બજારમાં તેજીનું અનુષ્ઠાન જારી, સેન્સેક્સ સફળતાથી ૬૧ની પાર

15 October, 2021 04:33 PM IST  |  Mumbai | Anil Patel

ઑટોમાં બુધવારની તેજી ગુરુવારે ગાયબ, મેટલ ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

એચડીએફસી-ટ્વિન્સની તેજી બજારને ૨૫૬ પૉઇન્ટ ફળી : બૅન્ક નિફ્ટી અવિરત નવા શિખરે, આઇટીમાં ભારે ઊથલપાથલઃ ઑટોમાં બુધવારની તેજી ગુરુવારે ગાયબ, મેટલ ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ : લિસ્ટિંગ પછી ઘટાડાની હૅટટ્રિક બાદ આદિત્ય બિરલા સનલાઇફ સુધર્યા : પારસ ડિફેન્સ બેતરફી સર્કિટના ખેલ બાદ ઊચકાયો : અદાણી ગ્રુપ એકંદર મજબૂત, મુકેશ અંબાણીના મીડિયા શૅરોમાં કરન્ટ : ડોમ્બિવલીની બીઈડબ્લ્યુ એન્જિનિયરિંગ મહિનામાં ૫૮માંથી ૩૭૦ રૂપિયા

શૅરબજારે તેજીનું અનુષ્ઠાન જારી રાખતાં ગુરુવારે એક વધુ સોપાન સર કરી ૫૬૯ પૉઇન્ટની આગેકૂચમાં ૬૧૩૦૬ તથા નિફ્ટી ૧૭૭ પૉઇન્ટ ઊચકાઈને ૧૮૩૩૮ ઉપર બંધ આવ્યા છે. આ સાથે સ્મૉલ કૅપ, મિડ કૅપ તેમ જ બીએસઈ-૫૦૦ પણ નવા સર્વોચ્ચ શિખરે પહોંચ્યાં છે. ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ પોણો ટકો ડાઉન હતો. એ સિવાય બજારના તમામ સેક્ટોરલ પૉઝિટિવ ઝોનમાં બંધ થયા છે. બૅન્કિંગ, ફાઇનૅન્સ, મેટલ, રિયલ્ટી તેમ જ કૅપિટલ ગુડ્ઝ જેવા બેન્ચમાર્ક માર્કેટ આઉટ પર્ફોર્મર હતા. આઇટીસી સાડાચાર ગણા વૉલ્યુમમાં ૨૬૨ની મલ્ટિયર ટૉપ બનાવી ૨.૯ ટકા વધી ૨૫૬ દેખાયો છે. લાર્સન ૧૮૧૮ના નવા શિખર બાદ બે ટકા વધી ૧૭૮૯ હતો. રિલાયન્સ નજીવા સુધારે ૨૭૦૦ નજીક ગયો છે. દિવાળી પહેલાં પ્રાઇમરી માર્કેટ ધમધમી ઊઠવાનાં એંધાણ છે. સંખ્યાબંધ ભરણાં કતારમાં કહેવાય છે. નબળા લિસ્ટિંગ બાદ ઘટાડાની હૅટટ્રિક પછી આદિત્ય બિરલા સનલાઇફ ગઈ કાલે પોણાત્રણ ટકા વધી ૬૯૬ બંધ થયો છે. પારસ ડિફેન્સ બે દિવસની મંદીની સર્કિટ બાદ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં પાંચ ટકા ગગડી ૫૭૨ થઈ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૩૩ બંધ આવ્યો છે. મુંબઈના ડોમ્બિવલીની બીઈડબ્લ્યુ એન્જિનિયરિંગનો શૅર ૫૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા એસએમઈ આઇપીઓનું લિસ્ટિંગ ૧૬ સપ્ટેમ્બરના રોજ ગત મહિને થયું હતું. શૅર એકધારી ઊપલી સર્કિટની હારમાળામાં ગઈ કાલે પાંચ ટકા વધી ૩૭૦ નજીક નવી વિક્રમી સપાટીએ બંધ આવ્યો છે. એક જ મહિનામાં ૫૩૭ ટકાનું રિટર્ન, શુક્રવારે બજાર દશેરા નિમિત્તે બંધ છે.

આઇટી ઇન્ડેક્સમાં ૧૯૧૨ પૉઇન્ટની વધઘટ, વિપ્રો તેજી સાથે નવી ટોચે

ઇન્ફોસિસ, વિપ્રો તથા માઇન્ડટ્રીના બહેતર પરિણામની અસર વચ્ચે ગુરુવારે આઇટી ઇન્ડેક્સમાં ખાસ્સી બેતરફી વધઘટ જોવા મળી છે. ૩૪૭૯૮ના આગલા બંધ સામે ગઈ કાલે બીએસઈનો આઇટી ઇન્ડેક્સ ૯૯૬ પૉઇન્ટ ઊચકાઈ ૩૫૭૯૪ થયો હતો ને ત્યાંથી ધીમા ઘસારામાં ૩૪૮૭૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. મતલબ કે ૧૯૧૨ પૉઇન્ટની ઊથલપાથલ થઈ ઇન્ડેક્સ છેલ્લે ૨૪૬ પૉઇન્ટ જેવા સાધારણ સુધારામાં ૩૫૦૪૫ બંધ રહ્યો છે. એના ૬૦માંથી ૪૨ શૅર પ્લસ હતા. માઇન્ડટ્રી ત્રણ ગણા કામકાજમાં ૪૯૩૭ની ઑલ ટાઇમ હાઈ બનાવી ૭.૬ ટકાના ઉછાળે ૪૬૯૩ બંધ આવ્યો છે. વિપ્રો ચાર ગણા વૉલ્યુમમાં ૭૪૦ નજીક બેસ્ટ લેવલ હાંસલ કરી ૫.૨ ટકાના જમ્પમાં ૭૦૭ ઉપર હતો. ઇન્ફી ૧૭૦૯ નજીકના આગલા બંધ સામે ઉપરમાં ૧૭૮૪ વટાવી ગયા પછી પ્રૉફિટ-બુકિંગના જોરમાં ૧૬૯૮ થઈ અંતે સાધારણ સુધારે ૧૭૧૫ જોવાયો છે. એચસીએલ ટેક્નોના રિઝલ્ટ ગુરુવારે બંધ બજારે આવવાના હતા. ભાવ દોઢા વૉલ્યુમે ઉપરમાં ૧૨૯૩ થયા બાદ નીચામાં ૧૨૪૪ બતાવી સવા ટકાની નબળાઈમાં ૧૨૫૧ નોંધાયો છે. ટીસીએસ પણ સવા ટકાના ઘટાડે ૩૬૧૧ થયો છે. ટેક મહિન્દ્રાના રિઝલ્ટ ૨૫ ઑક્ટોબરે છે. શૅર ગઈ કાલે બે ટકા વધી ૧૪૩૦ હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પોણાબે ગણા વૉલ્યુમમાં ૪૨૮૯ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી સાડાપાંચ ટકાની મજબૂતીમાં ૪૨૨૦ હતો. લાર્સન ઇન્ફોટેકના પરિણામ ૧૮મીએ છે. કંપની ઇન્ટરિમ જાહેર કરવાની છે. રેકૉર્ડ ડેટ ૨૬ ઑક્ટોબર છે. શૅર ગુરુવારે અઢી ટકા વધી ૬૦૯૮ હતો. લાર્સન ટેક્નૉલૉજીસ ૨.૭ ટકાની આગેકૂચમાં ૪૮૧૯ હતો. એના રિઝલ્ટ ૧૯મીએ છે અને ઇન્ટરિમની રેકૉર્ડ ડેટ ૨૭ ઑક્ટોબર છે. સિએન્ટના પરિણામ તથા ઇન્ટરિમ બજાર બંધ થયા પછી આવવાના હતા. શૅર ૧૧૭૨ની વિક્રમી સપાટી દેખાડી ૭.૩ ટકાના ઉછાળે ૧૧૫૮ હતો. કોફોર્જ ૪.૮ ટકા, ફર્સ્ટસોર્સ ૪.૯ ટકા, માસ્ટેક ૪.૧ ટકા અને ઇન્ટલેક્ટ ડિઝાઇન ૨.૮ ટકા અપ હતા. સામે નજારા ટેક્નૉલૉજી જે ૧૧ ઑક્ટોબરે ૩૩૫૪ની સર્વોચ્ચ સપાટી બાદ સતત નીચલી સર્કિટે ગઈ કાલે ૨૭૪૬ની અંદર જઈ ચાર ટકા ગગડી ૨૭૭૨ હતો. બ્રાઇટકોમ જે બુધવારે ઇન્ટ્રા-ડેમાં ૯૦ની વિક્રમી સપાટી બાદ પાંચ ટકા ગગડ્યો હતો એ ગઈ કાલે વધુ એક મંદીની સર્કિટમાં ૭૮ની નીચે બંધ આવ્યો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં માંડ ૧૦ ટકાનું પણ ન હતું.

પરિણામના આશાવાદ કામે લાગતાં એચડીએફસી બૅન્ક નવા શિખરે

એચડીએફસી બૅન્કના ત્રિમાસિક પરિણામ ૧૬ ઑક્ટોબરે છે. બૅન્ક સારી કામગીરી સાથે ૧૮ ટકા જેવા વૃદ્ધિદરમાં ૮૮૯૦ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવશે એવા અંદાજ વહેતાં થતાં શૅર ૧૬૯૦ના નવા બેસ્ટ લેવલે જઈ ૨.૯ ટકા વધી ૧૬૮૬ બંધ થયો છે. એચડીએફસી દોઢ ટકા વધી ૨૮૦૮ હતો. આ બંને શૅરની મજબૂતીથી બજારને ૨૫૬ પૉઇન્ટનો લાભ થયો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૪ ટકા ઊચકાઈને ૭૨૭ રૂપિયા, સ્ટેટ બૅન્ક ૪૯૪ નજીક નવું શિખર મેળવી ૧.૯ ટકા વધી ૪૯૦ રૂપિયા, ઇન્ડ્સઇન્ડ બપૅન્ક ૨.૨ ટકા વધી ૧૨૧૦ રૂપિયા બંધ હતા. ઍક્સિસ બૅન્ક એક ટકા તો કોટક બૅન્ક અડધો ટકો પ્લસ હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની બૅન્ક ૫.૭ ટકાની આગેકૂચમાં ૬૩ નજીક નવી ટોચે બંધ આવી છે. કૅનેરા બૅન્ક ૩.૭ ટકા, પીએનબી ૨.૭ ટકા, સિટી યુનિયન બૅન્ક સવા ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૧ ટકા, યુનિયન બૅન્ક એક ટકા અપ હતા. 

બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈનો સિલસિલો જાળવી રાખતાં ૩૯૩૭૫ થઈ ૭૦૫ પૉઇન્ટ કે ૧.૮ ટકાની આગેકૂચમાં ૩૯૩૪૧ બંધ હતો. એની ડઝનમાંથી આઠ જાતો પ્લસ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી ૯ શૅરના ઘટાડે પોણાબે ટકા વધ્યો છે. બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૮૮૬૫ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૦૩માંથી ૪૫ શૅરના સુધારામાં દોઢ ટકા વધી ૮૮૫૪ બંધ હતો. બજાજ ફાઇનૅન્સ પોણો ટકો ઘટી ૭૮૬૦ તો બજાજ ફિનસર્વ ૧.૮ ટકા વધીને ૧૮૫૨૦ બંધ હતા. પાવર ફાઇનૅન્સ કૉર્પો. છ ગણા કામકાજમાં ૧૫૩ની નવી ટૉપ બાદ ૪.૫ ટકા વધી ૧૪૯ હતો. પીટીસી ઇન્ડિયા ફાઇ. ૫.૨ ટકા, આરઈસી ત્રણ ટકા, લાર્સન ફાઇનૅન્સ ૧.૯ ટકા, એમસીએક્સ બે ટકા પ્લસ હતા. શ્રેઇ ઇન્ફ્રામાં પાંચ ટકાની મંદીની સર્કિટ ચાલુ જ છે. રિલાયન્સ કૅપિટલ ૪ ટકા, ચોલા મંડલમ અઢી ટકા, આદિત્ય બિરલા મની અઢી ટકા, સેન્ટ્રુમ કૅપિટલ ત્રણ ટકા, ઇક્વિટાસ હોલ્ડિંગ્સ ૧.૪ ટકા, મેક્સ ઇન્ડિયા ૨.૬ ટકા, મોતીલાલ ઓસવાલ ૧.૮ ટકા ડાઉન હતા. પીએનબી હાઉસિંગ સવા ટકો ઘટી ૬૪૧ બંધ થયો છે. એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ પણ એકાદ ટકાના ઘટાડે ૪૪૩ નજીક રહ્યો છે.

આઇઆરસીટીસી ૬૬૬ના જમ્પમાં ૫૫૯૪ રૂપિયાની વિક્રમી સપાટી...

આઇઆરસીટીસી અર્થાત ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પો મારફાડ તેજીની ચાલમાં ૪૯૨૮ના આગલા બંધ સામે ૬૬૬ રૂપિયા ઊછળી ૫૫૯૪ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૧ ટકા કે ૫૩૯ રૂપિયાની મજબૂતીમાં ૫૪૬૭ બંધ થયો છે. ૧૦ના શૅરમાં બે રૂપિયામાં વિભાજનની રેકૉર્ડ ડેટ ૨૯ ઑક્ટોબર છે. રેલ વિકાસ નિગમ દોઢ ટકા વધી ૩૦ રૂપિયા તથા રેલટેલ કૉર્પોરેશન અડધો ટકો વધી ૧૩૪ બંધ હતા. કેકેવી ઍગ્રો પાવર ચાર શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે એક્સ બોનસ થયો છે. જોકે ૧૦૬૬ નજીકના આગલા બંધ પછી અહીં કોઈ સોદા ગઈ કાલે પડ્યા નથી. એક્સ બોનસ રેટ ૮૬૨ નક્કી થયો છે. બોરોસીલ સતત પાંચમા દિવસે વધી ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૭૬ રૂપિયાની નવી ટોચે બંધ હતો. ફેસ વૅલ્યુ એકની છે. મુકેશ અંબાણી ગ્રુપની નેટવર્ક ૧૮ છેલ્લા કેટલાક દિવસથી ધમાલમાં છે. ભાવ ગઈ કાલે ૮૧ની નવી ટૉપ બનાવી ૧૪.૪ ટકાની તેજીમાં ૭૯ નજીક રહ્યો છે. તો ટીવી ૧૮ બ્રોડકાસ્ટ સવાચાર ટકા વધી ૪૬ નજીક ગયો છે. હૅથવે કેબલ બે ટકા પ્લસ હતો. સરકારી કંપની એમએસટીસી જેનો ભાવ ચાર દિવસ પહેલાં ૩૪૦ હતો એ સતત સુધારામાં ગઈ કાલે ૪૭૧ના નવા શિખરે જઈ ૧૦.૯ ટકાની તેજીમાં ૪૫૯ બંધ આવ્યો છે. ભારત અર્થમૂવર ૧૬૮૦ની નવી ટોચ બતાવી નવેક ટકા વધી ૧૬૫૯ થયો છે. લક્ષ્મી મશીન સાત ગણા વૉલ્યુમે ૯૧૬૦ની સર્વોચ્ચ સપાટી બાદ સવાઆઠ ટકા કે ૬૮૧ રૂપિયાના જમ્પમાં ૮૯૭૫ બંધ રહ્યો છે. અદાણી ગ્રુપમાં અદાણી પોર્ટ્સ સાત ટકાની તેજીમાં ૮૧૨, અદાણી એન્ટર પાંચ ટકા વધી ૧૬૪૬, અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૧૨, અદાણી ટ્રાન્સમિશન્સ સાધારણ ઘટાડે ૧૬૭૭, અદાણી ગ્રીન એક ટકો વધી ૧૨૦૬ તથા અદાણી ટોટલ નજીવા ઘટાડે ૧૪૪૦ બંધ હતા. ડીમાર્ટ ફેમ એવન્યુ સુપર માર્ટ ચાર ટકા કે ૨૦૭ રૂપિયા વધી ૫૩૩૦ નજીક બંધ હતો. વીટુરીટેલ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૯૩, વીમાર્ટ અઢી ટકા વધી ૪૩૧૧ તથા શૉપર્સ સ્ટૉપ બે ટકા વધી ૨૭૮ બંધ હતા. ફ્યુચર ગ્રુપના શૅર એકથી ત્રણ ટકા ડાઉન હતા.

business news