26 October, 2026 10:11 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
અનેકવિધ પડકારો વચ્ચે બજારમાં નાણાપ્રવાહ ચાલુ રહ્યો છે, એકલા જિયોના IPOમાં ૭ લાખ કરોડ રૂપિયા જમા થયા, મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં અઢળક રોકાણ આવતું રહ્યું છે, વૈશ્વિક અનિશ્ચિતતા અને વૉલેટિલિટી વચ્ચે પણ આવું થઈ રહ્યું હોય તો એને મંદી કેમ કહેવાય? સમજવા માટે દૃષ્ટિકોણ બદલવો પડે
હાલ શૅરબજારને જોઈ આપણને સૌને લાગતું હશે કે માર્કેટમાં જોરદાર મંદી ચાલી રહી છે, પરંતુ જરા હટકે જોવાની કોશિશ કરીશું તો આ ખરેખર મંદી નથી. બજાર ઘટે છે, તૂટે છે એ વાત સાચી, પણ એને માત્ર મંદી ગણવી જોઈએ નહીં. ગ્લોબલ સિચુએશનને લીધે આ તૂટવા-ઘટવાનાં કારણો એટલાં બધાં ભેગાં થયાં કરે છે કે માર્કેટના હાથમાં કંઈ રહેતું નથી. દુનિયાનાં અન્ય બજારો પણ તૂટ્યાં છે અને તૂટી રહ્યાં છે. આ બધાંમાં ભારતીય બજાર કંઈક અંશે બહેતર છે, માનીએ તો અને સમજીએ તો. જો માત્ર મંદી હોત તો જિયોના પબ્લિક ઇશ્યુને આટલી જબરદસ્ત સફળતા મળી ન હોત. માત્ર જિયો જ નહીં, છેલ્લા ૩ મહિનામાં આવેલા કેટલાય IPOમાં નાણાં ઠલવાતાં રહ્યાં છે. આનો અર્થ એ થઈ શકે કે લોકો પાસે રોકાણ માટે નાણાં છે, નાણાં બજારમાં આવી પણ રહ્યાં છે. માત્ર બજારમાં જ નહીં, મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં પણ નાણાપ્રવાહ આવતો જ રહ્યો છે. અર્થાત રોકાણકારોને વૃદ્ધિની-વિકાસની આશા છે, ઇકૉનૉમીમાં વિશ્વાસ છે. મોંઘવારી વધી છે તો સામે એ પણ વિચારો કે એનાં કારણો શું માત્ર શૅરબજાર છે? નહીં. વૈશ્વિક કારણો છે જેનો ભોગ અનેક દેશો થયા છે. જે આપણી સૌની નજર સામે જાહેર છે. મોંઘવારી સામે ઇક્વિટીઝનું રોકાણ તો ઢાલ બનતું હોય છે, પણ લાંબા ગાળા માટે હોવું જોઈએ. દેશનાં નાનાં શહેરોમાંથી પણ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં આવી રહેલો રોકાણપ્રવાહ આનો સંકેત છે. વિદેશી રોકાણનો પ્રવાહ પણ એક યા બીજા સ્વરૂપે આવતો રહ્યો છે, આપણને માત્ર તેમની વેચવાલી વધુ દેખાય છે.
જિયો પ્લૅટફૉર્મમાં રોકાણ કરાય?
હવે માર્કેટ ટ્રેન્ડની વાત પર આવીએ. એક તરફ બજારમાં લાખો કરોડો રૂપિયાનું મૂડીધોવાણ ચાલી રહ્યું છે, બીજી તરફ એકલો જિયો પ્લૅટફૉર્મનો IPO માત્ર ત્રણેક દિવસમાં ૭ લાખ કરોડ રૂપિયા જેવું ભંડોળ આકર્ષી લે છે. આ ઇશ્યુની સફળતાએ નવા વિક્રમો ઊભા કર્યા છે. એની સામે પડકારો પણ ઘણા હશે અને આવશે. જોકે આને લાંબી રેસનો ઘોડો સમજવામાં વધુ સાર રહેશે. જિયો પ્લૅટફૉર્મનો IPO ધારણા કરતાં વધુ સફળતા સાથે પસાર થઈ ગયો. હવે એના લિસ્ટિંગ પર નજર મંડાઈ છે જેમાં લિસ્ટિંગના ભાવને આધારે પ્રૉફિટ બુકિંગની શક્યતા ઊંચી છે. એક્સપર્ટ વર્ગના શબ્દોમાં કહીએ તો જિયોના સ્ટૉકમાં રોકાણ કરવામાં શા માટે સાર છે એ સમજવું જોઈએ. યાદ રહે, આ ઇશ્યુમાં રોકાણ માટે જાણીતા અને શક્તિશાળી ગ્લોબલ ફન્ડ્સ પણ કતારમાં રહ્યાં હતાં. આ કંપની-ગ્રુપ પાસે વિઝન છે જેના બીજ ધીરુભાઈ અંબાણીએ રોપ્યાં હતાં. કંપનીએ વિશાળ મૂડીખર્ચ કરી નાખ્યો છે, એથી હવે એનો કૅશ-ફ્લો ફ્રી છે. એનું કૅપેસિટી યુટિલાઇઝેશન હજી માત્ર ૩૫ ટકા જ છે, જ્યારે કે એનું કદ અને નફાશક્તિ દમદાર છે. લાંબા ગાળા માટે આ સ્ટૉક જોરદાર રહેશે એવું બજારના નિષ્ણાતો માને છે.
IT સ્ટૉક્સ સામે AI અને અનિશ્ચિતતા
દરમ્યાન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ભય કે હાઉને પરિણામે IT કંપનીઓ સામે મુસીબતો વધવાનાં એંધાણ વધી રહ્યાં છે જેને લીધે IT સ્ટૉક્સના ભાવો પર ગંભીર અસર થઈ રહી છે. આંકડા કહે છે કે મ્યુચ્યુઅલ ફન્ડ્સ IT સ્ટૉક્સમાં પોતાનું એક્સપોઝર ઘટાડી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સની IT સ્ટૉક્સની વૅલ્યુ સપ્ટેમ્બરમાં ઘટીને ૨.૯૭ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે ડિસેમ્બર-૨૦૨૫માં ૩.૯૮ લાખ કરોડ રૂપિયા હતી અને નવેમ્બર ૨૦૨૫માં ૪ લાખ કરોડ રૂપિયા હતી. ઇન્ફોસિસ અને TCS ફન્ડ્સમાં ખાસ ઊંચું સ્થાન ધરાવતા સ્ટૉક્સ હતા, એમનું સ્થાન પણ નીચે આવ્યું છે. આમ IT સ્ટૉક્સના રોકાણકારો સામે પણ પડકાર અને મુંઝવણ આવી ઊભાં છે. અનિશ્ચિતતાને લીધે ફન્ડ્સ તેમના IT સ્ટૉક્સના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા મજબૂર બન્યાં છે. જોકે એક્સપર્ટ વર્ગના મતે ચોક્કસ સિલેકટેડ IT સ્ટૉક્સ ખરીદવા પાત્ર બનતા જાય છે જેને લાંબા ગાળા માટે પસંદ કરી ધીમે-ધીમે જમા કરી શકાય.
ભારતીય ઇકૉનૉમી માટે ગુડ ન્યુઝ
બાય ધ વે, હાલ અનેકવિધ પડકારો વચ્ચે ચોક્કસ પૉઝિટિવ અહેવાલો-સંકેતો પર નજર કરીએ તો ભારતનું કૉર સેક્ટર (મુખ્ય ક્ષેત્રોનું)ની વૃદ્ધિ ૭.૯ ટકા નોંધાઈ છે જે ૩૦ મહિનાની સૌથી ઊંચી છે. આ વૃદ્ધિમાં કોલસા, પાવર અને રિફાઇનિંગ સેક્ટરનો મોટો ફાળો રહ્યો છે. ગ્લોબલ તેમ જ સ્થાનિક વિપરિત સંજોગો વચ્ચે આ ગ્રોથ ધ્યાનાકર્ષક ગણાય. બીજા અહેવાલમાં યુએસ સાથેના ભારતના વેપારકરાર ફાઇનલ થવાની નજીક પહોંચ્યા છે જેમાં મળતા સંકેત અનુસાર અન્ય એસિયન રાષ્ટ્રોની તુલનાએ ભારત પરની ટૅરિફ નીચી રહેવાની આશા છે. આ ચિત્ર સ્પષ્ટ થયા બાદ આયાત-નિકાસ વેપારના માર્ગને વધુ અવકાશ મળશે. બાકીના કેટલાક મહત્ત્વના દેશો સાથે ભારતના વેપારકરારો થઈ ગયા છે યા ફાઇનલ થઈ રહ્યા છે. માત્ર યુએસનો અભિગમ વધુ સંવેદનશીલ રહ્યો છે. ત્રીજા અહેવાલમાં યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોએ તાજેતરમાં ભારત આવી કરેલી ચર્ચામાં આપણા દેશ સાથે એનર્જી, ટેક્નૉલૉજી, ડિફેન્સ સહિતનાં વિવિધ સેક્ટરમાં યુએસ સહયોગ કરવા માગે છે એની વાત કરી હતી. તેમણે ભારતની રિફાઇનિંગ ક્ષમતાને બિરદાવી હતી. ભારતમાં ઍપલને મળી રહેલી સફળતા પણ અન્ય ગ્લોબલ કંપનીઓ માટે સારા સંકેત સમાન છે. ઍપલ ઇન્ડિયાની ૨૦૨૬ની આવક એક લાખ કરોડ રૂપિયાને ઓળંગી ગઈ છે અને એનો નફો પણ ઊંચો ગયો છે.
અન્ય દેશોની તંગદિલી
દરમ્યાન વૈશ્વિક સ્તરે આગ સતત ફેલાતી જઈ રહી છે. યુરોપના દેશોમાં આ આગનાં દૃશ્યો જોઈએ તો ભારત બહેતર લાગી શકે, કિંતુ ભારત આ આગની દાઝથી બહુ દુર કે એની અસરોથી સાવ મુક્ત નથી. અહીં તો રાજકીય તંગદિલી પણ વધી રહી છે. બાય ધ વે, ભારત હાલમાં વિવિધ પરીક્ષાઓમાંથી પસાર થઈ રહ્યું છે. સરકાર સામે સતત પડકારો વધી રહ્યા છે એ હકીકતની ઉપેક્ષા થઈ શકે નહીં, પરંતુ જરા હટકે વિચારીએ તો અન્ય દેશોની સમસ્યા વિશ્વને ભારત તરફ આવવા પ્રેરી શકે છે. જો ભારત સરકાર સતત સક્રિય રહી અર્થતંત્રને મજબૂત બનાવવાનાં પગલાં ભરતી રહે, જ્યારે કે સરકાર આ દિશામાં આગળ વધી જ રહી છે.
કરેક્શનનો દોર ચાલુ
અગાઉના સપ્તાહના સુધારા બાદ ગયા સોમવારે ફરી બજારમાં કરેક્શનનાં ગાબડાં સાથે નવા સપ્તાહની શરૂઆત થઈ હતી. મંગળવારે દશેરાના રાવણના દહન સાથે બજારમાં મંદીના દહનની સૌ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ યુએસ-ઈરાન પ્રકરણના નેગેટિવ અહેવાલે બુધવારે, ગુરુવારે અને શુક્રવારે પણ બજારે કરેક્શનનો દોર જ ચાલુ રાખ્યો હતો. મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સમાં વધુ કરેક્શન નોંધાયું હતું જેનાં કારણો જુદાં છે. રોકાણકારોએ વર્તમાન સંજોગોમાં જો કોઈ પણ શૉર્ટ ટર્મ અભિગમ રાખવો હશે તો જોખમ વધુ રહેશે, જ્યારે કે લૉન્ગ ટર્મમાં જોખમની શક્યતા ઓછી રહેશે. વૅલ્યુએશનની દૃષ્ટિએ બેસ્ટ બાય નહીં તો ય હાલ બાઇંગ ટાઇમ તો કહીં શકાય.
વિશેષ ટિપ: સ્માર્ટ રોકાણકારો બજારના કરેક્શનના સમયમાં વિવેકબુદ્ધિ સાથે સારા સ્ટૉક્સ નીચા ભાવે જમા કરતા રહે છે અને પછી ધીરજના ફળ મીઠાનો અનુભવ મેળવે છે. સમજો તો ઈશારા કાફી.