આવકવેરા કાયદા હેઠળના કેટલાક ગુનાઓ અને દંડ

26 October, 2021 03:13 PM IST  |  Mumbai | Paresh Kapasi

અહીં વિવિધ ગુનાઓ માટેના દંડ વિશે વાત કરવામાં આવી છે...

પ્રતીકાત્મક તસવીર

આવકવેરા ધારો, ૧૯૬૧ની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર કરદાતાએ દંડ ચૂકવવો પડે છે. દંડની રકમ ચૂકવવાપાત્ર કરવેરા સિવાયની હોય છે. ગુનો આચરતી વખતે લાગુ પડતી કાયદાની જોગવાઈઓ મુજબ દંડ કરવામાં આવે છે.

અહીં વિવિધ ગુનાઓ માટેના દંડ વિશે વાત કરવામાં આવી છે...

કલમ ૧૫૮ બીએફએ:

ગુનો: કલમ ૧૩૨ હેઠળ કોઈ પણ સર્ચ શરૂ કરવામાં આવે ત્યારે નિયત સમયગાળા માટે છુપાવાયેલી આવકની ગણતરી થાય ત્યારે દંડ લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિના કિસ્સામાં, કલમ ૧૩૨એ હેઠળ કોઈ પણ હિસાબના ચોપડા અથવા કોઈ પણ અન્ય દસ્તાવેજો અથવા કોઈ પણ સંપત્તિ જપ્ત કરી શકાય છે.

દંડ: ઉપરોક્ત કિસ્સામાં લઘુતમ દંડ કરના ૧૦૦ ટકા હશે જે અઘોષિત આવક પર લાગુ થાય છે. અઘોષિત આવકના સંદર્ભમાં ટૅક્સના મહત્તમ ૩૦૦ ટકા સુધીનો દંડ થઈ શકે છે.

કલમ ૨૨૧(૧):

ગુનો: જો કરદાતાએ કર ચુકવણી કરવામાં કોઈ ડિફૉલ્ટ કર્યો હોય.

દંડ: દંડની રકમ આકારણી અધિકારી દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. જોકે, દંડની રકમ બાકી રહેલી ચુકવણી કરતાં વધારે ન હોઈ શકે.

કલમ ૨૩૪ઈ :

ગુનો: કોઈ કરદાતા કલમ ૨૦૦(૩) અને ૨૦૬સી (૩) હેઠળ નિર્દિષ્ટ સમયની અંદર ટીડીએસ/ટીસીએસ માટે રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા હોય ત્યારે આ જોગવાઈ લાગુ પડે છે.

દંડ: આ કલમ હેઠળ દંડ ડિફૉલ્ટના દરેક દિવસ માટે ૨૦૦ રૂપિયા હશે.

કલમ ૨૩૪એફ :

ગુનો : કરદાતાએ નિયત મર્યાદામાં કલમ ૧૩૯(૧) હેઠળ રિટર્ન ફાઇલ કરવામાં ડિફૉલ્ટ કર્યો હોય. 

દંડ: જો કરદાતાએ સંબંધિત આકારણી વર્ષ માટે ૩૧ ડિસેમ્બર પહેલાં રિટર્ન ફાઇલ કર્યું હોય તો દંડ ૫૦૦૦ રૂપિયા થશે અને અન્ય કોઈ પણ કિસ્સામાં એ ૧૦,૦૦૦ રૂપિયા હશે. જોકે, આકારણીની આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોય તો દંડ ૧૦૦૦ રૂપિયાથી વધુ નથી થતો. 

કલમ ૨૦૭એ :

ગુનો : આ કલમમાં બે શક્યતાઓ હોઈ શકે છે, જે આ પ્રમાણે છે : એક, જો કોઈ કરદાતાએ પોતાની આવક ઓછી દર્શાવી અને બે, કોઈ કરદાતાએ ખોટી આવક દર્શાવવા ખોટી માહિતી રજૂ કરી હોય.

દંડ : પ્રથમ કિસ્સામાં દંડની રકમ ચૂકવવાપાત્ર કરની રકમના ૫૦ ટકા હશે. બીજા કિસ્સામાં દંડની રકમ ચૂકવવાપાત્ર કરની રકમના ૨૦૦ ટકા હશે.

કલમ ૨૭૧(૧) (બી) :

ગુનો : જો કોઈ કરદાતા રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાય અથવા નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ જાય તો તે આ કલમ હેઠળ સજાને પાત્ર થાય છે. જોકે, આ કલમ આકારણી વર્ષ ૨૦૧૬-૨૦૧૭ સુધી જ લાગુ હતી.

દંડ : દરેક નિષ્ફળતા માટે આ કલમ હેઠળ દંડ ૧૦,૦૦૦ રૂપિયા છે.

કલમ ૨૭૧ (૧)(સી) :

ગુનો : પોતાની આવક અથવા લાભોની કોઈ પણ વિગતો છુપાવાઈ હોય અથવા પોતાની આવક અથવા લાભોની ખોટી વિગતો આપી હોય. જોકે, આ કલમ આકારણી વર્ષ ૨૦૧૬-૨૦૧૭ સુધી જ લાગુ હતી.

દંડ : આ કલમ હેઠળ લઘુતમ દંડ છુપાવાયેલી અથવા ઓછી રજૂ કરાયેલી આવક પરના કરના ૧૦૦ ટકા હોય છે. મહત્તમ દંડ છુપાવાયેલી અથવા ઓછી રજૂ કરાયેલી આવક પરના કરના ૩૦૦ ટકા હોઈ શકે છે.

કલમ ૨૭૧એ :

ગુનો : કલમ ૪૪એએ હેઠળ જરૂરી હોય એવા દસ્તાવેજો અથવા હિસાબના ચોપડા રાખવામાં આવ્યા ન હોય અથવા કરદાતાની પાસે એ ચોપડા જ ન હોય તો દંડ લાગુ પડે છે.

દંડ : આ સ્થિતિમાં ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ થાય છે.

કલમ ૨૭૧એએ (૨) :

ગુનો : કલમ ૯૨ડી (૪) હેઠળ જરૂરી માહિતી અથવા કોઈ પણ દસ્તાવેજો સત્તાધિકારીને આપવામાં આવ્યા ન હોય ત્યારે આ દંડ થાય છે.

દંડ : આ સ્થિતિમાં ૫,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ થાય છે.

છેલ્લે, એટલું કહેવાનું કે કરવેરાની જોગવાઈઓનું જેટલું વધારે પાલન કરવામાં આવે એટલું કામ-ધંધા પર વધુ સારી રીતે ધ્યાન આપીને વધુ ધન કમાઈ શકાય છે. આથી કરવેરો બચાવવાને બદલે યથાયોગ્ય કરવેરો ભરીને પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને સંપત્તિસર્જન કરવું વધારે સારું રહે છે.

business news