ચાલો, જાણીએ મ્યુચ્યુઅલ ફન્ડનાં ઉદ્દેશો અને કાર્યોને

05 December, 2022 01:05 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

એકસમાન નાણાકીય લક્ષ્ય ધરાવતા મોટી સંખ્યામાં લોકો પાસેથી નાણાં એકત્રિત કરીને પછી એનું લિસ્ટેડ કંપનીઓના શૅર, કૉર્પોરેટ અને સરકારી બૉન્ડ્સ અને અન્ય મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા બહુવિધ વિકલ્પોમાં રોકાણ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મ્યુચ્યુઅલ ફન્ડ્સ હવે ભારતીય રોકાણકારોમાં રોકાણનું લોકપ્રિય માધ્યમ બની ગયાં છે. એકસમાન નાણાકીય લક્ષ્ય ધરાવતા મોટી સંખ્યામાં લોકો પાસેથી નાણાં એકત્રિત કરીને પછી એનું લિસ્ટેડ કંપનીઓના શૅર, કૉર્પોરેટ અને સરકારી બૉન્ડ્સ અને અન્ય મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા બહુવિધ વિકલ્પોમાં રોકાણ કરવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફન્ડના ઉદ્દેશો

ઍસેટ્સનું વૈવિધ્યીકરણ મ્યુચ્યુઅલ ફન્ડ્સ મારફતે કરાતું રોકાણ સારું રોકાણ હોવાનું એક કારણ એ છે કે એમના પોર્ટફોલિયોમાં મોટી સંખ્યામાં અસ્કયામતો (ઍસેટ્સ) હોય છે. નિષ્ણાતો ઘણી વાર રોકાણકારોને સલાહ આપતા હોય છે કે તમારાં બધાં નાણાં એક જ પ્રકારની ઍસેટમાં રાખો નહીં. આમ કહેવાનું કારણ એ છે કે જો તમે જેમાં રોકાણ કર્યું હોય એ ઍસેટના મૂલ્યમાં ઘટાડો થાય તો સંપૂર્ણ પોર્ટફોલિયો પર એની અસર થાય છે. મ્યુચ્યુઅલ ફન્ડ અનેક ઍસેટ્સમાં રોકાણ કરે છે, જેને લીધે પોર્ટફોલિયોમાં વૈવિધ્યતા આવે છે. આમ, કોઈ પણ એક ઍસેટના મૂલ્યમાં ઘટાડો થવાના કિસ્સામાં પણ રોકાણ સુરક્ષિત રહે છે.

આવકનું સર્જન

નિશ્ચિત આવક માટે રોકાણ કરનારાઓ સામાન્ય રીતે રોકાણકારો માટે આવક પેદા કરવા મુખ્યત્વે બે રીત હોય છે. એક, વ્યાજની ધારણાના આધારે રોકાણ અને બે, સ્પ્રેડ ટ્રેડિંગ. જો મ્યુચ્યુઅલ ફન્ડનો મુખ્ય ઉદ્દેશ આવકનું સર્જન હોય, તો આ રીત મની માર્કેટ ફન્ડ કરતાં વધુ જોખમી બની જાય છે. જોકે એનું વળતર પણ વધારે હોય છે.જો તમે ઊંચી આવકની સંભાવના ધરાવતું મ્યુચ્યુઅલ ફન્ડ ઇચ્છતા હો, તો ડિવિડન્ડ અને મૉર્ગેજ ફન્ડ્સ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બૉન્ડ ફન્ડ્સ વગેરેમાં રોકાણ કરી શકો છો.

મૂડીની સુરક્ષા

જો તમે તમારી મૂડીને સુરક્ષિત રાખવા માટે મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરી રહ્યા હો તો તમારે મૂડીને સુરક્ષિત રાખવાનો મુખ્ય ઉદ્દેશ ધરાવતું ફન્ડ પસંદ કરવાની જરૂર હોય છે. આ પ્રકારના મ્યુચ્યુઅલ ફન્ડમાં સામાન્ય રીતે રિસ્ક-ટુ-રિટર્ન રેશિયો ઓછો હોય છે. આ કૅટેગરીમાં મ્યુચ્યુઅલ ફન્ડનું સારું ઉદાહરણ મની માર્કેટ મ્યુચ્યુઅલ ફન્ડ છે. 

વૃદ્ધિની શરૂઆત

મ્યુચ્યુઅલ ફન્ડ્સ મુખ્યત્વે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એ ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આવાં ફન્ડ્સને સામાન્ય રીતે ઇક્વિટી ફન્ડ્સ કહેવામાં આવે છે અને તેઓ સામાન્ય શૅરોમાં અને ક્યારેક પ્રિફર્ડ શૅર્સમાં રોકાણ કરતાં હોય છે.

વધુમાં, આ પ્રકારનું મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્કમ ફન્ડની તુલનામાં વધુ સારું વળતર આપે છે. જોકે એમાં જોખમ પણ વધુ હોય છે.

મ્યુચ્યુઅલ ફન્ડનાં કાર્યો, એનએફઓ રિલીઝ

મ્યુચ્યુઅલ ફન્ડ કંપની ન્યુ ફન્ડ ઑફર (એનએફઓ) મારફતે મ્યુચ્યુઅલ ફન્ડ કરે છે. એના ફન્ડ મૅનેજર શરૂઆતમાં જ ફન્ડ દ્વારા કરવામાં આવનારા રોકાણની વ્યૂહરચના નિશ્ચિત કરે છે અને જાહેર કરે છે. રોકાણકારો એના આધારે નક્કી કરી શકે છે કે તેઓ કેટલું રોકાણ કરવા માગે છે. અહીં નોંધવું ઘટે કે એનએફઓમાં રોકાણ કરવું પ્રવર્તમાન ફન્ડ્સ કરતાં સસ્તું હશે, કારણ કે એ બજારમાં નવું હોય છે. જો તમે એનએફઓ મારફતે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો લઘુતમ સબસ્ક્રિપ્શન રકમ, રોકાણની કિંમત, ફન્ડના ઉદ્દેશો, ફન્ડ હાઉસની પ્રતિષ્ઠા વગેરે તપાસી લો.

નાણાંનું એકત્રીકરણ

એનએફઓ રિલીઝ થયા પછી, મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ વિવિધ શૅરો, બૉન્ડ્સ વગેરેમાં હોલ્ડિંગ ખરીદવા રસ ધરાવતા રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરે છે. રોકાણકારો હવે પોતપોતાની ઇચ્છા મુજબ મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટ ખરીદી શકે છે.

સિક્યૉરિટીઝમાં રોકાણ

મ્યુચ્યુઅલ ફન્ડની વ્યૂહરચનાના આધારે એના ફન્ડ મૅનેજર પોર્ટફોલિયો નક્કી કરે છે અને ભંડોળનું વિવિધ સિક્યૉરિટીઝ જેમ કે બૉન્ડ, શૅર વગેરેમાં રોકાણ કરે છે. પ્રત્યક્ષપણે સ્ટૉક્સમાં અથવા અન્ય વિકલ્પોમાં કરાતા રોકાણની તુલનાએ મ્યુચ્યુઅલ ફન્ડ વધુ સુરક્ષિત છે. આ એટલા માટે છે કારણ કે સમર્પિત ફન્ડ મૅનેજર કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં અર્થતંત્ર, ઉદ્યોગ અને કંપની બાબતે સંપૂર્ણ સંશોધન કરે છે. આ સ્તરનું વિશ્લેષણ કરીને ફન્ડ મૅનેજર એવી સિક્યૉરિટીઝ શોધે છે, જે ફન્ડની વ્યૂહરચનાઓને ઉત્તમ રીતે અનુરૂપ હોય અને ફન્ડના રોકાણકારોને સૌથી વધુ વળતર અપાવી શકે.

ફન્ડમાં મળતું વળતર

જેમ-જેમ મ્યુચ્યુઅલ ફન્ડમાં વળતર પ્રાપ્ત થતું જાય છે તેમ-તેમ, ફન્ડ એનું કાં તો રોકાણકારોમાં વિતરણ કરી દે છે અથવા ફન્ડના હોલ્ડિંગમાં ફરીથી રોકાણ કરે છે.

જો તમે ડિવિડન્ડ ફન્ડ પસંદ કર્યું હોય તો તમને ડિવિડન્ડના રૂપમાં વળતર મળે છે. જો તમે ગ્રોથ ફન્ડમાં રોકાણ કર્યું હોય તો ફન્ડ મૅનેજર રોકાણકારોની સંપત્તિ વધારવા માટે ફન્ડમાં મળેલા વળતરનું પુનઃ રોકાણ કરે છે.

આના પરથી કહી શકાય કે મ્યુચ્યુઅલ ફન્ડનું કાર્ય રોકાણકારોનાં નાણાંને રોકાણના યોગ્ય વિકલ્પોમાં વાળીને એના પર શક્ય એટલું વધુ વળતર અપાવવાનું હોય છે. 

business news share market