06 April, 2026 08:53 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાન-અમેરિકા યુદ્ધ ક્યાં અને ક્યારે ખતમ થશે? ક્યારે ગ્લોબલ માહોલ નૉર્મલ થશે એ વિશે હાલ કેવળ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ યુદ્ધનાં પરિણામો હાલ તો તમામ લોકો ભોગવી રહ્યા છે, અર્થવ્યવસ્થા સતત કથળી રહી છે, યુદ્ધમાં હવે પછી પેટ્રોલ રેડાશે કે પાણી એની પ્રતીક્ષામાં ચિંતા સાથે થોડી આશા પણ છે. આ સમયમાં બજાર અધ્ધર રહેશે. આવા સમયમાં દરેક સમાચારને રીઍક્શન આપવામાં સાર નહીં ગણાય.
હવે શૅરબજાર શું લાગે છે એ સવાલની ચર્ચા લગભગ બંધ યા નિરર્થક થઈ ગઈ છે. દેશમાં રજાઓ આવે અને બજાર બંધ રહે એ આજકાલ રોકાણકારો જ નહીં, ટ્રેડર્સ વર્ગને પણ ગમે છે, કારણ કે રજા હોય તો વધુ મૂડીધોવણનો ડર નહીં અને એ દિવસે (રજાના) માનસિક રાહત. શૅરબજારમાં તેજી-મંદી આવ્યા કરે, પરંતુ આવો માહોલ બહુ ઓછી વાર બને છે. યુદ્ધપ્રકરણ બંધ થવાનાં એંધાણ દેખાતાં નથી. એકમાત્ર અનિશ્ચિતતા બધા પર સવાર છે. IPOની માર્કેટ મંદ પડી ગઈ છે, કંપનીઓ IPO લાવવાનું ટાળી રહી છે અથવા મોકૂફ રહી છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સના રોકાણનો ઉત્સાહ પણ ઢીલો પડ્યો છે. વેપારીઓથી માંડીને આમપ્રજા એક માણસ પર મીટ માંડીને બેઠી છે, ઘેર-ઘેર ચર્ચામાં ટ્રમ્પસાહેબ છે.
બાય ધ વે, ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપીને ૧૫ દિવસનો સમય આપ્યો છે. જો ઈરાન માનશે નહીં તો ટ્રમ્પ કહે છે કે તમને પથ્થર યુગમાં લઈ જઈશું એવો વિનાશ કરીશું, આ સામે ઈરાને કહ્યું છે અમે તમારા સૈન્યને દફનની પેટીઓમાં મૂકીને પાછા મોકલીશું. ફિલ્મી-ડાયલૉગ જેવો રિયલ લાઇફમાં માહોલ છે, જેનો ભોગ જોનારા અને સહન કરનારા અનેક દેશો છે. બધાની એનર્જી ખતમ થઈ રહી છે, સમસ્યા વધતી જાય છે. આવા સંજોગોમાં શૅરબજારને દિશા ક્યાંથી મળે એ મસમોટો સવાલ છે.
ગયા સપ્તાહમાં શૅરબજારમાં એક નોંધવા જેવી બાબત એ જોવાઈ કે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)એ નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતીય માર્કેટમાંથી ૧.૬ લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા અને એની સામે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ ૮.૫ લાખ કરોડ રૂપિયા ભારતીય બજારમાં મૂક્યા હતા. જો આપણા આ સંસ્થાકીય રોકાણકારોએ આમ ન કર્યું હોત તો બજારની શું દશા થઈ હોત એ વિચારી લેજો. FIIનો આ જંગી ઉપાડ મોટે ભાગે યુદ્ધની ક્રાઇસિસમાં રૂપિયાની કથળેલી સ્થિતિ અને અનિશ્ચિતતાને કારણે રહ્યો છે. છેલ્લાં ૧૪ વર્ષમાં રૂપિયો એના ખરાબમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જોકે નાણાપ્રધાનના મતે ભારતીય રૂપિયો અન્ય દેશોની કરન્સની સામે બહેતર અથવા ઓછો તૂટ્યો છે. બીજી બાજુ ક્રૂડના ભાવ અસાધારણ વધ્યા છે, એ પણ ભારતીય રૂપિયાને ભારે પડી રહ્યા છે. ઉપરથી ભય અને જોખમો માથા પર લટકી રહ્યાં છે.
ગયા સોમવારે બજારમાં ફરી ગાબડું અને બુધવારે રિકવરી જોવા મળી હતી. જોકે આ રિકવરી સારી એવી થયા બાદ પ્રૉફિટ-બુકિંગ શરૂ થઈ જતાં બજાર ફરી નીચે ઊતરવા લાગ્યું હતું. અલબત્ત, સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૫૦ પૉઇન્ટ પ્લસ રહેવા સાથે બજાર પૉઝિટિવ બંધ રહ્યું એ મોટું આશ્વાસન હતું. ગુરુવારે જાહેર થયેલા ટ્રમ્પના નિવેદનમાં કહેવાયું હતું કે અમે ઈરાન પર બે-ત્રણ સપ્તાહમાં તૂટી પડીશું. એની અસરે બજાર ગુરુવારે કરેક્શન સાથે જ શરૂ થયું હતું, કેમ કે ટ્રમ્પની ચેતવણી ભારે આકરી હતી. એનો ઈરાને પણ કડકડતો જવાબ આપ્યો. આ તમામ નેગેટિવ સિગ્નલ કહી શકાય, માહોલ વધુ બગડી શકે. બાકી તો આ ચેતવણીથી ક્રૂડના ભાવ વધી ગયા અને એશિયન બજારોમાં ભાવ તૂટી ગયા હતા. જોકે નવાઈની વાત એ હતી કે બજારે બંધ થતાં પહેલાં એનો મૂડ અને દિશા બદલી નાખ્યાં હતાં. ૧૪૦૦ પૉઇન્ટ નીચે ગયેલો સેન્સેક્સ માર્કેટ બંધ થતી વખતે ૧૮૫ પૉઇન્ટ પ્લસ રહ્યો હતો. શુક્રવારે ગુડ ફ્રાઇડેની રજા આવવાથી બજારને શાંતિ હતી અને રોકાણકાર વર્ગને રાહત હતી. હાલની રજાઓ માર્કેટ-પ્લેયર્સને વધુ વહાલી લાગવા માંડી છે.
એપ્રિલમાં પણ FIIની નેટ વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. એની સામે DIIનો નેટ ખરીદીનો દોર ચાલુ હતો. દરમ્યાન ગ્લોબલ નાણાકીય સંસ્થા-મ્યુચ્યુઅલ ફન્ડ ફ્રૅન્કલિન ટેમ્પલટનના એક અહેવાલ મુજબ આ યુદ્ધના માહોલમાં પણ ભારતીય અર્થતંત્ર અડીખમ અને વિશ્વાસ સાથે ઊભું છે. છેલ્લા અમુક દાયકાઓમાં ભારતે પોતાની એનર્જી-સિક્યૉરિટી મજબૂત કરી છે અને કટોકટીભરી નિર્ભરતા ઘટાડી છે. મેક ઇન ઇન્ડિયાની પહેલ પણ નોંધનીય કહી શકાય.
જ્યારે પણ વિશ્વમાં અનિશ્ચિતતાનો માહોલ બને છે ત્યારે શૅરબજારની વૉલેટિલિટી પણ કુદરતી રીતે સર્જાય છે, સમાચારોના આધારે સતત વધઘટ થયા કરે છે. આવા સમયમાં દરેક સમાચારને રીઍક્શન આપવું જોઈએ નહીં. જો આપણે કોવિડ-૧૯ અને ઇરાક યુદ્ધને પણ યાદ કરીશું તો ધીરજનું મહત્ત્વ સમજાશે. આ બે ઘટના બાદ માર્કેટમાં કેટલા સમયમાં શું થયું હતું એના પુરાવા સૌની નજર સામે છે. આવા સમયમાં ઉતાવળા નિર્ણયો નુકસાનકારક સાબિત થવાની શક્યતા ઊંચી રહેશે. રોકાણકારોએ આવા સમય-સંજોગોમાં શાંત, ધીરજવાન, લાંબા ગાળાના અભિગમ સાથે આગળ વધવું જ બહેતર છે. શિસ્તબદ્ધ રોકાણ તેમને સહાયરૂપ થશે. અનિશ્ચિતતાનો સમય લાંબા ગાળાના સંપત્તિસર્જનનાં બીજ રોપવા માટે ગણાય.
ભારતના ડિફેન્સ સેક્ટરની નિકાસ આ વર્ષે ૬૨ ટકા જેટલી વધી હોવાનું નોંધાયું છે. ભારત હાલમાં અમેરિકા સહિત ૧૦૦થી વધુ દેશોને ડિફેન્સ-સાધનોની નિકાસ કરે છે.
જપાન સરકાર એક એવું સેન્ટર સ્થાપી રહી છે જે જૅપનીઝ કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની બાબતમાં માર્ગદર્શન આપી શકશે. આ સેન્ટર કંપનીઓને વિવિધ નિયમો-નિયમનો વિશે સમજણ આપશે.
રિઝર્વ બૅન્કે શૅર ખરીદવા માટે અપાતી બૅન્ક-લોનની વ્યક્તિગત મર્યાદા એક કરોડ રૂપિયા નિયત કરી છે, જ્યારે IPO માટેની મર્યાદા વ્યક્તિદીઠ પચીસ લાખ રૂપિયા કરી છે. આ એક અગમચેતીનું યા સાવચેતીનું પગલું છે.
વર્તમાન ક્રાઇસિસના માહોલમાં તમામ મિનિસ્ટ્રીઝ સ્વનિર્ભર બનવાનું ફોકસ વધારવા સાથે વધુ રિફૉર્મ્સ માટેની તૈયારી કરી રહી છે.
અમેરિકાએ ભારતની કેટલીક દવાઓ પરની ટૅરિફ ૧૦૦ ટકા કરી દીધી છે, જ્યારે મેટલ્સની આયાતના નિયમ કડક કર્યા છે.
BSE અને NSE પર લિસ્ટેડ સ્ટૉક્સમાંથી મોટા ભાગના સ્ટૉક્સના ભાવ વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયા છે.
હાલના માહોલમાં અમુક કંપનીઓ તેમના IPO લંબાવી રહી છે તો અમુક કંપનીઓ SEBIમાં પોતાના ઑફર-દસ્તાવેજ ફાઇલ કરવા આગળ વધી રહી છે.
એક એપ્રિલથી ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (F&O) ટ્રેડિંગ પરનો વધારાયેલો સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) લાગુ થઈ ગયો હોવાથી આ સેગમેન્ટમાં વૉલ્યુમ ઘટવાની શક્યતા છે. આમ પણ માર્કેટની ડલ સ્થિતિમાં કામકાજ ઘટ્યાં છે.
કરન્ટ માર્કેટ જોક: એકસાથે સૌથી વધારે લોકો જ્યાં નાહ્યા હોય એમાં મહાકુંભ બીજા સ્થાને છે. પ્રથમ સ્થાન હજી પણ શૅરબજારે જાળવી રાખ્યું છે.