30 October, 2025 09:03 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
માર્કે મોબિયસ હવે અદાણીના બુલની ભૂમિકામાં ઃ અદાણીમાં કરેલું રોકાણ એ ભારતમાં થયેલું રોકાણ છેઃ કોહેન્સ લાઇફમાં મૅનેજિંગ ડિરેક્ટરનું રાજીનામું, શૅર વોલ્યુમ સાથે ગગડ્યો ઃ નિકાસછૂટની હિલચાલમાં શુગર શૅરોમાં સિલેક્ટિવ આકર્ષણ ઃ કોલ ઇન્ડિયાનો નફો અડધો થતાં શૅરમાં નબળાઈ ઃ સ્ટેટ બૅન્ક, શ્રીરામ ફાઇનૅન્સ, તાતા સ્ટીલ, JSW સ્ટીલ, હિન્દાલ્કોમાં નવી ટૉપ ઃ મીરા રોડની સેફક્યૉરનો SME IPO પ્રથમ દિવસે પાર, ગ્રેમાર્કેટમાં ૨૧ રૂપિયા પ્રીમિયમ ઃ મોતીલાલ ઓસવાલ વૉલ્યુમ સાથે સાડાસાત ટકા બગડી
ફેડરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો આવી રહ્યો છે. ઓપેક તરફથી ક્રૂડના સપ્લાયનો ક્વોટા વધારવાની વિચારણા ચાલી રહી છે એમાં બ્રેન્ટ ક્રૂડ નરમાઈની હૅટ ટ્રિકમાં ૬૪ ડૉલરે આવી ગયું છે. ટ્રમ્પની જબાન આજકાલ બદલાઈ ગઈ છે. બોલવામાં ધમકીભરી ભાષાને બદલે ટ્રેડ-ડીલ ટ્રેડ-ડીલની મીઠાસ ઝરવા માંડી છે. મંગળવારના વિરામ પછી એશિયન બજારોની રેકૉર્ડ રૅલી ફરી શરૂ થઈ છે. જૅપનીઝ નિક્કી ગઈ કાલે બુધવારે ૫૧૪૭૬ની નવી ઑલટાઇમ હાઈ બનાવી સવાબે ટકા કે ૧૧૧૦ પૉઇન્ટ ઊછળી ૫૧૩૦૦ બંધ થયો છે ચાલુ કૅલેન્ડર વર્ષમાં ત્યાં ૩૧ ટકા જેવી તેજી આવી ચૂકી છે. તાઇવાન ૨૮૩૯૫ના નવા શિખરે જઈ સવા ટકો વધી ૨૮૨૯૫, સાઉથ કોરિયા ૪૦૮૪ની નવી વિક્રમી સપાટી દેખાડી પોણાબે ટકા વધી ૪૦૮૧, ચાઇના ૪૦૧૬ની ૧ જૂન ૨૦૧૫ પછીની ટૉપ હાંસલ કરી પોણો ટકો વધી ૪૦૧૬ નજીક બંધ રહ્યું છે. ઇન્ડોનેશિયા એક ટકા નજીક અને થાઇલૅન્ડ નહીંવત્ પ્લસ હતું. સિંગાપોર સામાન્ય ઘટ્યું છે. હૉન્ગકૉન્ગ રજામાં હતું. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં ૯૭૪૨ની ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો વધી ૯૭૪૧ ચાલતો હતો. અન્યત્ર બજારો નેગેટિવ બાયસમાં ફ્લૅટ હતા. બિટકૉઇન ૧૧૨૯૫૩ ડૉલરે લગભગ યથાવત્ દેખાયો છે. તાજેતરની નબળાઈ બાદ હાજર સોનું દોઢ ટકો વધી ૪૦૧૮ ડૉલર તો કૉમેક્સ ગોલ્ડ સવા ટકો વધી ૪૦૨૮ ડૉલરે આવી ગયું છે. ચાંદી બે ટકા બાઉન્સ થઈ ૪૮ ડૉલર પાર થઈ છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદા સામાન્યથી માંડીને એક ટકો ઉપર ચાલતા હતા. પાકિસ્તાની શૅરબજાર આગલા દિવસની ૨૧૦૦ પૉઇન્ટથી વધુની ખરાબી આગળ ધપાવતાં ગઈ કાલે રનિંગમાં ૧૫૫૦ પૉઇન્ટ બગડી ૧૫૮૫૫૧ દેખાયું છે.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૬ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારે ૮૪૬૬૪ નજીક ખૂલી છેવટે ૩૬૯ પૉઇન્ટની આગેકૂચમાં ૮૪૯૯૭ તથા નિફ્ટી ૧૧૮ પૉઇન્ટ વધી ૨૬૦૫૪ બંધ થયો છે. આરંભથી અંત સુધી પ્રૉઝિટિવ રહેલા માર્કેટમાં શૅરઆંક નીચામાં ૮૪૬૩૯ અને ઉપરમાં ૮૫૧૦૬ થયો હતો. નિફ્ટી ઉપરમાં ૨૬૦૯૮ નજીક સરક્યો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૯૮૪ શૅર સામે ૧૧૨૮ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૩.૩૧ લાખ કરોડ વધી ૪૭૪.૪૨ લાખ કરોડ રૂપિયાની વર્ષની નવી ટોચે પહોંચ્યું છે.
લૉન્ગ ટર્મ ઇન્ડિયા બુલ તરીકે જાણીતા માર્ક મોબિયસ હવે અદાણી બુલની નવી ભૂમિકામાં આવ્યા લાગે છે. તેમણે જણાવ્યું છે કે અદાણીના શૅરોમાં રોકાણ એટલે ઇન્ડિયન માર્કેટમાં રોકાણ. મોબિયસના નિવેદનથી પાનો ચડ્યો હોય એમ અદાણીના શૅર ગઈ કાલે લાઇમલાઇટમાં હતા. અદાણીની ફ્લૅગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૭ ટકા વધીને ૨૫૩૫, અદાણી પોર્ટ્સ ૨.૮ ટકા વધીને ૧૪૫૬, અદાણી એનર્જી પાંચ ટકા ઊછળી ૯૬૭, અદાણી ગ્રીન ૧૦.૮ ટકાની ૨.૨ ટકા વધી ૬૩૪, NDTV ૩.૨ ટકા વધીને ૯૫ બંધ થઈ છે. એસીસી પોણો ટકો, અંબુજા સિમેન્ટ્સ ત્રણ ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ બે ટકા, ઓરિયેન્ટ સિમેન્ટ્સ ૧.૭ ટકા, પીએસપી પ્રોજેક્ટસ સાડાત્રણ ટકા મજબૂત હતી. એકમાત્ર અદાણી પાવર નામ પૂરતી નરમાઈમાં ૧૬૨ હતી. ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ અઢી ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૭ ટકા, યુટિલિટીઝ અઢી ટકા, કૅપિટલ ગુડ્સ એક ટકો, મેટલ ઇન્ડેક્સ ૧.૭ ટકા, એનર્જી ઇન્ડેક્સ દોઢ ટકો મજબૂત હતો.
બ્લુડાર્ટ રિઝલ્ટ પાછળ જંગી વૉલ્યુમ સાથે ૧૧૦૭ રૂપિયા ઊછળ્યો
વરુણ બેવરેજિસે ૧૯ ટકાના વધારામાં ૭૪૫ કરોડનો નફો કર્યો છે. વધુમાં કંપનીએ બિઅર બિઝનેસમાં જાયન્ટ કાર્લ્સબર્ગ સાથે આફ્રિકામાં બિઝનેસમાં ભાગીદારી કરી છે. શૅર આઠ ગણા કામકાજે ઉપરમાં ૫૦૧ દેખાડી સવાનવ ટકાના ઉછાળે ૪૯૫ બંધ આવ્યો છે. અગાઉ સુવેન લાઇફ સાયન્સ તરીકે ઓળખાતી કોહેન્સ લાઇફ સાયન્સના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. વી. પ્રસાદ રાજુએ હોદા પરથી અણધાર્યું રાજીનામું આપી દીધું છે. શૅર નવ ગણા કામકાજે ૭૬૭ની ૨૧ મહિનાની બૉટમ બનાવી આઠ ટકા તૂટીને ૭૮૫ બંધ થયો છે. ૨૦૨૪ની બીજી ડિસેમ્બરે ભાવ ૧૩૫૯ના બેસ્ટ લેવલે હતો. ફેસવૅલ્યુ એકની છે. બ્લુડાર્ટ એક્સપ્રેસનો ત્રિમાસિક નફો ૨૯.૫ ટકા વધી ૮૧ કરોડ આવ્યો છે. શૅર ગઈ કાલે ૩૭૦ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૬૬૪૫ વટાવી ૨૦ ટકા
કે ૧૧૦૭ રૂપિયાની તેજીમાં ૬૬૪૫ થયો
છે. સરકાર ઑક્ટોબરથી શરૂ થતા
૨૦૨૫-’૨૬ના નવા ખાંડ વર્ષ દરમ્યાન શુગરની નિકાસછૂટ આપવા વિચારી રહી હોવાના અહેવાલમાં ગઈ કાલે શુગર શૅરમાં સિલેક્ટિવ મીઠાશ દેખાઈ છે. ઉદ્યોગના ૩૬માંથી ૨૪ શૅર વધ્યા છે. મગધ શુગર, શ્રીરેણુકા શુગર, ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ, ત્રિવેણી એન્જિનિયરિંગ, દ્વારકેશ શુગર, પોની ઇરોડ શુગર, બજાજ હિન્દુસ્તાન, ધામપુર બાયો ઑર્ગેનિક્સ, રાજશ્રી શુગર જેવી જાતો બેથી સાડાચાર ટકા વધીને બંધ રહી છે.
મહિન્દ્ર ફાઇનૅન્શિયલે ૪૫ ટકાના વધારામાં ૫૬૪ કરોડ નેટ નફો મેળવ્યો છે. શૅર ૧૩ ગણા કામકાજે ૬ ટકા ઊછળી ૩૧૮ બંધ થયો છે. કોલ ઇન્ડિયાએ ૫૦ ટકાના ગાબડામાં ૪૩૫૪ કરોડ નેટ નફો કર્યો છે. ધારણા ૫૬૯૨ કરોડના નફાની હતી. શૅર ૨.૪ ટકા ઘટીને ૩૮૨ બંધ થયો છે. અફાર ઇન્ડસ્ટ્રીઝનો નફો ૩૦ ટકા વધી ૨૫૨ કરોડ આવતાં શૅર ઉપરમાં ૯૫૯૮ બતાવી ચાર ટકા કે ૩૬૮ રૂપિયા ઊંચકાઈ ૯૪૬૮ થયો છે. NMDCનો નફો ૧૪ ટકા ઘટી ૧૬૮૩ કરોડ થયો છે. શૅર ૨.૮ ટકા વધીને ૭૭ રૂપિયા થયો છે.
હેલ્મેટ મેકર્સ સ્ટડ્સ શૅરદીઠ ૫૮૫ના ભાવે આજે મૂડીબજારમાં
આજે ગુરુવારે હરિયાણાના ફરીદાબાદ ખાતેની સ્ટડ્સ ઍક્સેસરીઝ પાંચના શૅરદીઠ ૫૮૫ની અપર બૅન્ડમાં ૪૫૫ કરોડ પ્લસનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ કરવાની છે. હેલ્મેટ્સ તેમ જ ટૂ-વ્હીલર્સ માટેની ઍક્સેસરીઝ બનાવતી ૧૯૭૫માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૧ ટકાના વધારામાં ૫૯૬ કરોડની આવક પર ૨૨ ટકા વૃદ્ધિદરથી ૭૦ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ કર્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં આવક ૧૫૨ કરોડ અને ચોખ્ખો નફો ૨૦૨૫ લાખ થયો છે. કંપની લગભગ ડેટ-ફ્રી છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૧૯૬૮ લાખે યથાવત્ રહેવાની છે. હાલ રિઝર્વ ૪૫૦ કરોડની છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૩૩નો તથા ચાલુ વર્ષના ત્રણ મહિનાની કમાણીને ઍન્યુલાઇઝ્ડ કરીએ તો ઇશ્યુ પ્રાઇસ ૨૮.૪નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮૫થી શરૂ થયા બાદ ઘટીને હાલમાં ૫૫ આસપાસ બોલાય છે.
ગઈ કાલે MTR ફૂડ્સવાળી ઓર્કલા ઇન્ડિયાનો એકના શૅરદીઠ ૭૩૦ની અપરબૅન્ડવાળો ૧૬૬૭ કરોડ પ્લસનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૭૮ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૧૪૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઘસાતું રહી હાલમાં ૬૬ થયું છે. મીરા રોડ ખાતેની સેફક્યૉર સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૩૦૬૦ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧.૨ ગણો ભરાયો છે, તો નવી દિલ્હીની ગેમ ચેન્જર્સ ટેક્સફૅબનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડ સાથે ૫૪૮૪ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૮ ટકા ભરાયો છે. જ્યારે કલકત્તાની જયેશ લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૨ની અપરબૅન્ડ સાથે ૨૮૬૩ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ ૬૬ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. હાલ જયેશ લૉજિસ્ટિક્સમાં પ્રીમિયમ વધીને ૯ રૂપિયા ચાલે છે. સેફક્યૉરમાં પ્રીમિયમનાં કામકાજ ૨૧થી શરૂ થયાં હોવાનું જાણવા મળે છે.
લાર્સન પરિણામ પૂર્વે નવું શિખર નોંધાવી ઘટાડામાં બંધ
ગઈ કાલે અદાણી પોર્ટ્સ પોણાત્રણ ટકાની મજબૂતીમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. NTPC અને પાવરગ્રિડ અઢી ટકાથી વધુ, HCL ટેક્નૉલૉજી ૨.૪ ટકા, સનફાર્મા પોણાબે ટકા, ટ્રેન્ટ સવા ટકો, એશિયન પેઇન્ટ્સ ૧.૨ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૭ ટકા, ONGC બે ટકા, HDFC લાઇફ ૧.૯ ટકા, અલ્ટ્રાટેક એક ટકો પ્લસ હતી. તાતા સ્ટીલ ૧૮૭ના બેસ્ટ લેવલે જઈ પોણાબે ટકા વધી ૧૮૫ તથા JSW સ્ટીલ ૧૨૨૪નું નવું શિખર દર્શાવી બે ટકા વધી ૧૨૦૮ બંધ રહી છે. હિન્દાલ્કોએ પોણા ટકાની આગેકૂચમાં ૮૫૬નો વિક્રમી બંધ આપ્યો છે. સ્ટેટ બૅન્ક ૯૪૨ નજીક નવી વિક્રમી સપાટી નોંધાવી એક ટકો વધી ૯૪૦ નજીક ગઈ છે. શ્રીરામ ફાઇનૅન્સ ૭૪૨ની નવી લાઇફટાઇમ ટૉપ બનાવી બે ટકા વધી ૭૩૮ રહી છે. લાર્સન પરિણામ પૂર્વે ૪૦૧૭ની સર્વોચ્ચ સપાટી બનાવી અડધો ટકો ઘટી ૩૯૫૨ નજીક હતી.
રિલાયન્સ ૧.૧ ટકો વધી ૧૫૦૪ વટાવી બજારને ૯૭ પૉઇન્ટ ફળી છે. HDFC બૅન્ક તથા ICICI બૅન્ક અડધો ટકો જેવી વધતાં એમાં બીજા ૧૦૦ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. સેન્સેક્સ ખાતે ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકો ઘટી ૪૦૭ના બંધમાં ટૉપ લૂઝર હતી. નિફ્ટી ખાતે ડો. રેડ્ડીઝ લૅબ ત્રણ ટકા તથા કોલ ઇન્ડિયા ૨.૩ ટકા બગડી હતી. એટર્નલ સવા ટકો, મહિન્દ્ર તથા બજાજ ફાઇનૅન્સ એક ટકાથી વધુ, મારુતિ સુઝુકી એક ટકો ડાઉન હતી.
મેટલ ઇન્ડેક્સ ૩૫૯૧૦ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૧.૭ ટકા વધી ૩૫૭૦૬ બંધ હતો. અહીં સેઇલ સવાછ ટકાની તેજીમાં ૧૪૦ બંધ આપી મોખરે હતી. વેદાન્તા ૨.૮ ટકા ઊંચકાઈ ૫૧૬ વટાવી ગઈ છે. ઑઇલ-ગૅસ, એનર્જી, પાવર, યુટિલિટી ઇન્ડેક્સમાં રિલાયન્સ તેમ જ અદાણીના શૅરોની આગેવાની હતી. આ ઉપરાંત ઑઇલ-ગૅસ સાડાપાંચ ટકા, સાંડૂર મૅન્ગેનીઝ ૪.૯ ટકા, MRPL સવાચાર ટકા, હિન્દુસ્તાન પેટ્રો સાડાત્રણ ટકા, રિલાયન્સ પાવર છ ટકા, ગેઇલ સાડાત્રણ ટકા મજબૂત હતી.
સેબીની હિલચાલમાં કૅપિટલ માર્કેટ રિલેટેડ શૅરમાં ખરાબી
સેબી તરફથી મ્યુચ્યુઅલ ફન્ડ્સ માટે ફ્રી સંદર્ભના માળખાને બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે એના પગલે ટોટલ એક્સપેન્સ રેશિયાંનું સમગ્ર સ્ટ્રક્ચર બદલાઈ જશે. બ્રોકરેજ ચાર્જિસમાં નોંધપાત્ર ફેરફાર થવાના છે. વિશ્લેષકો માને છે કે સૂચિત ફેરફારને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ્સનું સંચાલન કરતી ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓની નફાશક્તિને હાનિ થશે. ગઈ કાલે નિફ્ટીનો કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ આ જ કારણે ૧.૯ ટકા બગડ્યો હતો. AMC સેગમેન્ટમાં નિપ્ન લાઇફ ઇન્ડિયા ઍસેટ મૅનેજમેન્ટ ચાર ગણા વૉલ્યુમે નીચામાં ૮૪૪ થઈ સવાપાંચ ટકા ખરડાઈ ૮૫૮ બંધ રહી છે. કૅનેરા રોબેકો ઍસેટ મૅનેજમેન્ટ ૩૨૧ની
ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૪.૭ ટકા બગડી ૩૨૩, HDFC ઍસેટ મૅનેજમેન્ટ નવ ગણા કામકાજે નીચામાં ૫૨૯૦, આદિત્ય બિરલા લાઇફ કામકાજમાં નીચામાં ૭૬૮ની અંદર જઈ ૩.૩ ટકા ગગડી ૭૮૩ બંધ થઈ છે UTI ઍસેટ મૅનેજમેન્ટ ૧૨૬૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧.૭ ટકા ઘટી ૧૨૭૯ રહી હતી. કૅપિટલ માર્કેટ રિલેટેડ અન્ય શૅરમાં નુવામા વેલ્થ ૬ ગણા વૉલ્યુમે આગલા દિવસના ૭૪૨૯ના બંધથી ૬૬૩ રૂપિયા તૂટી ૬૭૬૫ નીચામાં બતાવી છેવટે પોણો ટકો ઘટી ૭૩૭૫ રહી છે. મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્સ સર્વિસિસ ચાર ગણા કામકાજે નીચામાં ૯૯૭ દેખાડી ૭.૬ ટકાની ખરાબીમાં ૧૦૦૮ હતી. આનંદ રાઠી વેલ્થ ઇન્ટ્રા-ડેમાં ૩૦૪૩ની બૉટમ બાદ પોણાત્રણ ટકાની નરમાઈમાં ૩૦૯૯ બંધ આવી છે. કમ્પ્યુટર એજ મૅનેજમેન્ટ અર્થાત્ કેમ્સ કામકાજે નીચામાં ૩૭૧૮ થયા બાદ છેવટે ત્રણ ટકા કે ૧૨૩ રૂપિયાના ઘટાડામાં ૩૮૬૦ હતી. કેફિન ટેક્નૉલૉજીઝ ૧૧૧૧ની નીચી સપાટી બનાવી ૩.૭ ટકા બગડી ૧૧૩૧ જોવા મળી છે. BSE લિમિટેડ નરમાઈની આગેકૂચમાં ૨૪૧૦ થઈ એક ટકાના સુધારે ૨૪૪૭ હતી.