એલઆઇસીના શૅરનું આઠ ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ

18 May, 2022 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇશ્યુ પ્રાઇસ ૯૪૯ રૂપિયાની સામે ૮૭૨ રૂપિયામાં લિસ્ટિંગ થયું

પ્રતીકાત્મક તસવીર

સરકારી વીમા કંપની એલઆઇસીના ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના મેગા ઇશ્યુમાં રોકાણકારોને નિરાશ થવાનો વારો આવ્યો છે. એલઆઇસીનું મંગળવારે શૅરબજારમાં આઠ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું હતું અને રોકાણકારોને પહેલા દિવસે જ નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો.
એલઆઇસીનો શૅર એનએસઈ ખાતે ૮.૧૧ ટકાના ડિસ્કાઉન્ટ સાથે ૮૭૨ રૂપિયામાં લિસ્ટેડ થયો હતો, જ્યારે બીએસઈ ખાતે શૅરનો ભાવ ૮.૬૨ ટકા ઘટીને ૮૬૭.૨૦ રૂપિયા પર લિસ્ટેડ થયો હતો. શૅરની ઇશ્યુ પ્રાઇસ સરકારે ૯૪૯ રૂપિયા નક્કી કરી હતી, જેમાં રીટેલ અને કર્મચારીઓને શૅરદીઠ ૪૫ રૂપિયા અને પૉલિસીહોલ્ડરોને ૬૦ રૂપિયાનું શૅરદીઠ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એલઆઇસીના ચૅરમૅન એમ. આર. કુમારે જણાવ્યું હતું કે શૅરબજારની અનિશ્ચિતતાને પગલે અમે ઊંચા ભાવથી લિસ્ટિંગની અપેક્ષા રાખતા ન હતા અને આશા રાખો કે આગામી દિવસોમાં એમાં તેજી આવશે.

એલઆઇસી : ૪ પૉઇન્ટ ધ્યાનમાં રાખવા જેવા

૧. પ્રાઇસિંગ : શૅર પ્રાઇસબૅન્ડ ૯૦૨થી ૯૪૦ રૂપિયા હતા અને એલઆઇસી દ્વારા કર્મચારીઓ અને રીટેલ રોકાણકારો માટે ૪૫ રૂપિયા અને પૉલિસીહોલ્ડરોને ૬૦ રૂપિયા પ્રતિ શૅરનું ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવ્યું હતું. ૧૬૨૧ લાખ શૅરની ઑફર સામે ૪૭૮૪ લાખ શૅરની બીડ આવી હતી.
૨. ઇન્વેસ્ટમેન્ટ : વીમા કંપનીએ ડિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ ૯.૫ ટ્રિલ્યન રૂપિયાનું શૅરબજારમાં રોકાણ કર્યું હતું, જે એનએસઈની કુલ માર્કેટ કૅપના ચાર ટકા થાય છે. ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ ૩૯.૫૬ ટ્રિલ્યન રૂપિયા થાય છે, જે ખાનગી વીમા કંપનીની કુલ ઍસેટની ત્રણ ગણીથી વધુ છે.
૩. કૉમ્પિટિશન : ભારતમાં એનો મોટો બજાર હિસ્સો છે અને ૨૦૧૯માં બજાર હિસ્સો ૬૬ ટકા હતો, જે ઘટીને ૬૩ ટકાએ પહોંચ્યો છે. કંપની આ હિસ્સો જાળવી રાખે એવી એને આશા છે.
૪. ગ્રાહકો-નેટવર્ક : એલઆઇસી ૨૮ કરોડથી વધુ પૉલિસી સાથે દેશમાં સૌથી મોટું ૧૩.૩ લાખ એજન્ટોનું નેટવર્ક ધરાવે છે. આઇપીઓમાં પણ પૉલિસીહોલ્ડરનો ક્વોટા છલકાવવામાં એજન્ટનો મોટો હિસ્સો હતો. 

બજારની અણધારી સ્થિતિને કારણે નબળું લિસ્ટિંગ : સરકાર

ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ મંગળવારે જણાવ્યું હતું કે શૅરબજારમાં દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીનું નબળું લિસ્ટિંગ શૅરબજારની અણધારી સ્થિતિને કારણે થયું હતું અને રોકાણકારોને લાંબા ગાળાના મૂલ્ય માટે શૅરને રાખી મૂકવાનું સૂચન કર્યું હતું. કોઈ પણ વ્યક્તિ બજારની આગાહી કરી શકતું નથી. અમે રાખી મૂકવાની વાત કોઈ ચોક્કસ દિવસ માટે નહીં, પરંતુ એક દિવસથી વધુ સમય માટે રાખવાની વાત કરીએ છીએ.

business news lic india