રાઇડરની મદદથી આસાન બનાવો આરોગ્ય વીમાની સફર!

20 October, 2021 12:19 PM IST  |  Mumbai | Nisha Sanghvi

સામાન્ય રીતે પહેલેથી થયેલી બીમારીઓ અને પ્રસૂતિને સંબંધિત ખર્ચ બેથી ચાર વર્ષના વેઇટિંગ પિરિયડ બાદ આવરી લેવામાં આવતા હોય છે

પ્રતીકાત્મક તસવીર

આપણે ગયા વખતે આરોગ્ય વીમાના રાઇડર્સ વિશેની વાત શરૂ કરી હતી. એ વખતે ૧) પર્સનલ ઍક્સિડન્ટ રાઇડર, ૨) ક્રિટિકલ ઇલનેસ (ગંભીર માંદગી), ૩) ગ્લોબલ કવર, ૪) હૉસ્પિટલ ડેઇલી કૅશ, ૫) ઓપીડી અને ૬) ક્યુમ્યુલેટિવ બોનસ બૂસ્ટર એ રાઇડર્સ વિશે વાત કરી. આજે એમાં આગળ વધીએ... 
વેઇટિંગ પિરિયડમાં ઘટાડોઃ સામાન્ય રીતે પહેલેથી થયેલી બીમારીઓ અને પ્રસૂતિને સંબંધિત ખર્ચ બેથી ચાર વર્ષના વેઇટિંગ પિરિયડ બાદ આવરી લેવામાં આવતા હોય છે. જો તમે વેઇટિંગ પિરિયડમાં ઘટાડાનું રાઇડર લીધું હોય તો વેઇટિંગ પિરિયડ કંપનીએ નક્કી કરેલા અને તમે સ્વીકારેલા સમય જેટલા પ્રમાણમાં ઘટી જાય. 
કો-પેમેન્ટ વેઇવર અને ડિસ્કાઉન્ટઃ તમારા પરિવારની પૉલિસીમાં જો સૌથી મોટી ઉંમરની વ્યક્તિ ૬૧ વર્ષ કરતાં વધુ ઉંમરની હોય તો સામાન્ય રીતે તમારે ૨૦ ટકા કો-પેમેન્ટ આપવું પડતું હોય છે. દા.ત. હૉસ્પિટલનું બિલ પાંચ લાખ રૂપિયા આવ્યું હોય અને કંપનીએ પૉલિસીમાં ૨૦ ટકા કો-પેમેન્ટ રાખ્યું હોય તો તમારે એક લાખ રૂપિયા તમારા ખિસ્સામાંથી ચૂકવવા પડે. બાકીના ચાર લાખ રૂપિયા કંપની ચૂકવે. જો તમે કો-પેમેન્ટમાં વેઇવર કે ડિસ્કાઉન્ટનું રાઇડર લીધું હોય તો તમે પોતાના હિસ્સાને ઘટાડી શકો અથવા રદ કરાવી શકો છો. ઘણી જાણીતી કંપનીઓ આ પ્રકારનું રાઇડર આપે છે. 
કન્ઝ્યુમેબલ બેનિફિટ (નૉન-મેડિકલ ખર્ચને આવરી લેતો લાભ): સામાન્ય સંજોગોમાં આરોગ્ય વીમા પૉલિસીઓ કેટલાક ઍડ્મિન ચાર્જિસ, હાઉસકીપિંગ વસ્તુઓ, સર્જિકલ આઇટમ્સ વગેરેના ખર્ચને પૉલિસીમાં આવરી લેતી નથી અને એથી દરદીએ પોતે એનું બિલ ચૂકવવું પડે છે. મોટા ભાગે હૉસ્પિટલના બિલમાં આ રકમ પાંચથી પંદર ટકા જેટલી હોય છે. તમે આ રાઇડર લીધું હોય તો પાંચથી પંદર ટકા જેટલા ખર્ચના ખાડામાંથી બચી શકો છો. 
રૂમ રેન્ટની મર્યાદાનું વેઇવરઃ મોટા ભાગની કંપનીઓ આરોગ્ય વીમામાં રૂમ રેન્ટની મર્યાદા બાંધી આપે છે. દા.ત. દરરોજના મહત્તમ ૩૦૦૦ રૂપિયા. જો તમે એવી હૉસ્પિટલમાં ભરતી થયા હો, જ્યાં રોજનું રૂમ રેન્ટ ૫૦૦૦ રૂપિયા છે તો તમારે વધારાના ૨૦૦૦ રૂપિયા પોતાના ખિસ્સામાંથી ચૂકવવા પડે. જો હૉસ્પિટલમાં રહેવાના દિવસો વધારે હોય તો દરરોજના ૨૦૦૦ રૂપિયાના હિસાબે મોટો ખર્ચ થઈ જાય. આથી કંપનીઓએ રૂમ રેન્ટ વેઇવર રાઇડર રાખ્યું છે. આ રાઇડર લીધા બાદ તમને રૂમ રેન્ટની મર્યાદા લાગુ પડતી નથી. 
પ્રોટેક્ટર રાઇડરઃ આ રાઇડર લેવાના ત્રણ ફાયદા છે... ૧) ક્લેમ પ્રોટેક્ટર ઃ જો તમારો ક્લેમ મંજૂર કરવામાં આવ્યો હોય તો મૂળ પ્લાન હેઠળ જે વસ્તુઓ આવરી લેવાયેલી નથી એ વસ્તુઓ પણ આ રાઇડર લેનાર માટે આવરી લેવાય છે. ૨) ક્યુમ્યુલેટિવ બોનસ પ્રોટેક્ટર ઃ આરોગ્ય વીમા પૉલિસીમાં જો કોઈ વર્ષે ક્લેમ આવ્યો ન હોય તો એના માટે બોનસ આપવામાં આવે છે, જે આરોગ્ય વીમાની રકમમાં અમુક ટકા રકમ ઉમેરીને આપવામાં આવે છે. જો ક્લેમ આવે તો બોનસ રદ થઈ જાય છે. તમે જો આ રાઇડર લીધું હોય તો તમારી જમા થયેલી બોનસ પર કોઈ અસર થતી નથી. ૩) સમ ઇન્સ્યૉર્ડ પ્રોટેક્ટર ઃ આ રાઇડર લેનારને ફુગાવાને કારણે થતા નુકસાન સામે રક્ષણ મળે છે. 
પૅરન્ટ ઍન્ડ રાઇલ્ડ કૅરઃ આ રાઇડર લેનાર દંપતી પ્રસૂતિને લગતા હૉસ્પિટલાઇઝેશન, માતા અને બાળકના રોગનિદાન માટેના ખર્ચ, પ્રસૂતિ પહેલાંના તબીબી ખર્ચ કંપની તરફથી ચૂકવવામાં આવે છે. કેટલીક કંપનીઓ ગર્ભપાત, પ્રસૂતિ પૂર્વેના અને પછીના ખર્ચ, હૉસ્પિટલાઇઝેશનના અને રસીકરણના ખર્ચ પણ ચૂકવતી હોય છે. પૉલિસીના સમયગાળા દરમિયાન આ બધા લાભ મળે છે. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહેલાં દંપતીઓએ આ રાઇડર લેવા વિશે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. 
અહીં જણાવવું રહ્યું કે સામાન્યપણે આરોગ્ય વીમા પૉલિસીમાં જે વસ્તુઓ આવરી લેવાતી નથી અથવા મર્યાદિત પ્રમાણમાં મળે છે એ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે આપણે વાત કરી એ બધામાંથી આવશ્યકતા મુજબના રાઇડર લઈ શકાય છે. આમ કરવાથી મોટી રકમની અલગ પૉલિસી લેવાની જરૂર પડતી નથી. મૂળ પૉલિસી લેવા કરતાં રાઇડર સસ્તા પડે છે. 
છેલ્લે કહી દેવું જરૂરી છે કે પોતાના માટે તથા સ્વજનો માટે આરોગ્ય વીમા પપૉલિસી લેવામાં જરાય ઢીલ કરવી જોઈએ નહીં.

business news