19 March, 2025 08:56 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મંગળવારે સેન્સેક્સ 1131 પૉઇન્ટ્સ વધીને 75,301ના લેવલે અને નિફ્ટી 22,800ના સ્તરે પુનઃ પહોંચતાં બે મહિનામાં સૌથી મોટી દૈનિક તેજી થઈ હતી. નિફ્ટી 325 પૉઇન્ટ્સ વધીને 22,834 પર બંધ રહ્યો હતો. આ ઉછાળો લગભગ બે મહિનામાં સૌથી મોટો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો છે. આ સર્વાંગી તેજીમાં બધા ક્ષેત્રીય ઇન્ડેક્સો લીલા રંગમાં બંધ થયા હતા. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સ 2.63 ટકા વધી 60,971.40 અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 2.29 ટકાના ગેઇને 11,142 બંધ હતા. નાણાકીય ક્ષેત્રના પ્રતિનિધિ બૅન્ક નિફ્ટી 1.99 ટકા સુધરી 49,314 અને ફાઇનેન્શ્યલ સર્વિસિસ 1.87 ટકા વધી 23,969ના સ્તરે વિરમ્યા હતા. એનએસઈના 124 ઇન્ડેક્સોમાંથી 121 વધીને બંધ રહ્યા એમાં નિફ્ટી કૅપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ 3.68 ટકાના ગેઇને 3069, મીડિયા ઇન્ડેક્સ 3.62 ટકા સુધરી 1480, રિયલ્ટી 3.16 ટકાના ફાયદા સાથે 822ના સ્તરે બંધ રહ્યા હતા. સાત ઇન્ડેક્સો ત્રણથી પોણાચાર ટકા પ્લસ થઈ બંધ રહ્યા હતા તો 39 ઇન્ડેક્સો બંધ સમયે 2થી 3 ટકાની રેન્જમાં સુધારો દર્શાવતા હતા. 58 ઇન્ડેક્સોએ 1થી 2 ટકાનો ગેઇન કર્યો હતો. માર્કેટ બ્રેડ્થ પણ ઍડ્વાન્સિસની તરફેણમાં હતી. ફાઇનૅન્શ્યલ અને ઑટો શૅરોએ આ સુધારાની આગેવાની લીધી હતી. નિફ્ટીના 47 શૅરો વધીને બંધ થયા હતા. ICICI બૅન્ક અને HDFC બૅન્કે નિફ્ટી અને નિફ્ટી બૅન્કના સુધારામાં સૌથી મોટો ફાળો આપ્યો હતો. મૂડીબજારનું પ્રતિનિધિત્વ કરતા કૅપિટલ ઇન્ડેક્સના 15માંથી 14 શૅરો પ્લસમાં હતા. એમાં પણ થ્રી સિક્સ્ટીવન વામ લિમિટેડ 6.61 ટકા વધી 911 રૂપિયા, CDSL 6.22 ટકા ઊછળી 1124 રૂપિયા, એન્જલ વન 5.77 ટકાના ગેઇને 2094 રૂપિયા અને કમ્પ્યુટર એજ મૅનેજમેન્ટ સર્વિસિસ (કેમ્સ) 5.69 ટકા ઊછળી 3620 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. 24 વર્ષ પછી એલિયાન્ઝ બજાજ જૂથ સાથેના સંયુક્ત સાહસમાંથી બહાર નીકળ્યાની જાહેરાત પછી બજાજ ફિનસર્વમાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. શૅર સવા ટકો ઘટી 1846 રૂપિયા બંધ હતો. ભારતી ઍરટેલ પણ મજબૂત સત્રમાં અડધો ટકો ઘટીને 1632 રૂપિયા રહ્યો હતો. પૂર્વેની બ્રિટિશ ટેલિકૉમ અને હવે બીટી ગ્રુપના નામે ઓળખાતી લંડનસ્થિત કંપનીમાં ભારતી જૂથ સ્ટેક વધારશે એવા અણસાર મળતા હતા. આ મલ્ટિનૅશનલ હોલ્ડિંગ કંપની 180 દેશોમાં કાર્યરત છે.
એક અગ્રણી ટીવી ચૅનલ પર પીબી હેલ્થકૅરના રોકાણ પાછળનો તર્ક મૅનેજમેન્ટે સ્પષ્ટ કર્યા પછી પીબી ફિનટેક (પૉલિસી બાઝાર) 7 ટકાના ગેઇને 1450 રૂપિયા થઈ ગયો હતો. ઝોમાટો પણ 7.47 ટકા ઊછળી 218 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને વરુણ બેવરેજિસ સકારાત્મક બ્રોકરેજ નોટ્સને પગલે 3 ટકા અને 5 ટકા વધી અનુક્રમે 1084 રૂપિયા અને 533 રૂપિયાના સ્તરે બંધ હતા. રિયલ્ટીનો રેમન્ડ 13 ટકાના ઉછાળે 1403 રૂપિયા, લોઢા સાડાચાર ટકા વધી 1112 રૂપિયા, મહિન્દ્ર લાઇફસ્પેસ સવાચાર ટકા સુધરી 314 રૂપિયાના સ્તરે બંધ હતા. સોમવારે બિટાઈ ગયેલો મોબિક્વિક મંગળવારે 20 ટકાની ઉપલી સર્કિટે 298 રૂપિયા બંધ હતો. એ જ રીતે ઓલા ઇલેક્ટ્રિક સોમવારના ભારે નુકસાન પછી મંગળવારના 13 ટકાના ઉછાળામાં 52.97 રૂપિયા થઈ ગયો હતો.
સોમવારનો સુધારો આગળ વધતાં નિફ્ટી 22,508ના પ્રીવિયસ બંધ સામે 22,662 ખૂલી ઘટીને 22,599નો લો રાખી વધીને 22,857 થઈ છેલ્લે દોઢ ટકો વધી 22,834 બંધ હતો. નિફ્ટીના 50માંથી 47 શૅરો વધ્યા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક સવાત્રણ ટકા વધી 1311 રૂપિયા બંધ હતો. લાર્સન પણ ત્રણ ટકાના ઉછાળે 3271 રૂપિયા બંધ હતો. નિફ્ટી પુરોગામી સપ્તાહનો હાઈ 22,677 ક્રોસ કરે તો તેજીને વેગ મળશે એવી સમીક્ષકોની માન્યતા સાચી પડી છે. નિફ્ટીના અન્ય ગેઇનર્સમાં શ્રીરામ ફાઇનૅન્સ 3 ટકા સુધરી 641 રૂપિયા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 2.95 ટકાના ગેઇને 2785 રૂપિયા અને તાતા મોટર્સ પોણાત્રણ ટકા સુધરી 678 રૂપિયાનો સમાવેશ થતો હતો. ટેક મહિન્દ્ર અડધા ટકાના લોસે 1432 રૂપિયા બોલાતો હતો.
સમાચારોમાં આ શૅરો પણ....
ઝાયડ્સ લાઇફસાયન્સને પ્રોસ્ટેટ કૅન્સરની દવા માટે એફડીઆઇની આખરી મંજૂરી મળી છે. શૅર સવા ટકો વધીને 904 રૂપિયા બંધ હતો.
જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાનો 4263 કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો હોવાના સમાચારે ભાવ પોણાચાર ટકા વધી 942 રૂપિયા રહ્યો હતો. એનટીપીસી વાર્ષિક 7.26 ટકા વ્યાજવાળા નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર બહાર પાડી ચાર હજાર કરોડ રૂપિયા ઊભા કરશે. શૅરનો ભાવ પોણાબે ટકા વધી 337.50 રૂપિયા બંધ હતો.
જેન્સોલ એન્જિનિયરિંગનો શૅર સતત 15મી સેશનમાં ઘટીને પાંચ ટકાની નીચલી સર્કિટે 236 રૂપિયા બંધ હતો. પ્રમોટરોએ વૉરન્ટના 871 રૂપિયાના ભાવે શૅરમાં કન્વર્ઝન મારફતે 29 કરોડ રૂપિયા કંપનીમાં રોક્યા હોવા છતાં દેવાના સર્વિસિંગમાં વિલંબના કારણે કૅર રેટિંગે ડાઉન કર્યા પછી જેન્સોલનો શૅર કુટાતો ગયો છે.
સૂર્યોદય સ્મૉલ ફાઇનૅન્સના પ્રમોટરોએ 50 લાખ રૂપિયાના શૅર ઓપન માર્કેટમાંથી ખરીદ્યાના સમાચારે ભાવ સવાત્રણ ટકા વધી 102 રૂપિયા બંધ હતો.
હિન્દુસ્તાન ઝિન્કને બીએસઈ અને એનએસઈએ 5.42 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં કાયદા મુજબના સ્વતંત્ર ડિરેક્ટર્સ ન રાખવા બદલ આ દંડ કરાયો છે. વેદાન્ત જૂથની આ કંપનીનો ભાવ 0.38 ટકા વધી 437 રૂપિયા બંધ હતો.
આરબીઆઇને 100 વર્ષનાં બૉન્ડ બહાર પાડવાની એલઆઇસીની વિનંતી
LICએ RBIને 100 વર્ષનાં સરકારી બૉન્ડ રજૂ કરવા વિનંતી કરી છે. LICના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓ પૂર્ણ હયાતી કવર કરતી પૉલિસીઓ વેચે છે અને એનાં ભંડોળોનું લાંબા ગાળાનાં બૉન્ડમાં રોકાણની જરૂર હોય છે. હાલ રિઝર્વ બૅન્ક 20-30 વર્ષનાં બૉન્ડની પરવાનગી આપે છે. જોકે તેમણે ૫૦ વર્ષનાં, ૧૦૦ વર્ષનાં બૉન્ડ માટે વિનંતી કરી છે. ઘણા દેશો વૈશ્વિક બજારમાં ૧૦૦ વર્ષનાંબૉન્ડ જારી કરે છે અને ભારતે પણ આવા બૉન્ડ રજૂ કરવા આગળ વધવું જોઈએ એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. એલઆઇસી સરકારી જામીનગીરીઓનાં રોકાણોમાં ખૂબ સક્રિય છે એવો નિર્દેશ કરી તેમણે ઉમેર્યું હતું કે એલઆઇસી જારી કરાયેલા પાંચમા ભાગથી વધુ બૉન્ડ સબ્સ્ક્રાઇબ કરે છે. એલઆઇસીનો શૅર દોઢ ટકો વધી 757 રૂપિયા, એસબીઆઇ લાઇફ 1.64 ટકાના ગેઇને 1457 રૂપિયા, એચડીએફસી લાઇફ 1.62 ટકા સુધરી 640 રૂપિયા અને ICICI પ્રુડેન્શિયલ લાઇફ પોણો ટકો વધી 553 રૂપિયાના સ્તરે બંધ હતા.
માર્કેટ કૅપિટલાઇઝેશન 10.78 લાખ કરોડ વધ્યું
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 397.28 (390.25) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 399.85 (389.07) લાખ કરોડ રૂપિયા થતાં એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 10.78 લાખ કરોડ રૂપિયા વધતાં તેમણે થોડો હાશકારો અનુભવ્યો હતો. નિફ્ટીના 50માંથી 47, નિફ્ટી નેક્સ્ટના 50માંથી 49, મિડકૅપ સિલેક્ટના 25માંથી 23, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 18, બૅન્ક નિફ્ટીના બારેબાર, સેન્સેક્સના 30માંથી 26 અને બૅન્કેક્સના દસેદસ શૅરો વધીને બંધ રહ્યા હતા. એનએસઈના 3016 (2982) ટ્રેડેડ શૅરોમાંથી 646 (1781) તથા બીએસઈના 4159 (4239) ટ્રેડેડ શૅરોમાંથી 1276 (2563) માઇનસમાં બંધ થયા એની સામે એનએસઈના 2288 અને બીએસઈના 2766 શૅરો વધીને બંધ રહેતાં માર્કેટ બ્રેડ્થમાં સારો એવો સુધારો થયો હતો. એનએસઈ ખાતે 30 (29) અને બીએસઈમાં 65 (101) શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 220 (433) અને 294 (489) શૅરો બાવન વીક લો પર હતા. એનએસઈના 153 (74) શૅરો ઉપલી સર્કિટે અને 121 (209) શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.