માર્કેટનો મૂડ તેજીની નવી ઊંચાઈનો, પરંતુ સિલે​ક્ટિવ બનવામાં શાણપણ

01 December, 2025 08:58 AM IST  |  Mumbai | Jayesh Chitalia

હવેની નજર US ફેડરલ રિઝર્વ અને ભારતીય રિઝર્વ બૅન્ક પર

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૫ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે બજારમાં ૨૦૨૬ માટે નવો માહોલ અને નવો આશાવાદ સર્જાઈ રહ્યો છે, પરંતુ આ સાથે નવા ભયની ચર્ચા તેમ જ ચિંતા પણ જોર પકડી રહી છે. આ ચિંતાના કેન્દ્રમાં US અને AI બબલની સંભાવના છે એની ભારતીય માર્કેટ પર અસર પડ્યા વિના રહે નહીં. અલબત્ત, નિષ્ણાતોના મતે આ અસર થશે તોય ટૂંકા ગાળાની રહેશે. બાકી બજાર તો નવી ઊંચાઈ બનાવવાના મૂડમાં દેખાય છે.

ગયા સપ્તાહનો બુધવાર બજારના રસિયાઓને બરાબર યાદ રહ્યો હશે, કેમ કે સેન્સેક્સનો ૧૦૦૦ પૉઇન્ટનો ઉછાળો કઈ રીતે ભૂલી શકાય? નિફ્ટીની ૨૬,૦૦૦ની સપાટી પાર કરી ૨૬,૨૨૦ પર પહોંચવાનું કોણ વીસરી શકે? ગુરુવારે સેન્સેક્સ ૮૬,૦૦૦ પાર થઈને પાછો ફર્યો હતો અને પ્રૉફિટ-બુકિંગ અનિવાર્ય બન્યું હતું જેથી શુક્રવારે એનાં દર્શન થયાં હતાં. બાય ધ વે, બજારની તેજી મસ્તીખોર બનતી જાય છે. કારણ ડાહ્યાં ભલે રહ્યાં, પરંતુ સાવચેતી સતત જરૂરી છે. US અને AIના બબલની સંભાવનાનું ફૅક્ટર લટકતી તલવાર જેવું છે.

વીતેલા સપ્તાહમાં બે મુખ્ય ચર્ચા જોરમાં રહી અને બુલિશ ટ્રેન્ડને જોમ આપતી રહી : US ફેડરલ રિઝર્વ તરફથી રેટ-કટની આશા અને ભારતીય રિઝર્વ બૅન્કના રેટ-કટની આશા. આ બન્ને ટૂંકમાં જ જોવા મળશે, જેના પરિણામે FIIની ખરીદીનું જોર રહ્યું હતું. ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)નો આશાવાદ થોડો બદલાયો, પરંતુ એકંદરે સારો રહ્યો. એના મતે ભારત ૨૦૨૮ને બદલે ૨૦૨૯ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી બનશે, એનો ગ્રોથ સ્લો હશે પણ મજબૂત હશે. બાકી તો IMF માને કે અન્ય કોઈ માને, ગ્લોબલ અનિશ્ચિતતા વિશે કોઈ નિશ્ચિત કાંઈ કહી શકે નહીં. દરમ્યાન ભારતના ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝરના મતે  GDP ગ્રોથ રેટ નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૭ ટકા રહેવાની ધારણા છે. હાલમાં તો ઓવરઑલ ગ્લોબલ સંકેત પૉઝિટિવ રહ્યા છે. જોકે રૂપિયાનું ડૉલર સામે અવમૂલ્યન ચિંતાનો વિષય ખરો.

બુલ રૅલી સામે સવાલ કે સંદેહ છે?

શૅરબજારની આ વખતની રૅલી સામે ઘણા સવાલો અને સંદેહ ઊભા થઈ રહ્યા છે. ઘણા આ રૅલીને હર્ષદ મહેતાના સમય સાથે અને ડૉટકૉમના સમય સાથે સરખાવીને અત્યારના વૅલ્યુએશન સામે પ્રશ્ન કરી રહ્યા છે. હાલ AIની રૅલી કહેવાય છે, પરંતુ એ પણ બબલ થવાના ભયની લાગણી સતત ફેલાઈ રહી છે. જોકે સુવિખ્યાત માર્કેટ-એક્સપર્ટ પ્રશાંત જૈન કહે છે કે આ વખતની બુલ રૅલીનાં વૅલ્યુએશન અગાઉના સમય જેવાં નથી. હાલનાં વૅલ્યુએશન વાજબી સ્તરે ગણાય એવાં છે. જોકે પ્રશાંત જૈન આ મામલે લાર્જકૅપ સ્ટૉક્સને જ બહેતર માને છે, બાકી સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં સાવચેતી રાખવાની સલાહ આપે છે. માર્કેટની વિવિધ સાઇકલમાં સાક્ષી એવા પ્રશાંત જૈનના મતે લાર્જકૅપ સ્ટૉક્સ આગામી ત્રણેક વર્ષ ૧૧થી ૧૨ ટકા વળતર આપશે.

US વિશે ચિંતા ખરી, પણ...

હાલમાં US માર્કેટ સામે પણ સંદેહ ઊભા થતા રહે છે. AI બબલ હાલ તીવ્ર ચિંતાનો વિષય છે, જેને પરિણામે US માર્કેટ ભારે કરેક્શનમાં જઈ શકવાની સંભાવના ઊભી છે. જો ખરેખર US માર્કેટ હેવી કરેક્શનમાં ગયું તો એની વિપરીત અસર ભારતીય માર્કેટ પર પડ્યા વિના રહે નહીં. જોકે આ અસર ટૂંકા ગાળાની રહી શકે, જેના અનુભવ અગાઉની ક્રાઇસિસમાં જોવા મળ્યા છે. અલબત્ત, US માર્કેટ-કરેક્શનને લીધે અહીં ફૉરેન રોકાણકારોની વેચવાલી પણ વધી તો માર્કેટને ટેકો આપી શકે એવી સ્થાનિક ખરીદીનો આધાર મળી રહેવાની આશા પણ ઊભી છે. હાલમાં તો આ મામલે અનિશ્ચિતતા ગણાય. બીજી બાજુ ભારતમાં IPOને લીધે નવી ઇક્વિટીઝ માર્કેટમાં આવતી જાય છે, જે નવી તક ગણી શકાય. જોકે આ સાથે IPOના પ્રવાહ સામે પણ ચેતવા જેવું ખરું. દરમ્યાન US ફેડરલ રિઝર્વ આ મહિનામાં રેટ-કટ કરવાનું છે એવા અહેવાલ વચ્ચે વિદેશી રોકાણનો પ્રવાહ ભારતીય માર્કેટમાં આવવાની આશા વધી છે. જ્યારે રિઝર્વ બૅન્કનો રેટ-કટ અહીં વપરાશ, માગ અને પ્રવાહિતા વધારે એવી શક્યતા પાકી છે. એને લઈને બૅન્ક સ્ટૉક્સ પણ કૂદકા મારી રહ્યા છે.

ઉત્સાહનો અતિરેક ન કરવો

આ સમયમાં બજાર ભલે ઐતિહાસિક નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું હોય, પરંતુ રોકાણકારોએ  ઉત્સાહના અતિરેકમાં તણાઈ જવાથી દૂર રહેવું જોઈશે. બજારની આ ઊંચાઈ પાછળ દોડવાને બદલે સિલેક્ટેડ બની રહેવું પડશે. ખાસ કરીને ફિયર ઑફ મિસિંગ આઉટ એટલે કે રહી જવાના ભયની માનસિકતા ટાળવી જોઈશે. જો કૉર્પોરેટ અર્નિંગ્સનો સુધારો ચાલુ રહેશે, રેટ-કટ આવશે અને ગ્લોબલ પ્રેશર બહુ ભારે નહીં રહે તો માર્કેટની બીજી રૅલી ૨૦૨૬ના મધ્યમાં જોવા મળી શકે છે. સરકાર તરફથી આર્થિક સુધારાનાં પગલાં ચાલુ રહ્યાં છે એ સારી નિશાની ગણાય. નવા લેબર કોડની અસરો હવે પછી જોવા મળશે. હવે પછી માર્કેટ માટે US સાથેની વેપાર-ડીલ ફાઇનલ થવાની ઘટના એક મહત્ત્વનું ટ્રિગર બની શકશે.

આગામી સમયમાં વન સાઇડ રૅલીની શક્યતા નકારતો એક્સપર્ટ વર્ગ એમ પણ કહે છે કે આ સમયમાં માર્કેટ કન્સોલિડેશનમાં રહેશે જેને ધ્યાનમાં રાખીને લાર્જકૅપ સ્ટૉક્સ વધુ સેફ માની શકાય. મિડકૅપમાં સિલેક્ટિવ બનવું જરૂરી બનશે. નિફ્ટી ૨૬,૫૦૦થી લઈને ૨૬,૮૦૦ સુધી જવાની ધારણા મુકાઈ રહી છે. પ્રૉફિટ-બુકિંગ આવતું રહેશે, જે આવકાર્ય પણ છે. અમુક અંશે વૉલેટિલિટી પણ રહેશે.

વિકાસની મજબૂતી

ભારતનો GDP વૃદ્ધિદર ચાલુ વર્ષના બીજા ક્વૉર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) ૮.૨ ટકા જેવો ઊંચો હાંસલ થયો છે જે ધારણા કરતાં વધુ છે એટલું જ નહીં, US ટૅરિફ વિવાદના સમયમાં પણ ઊંચો ગયો છે. આ બાબત ગ્લોબલ સ્તરે વિપરીત સંજોગોમાં પણ ભારતીય અર્થતંત્રની મજબૂતીનો નક્કર પુરાવો ગણાય. આ પરિબળ માર્કેટને નવું બળ આપશે. 

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

ગ્લોબલ કંપની જેપી મૉર્ગને ભારતીય ઇક્વિટી માટે ઊંચો આશાવાદ બાંધ્યો છે અને ૨૦૨૬ના અંત સુધીમાં નિફ્ટી માટે ૩૦,૦૦૦નો અંદાજ મૂક્યો છે.

ICICI પ્રુડેન્શિયલ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીને IPO લાવવા માટે નિયમન સંસ્થા સેબીની મંજૂરી મળી ગઈ છે. કંપની ડિસેમ્બરના મધ્યમાં ઇશ્યુ લાવવા ધારે છે અને એનું વૅલ્યુએશન ૧૨થી ૧૨.૫ અબજ ડૉલરનું મુકાય છે.

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૭ લાખ કરોડ રૂપિયાની ખરીદી કરી છે જે ૨૦૨૪માં ૫.૨૫ લાખ કરોડ રૂપિયાની કરવામાં આવી હતી.

નિયમન સંસ્થા સેબી ડુપ્લિકેટ શૅર્સ મેળવવા માટેની વિધિ સરળ બનાવવાનો પ્રસ્તાવ ધરાવે છે, જેનાથી શૅરધારકોને રાહત થશે.

ગ્લોબલ કંપની જેફરીઝની ભલામણ અને ટિપ્પણી બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર શુક્રવારે બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટી (૧૫૮૧ રૂપિયા)એ પહોંચી ગયો હતો. જેફરીઝે રિલાયન્સની કામગીરી ૨૦૨૬માં વધુ બહેતર રહેવાની ધારણા જાહેર કરી છે. વીતેલા સપ્તાહમાં એક નોંધનીય ઘટનામાં MCXના શૅરનો ભાવ ૧૦,૦૦૦ રૂપિયાને પાર કરી ગયો હતો.

વિશેષ ટિપ

રોકાણ વિશેની સૌથી મોટી ભૂલ ઇન્ફર્મેશનલ કે ઍનૅલિટિકલ પરિબળોમાંથી થતી નથી, પણ સાઇકોલૉજિકલ પરિબળથી સર્જાય છે. રોકાણકારોનો સ્વભાવ, માનસિકતા અને બિહેવિયર પૅટર્ન તેમના ઇન્વેસ્ટમેન્ટ નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

business news sensex nifty share market stock market reserve bank of india united states of america jayesh chitalia