15 August, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઍમૅઝૉન કંપનીના વડા જેફ બેઝોસે સ્થાપેલી ઍરોસ્પેસ કંપની બ્લુ ઓરિજિને હવે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે એના હવાઈયાનમાં અવકાશી ઉડ્ડયન કરવા ઇચ્છુક ગ્રાહકો બિટકૉઇન, ઇથેરિયમ, સોલાના સહિતની ક્રિપ્ટોકરન્સીમાં તથા યુએસડીટી અને યુએસડીસી જેવા સ્ટેબલકૉઇનથી પેમેન્ટ કરી શકશે. પેમેન્ટની આ વ્યવસ્થા શિફ્ટ4 પેમેન્ટ્સ નામની કંપની મારફત થશે. આ કંપની ક્રિપ્ટોકરન્સીના વ્યવહારમાં નિષ્ણાત છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બ્લુ ઓરિજિનના ગ્રાહકો મેટામાસ્ક અને કૉઇનબેઝ જેવા ક્રિપ્ટોકરન્સી વૉલેટ મારફત પેમેન્ટ કરી શકશે.
ક્રિપ્ટોકરન્સી પેમેન્ટનો વિભાગ સંભાળતા શિફ્ટ4ના ઍલેક્સ વિલ્સને કહ્યું છે કે અવકાશી પ્રવાસન જેવી મોંઘી ખરીદી માટે ક્રિપ્ટોકરન્સી અને સ્ટેબલકૉઇનનો ઉપયોગ આગામી સમયમાં વધી જશે. બ્લુ ઓરિજિને ક્રિપ્ટો સ્વીકારવાની જાહેરાત કરી એનો અર્થ એવો થયો કે પેમેન્ટ માટે ક્રિપ્ટોનો ઉપયોગ હવે સ્વીકાર્ય બની ગયો છે.
દરમ્યાન બિટકૉઇનમાં વિક્રમી સ્તર આવી ગયા બાદ હવે ઇથેરિયમમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. ઇથેરિયમ ૨.૭૮ ટકાની વૃદ્ધિ સાથે ૪૩૮૫ ડૉલર ટ્રેડ થઈ રહ્યો છે. બિટકૉઇન ૧.૧૫ ટકા ઘટીને ૧,૧૮,૭૬૮ ડૉલર ચાલી રહ્યો છે. એક્સઆરપીમાં ૧.૨૯ ટકા અને સોલાનામાં ૧.૧૩ ટકા ઘટાડો થયો છે, જ્યારે બીએનબીમાં ૧.૨૯ ટકા અને ટ્રોનમાં ૧.૯૪ ટકા વૃદ્ધિ થઈ છે. વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૦.૧૭ ટકા વૃદ્ધિ સાથે ૩.૯૯ ટ્રિલ્યન ડૉલરના સ્તરે પહોંચ્યું છે.