05 February, 2026 09:18 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
IT ઇન્ડેક્સ ૨૦૪૦ પૉઇન્ટ ડૂલ, ઇન્ફી અને TCS સાત-સવાસાત ટકા તૂટતાં બન્નેનું માર્કેટકૅપ ૧.૩૦ લાખ કરોડ સાફ : સેન્સેક્સ ખાતે ટૉપ ૪ અને નિફ્ટીમાં ઘટેલા ટૉપ પાંચ શૅરમાં તમામ જાતો IT સેક્ટરની : બિટકૉઇન ૧૫ મહિનાના તળિયે ૭૩,૦૦૦ ડૉલરની અંદર ઊતરી ગયો, સોના-ચાંદીમાં બાઉન્સ બૅક જારી : પરિણામ પહેલાં ટ્રેન્ટમાં પાંચ ટકાની તેજી, ICICI બૅન્કમાં સુધારો આગળ વધતાં માર્કેટકૅપ ફરી વાર ૧૦ લાખ કરોડની પાર : રિઝલ્ટ પાછળ લૉઇડ્સ મેટલ્સમાં ૧૦ ટકાનો ઉછાળો, રસેલ ટૅક્સિસમાં ૧૪.૮ ટકાનો જમ્પ : સાઇડ માર્કેટ મજબૂત રહેતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી
બુધવારે પણ મોટા ભાગનાં એશિયન બજાર સુધારામાં રહ્યાં છે. સાઉથ કોરિયા દોઢ ટકાની આગેકૂચમાં નવા શિખરે તો જપાન અડધો ટકો ઘટીને બંધ હતું. ચાઇના તથા થાઇલૅન્ડ પોણો ટકો, અન્ય માર્કેટ નહીંવત્થી સામાન્ય પ્લસ હતા. હૉન્ગકૉન્ગ ફ્લૅટ હતું. યુરોપ રનિંગમાં બહુધા અડધા ટકા જેવું ઉપર ચાલતું હતું. એન્થ્રોપિકના નવા ટૂલના આઘાતમાં સૉફ્ટવેર શૅરની ખરાબીને લઈને નૅસ્ડૅક દોઢ ટકા ઘટીને મંગળવારની રાતે બંધ થયો હતો. બિટકૉઇન આગલા દિવસે, મંગળવારની રાતે ૭૨,૮૭૭ ડૉલરની ૧૫ મહિનાની બૉટમે જતાં ક્રિપ્ટો સેગમેન્ટમાં નોંધપાત્ર ખરાબી નોંધાઈ હતી જેમાં માર્કેટકૅપ ૫૦૦ અબજ ડૉલર સપ્તાહમાં ધોવાયું હતું. ગઈ કાલે રનિંગમાં એ સાડાનવ ટકા કે ૮૦૩૦ ડૉલરની ખુવારીમાં ૭૬,૦૯૧ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટક્રૂડ ૬૭ ડૉલરે ટકેલું છે. હાજર અને વાયદામાં સોનું બે-ત્રણ ટકા વધીને ૫૦૦ ડૉલર ઉપર આવી ગયું છે. ચાંદી ૭ ટકાની આગેકૂચમાં ૮૯ ડૉલર ક્વોટ થતી હતી. કૉપર વાયદો સાડાચાર ટકા તો ટીન સાડાસાત ટકા વધ્યું છે. ઍલ્યુમિનિયમ દોઢ ટકાથી વધુ પ્લસ હતું.
એન્થ્રોપિકના નવા AI ટૂલના પગલે સૉફ્ટવેર સર્વિસિસ અને વેન્ડર કંપનીના બિઝનેસને જબરો માર પડવાની દહેશત જાગી છે. IT શૅરોમાં મસ મોટાં ગાબડાં પડ્યાં છે. એના ભારમાં ઘરઆંગણે ફાધર ઑફ ઑલ ડીલ્સનો જે જયકારો મંગળવારે શરૂ થયો હતો એ વળતા દિવસે લગભગ ઠંડો પડી ગયો છે. સેન્સેક્સ આગલા બંધથી ૪૮૫ પૉઇન્ટ નરમ, ૮૩,૨૫૨ ખૂલી નીચામાં ૮૩,૧૨૦ તથા ઉપરમાં ૮૩,૯૪૭ બતાવી અંતે ૭૮ પૉઇન્ટના સુધારામાં ૮૩,૮૧૭ બંધ થયો છે. નિફ્ટી ૪૮ પૉઇન્ટ વધીને ૨૫,૭૭૬ હતો. સાઇડ માર્કેટ મજબૂત હોવાથી માર્કેટ બ્રેડ્થ મજબૂત રહી છે. NSEમાં ૨૧૫૩ વધેલા શૅર સામે ૧૦૪૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૦૧ લાખ કરોડના ઉમેરામાં ૪૬૯.૧૬ લાખ કરોડ થયું છે.
તાતાની ટ્રેન્ટ પરિણામ પહેલાં ત્રણેક ગણા કામકાજે ઉપરમાં ૪૦૭૦ બતાવી પાંચ ટકા કે ૧૯૦ રૂપિયા ઊંચકાઈને ૪૦૧૩ રહી ઝળકી છે. એટર્નલ સરેરાશ કરતાં અડધા વૉલ્યુમે ૫.૨ ટકા વધી ૨૯૪ થઈ છે. એની હરીફ સ્વિગી સવા ટકો સુધરીને ૩૨૧ હતી. ONGC ૩.૯ ટકા વધી ૨૭૭ હતી. એનાં રિઝલ્ટ ૧૨મીએ છે. મૅક્સ હેલ્થકૅર સવાબે ટકા, SBI લાઇફ બે ટકા, પાવર ગ્રીડ તથા NTPC સવાબે ટકા, અદાણી પોર્ટ્સ ૨.૨ ટકા, મારુતિ સુઝુકી પોણાબે ટકા, ટાઇટન ૧.૬ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકો, જિયો ફાઇનૅન્શિયલ દોઢ ટકા વધી છે. હેવી વેઇટસ રિલાયન્સ સવા ટકાની આગેકૂચમાં ૧૪૫૬ બંધ આપી બજારને સર્વાધિક ૧૦૪ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક સવા ટકા નજીક વધી ૧૪૦૬ બંધ થતાં એનું માર્કેટકૅપ ૧૦.૦૬ લાખ કરોડ નજીક આવી ગયું છે.
ઇન્ફોસિસ, TCS, HCL ટેક્નો તથા ટેક મહિન્દ્ર સવાચારથી સવાસાત ટકા ખરડાઈ સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડામાં મોખરે હતી. આ ચાર શૅર બજારને ૬૫૪ પૉઇન્ટ નડ્યા છે. વિપ્રોની નરમાઈ સામેલ કરીએ તો નિફ્ટી ખાતે સવા ટકો, કોટક બૅન્ક પોણા ટકો, નિફ્ટી ખાતે ITC ૦.૯ ટકા નરમ હતી.
ટ્રેડ ડીલના જોશમાં ગોકળદાસ એક્સપોર્ટ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૯ રૂપિયા ઊછળી ૮૩૫ વટાવી ગઈ છે. ડીબી રિયલ્ટી ૧૬ ટકા, શીલા ફોમ ૧૪.૫ ટકા, ઇન્ડોકાઉન્ટ ઇન્ડ. ૧૪ ટકા મજબૂત હતી. કારટ્રેડ ૯ ટકા ગગડી ૨૩૪ની ખરાબીમાં ૨૩૮૫ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. ઇક્લેરેક્સ સાડાઆઠ ટકા, સાંઈ લાઇફ સાયન્સ આઠ ટકા, લેટેન્ટ વ્યુ તથા યુરેકા ફૉર્બ્સ સાડાસાત ટકા ગગડ્યા છે.
ગઈ કાલે બે SME ભરણાં ખૂલ્યાં છે. ૩ SME કંપનીનું લિસ્ટિંગ થયું છે. નવી દિલ્હી ખાતેની ઇન્ટરનૅશનલ બ્રાન્ડેડ લાઇફ સ્ટાઇલ તથા સ્પોર્ટ્સ પ્રોડક્ટસનું વેચાણ કરતી બ્રૅડમૅન રીટેલનો ૧૦ના શૅરદીઠ ૧૭૬ની અપરબૅન્ડ સાથે ૮૬૦૯ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૮૨ ટકા સહિત કુલ ૭૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૧૨નું પ્રીમિયમ શરૂ થયું છે. ગોલ્ડ જ્વેલરી બિઝનેસમાં પ્રવૃત્ત નવી દિલ્હીની ગ્રોવર જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવથી ૩૩૮૩ લાખનો NSE SME IPO લાવી છે એ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૧ ગણા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.
નવી દિલ્હીની એમસેફ ઇક્વિપમેન્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૨૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૭થી શરૂ થઈને ઉપરમાં ૨૬ બતાવી છેલ્લે બોલાતા ૨૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ૧૪૪ ખૂલી નીચલી સર્કિટમાં ૧૩૭ની અંદર ગયા પછી ઉપલી સર્કિટમાં ૧૫૧ વટાવી ૧૫૧ બંધ રહેતાં એમાં ૨૨.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જોધપુરની કનિષ્ક ઍલ્યુમિનિયમ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે ૫૮.૪૦ ખૂલી ૫૫.૪૮ બંધ થતાં એમાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. અમદાવાદી ઍક્રિશન ન્યુટ્રાવેદા ૧૦ના શૅરદીઠ ૧૨૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થઈ સટ્ટાકીય રમતમાં એકાએક ઊછળી છેલ્લે ૬૮ થઈ ગયેલા પ્રીમિયમ સામે ૧૯૧ ખૂલી ઉપરમાં ૨૦૦ વટાવી ૧૯૦ બંધ થતાં એમાં ૪૭.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે.
આગલા દિવસે ભાવોભાવ ૬૪ લિસ્ટેડ થયેલી કસ્તુરી મેટલ ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૬૦ થઈને પાંચ ઉપર બંધ આવી છે. રવિવારે લિસ્ટેડ થયેલી હન્નાહ જોસેફ હૉસ્પિટલ નીચામાં ૬૬.૪૦ થઈ દોઢ ટકો ઘટીને ૬૯ રહી છે. મુંબઇની CKK રીટેલનું લિસ્ટિંગ શુક્રવારે થવાનું છે. ગ્રેમાર્કેટમાં પહેલેથી કોઈ કામકાજ નથી.
ઓમેગા ઇન્ટર ઍક્ટિવ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ એક રૂપિયાના વિભાજનમાં શુક્રવારે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ૩ ટકા ઘટીને ૪૮૦ હતો. પીવીવી ઇન્ફ્રા ૭ શૅરદીઠ છના પ્રમાણમાં રાઇટમાં એક્સ રાઇટની પૂર્વસંધ્યાએ અડધો ટકો વધીને ૫.૦૮ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી કેરાલા આયુર્વેદા ફેમ KRM આયુર્વેદા ગઈ કાલે ૧૫૬ના વર્સ્ટ લેવલે જઈને ૪.૮ ટકા ઊછળી ૧૭૧ રહી છે.
ઍડ્વાન્સ્ડ મલ્ટિરોલ કૉમ્બાટ ઍરક્રાફ્ટ પ્રોગ્રામ હેઠળ નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ બનાવવાની યોજનામાં હિન્દુસ્તાન ઍરોનોટિક્સની પસંદગી ન થતાં શૅર ગઈ કાલે ૪ ગણા કામકાજે નીચામાં ૪૧૦૦ થઈ પોણાછ ટકા કે ૨૫૫ રૂપિયા ગગડી ૪૨૧૭ બંધ થયો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ બુધવારે ૧૮માંથી ૯ શૅરની નરમાઈમાં પોણો ટકો ઘટ્યો છે. એમાં હિન્દુસ્તાન ઍરોનૉટિકસ ટૉપ લૂઝર હતો. સામે યુનિમેક ઍરોસ્પેસ ઉપરમાં ૧૦૧૮ થઈ ૫.૬ ટકા વધીને ૯૯૫ રહી છે. એમટાર ટેક્નૉલૉજીઝ ૩૪૪૬ની નવી વિક્રમી સપાટી હાંસલ કરીને ૪.૩ ટકાની આગેકૂચમાં ૩૩૮૨ હતી. રસેલ ઇન્ડિયાના ડિફેન્સ બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી રસેલ ટૅક્સિસની આવક પોણાઅગિયાર ટકા તથા નફો ૨૩.૭ ટકા વધીને આવતાં શૅર ઉપરમાં ૭૯૫ બતાવી ૧૪.૮ ટકાની તેજીમાં ૭૬૭ બંધ આપી ડિફેન્સ સેક્ટરમાં મોખરે હતો. એક્સીસ કેડસ પાંચ ટકા, ડિજિલૉજિક પાંચ ટકા, એક્વસ લિમિટેડ અઢી ટકા પ્લસ હતી.
MCX ૪.૫ ટકા વધીને ૨૫૪૪ થઈ છે. BSE લિમિટેડ ૨૯૧૦ બતાવી સવા ટકો વધીને ૨૮૯૬ હતી. CDSL ૧.૭ ટકા પ્લસ તો NSDL નજીવી સુધારામાં રહી છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૮૪માંથી ૧૨૫ શૅરના સુધારામાં અડધો ટકો વધ્યો છે. IDBI બૅન્ક પાંચ ગણા કામકાજે ઉપરમાં ૧૧૨ વટાવી ૬.૮ ટકા ઊંચકાઈ ૧૦૯ બંધ હતી. મેક્સ ઇન્ડિયા ૯ ટકાની મજબૂતીમાં ૧૭૩ થઈ છે. ઇન્ડોસ્ટાર ૭ ટકા, પૈસાલો ડિજિટલ ૫.૬ ટકા, આઇઆઇએફએલ કૅપિટલ ૬.૩ ટકા, મોનાર્ક નેટવર્થ ૫.૮ ટકા, SMC ગ્લોબલ સવા ટકા, એન્જલવન સાડાત્રણ ટકા મજબૂત હતી. ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ ૪.૫ ટકા, દામ કૅપિટલ ૨.૭ ટકા, ક્રિસીલ ૨.૮ ટકા, પૉલિસી બાઝાર દોઢ ટકા બગડી છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કંપની એન્થ્રોપિક જેનું વૅલ્યુએશન ૨૦૦ અબજ ડૉલર નજીક મુકાય છે અને IPO નજીકમાં કહેવાય છે એના દ્વારા નવું ટૂલ લૉન્ચ કરાયું છે. એના કારણે સૉફ્ટવેર સર્વિસિસ શૅરોમાં સાર્વત્રિક ભારે ઘટાડો નોંધાયો છે. આ સેગમેન્ટનું ૨૮૫ અબજ ડૉલરનું માર્કેટકૅપ સાફ થઈ ગયું છે. એન્થ્રોપિકના નવા ટૂલને પગલે પ્રોફેશનલ સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝમાં AI ડ્રીવન મોટું ડિસ્રપ્શન આવવાની દહેશત જાગી છે. ભારતીય IT કંપનીઓના વેન્ડર બિઝનેસને મોટો ફટકો પડશે એમ કહેવાય છે. ગઈ કાલે નિફ્ટી IT ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરની ખુવારીમાં ૨૨૬૬ પૉઇન્ટ કે ૫.૯ ટકા તૂટ્યો છે. BSEનો IT બેન્ચમાર્ક નીચામાં ૩૪,૬૩૨ બતાવી સાડાપાંચ ટકા કે ૨૦૪૦ પૉઇન્ટના કડાકામાં ૩૫,૧૦૯ હતો. એના ૭૭માંથી ૪૪ શૅર ઘટ્યા છે.
હેવીવેઇટ ઇન્ફોસિસ ૪ ગણા કામકાજે ૧૫૧૦ની ઇન્ટ્રા-ડે બૉટમ દેખાડી સવાસાત ટકા કે ૧૧૯ રૂપિયા લથડીને ૧૩૩૬ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે. ૧૩૩૬ બંધમાં સેન્સેક્સે નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોમર બની છે. બજારને ૩૬૦ પૉઇન્ટ નડી છે. TCS સવાછ ગણા વૉલ્યુમમાં ૨૯૮૬ થઈને ૭ ટકા કે ૨૨૪ રૂપિયાની ખુવારીમાં ૩૦૦૦ બંધ રહેતાં બજારને ૧૯૨ પૉઇન્ટનો માર પડ્યો છે. આ બન્ને કંપનીનું માર્કેટ કૅપ કુલ મળીને ૧,૩૦,૨૭૦ કરોડ સાફ થયું છે. ટેક મહિન્દ્ર ૪.૨ ટકા તૂટી ૧૬૪૫, વિપ્રો ૩.૭ ટકા ગગડી ૨૩૩, લાટિમ ૫.૫ ટકા બગડી ૫૭૦૬ તો HCL ટેક્નૉલૉજીઝ ૪.૨ ટકાના ધબડકામાં ૧૬૨૨ બંધ થઈ છે. અન્યમાં લેટેન્ટ વ્યુ, ઇમુદ્રા, ઑનવર્ડ ટેક્નો, કોફોર્જ, સિગ્નેટી ટેક્નો, એમ્ફ્રાસિસ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ઇન્ફોબીન્સ, હૅપીએશ્ટ માઇન્ડ, હેક્સાવેર ટેક્નો, ઓરેકલ ચારથી પોણાસાત ટકા ડૂલ થઈ છે. રામકો સિસ્ટમ્સ ૧૩.૮ ટકાના ઉછાળે ૫૭૦ બંધ આપીને સામા પ્રવાહે મજબૂત હતી. રાશી પેરિફેરકલ્સ ૫.૮ ટકા, સેન્સિટેક પાંચ ટકા, ASM ટેક્નૉલૉજીઝ ૨.૨ ટકા, ડેટા મેટિક્સ ૬.૩ ટકા, ક્વિકહીલ ૨.૧ ટકા વધી હતી.
ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૨.૪ ટકા, એનર્જી બે ટકા, પાવર સવાબે ટકા, યુટિલિટીઝ ૨.૭ ટકા ઊંચકાયા છે. ઉક્ત સેક્ટર ખાતે નોંધપાત્ર વધનારી જાતોમાં દીપ ઇન્ડ. સવાનવ ટકા, એન્ટલોપ્સ સેલાન સવાછ ટકા, ઑઇલ ઇન્ડિયા ૩.૮ ટકા, ONGC ૩.૯ ટકા, ચેન્નઇ પેટ્રો ૪.૮ ટકા, સૅન્ડુર મૅન્ગેનીઝ સાડાત્રણ ટકા, આઇઆરએમ એનર્જી ૪.૯ ટકા, MRPL બે ટકા, ઇન્ડિયન ઑઇલ ૩ ટકા, સિમેન્સ એનર્જી અઢી ટકા, રિલાયન્સ પાવર ૨.૮ ટકા, ટોરન્ટ પાવર ૧.૯ ટકા, સિમેન્સ અઢી ટકા, કેપી એનર્જી ૧૦.૭ ટકા, NLC ઇન્ડિયા સવાપાંચ ટકા, એકમે સોલર ૫.૩ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા પાંચ ટકા, પીટીસી ઇન્ડિયા ૩.૭ ટકા, જેપી પાવર ૪.૩ ટકા, ગુજરાત ઇન્ડ. પાવર ચાર ટકા મજબૂત હતી.
અદાણી ગ્રુપમાં ફ્લૅગશિપ અદાણી એન્ટર આગલા દિવસના તગડા જમ્પ બાદ ગઈ કાલે એક ટકો વધીને ૨૨૨૪ તથા અદાણી પોર્ટ્સ ૨.૪ ટકા વધીને ૧૫૬૭ થઈ છે. અદાણી પોર્ટ્સમાં ૧૫૭૨નું નવું શિખર બન્યું છે. અદાણી પાવર આઠ ટકા, અદાણી એનર્જી ૧.૪ ટકા, અદાણી ગ્રીન ૨.૪ ટકા, NDTV ૮.૪ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૧.૬ ટકા, ACC સવા ટકો, ઓરિએન્ટ સિમેન્ટ્સ બે ટકા, પીએસપી પ્રોજેક્ટસ ૩.૩ ટકા તથા સેમિઇન્ડિયા પ્રોજેક્ટ્સ ૩.૪ ટકા વધી છે. અદાણી ટોટલ સવા ટકો પ્લસ અને સાંધી ઇન્ડ. અઢી ટકા વધી છે.
મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૧ શૅરના સથવારે સવા ટકા વધ્યો છે. લૉઇડ મેટલ્સ દ્વારા ૨૦૪ ટકાના વધારામાં ૫૧૫૫ કરોડની આવક ઉપર ૧૮૧ ટકા વૃદ્ધિદરથી ૧૦૮૯ કરોડ નેટનફો દર્શાવાતાં શૅર ઉપરમાં ૧૩૨૯ થઈ ૧૦ ટકા કે ૧૧૬ રૂપિયા ઊછળી ૧૨૮૪ થયો છે. NMDC, હિન્દુસ્તાન ઝિન્ક, વેદાન્તા, સેલ, જિન્દલ સ્ટીલ દોઢથી સવાપાંચ ટકા મજબૂત હતી. તાતા સ્ટીલ સવા ટકો અને હિન્દાલ્કો એક ટકા વધી છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી નવ ટકાના સુધારામાં ૧૯૭ પૉઇન્ટ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની હૂંફમાં પોણો ટકો વધ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૩૧ શૅર પ્લસ હતા. તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક ૬૪૩ના બેસ્ટ લેવલે જઈને ચાર ટકા વધીને ૬૨૨ થઈ છે. ફિનો પેમેન્ટ બૅન્ક પાંચ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૩.૯ ટકા, કરૂર વૈશ્ય સવાચાર ટકા વધી છે. સિટી યુનિયન બૅન્ક બે ટકા ઘટી ૨૯૨ હતી.