16 October, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જિયો પ્લૅટફૉર્મ્સના IPOની જાહેરાત પ્રસંગે રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણી તથા નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ઈશા અંબાણી અને અનંત અંબાણી.
ભારતના ઇતિહાસના સૌથી મોટા ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) માટે સજ્જ જિયો પ્લૅટફૉર્મ્સે સ્પષ્ટ કર્યું છે કે કંપની ટૅરિફ વધારવા પર નિર્ભર રહેવાને બદલે ગ્રાહકોને વધુ સુવિધાઓ અને ડિજિટલ સર્વિસિસ પૂરી પાડીને રેવન્યુ-ગ્રોથ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જિયો પ્લૅટફૉર્મ્સના મૅનેજિંગ ડિરેક્ટર (MD) આકાશ અંબાણીએ ગઈ કાલે પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે કંપની પાસે ભાવવધારાનો વિકલ્પ હંમેશાં ખુલ્લો છે, પરંતુ ગ્રાહકો માટે માત્ર ડેટાના ભાવ વધારવા કરતાં નવી સર્વિસિસ ઑફર કરીને આવક વધારવાનું કંપનીનું વલણ રહેશે.
ટૅરિફવધારો ક્યારે થશે એ વિશે ચોક્કસ સમયમર્યાદા આપવાનો ઇનકાર કરતાં આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ૨૦૧૬માં જિયોના આગમન બાદ ભારતમાં માથાદીઠ આવકના હિસ્સા તરીકે ટેલિકૉમ ખર્ચ અડધો થઈને આશરે એક ટકો થઈ ગયો છે જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં ગ્રાહકોના ખર્ચની ક્ષમતા હજી વધી શકે એમ છે.
બ્રૉડબૅન્ડ અને એન્ટરપ્રાઇઝ સર્વિસિસ પર મોટો દાવ
આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે નાણાકીય વર્ષ ૨૦૩૧ સુધીમાં ભારતમાં ૧.૪ ટ્રિલ્યન ડૉલરની ડિજિટલ ઇકૉનૉમીની અપેક્ષા રાખીએ છીએ અને અમે એમાં મોટો માર્કેટશૅર મેળવીશું. કંપની પોતાના મોબાઇલ બિઝનેસ ઉપરાંત હોમ બ્રૉડબૅન્ડ, એન્ટરપ્રાઇઝ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઝડપી વિસ્તરણની યોજના ધરાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતમાં નેટ ફિક્સ્ડ બ્રૉડબૅન્ડ જોડાણોમાં જિયોનો હિસ્સો ૬૭.૫ ટકા રહ્યો હતો અને એના ૨.૮૬ કરોડ બ્રૉડબૅન્ડ ગ્રાહકો છે.
વિદેશી ટેલિકૉમ ઑપરેટર્સને કંપની હાર્ડવેર કે સૉફ્ટવેર લાઇસન્સ વેચવાને બદલે મૅનેજ્ડ સર્વિસ પાર્ટનર તરીકે પોતાની નેટવર્ક ટેક્નૉલૉજી ઑફર કરશે, જેમાં કોઈ મોટો કૅપિટલ ખર્ચ કરવો પડશે નહીં.
હ્યુન્દાઇ મોટર ઇન્ડિયાના ઑક્ટોબર ૨૦૨૪ના ૨૭,૮૭૦ કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યુને પાછળ છોડીને જિયોનો IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનશે. IPO લૉન્ચ કરતાં પહેલાં રજૂ થતા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર IPOમાંથી એકઠી થનારી રકમનો ઉપયોગ રિલાયન્સ જિયો ઇન્ફોકૉમનું દેવું ચૂકવવા તેમ જ સામાન્ય કૉર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
રિલાયન્સ ટેક્સટાઇલથી લઈને જિયો પ્લૅટફૉર્મના મેગા પબ્લિક ઇશ્યુ સુધીનો ઐતિહાસિક પ્રવાસ : કાગળના દસ્તાવેજો અને લાંબી લાઇનમાંથી સ્માર્ટફોન પર આંગળીના ટેરવે થતા રોકાણની સફર
રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝે ૧૯૭૭માં પ્રતિ શૅર ૧૦ રૂપિયાના ભાવે પબ્લિક ઇશ્યુ લાવીને ભારતીય શૅરબજારમાં નવો ઇતિહાસ રચ્યો હતો. કંપનીએ એ સમયે ૨.૮ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા અને ઇશ્યુ સાતગણો ભરાયો હતો. વર્ષના અંત સુધીમાં કંપની સાથે આશરે ૫૮,૦૦૦ નાના રોકાણકારો જોડાયા હતા. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાની લાંબી વિધિ કરતાં કંપનીઓ માટે વિસ્તરણ અર્થે જનતા પાસેથી મૂડી મેળવવાનો આ નવો અને ઝડપી માર્ગ ખૂલ્યો હતો.
આજે લગભગ ૪૯ વર્ષ બાદ બજાર રિલાયન્સ ગ્રુપના બીજા મોટા સીમાચિહ્ન સમાન જિયો પ્લૅટફૉર્મના IPO માટે તૈયાર થઈ રહ્યું છે. આ વખતે વ્યવસ્થા તદ્દન હાઈ-ટેક બની ચૂકી છે. રોકાણકાર ઑનલાઇન બિડ સબમિટ કરી શકે છે, UPIથી તાત્કાલિક પેમેન્ટ મૅન્ડેટ અપ્રૂવ કરી શકે છે અને શૅર્સ સીધા ઇલેક્ટ્રૉનિક ફૉર્મમાં જમા થઈ જાય છે.
રિલાયન્સ પેટ્રોલિયમ અને રીટેલ ક્રેઝ
રિલાયન્સ પેટ્રોલિયમનો પબ્લિક ઇશ્યુ એપ્રિલ ૨૦૦૬માં ખૂલ્યો હતો. ૬૦ રૂપિયાના ભાવે ૪૫ કરોડ શૅર્સ બહાર પાડીને કંપનીએ ૨૭૦૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા. આ ઇશ્યુ ૨૧ લાખથી વધુ અરજીઓ સાથે ૫૧ ગણો છલકાયો હતો, જેમાં રીટેલ રોકાણકારોનો હિસ્સો ૧૪.૯૧ ગણો ભરાયો હતો. જિયો પ્લૅટફૉર્મના આગમન પહેલાં રિલાયન્સ ગ્રુપનો આ છેલ્લો IPO હતો.
IPOની મુખ્ય વિગતો
પ્રાઇસ-બૅન્ડ : ૧૦૬૫ રૂપિયાથી ૧૧૧૯ રૂપિયા પ્રતિ શૅર
ઇશ્યુની સાઇઝ : ૩૦,૨૧૩ કરોડ રૂપિયા (સંપૂર્ણ નવો ઇશ્યુ - ૨૭ કરોડ શૅર્સ)
બિડિંગ તારીખો : ૨૧થી ૨૩ ઑક્ટોબર (ઍન્કર ઇન્વેસ્ટર્સ માટે ૧૯ ઑક્ટોબર)
લિસ્ટિંગ : ૨૮ ઑક્ટોબરે શૅર્સનું ટ્રેડિંગ શરૂ થવાની શક્યતા
માર્કેટ વૅલ્યુએશન : આશરે રૂપિયા ૧૦.૩ લાખ કરોડ