21 September, 2026 12:39 PM IST | Mumbai | Jayesh Chitalia
આઈપીઓ ઇન્ડેક્સ
IPO ઇન્ડેકસ પર પણ નજર કરો ઃ સેકન્ડરી માર્કેટમાં કરેક્શનનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે પ્રાઇમરી માર્કેટ કંઈ જુદો જ કરન્ટ બતાવી રહી છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે IPOને કારણે દેશભરમાંથી લાખ્ખોની સંખ્યામાં નવા રોકાણકારો બજારમાં નોંધાતા જાય છે. આ વખતે IPOના અને એના ઇન્ડેક્સના ટ્રેન્ડ પર નજર કરીએ
શૅરબજારમાં (સેકન્ડરી માર્કેટ) અમેરિકા સહિતનાં ગ્લોબલ પરિબળોની અસરે કરેક્શનનો દોર ચાલુ જ છે, જ્યારે બીજી તરફ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની માર્કેટમાં (પ્રાઇમરી માર્કેટ)માં ઑગસ્ટ મહિનાએ IPOના રોકાણકારોને લિસ્ટિંગમાં ઊંચો નફો કરાવ્યો હોવાનું નોંધાવ્યું છે. જુન-જુલાઈ મહિનામાં IPOના કોઈ મોટા લાભ થયા નહીં, પરંતુ ઑગસ્ટમાં ૧૮ IPO એવા લિસ્ટ થયાં જેમાં ૧૦૦ ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈ અર્થાત જેમણે પણ નફો બુક કર્યો હશે તેમને ૧૦૦ ટકાનો લાભ મળ્યો હશે. આ ૧૮ IPOએ આશરે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ભંડોળ ઊભું કરવાનું હતું. જોકે લિસ્ટિંગ સાથે અેની માર્કેટવૅલ્યુ ૮ ગણાથી વધુ ઊંચકાઈને ૨.૪૮ ટ્રિલ્યન (૨.૪૮ લાખ કરોડ) રૂપિયા થઈ ગઈ હતી. આ કંપનીઓમાં મનિપાલ હેલ્થ એકલી કંપની જ સૌથી મોટો લાભ કરાવવામાં નિમિત્ત બની હતી. આ સાથે ટેમ્પસેન અને બિહારી લાલ કંપનીનો પણ ઊંચી વૃદ્ધિમાં સમાવેશ હતો. મજાની વાત એ હતી કે IPO માટે નવા રોકાણકારો બજારમાં વધુ આવતા રહે છે જેથી આ સમયગાળામાં ડિમૅટ અેકાઉન્ટ્સની સંખ્યા સાથે નવા રોકાણકારોની નોંધણી પણ વધતી ગઈ. આમ તો ઑગસ્ટમાં કુલ પચીસ IPO મૂડીબજારમાં પ્રવેશ્યાં હતાં જે છેલ્લા ૧૦ મહિનામાં સૌથી વધુ હતાં.
આમાંનો મોટા ભાગનો વર્ગ એવો હોય છે જેમને લિસ્ટિંગ ગેઇનમાં વધુ રસ હોય છે, તેઓ લિસ્ટિંગ વખતે જ પ્રૉફિટ બુક કરી નાખવાની નીતિ ધરાવતા હોય છે, એ પછી અન્ય IPOની રાહ જોતા હોય છે. આમ IPOની માર્કેટમાં જ્યારે પણ કરન્ટ હોય છે ત્યારે નવા રોકાણકારો બજાર તરફ વધુ આકર્ષાય છે. આ વખતે ઑગસ્ટમાં એક નવી બાબત જોવા મળી, ગુજરાતના નવા રોકાણકારોની નોંધણી વધી ગઈ જે સામાન્ય રીતે ઉત્તર પ્રદેશની વધુ હોય છે. ઑગસ્ટમાં ગુજરાતથી ૨,૩૦,૦૦૦ નવા ઇન્વેસ્ટર્સ નોંધાયા, જ્યારે ઉત્તર પ્રદેશના બે લાખ નવા રોકાણકારો નોંધાયા હતા.
ગયા વખતે આપણે ભારતીય અર્થતંત્રના ગ્રોથની ચર્ચા કરી, વધેલા વિશ્વાસની વાત કરી, પરંતુ આ સાથે-સાથે બજારમાં અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની અસરરૂપે કડાકા ચાલુ રહ્યા છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ (સેન્સેક્સ અને નિફ્ટી) ડાઉન થતા ગયા છે. આ વખતે આપણે અલગ જ ઇન્ડેક્સની વાત કરીએ, કારણ કે હાલ માહોલ આ ઇન્ડેક્સની આસપાસ બન્યો છે જેમાં સૌથી વધુ ચર્ચામાં છે IPO ઇન્ડેક્સ.
છેલ્લા અમુક દિવસોમાં યુદ્ધ, ક્રૂડ, કરન્સી, આયાત, મોંઘવારી, અમેરિકન બૉન્ડ્સ-કરજ વગેરે જેવા કારણસર બજારમાં ફરી વાર ગ્લોબલ રોકાણકારો નેટ સેલર્સ બન્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી સતત નીચે તરફ જતા સેન્ટિમેન્ટ કથળ્યું હતું. જોકે આ બધા વચ્ચે IPO ઇન્ડેક્સનો નજારો કંઈક જુદો હતો. છેલ્લા અમુક મહિનાઓથી IPOની કતાર લાગી હોવાનું જાહેર છે અને અેમાં પણ હરીફરીને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના IPOની ચર્ચા કંઈક જુદા જ લેવલે પહોંચી હતી. આજે (સોમવારે-૨૧ સપ્ટેમ્બરે) NSEની ઑફર બંધ થઈ જશે અને અે લિસ્ટિંગ માટે સજ્જ થઈ જશે. હવે પછી જિયો પ્લૅટફૉર્મના IPOની પ્રતિક્ષા શરૂ થઈ જશે.
બાય ધ વે, ૨૦૨૬-૨૭ના પાંચ મહિનામાં (એપ્રિલથી ઑગસ્ટ) IPO ઇન્ડેક્સ ૩૫ ટકા ઊછળ્યો છે જે ૩ વર્ષમાં સૌથી ઊંચો ગયો હોવાનું કહી શકાય. એટલું જ નહીં, SME (સ્મૉલ અૅન્ડ મિડિયમ કદની કંપનીઓનો) ઇન્ડેક્સ પણ ૫૫ ટકા ઊંચો ગયો. આનો અર્થ એ થઈ શકે કે સેકન્ડરી માર્કેટમાં કરેક્શન કે ધીમી ગતિ વચ્ચે IPO (પ્રાઇમરી) માર્કેટ જોરમાં રહી છે જેમાં મેઇન બોર્ડના અને SME સેગમેન્ટના ઇશ્યુઝ આવી જાય છે.
વાત અહીં પૂરી થઈ જતી નથી. વિશેષ નોંધવા જેવી વાત એ પણ છે કે સેન્સેક્સની મંદ ગતિ સામે એપ્રિલથી ઑગસ્ટમાં BSE મિડકૅપ-૧૫૦ ઇન્ડેક્સ ૧૯ ટકા અને સ્મૉલકૅપ-૨૫૦ ઇન્ડેક્સ ૨૯ ટકા વૃદ્ધિ પામ્યો. બીજા શબ્દોમાં કહીએ તો IPOની માર્કેટમાં તેજીનો કરન્ટ જોવાયો અને IPO ઇન્ડેક્સના ૭૩ સ્ટૉક્સમાંથી ૧૫ સ્ટૉક્સ તો એવા વધ્યા કે ઇન્ડેક્સનો ૮૦ ટકા ભાગ તેમને કારણે ઊંચો ગયો હતો. આ જ રીતે BSE SME ઇન્ડેક્સના ૧૦૫ સ્ટૉક્સમાંથી ૨૪ સ્ટૉક્સ એવા વધ્યા કે અેનો ઇન્ડેક્સના ઉછાળામાં ૮૯ ટકા ફાળો નોંધાયો. જોકે આનાથી સાવ રાજી થઈ જવા જેવું નથી, કારણ કે આ મર્યાદિત સ્ટૉક્સની તેજી ગણાય અર્થાત્ કૉન્સન્ટ્રેટેડ રૅલી કહેવાય.
અહીં ઇન્ડેક્સની રચનાની એક મહત્ત્વની વાત એ પણ નોંધવી જોઈએ કે કંપની અેના IPOના લિસ્ટિંગના ત્રીજા દિવસ બાદ IPO ઇન્ડેક્સમાં સ્થાન પામે છે અને એક વર્ષ બાદ અે અેમાંથી આઉટ થઈ જાય છે. આ ઉપરાંત MSE કંપનીના લિસ્ટિંગના બીજા દિવસે અેનું સ્થાન SME ઇન્ડેક્સમાં આવી જાય છે અને અે પણ એક વર્ષ બાદ ઇન્ડેક્સમાંથી નીકળી જાય છે. જોકે ઘણી વાર જો અે કંપની મેઇન બોર્ડ પર જવાને પાત્ર થઈ જાય તો એ પહેલાં પણ નીકળી જાય છે. આમ આ બન્ને ઇન્ડેક્સનું મહિને-મહિને રિબૅલૅન્સિંગ થાય છે.
IPO ઇન્ડેક્સમાં એપ્રિલથી ઑગસ્ટમાં આશરે ૪૬૬૧ પૉઇન્ટનો વધારો થયો અેમાં જેનો ફાળો રહ્યો એ કંપનીઓમાં મીશો, લેન્સકાર્ટ, તાતા કૅપિટલ, બિલ્યન્સ બ્રેઇન ગૅરેજ, રૂબીકોન રિસર્ચ, એલજી ઇલેક્ટ્રૉનિકસ, ફિઝિક્સવાલા, અર્બન કંપની, શેડો ફેક્સ ટેક્નૉલૉઝીસ, સુદીપ ફાર્મા, ICICI પ્રૂડેન્સિયલ, એક્સએમવી ફોટોવૉલ્ટેક પાવર, ફ્યુજીયામા પાવર સિસ્ટમ્સ અને ક્લિન મૅકસ એન્વીરો એનર્જીનો સમાવેશ થાય છે, જેમનો હિસ્સો ૩૭૩૮ પૉઇન્ટ જેટલો રહ્યો. આ સાથે BSE SME IPO ઇન્ડેક્સને ધ્યાનમાં લેવાય તો અેની વૃદ્ધિમાં ઝેલિયો મોબિલિટી, ઇન્ડો SMC, અૅરફલોઆ રેલ-ટેક, એક્ઝેટો ટેક, એસ. કે. મિનરલ્સ, એલ.ટી. એલિવેટર, અૅપ્ટસ ફાર્મા અને પર્પલ વેવ ઇન્ફોકૉમનો સમાવેશ થાય છે.
વીતેલા સપ્તાહમાં બજારે સોમવારે ગણપતિબાપ્પાના આગમનની રજા બાદ મંગળવારે ગ્લોબલ પરિબળોને કારણે સેન્સેક્સે ૮૦૦ પૉઇન્ટનો અને નિફ્ટીએ ૩૦૦ પૉઇન્ટનો કડાકો દર્શાવ્યો હતો. જોકે બુધવારે-ગુરુવારે-શુક્રવારે સાધારણ રિકવરી થઈ હતી. સેન્સેકસ અને નિફ્ટી ઊંચે જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રોકાણકારોમાં IPO માટે મૂડ છે, પરંતુ બજારમાં ઘટેલા ભાવોએ ખરીદીનો બહુ ઉત્સાહ નથી, કારણ કે ગ્લોબલ પરિબળોની તલવાર લટકી જ રહી છે જે કરેક્શનને આગળ વધારી શકે છે.
દરમ્યાન અમેરિકન ફેડરલ રિઝર્વે ઊંચા મોંઘવારીદરને કારણે પા (૦.૨૫ ટકા) ટકાનો વ્યાજદર વધાર્યો છે. બીજો વધારો આ વર્ષમાં જ કરવાનો સંકેત પણ આપ્યો છે. ઈરાન યુદ્ધનું પ્રકરણ હજી પૂરું થયું નથી ત્યાં અમેરિકન ટૅરિફનું આક્રમણ પુનઃ શરૂ થયું છે. સમસ્યાની હારમાળા ચાલુ છે. બજારનો ટ્રેન્ડ ટૂંકા ગાળામાં તો અદ્ધર જ રહેશે. બાકી લાંબા ગાળા માટે રોકાણકારો સામે તક છે. બજારનું સીધું રોકાણ જામતું ન હોય તો મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓનો વિચાર ચોક્કસ કરી શકાય. બાય ધ વે, પૉઇન્ટ ટુ બી નોટેડ, રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા હાલના દિવસોમાં સેકન્ડરી માર્કેટમાં ૫૬૦૦ કરોડ રૂપિયાના શેર્સનું નેટ સેલ્સ કરાયું છે, જ્યારે IPO માર્કેટમાં ૧૨,૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. જો આ ટ્રેન્ડને સમજો તો ઇશારા કાફી...