જુલાઈમાં જિયો અને ઍરટેલના ગ્રાહકો વધ્યા, વોડાફોન આઇડિયાના ઘટ્યા : ટ્રાઇ

24 September, 2021 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલાયન્સ જિયોએ જુલાઈમાં ૬૫.૧ લાખ નવા ગ્રાહકો ઉમેરીને પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

ભારતની સૌથી મોટી ટેલિકૉમ ઑપરેટર કંપની રિલાયન્સ જિયોના મોબાઇલ ગ્રાહકોની સંખ્યામાં જુલાઈમાં જોરદાર વધારો થયો હતો. ઍરટેલના યુઝર્સની સંખ્યા પણ વધી હતી. એની સામે વોડાફોન આઇડિયાએ ૧૪.૩ લાખ ગ્રાહકો ગુમાવ્યા હોવાનું નિયમનકાર ટ્રાઇના તાજેતરના ડેટા પરથી જાણવા મળ્યું છે.

રિલાયન્સ જિયોએ જુલાઈમાં ૬૫.૧ લાખ નવા ગ્રાહકો ઉમેરીને પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ભારતી ઍરટેલે ૧૯.૪૨ લાખ ગ્રાહકો ઉમેર્યા હતા.

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા જારી કરવામાં આવેલા ગ્રાહકોના માસિક આંકડા અનુસાર, જુલાઈમાં જિયોના વાયરલેસ વપરાશકર્તાની કુલ સંખ્યા વધીને ૪૪.૩૨ કરોડ થઈ છે. જુલાઈમાં ઍરટેલના ગ્રાહકોની સંખ્યા વધીને ૩૫.૪૦ કરોડ થઈ ગઈ હતી.

વોડાફોન આઇડિયાએ જુલાઈ દરમિયાન ૧૪.૩ લાખ વાયરલેસ વપરાશકર્તાઓ ગુમાવ્યા, જેને પગલે તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને ૨૭.૧૯ કરોડ થઈ ગઈ છે.

નોંધનીય છે કે કેન્દ્રીય પ્રધાનમંડળે તાજેતરમાં ટેલિકૉમ ક્ષેત્ર માટેના રાહત પૅકેજને મંજૂરી આપી છે.

business news