03 September, 2025 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનની અલીબાબા કંપનીના સ્થાપક જૅક મા સાથે સંબંધ ધરાવતી હૉન્ગકૉન્ગમાં લિસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ કંપની–યુનફેંગ ફાઇનૅન્શિયલ ગ્રુપે આશરે ૪.૪ લાખ ડૉલર મૂલ્યના ૧૦,૦૦૦ ઇથેરિયમ કૉઇનની ખરીદી કરી છે. કંપનીની ઇન્ટર્નલ કૅશ રિઝર્વ વડે આ ખરીદી કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યા મુજબ એ હવે ડિજિટલ ઍસેટ્સ અને વેબ3 ક્ષેત્રે આગળ વધવા માગે છે. આ ઉપરાંત રિયલ વર્લ્ડ ઍસેટ ટોકનાઇઝેશનને લગતું કાર્ય કરવાનો પણ એનો ઉદ્દેશ છે. જૅક મા સાથે સંબંધિત કંપનીએ ઇથેરિયમની ખરીદી કરી એ પગલું ક્રિપ્ટોકરન્સી ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, માર્કેટનું કૅપિટલાઇઝેશન ૧.૦૫ ટકા વધીને ૩.૮૨ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૨૪ કલાકના ગાળામાં ૨.૫૪ ટકાનો વધારો થઈને ભાવ ૧,૧૧,૬૪૩ ડૉલર થયો હતો, જ્યારે ઇથેરિયમમાં ૦.૪૫ ટકાના ઘટાડા સાથે ભાવ ૪૩૭૦ ડૉલર ચાલી રહ્યો હતો. એક્સઆરપીમાં ૨.૮૬ ટકા વધારા સાથે ભાવ ૨.૮૩ ડૉલર પર પહોંચ્યો હતો.