31 October, 2025 08:49 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
વેઇટલૉસની દવા સામે કૅનેડાની નોટિસના પગલે ડૉ. રેડ્ડીઝ લૅબ નિફ્ટીમાં ટૉપ લૂઝર બની, શૈલી એન્જિનિયરિંગ ૧૦ ટકા લથડી ઃ AGR ડ્યુના મુદ્દે સુપ્રીમ કોર્ટનો અનુરોધ પોકળ નીવડતાં વોડાફોનની આગેવાનીમાં ટેલિકૉમ શૅર કપાયા ઃ પરિણામની પૂર્વસંધ્યાએ વેદાન્તા નરમ, ભારત પેટ્રોલિયમ નવી ટૉપ બનાવી મજબૂત ઃ સેજિલિટી બહેતર રિઝલ્ટના પગલે નવા બેસ્ટ લેવલે, LIC હાઉસિંગ નીરસ કામગીરીમાં ખરડાયો ઃ સેફક્યૉરમાં ૨૧વાળું પ્રીમિયમ ગગડીને ઝીરો થઈ ગયું
ફેડ-રેટમાં ધારણા મુજબ ૦.૨૫ ટકાનો ઘટાડો આવી ગયો છે, પરંતુ ચાલુ વર્ષનો ત્રીજો રેટ-કટ હવે ડિસેમ્બરમાં આવશે કે નહીં એ સવાલને અમેરિકન ફેડ તરફથી અધ્ધરતાલ રખાયો છે. સરવાળે અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ જે ઇન્ટ્રા-ડેમાં ૪૮,૦૪૦ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો એ છેવટે ૭૪ પૉઇન્ટ ઘટીને ૪૭,૬૩૨ બુધવારે બંધ થયો છે. નૅસ્ડૅક ૨૪૦૨૦ના બેસ્ટ લેવલ બાદ અડધો ટકો વધી ૨૩૯૫૮ બંધ રહ્યું છે. એક વધુ મહત્ત્વની ઘટનામાં એઆઇ ચિપ મૅન્યુફૅક્ચરિંગ ટેક્નૉલૉજી કંપની એનવિડિયાનો શૅર ૨૧૨ ડૉલરની લાઇફટાઇમ હાઈ બનાવી ત્રણ ટકા વધી ૨૦૭ ડૉલર પર બંધ રહેતાં કંપનીનું માર્કેટકૅપ ૫.૦૪ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે. ચાર મહિનામાં જ આ કંપની ચાર લાખ કરોડ ડૉલરમાંથી પાંચ લાખ કરોડ ડૉલરની કંપની બની ગઈ છે. બાય ધ વે, આપણી ઇન્ડિયન ઇકૉનૉમીની સાઇઝ માંડ ૪.૧૯ લાખ કરોડ ડૉલરની છે.
દરમ્યાન ટ્રમ્પ હમણાં ચાઇના સાથે ચક્કર ચલાવવાના મૂડમાં છે. જિન પિંગનાં વખાણે ચડ્યા છે. ચાઇના પરની ટૅરિફ ઘટાડવાની જાહેરાત આવી ચૂકી છે. સામા પક્ષે ચીન દ્વારાય રૅર અર્થ પરના નિકાસ અંકુશ હળવા કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ નવો પ્રેમ ક્યાં સુધી જાય છે એ જોવું રહ્યું. રેકૉર્ડ રૅલી પછી ગુરુવારે મોટા ભાગનાં એશિયન બજાર ફરી ઢીલાં થયાં છે. જપાન ૫૧૬૫૭ની નવી ટૉપ બનાવી સાધારણ વધી ૫૧૪૫૯ હતું. સાઉથ કોરિયા ૪૧૪૭ના બેસ્ટ લેવલે જઈ નહીંવત્ સુધારામાં ૪૦૮૭ થયું છે. ઇન્ડોનેશિયા સાધારણ પ્લસ હતું. તાઇવાન અને થાઇલૅન્ડ સાવ નજીવા, હૉન્ગકૉન્ગ અને સિંગાપોર સાધારણ તથા ચાઇના પોણો ટકો નરમ હતું. બિટકૉઇન ૧,૧૦,૯૪૩ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટક્રૂડ અડધો ટકો ઘટીને ૬૪ ડૉલર દેખાયું છે. યુરોપ રનિંગમાં અડધા ટકા સુધી માઇનસ હતું.
ઘરઆંગણે સેન્સેક્સ ૮૫,૦૦૦ અને નિફ્ટી ૨૬,૦૦૦ થયા બાદ ઢીલા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઈ કાલે બજાર આગલા બંધથી ૨૪૬ પૉઇન્ટ જેવું નરમ, ૮૪,૭૫૧ ખૂલી છેવટે ૫૮૩ પૉઇન્ટની નરમાઈમાં ૮૪,૭૫૧ ખૂલી છેવટે ૫૯૩ પૉઇન્ટની નરમાઈમાં ૮૪,૪૦૪ અને નિફ્ટી ૧૭૬ પૉઇન્ટ ઘટીને ૨૫,૭૭૮ બંધ આવ્યો છે. શરૂઆતથી અંત સુધી માઇનસ ઝોનમાં રહેલી માર્કેટમાં શૅરઆંક ઉપરમાં ૮૪,૯૦૭ અને નીચામાં ૮૪,૩૧૨ દેખાયો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૨૧ શૅરની સાથે ૧૭૪૮ જાતો ઘટી હતી. માર્કેટકૅપ ૨.૦૩ લાખ કરોડના ઘટાડે ૪૭૨.૩૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. PSU બૅન્ક નિફ્ટી ૮૧૪૩ના શિખરે જઈ સાધારણ ઘટાડે ૮૦૫૯ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ અઢી ટકા, ટેક્નૉલૉજી એક ટકો, મેટલ અડધો ટકો ડાઉન હતો. FMCG, નિફ્ટી ફાર્મા, હેલ્થકૅર, ફાઇનૅન્સ, આઇટી બૅન્ક નિફ્ટી અડધા ટકા આસપાસ ઘટ્યા છે.
ફાઇનોટેક્સ કેમિકલ્સ એક શૅરદીઠ ચાર બોનસ તથા બેના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં આજે શુક્રવારે એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે સાધારણ ઘટીને ૨૪૮ બંધ થયો છે. GK વાયર્સ બેના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ઉપરમાં ૩૫ વટાવી ૩૪ નજીક યથાવત્ હતો.
સ્ટડ્સનો ઇશ્યુ પ્રથમ દિવસે દોઢ ગણો ભરાયો, પ્રીમિયમ વધીને ૬૫ રૂપિયા
ગઈ કાલે હેલ્મેટ બનાવતી સ્ટડ્સ ઍક્સેસેસરીઝનો પાંચના શૅરદીઠ ૫૮૫ની અપરબૅન્ડ સાથે ૪૫૫ કરોડ પ્લસનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ દોઢ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૬૫ જેવું છે. MTR ફૂડ્સવાળી ઓર્કલા ઇન્ડિયાનો એકના શૅરદીઠ ૭૩૦ના ભાવનો ૧૬૬૭ કરોડથી વધુનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨.૭ ગણો ભરાઈ ચૂક્યો છે. પ્રીમિયમ ૬૬ રૂપિયા આસપાસ ચાલે છે. મીરા રોડ ખાતેની સેફક્યૉર સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૩૦૬૦ લાખનો BSE SME ઇશ્યુ પણ બીજા દિવસના અંતે કુલ ૧.૩ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ જે ૨૧ ચાલતું હતું એ હાલમાં રીતસર ઝીરો થઈ ગયું છે. આ બન્ને ભરણાં શુક્રવારે બંધ થશે. જ્યારે નવી દિલ્હીની ગેમ ચેન્જર્સ ટેક્સફૅબનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડવાળો ૫૪૮૪ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ સવાગણો ભરાઈને પૂરો થયો છે. પ્રીમિયમ પહેલેથી નથી. દરમ્યાન ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મ કંપની બિલ્યન બ્રેઇન્સ ગૅરેજ વેન્ચર્સ બેના શૅરદીઠ ૧૦૦ની અપર બૅન્ડ સાથે ૫૫૭૨ કરોડની OFS સહિત કુલ ૬૬૩૨ કરોડનો ઇશ્યુ લઈ ૪ નવેમ્બરે મૂડીબજારમાં આવવાની છે. પ્રીમિયમ ૧૦થી શરૂ થયા બાદ હાલમાં ૧૧ જેવું બોલાય છે.
વૅલ્યુએશનના ભારે વિવાદ વચ્ચે લેન્સકાર્ટ આજે મૂડીબજારમાં
આઇવેટ સેગમેન્ટમાં પ્રવૃત્ત નવી દિલ્હી ખાતેની લેન્સકાર્ટ સૉલ્યુશન્સ બેના શૅરદીઠ ૪૦૨ રૂપિયાની અપરબૅન્ડ સાથે કુલ ૭૨૭૮ કરોડના ભરણા સાથે આજે મૂડીબજારમાં પ્રવેશ કરશે. એમાંથી ૫૧૨૮ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સ તેમ જ અન્ય પ્રી-IPO ઇન્વેસ્ટર્સના ઘરમાં જવાના છે. કંપની છેલ્લાં ત્રણમાંથી માત્ર એક વર્ષ જ નેટ નફામાં રહી હોવાથી ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા રાખવો પડ્યો છે. રીટેલ પોર્શન ૧૦ ટકા છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૨૫ ટકાના વધારામાં ૭૦૦૯ કરોડની આવક પર અગાઉના વર્ષની ૧૦ કરોડ પ્લસની નેટ લૉસ સામે ૨૯૭ કરોડ નેટ નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ૧૯૪૬ કરોડની આવક તથા ૬૧ કરોડ જેવો નેટ પ્રૉફિટ કંપનીએ દર્શાવ્યો છે. દેવું ૩૩૫ કરોડનું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૩૩૬ કરોડથી વધીને ૩૪૭ કરોડ જેવી થશે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૩૫નો PE સૂચવે છે. જ્યારે ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનાની કમાણીને વાર્ષિકમાં ફેરવી પોસ્ટ ઇશ્યુ ઇક્વિટીના સંદર્ભમાં જોઈએ તો PE ૨૮૫ જેટલો અતિ ઊંચો આવે છે. ઇશ્યુ બાદ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ સાડાસત્તર ટકા રહેશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૭૫થી થઈ હતી. રેટ ઉપરમાં ૧૦૮ થયા બાદ ઘટતો રહીને ૪૮ થઈ ગયા પછી હાલમાં વધીને ૬૬ આસપાસ છે.
લેન્સકાર્ટનો ઇશ્યુ એના વૅલ્યુએશનને લઈને ભારે વિવાદમાં છે. કેટલાક જાણકારો માને છે કે આ બીજો Paytm પુરવાર થશે. ત્રણેક મહિના પૂર્વે પ્રમોટર્સ બંસલ દ્વારા ૨૦૦ કરોડની બૅન્ક-લોન લઈ કુલ ૨૨૨ કરોડ રૂપિયામાં ૪૨૬ લાખ શૅરને બાયબૅક કરવામાં આવ્યા હતા. ત્યારે વૅલ્યુએશન ૮૭૦૦ કરોડ રૂપિયા નિર્ધારાયું હતું. હવે ત્રણ જ મહિનામાં આશરે ૭૦,૦૦૦ કરોડના વૅલ્યુએશનથી કંપની IPO લાવી રહી છે. મતલબ કે ત્રણ મહિનામાં જ પ્રમોટર્સ ૧૬૦૦ કરોડનો નફો તારવી લેશે. કંપનીના કુલ ૨૭૨૩ સ્ટોર્સ ચાલે છે. એમાંથી ૨૦૬૭ સ્ટોર્સ ભારતમાં છે. બાકીના વિદેશમાં છે. આમાંથી કંપનીના ખુદના સ્ટોર્સની સંખ્યા ૧૬૫૭ની છે. ૭૦,૦૦૦ કરોડના વૅલ્યુએશન પ્રમાણે એક સ્ટોર્સની વૅલ્યુ લગભગ ૪૦ કરોડ રૂપિયા જેવી આવે છે. આ દુકાનો કાચનાં ચશ્માં વેચે છે કે ડાયમન્ડ લેન્સ વેચે છે? ઇશ્યુમાં ઑફર ફૉર સેલ મારફત ભાઈ-બહેન પીયૂષ બંસલ અને નેહા બંસલ ૮૨૫ કરોડ રૂપિયા ઘરભેગા કરવાનાં છે. કંપનીએ ગયા વર્ષે જે ૨૯૭ કરોડનો નફો બતાવ્યો છે એમાં ૩૫૧ કરોડની અધર ઇન્કમનો સિંહફાળો છે.
સારા રિઝલ્ટમાં લાર્સન નવું શિખર બતાવી સાધારણ સુધારામાં
વેઇટલૉસ માટે ડૉ. રેડ્ડીઝ લૅબની દવા (સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન) સામે કૅનેડિયન હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી રેગ્યુલેટરી ઇન્ક્વારી અને નોટિસ જાહેર થઈ હોવાના અહેવાલમાં ડૉ. રેડ્ડીઝ લૅબનો શૅર ગઈ કાલે નીચામાં ૧૧૮૦ થઈ ચારેક ટકા બગડી ૧૨૦૨ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. AGR ડ્યુ વિશે ફેરવિચારણા કરવા સુપ્રીમ કોર્ટ તરફથી સરકારને રજૂ થયેલો અનુરોધ ઘણો સીમિત હોવાનો ખ્યાલ આવતાં ટેલિકૉમ શૅર ગઈ કાલે કપાયા હતા. વોડાફોન બમણા કામકાજે નીચામાં સવાઆઠ થઈ ૭ ટકા ગગડી પોણાઆઠ રહી છે. ભારતી ઍરટેલ દોઢ ટકો બગડી ૨૦૬૮ બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની હતી. ઇન્ડસ ટાવર ૩.૪ ટકા તો ભારતી હેક્સાકૉમ ૩.૩ ટકા ડાઉન થઈ છે.
લાર્સન સારાં પરિણામ પાછળ ૪૦૬૨ની ઑલટાઇમ હાઈ બનાવી છ ગણા કામકાજે એકાદ ટકો સુધરી ૩૯૮૮ બંધ થયો છે. ભારત ઇલેક્ટ્રિક ૦.૭ ટકા, અલ્ટ્રાટેક અડધો ટકો તથા મારુતિ ૦.૩ ટકા સુધરી હતી. નિફ્ટી ખાતે કોલ ઇન્ડિયા દોઢ ટકો વધીને ૩૮૮ રહી છે. રિલાયન્સ એક ટકો ઘટીને ૧૪૮૮ બંધમાં બજારને ૮૯ પૉઇન્ટ નડી છે. HDFC બૅન્ક એક ટકો નરમ હતી. ઇન્ફોસિસ ૧.૧ ટકા, ટેક મહિન્દ્ર ૧.૩ ટકા, TCS ૦.૭ ટકા, વિપ્રો નહીંવત્ ઘટી છે. અન્યમાં પાવરગ્રિડ દોઢ ટકો, NTPC પોણો ટકો, બજાજ ફાઇનૅન્સ એક ટકો, બજાજ ફિનસર્વ એક ટકો, મહિન્દ્ર એક ટકો ઍક્સિસ બૅન્ક પોણો ટકો, સનફાર્મા પોણો ટકો, HDFC લાઇફ ૧.૯ ટકા, ઇન્ડિગો દોઢ ટકો, બજાજ ઑટો સવા ટકો નરમ હતા. સિપ્લાએ આવકમાં ૭ ટકાના વધારા સાથે પોણાચાર ટકા વધારામાં ૧૩૫૩ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૫૯૩થી ગગડી ૧૫૦૪ થઈ અઢી ટકા ગગડી ૧૫૪૦ બંધ આવ્યો છે. ગ્રાઇન્ડવેલ નોર્ટનનાં પરિણામ સારાં આવતાં સાડાસાત ગણા કામકાજે ઉપરમાં ૧૭૦૦ નજીક જઈને પોણાસાત ટકા કે ૧૦૫ રૂપિયાની મજબૂતીમાં એ ૧૬૭૮ વટાવી ગઈ છે.
તગડા નફાના જોરમાં ભેલ વૉલ્યુમ સાથે સાડાછ ટકા ઊછળી
સેજિલિટી ઇન્ડિયાએ આવકમાં ૨૫ ટકાના વધારા સામે ૮૪ ટકા વૃદ્ધિદરમાં ૩૦૧ કરોડ નેટ નફો મેળવતાં શૅર ૧૮ ગણા કામકાજે ૫૮ નજીક નવી ટૉપ બનાવી સાત ટકાની મજબૂતીમાં ૫૪ થયો છે. ચેન્નઈ પેટ્રો પરિણામની તેજી આગળ ધપાવતાં ૮૯૨ના શિખરે જઈ ૯.૨ ટકા ઊછળી ૮૮૪ બંધ હતો. પૉલિસી બાઝારનો નફો ૫૧ કરોડ નજીકથી વધી ૧૩૫ કરોડ આવતાં ભાવ ૭૭ ટકા ઊંચકાઈને ૧૮૪૩ રહ્યો છે. સરકારી કંપની ભેલનો નફો ૧૦૬ કરોડથી ઊછળી ૩૭૫ કરોડ થતાં શૅર નવ ગણા વૉલ્યુમે ૬.૪ ટકાની તેજીમાં ૨૬૧ હતો. યુનાઇટેડ બ્રુઅરીઝનો નફો ૬૫ ટકા ગગડી ૪૬ કરોડ રહેતાં ભાવ નીચામાં ૧૭૬૪ થઈ અઢી ટકા ઘટી ૧૭૯૨ બંધ થયો છે.
LIC હાઉસિંગે દોઢ ટકાના વધારામાં ૧૩૪૯ કરોડના નફા સાથે નીરસ કામગરી બજાવતાં શૅર ૩.૬ ટકા ખરડાઈ ૫૭૨ થયો છે. કેપ્રિ ગ્લોબલનો નફો ૯૭ કરોડથી વધી ૨૩૬ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૨૧૪ થઈ પ્રૉફિટ બુકિંગમાં સરી પડતાં પોણો ટકો બગડી ૨૦૭ રહ્યો છે. લક્ષ્મી ઑર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝનો નફો ૬૦.૭ ટકા ધોવાઈ ૧૧ કરોડ થયો છે. શૅર ૨.૭ ટકા ઘટીને ૧૯૮ થયો છે. ક્વેસકૉર્પનો નફો બે ટકા વધી ૫૧ કરોડ થયો છે. શૅર સુસ્ત પરિણામમાં અઢી ટકા ઘટીને ૨૪૫ બંધ આવ્યો છે.
વેઇટલૉસ માટે ડૉ. રેડ્ડીઝ લૅબનાં ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન પર શૈલી એન્જિનિયરિંગ બનાવે છે. એનો વિવાદ કૅનેડામાં જાગતાં શૈલીનો શૅર ગઈ કાલે ૧૨ ગણા વૉલ્યુમે નીચામાં ૨૧૧૬ થઈ ૧૦ ટકા કે ૨૫૭ રૂપિયા લથડીને ૨૨૯૭ બંધ થયો છે. શારદા ક્રૉપકેમ પરિણામ પાછળ નીચામાં ૮૬૬ બતાવી ૭.૫ ટકા ગગડી ૮૮૨ રહી છે. વેદાન્તા પરિણામની પૂર્વસંધ્યાએ ૧.૯ ટકા ઘટી ૫૦૭ હતી. ભારત પેટ્રોલિયમનાં રિઝલ્ટ આજે આવવાનાં છે. શૅર ગઈ કાલે ૩૬૦ની નવી ટૉપ બનાવી ૨.૭ ટકા વધી ૩૫૭ બંધ થયો છે.