈને ૨.૯ ટકાની મજબૂતીમાં ૧૨૯૮ બંધ થતાં એનું માર્કેટ કૅપ ૪.૦૩ લાખ કરોડ વટાવી ગયું છે. બજારને ૮૮ પૉઇન્ટ ફાયદો થયો છે. સ્ટેટ બૅન્ક ૧૦૩૦ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૧૦૨૮ના લેવલે ફ્લૅટ હતી. રિલાયન્સનાં રિઝલ્ટ ૧૬મીએ છે. ભાવ અડધો ટકો સુધરીને ૧૪૫૮ બંધ હતો. જિયો ફાઇનૅન્સ પરિણામ પહેલાં પોણો ટકો વધીને ૨૮૭ હતી. ITC ૩૩૩ની નવી મલ્ટિયર બૉટમ દેખાડી ૩૩૫ નજીક લગભગ યથાવત્ રહી છે.

ઇન્ફોસિસ પરિણામ પહેલાં એકાદ રૂપિયો સુધરીને ૧૫૯૯ બંધ હતો. કંપનીએ ૮.૯ ટકા વધારામાં ૪૫,૪૭૯ કરોડની આવક ઉપર સવા બ ટકા ઘટાડામાં ૬૬૫૪ કરોડ નેટ નફો કર્યો છે. બજારની ધારણા એકંદર ૪૫,૨૦૪ કરોડ આવક અને ૭૩૯૭ કરોડના નેટ પ્રૉફિટની હતી. નવા લેબર કોડના પગલે કંપનીએ ૧૨૮૯ કરોડના વન-ટાઇમ પ્રોવિઝન કરી છે એના લીધે નફો ઘટ્યો છે. પરિણામ સાધારણ હોવા છતાં કંપનીએ રેવન્યુ ગાઇડન્સિસ ૨-૩ ટકાથી સુધારી ૩થી સાડાત્રણ ટકા કર્યું છે. એના લીધે અમેરિકન બજારમાં ઇન્ફીનો ADR પ્રીમાર્કેટમાં સવાબે ટકા વધીને ૧૭.૯૨ ડૉલર ચાલતો હતો. ગઈ કાલે TCS સવાબે ટકા, મારુતિ સુઝુકી પોણાબે ટકા, સનફાર્મા ૧.૭ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર અને ટેક મહિન્દ્ર દોઢ ટકો નરમ હતી.

યજુર ફાઇબર્સ અને વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સનાં કંગાળ લિસ્ટિંગ

કોલ ઇન્ડિયાની સબસિડિયરી ભારત કોકિંગ કોલનો ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવનો ૧૦૭૧ કરોડનો ઇશ્યુ લગભગ ૧૪૪ ગણો ભરાયો છે. ઇશ્યુ માટે કુલ ૯૦.૩૧ લાખ અરજી આવી છે. એમાંથી રીટેલ ઍપ્લિકેશન ૭૨.૫૮ લાખ કરતાંય વધુ છે આ એક વિક્રમ છે. ભરણાને ગણો રિસ્પૉન્સ મળતાં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ વધીને ૧૪ થઈ ગયું છે. લિસ્ટિંગ શુક્રવારે થવાનું છે.

SME કંપની અવના ઇલેક્ટ્રૉસિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવનો ૩૫૨૨ લાખનો NSE SME IPO ગઈ કાલે કુલ ૧૩૨ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૧૬ ચાલે છે. જામનગરની નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૫૧૫ની વિક્રમી ઇશ્યુ પ્રાઇસવાળો ૪૪૮૭ લાખનો BSE SME ઇશ્યુ શુક્રવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૧.૧ ગણું ભરાયું છે, પણ રીટેલ પોર્શન તો માત્ર ૨૨ ટકા ભરાયો છે, પ્રીમિયમ નથી.

મેઇન બોર્ડમાં એમેજી મીડિયા લૅબ્સનો પાંચના શૅરદીઠ ૩૬૧ના ભાવનો ૧૭૮૯ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૩ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૨૭ છે. SME કંપની GRE રિન્યુએનર ટેક્નો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૩૯૫૬ લાખનો ઇશ્યુ ૨.૭ ગણો તથા ઇન્ડો SMC લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૪૯ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૯૨ કરોડનો ઇશ્યુ બે ગણો બીજા દિવસના અંતે ભરાયો છે. ઇન્ડોSMCમાં હાલ ૩૨ અને GREમાં ૭ પ્રીમિયમ ચાલે છે.

નવી દિલ્હીના આર્મર સિક્યૉરિટીનો ૧૦ના શૅરદીઠ ૫૭ના ભાવનો ૨૭ કરોડનો NSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૮ ટકા સહિત કુલ પાંચ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૪નું છે. યજુર ફાઇબર્સ શૅરદીઠ ૧૭૪ની ઇશ્યુપ્રાઇસ સામે ૧૩૯ બંધ થઈ છે. વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પાંચના શૅરદીઠ ૪૧ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૪ ખૂલી ૩૨.૭૫ બંધ રહી છે. યજુરમાં ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ તથા વિક્ટરીમાં ૨૦ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે.

યુનિયન બૅન્કનો નફો ૪૧૩ કરોડ વધતાં માર્કેટકૅપ ૧૦,૧૯૧ કરોડ વધ્યું

સરકારની ૭૪.૮ ટકા માલિકીની યુનિયન બૅન્ક તરફથી NPAમાં ઘટાડા સાથે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૯ ટકા વધારામાં ૫૦૧૭ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. નફામાં લગભગ ૪૧૩ કરોડના વધારાના પગલે શૅર પાંચ ગણા કામકાજે ૧૮૧ નજીક નવેમ્બર ૨૦૧૭ પછીની ટોચે જઈ ૮ ટકાની તેજીમાં ૧૭૯ બંધ થતાં માર્કેટકૅપ ૧૦,૧૯૧ કરોડ રૂપિયા વધી ગયું છે. HDFC ઍસેટ મૅનેજમેન્ટ કંપનીએ દસેક ટકા વધારામાં ૧૨૩૪ કરોડની આવક ઉપર ૭ ટકા વૃદ્ધિ દરથી ૭૬૯ કરોડ નેટ નફો કર્યો છે. સરકારની ૯૨.૪ ટકા માલિકીની ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનો નફો ૫૬ ટકા વધી ૧૩૬૫ કરોડ થયો છે. નેટ NPA ઘટી છે. શૅર ભારે વૉલ્યુમે ઉપરમાં ૩૬.૭૫ થઈ ૧.૮ ટકા વધી ૩૬ હતો.

ગ્રોફેમ બિલિયન બ્રેઇન્સ ગૅરેજ વેન્ચર્સે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૬ ટકા વધારામાં ૧૨૫૨ કરોડ આવક ઉપર ૨૮ ટકા ઘટાડામાં ૫૪૭ કરોડ નેટનફો કર્યો છે. શૅર નીચામાં ૧૫૮ની અંદર જઈ બારેક ગણા કામકાજે ૧૬૯ વટાવી એક ટકો સુધરી ૧૬૪ થયો છે. બજાજ ઑટો દ્વારા ખર્ચમાં કરકસરના ભાગરૂપે ૫૦૦ જેટલા કર્મચારીને બે-ખોફ ઉપર ઉતારી દેવાનો નિર્ણય લેવાયો છે. શૅર નીચામાં ૯૪૯૫ થયા પછી બાઉન્સ-બૅકમાં ૯૬૦૮ વટાવી નામપૂરતા ઘટાડામાં ૯૫૫૨ બંધ થયો છે. વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવ નવી સર્વોચ્ચ સપાટીએ જતાં એમાં કામકાજ કરતી સરકારી કંપની MMTC ભળતી તેજીમાં ૨૭ ગણા કામકાજે ઉપરમાં ૭૩ નજીક જઈ ૧૦ ટકાના જમ્પમાં ૭૦ બંધ આવી છે. જ્વેલરી શૅરમાં થંગમયિલ જ્વેલરી ત્રણેક ટકા વધીને ૩૮૫૫ બંધ હતી, પરંતુ કલ્યાણ જ્વેલર્સ પોણાત્રણ ટકા, શાંતિ ગોલ્ડ ઇન્ટરનૅશનલ ૨.૮ ટકા, KDDL લિમિટેડ ૩.૭ ટકા, ગોલ્ડિયમ ઇન્ટર. પોણાચાર ટકા, સિનિક એક્સપોર્ટ્સ સવાચાર ટકા, સેન્કો ગોલ્ડ સવા ટકો, રેનેસાં ગ્લોબલ સવાબે ટકા, પી. સી. જ્વેલર્સ ૧.૪ ટકા નરમ હતી. TBZ લિમિટેડ ૧૬૫ નજીક ફ્લૅટ રહી છે

મેટલ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ, રિયલ્ટી સતત સાતમા દિવસે ડાઉન

IT સેક્ટરની નબળાઈ તથા છટણીની સાઇડ ઇફેક્ટ્સમાં રિયલ્ટી સેક્ટરમાં માનસ બગડ્યું છે. રિયલ્ટી બેન્ચમાર્ક ગઈ કાલે ૧૦માંથી ૯ શૅરના ઘટાડામાં વધુ એક ટકો માઇનસ થયો છે. આ સતત સાતમા દિવસની નરમાઈ છે. લોઢા ડેવલપર્સ નીચામાં ૧૦૪૮ થઈ દોઢ ટકા ઘટીને ૧૦૫૭ રહી છે. અહીં ૧૭ માર્ચના રોજ ૧૦૩૬ની વર્ષની બૉટમ બની હતી. પ્રેસ્ટિજ એસ્ટેટ સવા ટકો, ફિનિક્સ મિલ્સ ૧.૪ ટકા, બ્રિગેટ એન્ટર. ૧.૬ ટકા, અનંતરાજ ૨.૩ ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ અડધો ટકો ડાઉન હતા. શોભા લિમિટેડના પરિણામ નજીકમાં, ૧૬મીએ છે. શૅર ઉપરમાં ૧૫૬૧ બતાવી પોણો ટકો વધીને ૧૫૪૬ હતો. ડીએલએફ લિમિટેડ ઉપરમાં ૬૫૪ વટાવી અડધો ટકો ઘટીને ૬૪૯ બંધ હતી.

મેટલ ઇન્ડેક્સ ૩૮,૬૫૭ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૭ ટકા કે ૧૦૦૧ પૉઇન્ટની આગેકૂચમાં ૩૮,૪૫૯ થયો છે. નિફ્ટી મેટલ બેન્ચમાર્ક પણ ૧૧,૭૧૭ની ઑલટાઇમ હાઈ હાંસલ કરીને ૧૫માંથી ૧૨ શૅરના સથવારે ૨.૭ ટકા વધીને ૧૧,૬૬૧ થયો છે. વિશ્વબજારમાં ચાંદી નવા શિખર સામે ૯૦ ડૉલરની પાર થઈ જતાં હિન્દુસ્તાન ઝિન્ક ૬૭૦ની ૧૮ મહિનાની નવી ટૉપ બતાવી ચારેક ટકા વધીને ૬૫૪ રહી છે. વેદાન્તા ૬૭૯ની વિક્રમી સપાટી દર્શાવી ચાર ગણા કામકાજે છ ટકા ઊછળીને ૬૭૫ થઈ છે હિન્દાલ્કો પણ ૯૫૯ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી બમણા કામકાજે બે ટકા વધી ૯૫૫ હતી. નાલ્કો ૩૭૪ના બેસ્ટ લેવલે જઈ ૪.૫ ટકા ઊંચકાઈ ૩૭૩ રહી છે. હિન્દુસ્તાન કૉપર ઉપરમાં ૫૭૫ થઈ ૬.૧ ટકાની તેજીમાં ૬૭૨ બંધ આવી છે. તાતા સ્ટીલ અઢી ગણા વૉલ્યુમે ૧૯૦ ઉપર ઑલટાઇમ હાઈ દેખાડી ૩.૭ ટકાની મજબૂતીમાં ૧૮૯ થઈ છે. સરકારની ૬૫ ટકા માલિકીની સેઇલ ૧૫૨ ઉપર ૧૭ મહિનાનું શિખર મેળવી ૩ ટકા વધીને ૧૫૨ હતી. જિંદાલ સ્ટીલ ૨.૮ ટકા, NMDC ૨.૧ ટકા, જિંદલ સ્ટેનલેસ એક ટકો, APL અપોલો ટ્યુબ્સ ૧.૯ ટકા પ્લસ હતી. ગોવા કાર્બન, આશાપુરા માઇનકેમ, MOIL, એએસઆઇ ઇન્ડસ્ટ્રીઝ, સઘર્ન મૅગ્નેશિયમ જેવા મિનરલ્સ શૅર બેથી પાંચ ટકા ઊંચકાયા છે.

 

નબળા પરિણામનો આંચકો પચાવી ફાઇવ પૈસા કૅપિટલ તેજીમાં

તાતા ગ્રુપની ૪૩.૯ ટકા માલિકીની તાતા એલેક્સી દ્વારા દોઢ ટકા વધારામાં ૯૫૩ કરોડની આવક ઉપર ૪૫ ટકાના ગાબડામાં ૧૦૯ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. ન્યુ લેબર કોડને લઈને કંપનીએ ૯૬ કરોડની વન-ટાઇમ પ્રોવિઝન કરી છે. એ નફામાં ગાબડાનું કારણ છે. શૅર ગઈ કાલે નીચામાં ૫૪૭૦ થઈ ૫.૧ ટકા તૂટી ૫૫૦૨ બંધ હતો. સહ પ્રમોટર તરીકે રિલાયન્સ રીટેલની ૬૩.૮ ટકા માલિકીની જસ્ટ ડાયલે આવકમાં સાડાછ ટકા વધારા વચ્ચે સવાદસ ટકા ઘટાડામાં ૧૧૮ કરોડ નફો કર્યો છે. શૅર નીચામાં ૭૧૭ બતાવી બે ટકા ઘટીને ૭૨૦ હતો. ફાઇવ પૈસા કૅપિટલની આ‍વક સાત ટકા ઘટતાં નફો ૨૪ ટકા ઘટીને ૧૨૩૦ લાખ થયો છે. શૅર ૩૩૬ થયા બાદ ૩૭૪ થઈ ૭.૬ ટકા ઊછળી ૩૮૪ રહ્યો છે. ICICI લૉમ્બાર્ડની આવક સાડાબાર ટકા વધીને ૬૬૧૦ કરોડ થઈ છે, પણ નફો નવ ટકાના ઘટાડામાં ૬૫૯ કરોડની અંદર આવી ગયો છે. શૅર ગઈ કાલે ઉપર ૧૯૦૬ થઈ દોઢ ટકા ગગડી ૧૮૫૯ બંધ થયો છે.

બેસ્ટ ઍગ્રોલાઇફ શુક્રવારે બે શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-બોનસ અને એક્સ-સ્પિલ્ટ થવાની છે. શૅર ૪.૨ ટકા ઘટીને ૪૩૨ બંધ રહ્યો છે. અજમેરા રિયલ્ટીના ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પિલ્ટ થતાં ગઈ કાલે ૨૦૦ નજીક જઈ બે ટકા વધીને ૧૮૬ હતો. કોટક મહિન્દ્ર બૅન્ક પાંચના શૅરના એક રૂપિયામાં એક્સ-સ્પિલ્ટ થતાં નીચામાં ૪૧૯ બતાવી ૧.૪ ટકા ઘટીને ૪૨૦ થઈ છે. એક્સ બોનસ થતાં નવી ટોચે જઈ આગલા દિવસે સાડાસાત ટકા વધેલી ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ ગઈ કાલે નીચામાં ૬૪૪ થઈ નહીંવત્ સુધારે ૬૬૮ રહી છે. સતત આઠ દિવસથી મંદીની સર્કિટમાં બંધ રહેતી અમદાવાદી એ-વન લિમિટેડ ગઈ કાલે પાંચ ટકા વધુ તૂટીને ૩૩.૬૫ થઈ ત્યાં જ બંધ આવી છે. પરિણામના કરન્ટમાં મંગળવારે ૮૭૨ રૂપિયાની તેજી બનાવનારી મહારાષ્ટ્ર સ્કૂટર્સ ગઈ કાલે ઉપરમાં ૧૪,૪૫૦ થઈ ૧.૭ ટકા કે ૨૩૨ રૂપિયા વધી ૧૪૦૫૦ હતી.

business news sensex nifty stock market national stock exchange bombay stock exchange share market