ટ્રેડ-ડીલનો યુફોરિયા ગાયબ, બ્રૉડ-બેઝ્‍‍ડ નબળાઈ સાથે બજાર ૫૦૪ પૉઇન્ટ નરમ

06 February, 2026 09:30 AM IST  |  Mumbai | Anil Patel

એન્થ્રોપિકના AI ડિઝરપ્શનમાં ટેક્નૉલૉજી શૅરોનું એક લાખ કરોડ ડૉલરનું માર્કેટ કૅપ સાફ થયું હોવાનો અંદાજ : બિટકૉઇન ૧૪ મહિનાના તળિયે ગયો, ૭૦,૦૦૦ ડૉલરનું લેવલ તોડવાની ભીતિ : નબળા પરિણામ વચ્ચે મૅક્ડોનલ્ડ્સ ફેમ વેસ્ટલાઇફ, પીત્ઝા હટવાળી દેવયાનીના શૅર ઝળક્યા,

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એન્થ્રોપિકના AI ડ્રિવન ડિઝરપ્શનમાં ટેક્નૉલૉજી શૅરોમાં જબરી વેચવાલી ફરી વળી છે એમાં એક લાખ કરોડ ડૉલર સાફ થઈ ગયા હોવાનો અંદાજ છે. જેફરીઝ કહે છે કે પેઇન હજી વધશે. છેલ્લાં ત્રણેક વર્ષમાં AI ડ્રિવન ડિઝરપ્શન અવારનવાર આવી ચૂક્યાં છે, પરંતુ આટલો મોટો અને આવો ઝ્‍ડપી ઝાટકો પહેલી વખત અનુભવાયો છે. નૅસ્ડૅક ઇન્ડેક્સ બુધવારની રાત્રે વધુ દોઢ ટકો ઘટીને બંધ થયો છે. ટેક્નૉલૉજી ખાસ કરીને ચિપ્સ સ્ટૉક્સની વેચવાલીના પગલે એશિયા ખાતે ગઈ કાલે ગુરુવારે સાઉથ કોરિયા ૪ ટકા તથા તાઇવાન દોઢ ટકો ગગડ્યું છે. જપાન ૦.૯ ટકા તો ચાઇના અડધા ટકાથી વધુ માઇનસ હતું. સિંગાપોર નજીવાં રહ્યાં છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા જેવું નરમ હતું. બિટકૉઇન ૭૦૦૯૧ ડૉલરની ૧૪ મહિનાની બૉટમ બતાવી પોણાછ ટકાની ખરાબીમાં ૭૧૩૪૨ ડૉલર ચાલતો હતો. ચાંદીમાં બે દિવસની રિકવરી બાદ એકાએક નવો ઊથલો આવ્યો છે. હાજર ચાંદી ૯૦.૪ ડૉલરની ઇન્ટ્રા-ડે હાઈથી સાડાઅઢાર ટકા તૂટીને ૭૩.૫૫ ડૉલર થઈ રનિંગમાં સાડાદસ ટકા ગગડી ૭૮.૯૫ ડૉલર દેખાઈ છે.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૬૦ પૉઇન્ટ જેવો ઢીલો, ૮૩,૭૫૭ ખૂલી છેવટે ૫૦૪ પૉઇન્ટ બગડી ૮૩,૩૧૪ તથા નિફ્ટી ૧૩૩ પૉઇન્ટના ઘટાડે ૨૫,૬૪૩ બંધ થયો છે. નરમ ખૂલ્યા બાદ સેન્સેક્સ ઉપરમાં ૮૩,૭૮૪ થઈ ત્યાંથી ૬૩૨ પૉઇન્ટની ખરાબીમાં નીચામાં ૮૩,૧૫૨ દેખાયો હતો. માર્કેટ-બ્રેડ્થ બગડી છે. NSEમાં વધેલા ૧૧૧૪ શૅર સામે ૨૦૩૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૪૬ લાખ કરોડ ઘટી ૪૬૬.૭૦ લાખ કરોડ રહી છે. ગઈ કાલની નરમાઈ બ્રૉડ-બેઝ્‍ડ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૪ ટકા સુધર્યા છે. એ સિવાય લગભગ બધાં ઇન્ડાઇસિસ માઇનસ થયાં છે. નિફ્ટી ડિફેન્સ બે ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૧ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૧ ટકા, આઇટી ટેલિકૉમ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોણા ટકા આસપાસ કટ થયા છે.

પરિણામ ધારણા કરતાં થોડાં નબળાં આવવા છતાં ટ્રેન્ટ ત્રણેક ટકાની આગેકૂચમાં ૪૧૩૧ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. મૅક્સ હેલ્થકૅર દોઢ ટકો, તાતા સ્ટીલ સવા ટકો JSW સ્ટીલ એકાદ ટકો, ONGC પોણો ટકો પ્લસ હતી. નિફ્ટી ખાતે હિન્દાલ્કો ત્રણ ટકા તો સેન્સેક્સમાં એટર્નલ અઢી ટકા ઘટી ટૉપ લૂઝર હતી. ભારતી ઍરટેલ ૧.૭ ટકા, ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકો, SBI લાઇફ સવા ટકો, આઇટીસી ૧.૨ ટકા, ઇન્ફી ૧.૧ ટકા, ટાઇટન ૦.૮ ટકા ઘટી છે. રિલાયન્સ એકાદ ટકો ઘટીને ૧૪૪૩ બંધમાં બજારને ૭૫ પૉઇન્ટ નડી છે.

મૅક્ડોનલ્ડ્સ ફેમ વેસ્ટ લાઇફ ફૂડ વર્લ્ડની આવક ૨.૬ ટકા વધીને ૬૭૧ કરોડ થઈ છે, પણ નફો ૮૬ ટકા ગગડી ૧૦૨ લાખ રહ્યો છે. શૅર જોકે પાંચ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૪૫ નજીક જઈ પોણાબાર ટકાના ઉછાળે ૫૩૩ બંધ આવ્યો છે. દેવયાની ઇન્ટરનૅશનલની આવક ૧૧ ટકા વધી છે, સાથે-સાથે નેટ લૉસ પણ ૭૬ કરોડથી વધીને ૧૧૦ કરોડ નજીક પહોંચી છે અને છતાં શૅર સાત ટકા ઊંચકાઈને ૧૩૨ થયો છે. ત્રીજી ફાસ્ટ ફુડ કે QSR કંપની સેફાયર ફૂડ્સ પરિણામની પૂર્વસંધ્યાએ સાડાસાત ટકા વધી ૨૧૮ રહી છે. પૉલિસી બાઝાર પોણાઆઠ ટકા બાઉન્સબૅક થઈ છે. આદિત્ય બિરલા રિયલ્ટી ૫.૯ ટકાની મજબૂતીમાં ૧૨૯૨ હતી. ડોમિનો પીત્ઝાવાળી જ્યુબિલન્ટ ફૂડવર્કસ ૫.૨ ટકા વધીને ૫૪૩ રહી છે. રિઝલ્ટ ૧૦મીએ છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટનો સ્ટૅન્ડઅલોન નેટ પ્રૉફિટ ૧૮ ટકા વધીને ૧૮૯ કરોડ આવ્યો છે, પણ શૅર પ્રૉફિટ બુકિંગમાં પોણાદસ ટકા કે ૨૬૦ રૂપિયા ગગડીને ૨૩૭૭ના બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. ઇન્ડો-કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાડાછ ટકા તો ગોકળદાસ એક્સપોર્ટ્સ પોણાત્રણ ટકા ઘટી છે. 

અમદાવાદી બાયોપોલ સહિત આજે બે SME ભરણાં ખૂલશે

આજે શુક્રવારે બે SME ભરણાં ખૂલશે, બે પૂરાં થશે અને એકનું લિસ્ટિંગ થશે. અદાવાદની બાયોપોલ કેમિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૮ની અપરબૅન્ડમાં ૩૧૨૬ લાખ રૂપિયાનો NSE SME IPO આજે કરશે. ૨૦૨૩માં સ્થપાયેલી સ્પેશ્યલ કેમિકલ્સ બનાવતી આ કંપનીએ ગયા વર્ષે ૧૮૨ ટકા વધારામાં ૪૯૧૫ લાખ આવક પર ૪૬ ટકા વૃદ્ધિદરથી ૪૩૩ લાખ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૯ મહિનામાં આવક ૪૯ કરોડ જેવી તથા ચોખ્ખો નફો ૬ કરોડ બતાવ્યો છે. છેલ્લા નવ મહિનામાં દેવું ૭૬૯ લાખથી વધીને ૧૪૯૨ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૧૧ કરોડ દેવાની ચુકવણીમાં તથા સવાબાર કરોડ જમીન ખરીદવામાં વપરાશે. પેરોલ પર ૨૫ માણસ કામ કરે છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૪.૭નો તથા ચાલુ વર્ષના ૯ મહિનાની અર્નિંગ પર ૧૪.૬નો PE બતાવે છે. ગ્રેમાર્કેટમાં સેલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૭૮ની અપર બૅન્ડમાં ૧૭૦૪ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ કરવાની છે. એમાંથી ૩ કરોડ OFS પેટે પ્રમોટરના ઘરમાં જશે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની સ્ટાફિંગ તથા ઈ-કૉમર્સ લૉજિસ્ટિક્સ સર્વિસિસમાં કામ કરે છે. ગયા વર્ષે અડધા ટકા વધારામાં ૨૮,૩૬૯ લાખની આવક પર ૧૯ ટકા વધારામાં ૫૦૨ લાખ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૮ મહિનામાં આવક ૧૫૪ કરોડ અને નફો ૫૧૩ લાખ બતાવ્યો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી.

નવી દિલ્હીની બ્રૅડમૅન રીટેલનો ૧૦ના શૅરદીઠ ૧૭૬ની અપરબૅન્ડમાં ૮૬૦૯ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૪.૬ ગણો તથા નવી દિલ્હીની જ ગ્રોવર જ્વેલ્સનો ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવનો ૩૩૮૩ લાખનો NSE SME ઇશ્યુ ચાર ગણો ભરાયો છે. હાલ બ્રૅડમૅન રીટેલમાં ૧૨વાંળુ પ્રીમિયમ વધીને ૨૦ તથા ગ્રોવર જ્વેલ્સમાં અઢી રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. 
વરલીની CKK રીટેલનો ૧૦ના શૅરદીઠ ૧૬૩ના ભાવનો ૮૮૦૨ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ શુક્રવારે લિસ્ટેડ થવાનો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ પહેલેથી નથી. 

ઇન્ડિયન ઑઇલ ૧૬ મહિનાના શિખરે, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ વર્ષની ટોચે

એન્થ્રોપિકના AI ટૂલના હેવોકમાં આગલા દિવસના ૨૦૪૦ પૉઇન્ટના કડાકા પછી આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે પણ નીચામાં ૩૪,૭૫૫ થઈ પોણો ટકો કે ૨૬૬ પૉઇન્ટ ઘટીને ૩૪,૮૪૩ બંધ થયો છે. એના ૭૭માંથી ૬૩ શૅર ડાઉન હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૧.૧ ટકા, HCL ટેક્નૉલૉજીઝ પોણો ટકો, લાઇમ અડધો ટકો નરમ હતી. TCS નીચામાં ૨૯૭૦ થઈ સાધારણ ઘટી ૨૯૯૨, વિપ્રો ફ્લૅટ રહીને ૨૩૩ તથા ટેક મહિન્દ્ર નજીવા ઘટાડે ૧૬૪૪ હતી. સાઇડ કાઉન્ટર વધુ ખરાબ હતાં. હેક્સાવેર ૭.૩ ટકા, આઇટીસ રેગટેક ૬.૮ ટકા, રેટગેઇન ચાર ટકા, નિન્ટેક સિસ્ટમ્સ સવાછ ટકા, એક્સચેન્જિંગ સૉલ્યુશન્સ ૪.૧ ટકા, જેનેસિસ સાડાચાર ટકા, ઓરિયન પ્રો સવાચાર ટકા, આર. સિસ્ટમ્સ ૨.૧ ટકા, સિએન્ટ ૪.૧ ટકા, નેટવેબ ૩.૬ ટકા બગડી હતી. અગાઉ ADCC ઇન્ફ્રોકેડ તરીકે ઓળખાતી સેન્સિસ ટેકનાં રરિઝલ્ટ ૯મીએ છે. શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૧૧૮૬ થઈ સવાનવ ટકાની તેજીમાં ૧૧૭૧ બંધ થયો છે. ઇન્વેન્ચર્સ નૉલેજ સૉલ્યુશન્સ ૫.૫ ટકા અને બિરલા સૉફ્ટ ૪.૬ ટકા મજબૂત હતી. ૬૩ મૂન્સનાં પરિણામ ૧૦મીએ આવશે. ભાવ ઉપરમાં ૬૫૫ વટાવીને ૧.૩ ટકા ઘટીને ૬૪૩ હતો.

ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૯૪૪૭ની વર્ષની ટોચે જઈ ૧૭ પૉઇન્ટના મામૂલી સુધારે ૨૯,૦૪૧ રહ્યો છે. આઇઓસી કે ઇન્ડિયન ઑઇલ ૧૭૮ની ૧૬ મહિનાની ટૉપ બતાવી ૧.૭ ટકા વધી ૧૭૬ રહી છે. શૅર સપ્તાહમાં સવાઆઠ ટકા જેવો વધ્યો છે. ONGCનાં રિઝલ્ટ ૧૨મીએ છે. ભાવ ૨૭૦ વટાવી પોણો ટકો સુધરીને ૨૬૯ થયો છે. ઑઇલ ઇન્ડિયા તાજેતરની મજબૂતી બાદ ૧.૭ ટકા ઘટી ૪૯૯ હતી. એનર્જી સેગમેન્ટમાં સાંડૂર મૅન્ગેનીઝ ૭.૮ ટકા ગગડી ૨૧૩ રહી છે. દીપ એનર્જી રિસોર્સિસ તથા સાવલા ઑઇલ ઍન્ડ ગૅસના અમાલ્ગમેશનમાંથી અસ્તિત્વમાં આવેલી પ્રભા એનર્જી ૬ ટકા ગગડીને ૧૬૪ હતી.

ચાંદીમાં ૧૭ ટકાનો નવો ઝાટકો આવતાં બે દિવસની રિકવરી સાફ થઈ ગઈ  છે. ઇન્ડસ્ટ્રીઝ મેટલ પણ ઘટાડામાં આવી છે. સરવાળે મેટલ ઇન્ડેક્સ એક ટકો પીગળ્યો છે. વેદાન્તા ૪.૭ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૪.૪ ટકા, નાલ્કો ૨.૯ ટકા, હિન્દાલ્કો ત્રણ ટકા, NMDC દોઢ ટકો, હિન્દુસ્તાન કૉપર એક ટકો ડાઉન હતી. જિન્દલ સ્ટીલ તેમ જ તાતા સ્ટીલ સવા ટકા જેવી સુધરી છે.

મિનરલ્સમાં આશાપુરા તેમ જ તાતા સ્ટીલ સવા ટકા જેવી સુધરી છે. મિનરલ્સમાં આશાપુરા માઇન ૬.૭ ટકા તૂટીને ૬૮૨ રહી છે. MOIL ૨.૭ ટકા નરમ હતી.

રિઝલ્ટ પાછળ ફોર્સ મોટર્સ નવા શિખર સાથે ૧૦૧૨ રૂપિયા તેજીમાં

જ્યુબિલન્ટ ઇન્ગ્રેબિયાની આવક અડધો ટકો ઘટી છે. એમાં ચોખ્ખો નફો ૩૨.૪ ટકા ગગડીને ૪૭ કરોડની અંદર આવી ગયો છે. શૅર નીચામાં ૬૧૭ બતાવી ૪.૪ ટકા તૂટી ૬૨૫ છે. કલ્પતરુ પ્રોજેક્ટની આવક સવાસોળ ટકા વધીને ૬૬૬૫ કરોડ તથા નેટ પ્રૉફિટ સવાસાતેક ટકા વધીને ૧૫૨ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૦૮૦ થઈ દોઢ ટકો ઘટીને ૧૧૦૮ હતો. અપોલો ટાયર્સે પોણાબાર ટકાના વધારામાં ૭૭૪૩ કરોડની આવક પર ૩૯.૬ ટકા વૃદ્ધિદરથી ૪૭૦ કરોડ પલ્સનો નેટ પ્રૉફિટ મેળવ્યો છે. ભાવ ઉપરમાં ૫૩૦ બનાવી એક ટકો ઘટીને ૫૦૭ રહ્યો છે. આઇટી કંપની ઓરિયન-પ્રો સૉલ્યુશન્સની આવક પોણાચાર ટકા વધવા છતાં નફો સાડાબાવીસ ટકા ઘટીને ૪૨૧૪ લાખ થયો છે. શૅર નીચામાં ૮૯૪ થઈ સવાચાર ટકા ગગડી ૯૧૦ નજીક હતો.

લૉઇડ્સ એન્જિનિયરરિંગની આવક ૧૪ ટકા ઘટી ૨૭૨ કરોડ થઈ છે પણ નેટ નફો પોણાઅઢાર ટકા વધીને ૬૧ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૫૪ થઈ સવાત્રણ ટકા વધીને બાવન રહ્યો છે. ફોર્સ મોટર્સની આવક પોણાતેર ટકા વધી ૨૧૨૮ કરોડ વટાવી ગઈ  છે. જ્યારે ચોખ્ખો નફો ૨૫૨ ટકા ઊછળી ૪૦૬ કરોડ થયો છે. શૅર ૨૨,૧૭૧ની નવી ટૉપ બનાવીને પાંચ ટકા ઊછળીને ૨૧,૦૭૪ બંધ હતો. સીસીએલ પ્રોડક્ટ્સની આવક ૩૮.૫ ટકા વધીને ૧૦૫૦ કરોડ તથા નેટ પ્રૉફિટ ૫૯ ટકા વધીને ૧૦૦ કરોડ વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૧૦૫૯ થઈ ૧.૭ ટકા ઘટી ૯૮૫ બંધ હતો. ટીમકેન ઇન્ડિયાની આવક ૧૪ ટકા વધી ૭૮૦ કરોડ નજીક રહી છે, પરંતુ નફો ૩૦ ટકા ગાબડામાં ૫૪૬૦ લાખ આવ્યો છે. શૅર નીચામાં ૩૦૧૨ બતાવી ૧.૯ ટકા ઘટીને ૩૧૯૦ હતો. આર્ચિયન કેમિકલ્સે પાંચ ટકા વધારામાં ૨૫૪ કરોડ પ્લસની આવક પર ૫૦.૭ ટકાના ધોવાણમાં ૨૩૬૩ ચોખ્ખો નફો કર્યો છે. શૅર નીચામાં ૫૩૯ થઈને નજીવો સુધરી ૫૯૩ રહ્યો હતો. MCX સવાપાંચ ટકા ગગડીને ૨૪૧૨ બંધ રહી છે. 

પોકર્ણા લિમિટેડ નબળા પરિણામ વચ્ચે તેજીમાં

રિલાયન્સ કમ્યુનિકેશન્સ એની પેરન્ટ એન્ટિટીઝ તથા ગ્રુપ-ચૅરમૅન અનિલ અંબાણી દ્વારા મોટા પાયે બૅન્ક ફ્રૉડ, કરપ્શન અને કૉન્સ્પિરસી આચરવામાં આવી હોવાના આક્ષેપની વિસ્તૃત તપાસ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવાનો આદેશ આપ્યો છે. અનિલ અંબાણીને દેશ નહીં છોડવાનું ફરમાન કર્યું છે. સમગ્ર મામલામાં ED તરફથી અત્યાર સુધીમાં અનિલ અંબાણી તેમ જ ગ્રુપની કુલ મળીને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઍસેટ્સ ટાંચમાં લેવાઈ ચૂકી છે. રિલાયન્સ ઇન્ફ્રાનો શૅર ગઈ કાલે પાંચ ટકા તૂટીને ૧૨૬ તથા રિલાયન્સ પાવર ૨.૯ ટકા ઘટીને ૨૮ બંધ રહ્યો છે.

ગ્લોબલ હેલ્થની આવક ૧૮.૮ ટકા વધીને ૧૨૨૧ કરોડ થઈ છે, પણ નફો ૩૩.૫ ટકા ગગડી ૯૫ કરોડ રહ્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૦૮૦ થઈ સવા ટકો ઘટીને ૧૧૦૭ હતો. રાણે મદ્રાસ દ્વારા ૨૧ ટકાના વધારામાં ૧૦૧૫ કરોડની આવક પર ૭૭૨૫ ટકાના વધારામાં ૩૦૫૨ લાખ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૮૯૬ થઈ ૮.૯ ટકા ઊછળી ૮૩૯ થયો છે. રુસ્તમજી ગ્રુપની કીસ્ટોન રિયલ્ટર્સે ૪૨.૬ ટકાના ઘટાડામાં ૨૬૬ કરોડ આવક તથા ૭૭.૬ ટકાના ગાબડામાં ૩૩૮ લાખ નેટ પ્રૉફિટ સાથે ખરાબ રિઝલ્ટ આપ્યું છે. શૅર નીચામાં ૪૬૧ બતાવી ૪.૩ ટકા ગગડી ૪૬૯ રહ્યો છે. પોકર્ણા લિમમિટેડની આવક ૩૯.૭ ટકા ઘટીને ૧૩૫ કરોડ અને નફો ૫૯.૮ ટકા ખરડાઈને ૨૦૩૬ લાખ થયો છે. શૅર ઉપરમાં ૧૧૪૭ થઈ ૧૫.૬ ટકા ઊછળી ૧૧૦૫ હતો.

જયપ્રકાશ પાવર વેન્ચર્સે ૧.૪ ટકા જેવા વધારામાં ૧૧૫૫ કરોડની આવક મેળવી છે, પરંતુ નેટ નફો ૯૭ ટકાના ધોવાણમાં ૩૭૭ લાખ રહ્યો છે. શૅર ૧૫ નીચે જઈ સાત ટકા તૂટીને ૧૫ રહ્યો છે. મેટ્રોપોલિસ હેલ્થકૅર દ્વારા ૨૫.૮ ટકાના વધારામાં ૪૦૬ કરોડની આવક પર ૩૨ ટકા વૃદ્ધિદરથી ૪૧૩૮ લાખ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૦૫૮ થઈ ચાર ટકા વધી ૧૯૬૭ હતો. તાતા પાવરે ૯.૪ ટકાના ઘટાડામાં ૧૩૯૪૮ કરોડ આવક પર ૨૫ ટકાના ઘટાડામાં ૭૭૨ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર નીચામાં ૩૬૧ અંદર જઈ બે ટકા જેવા ઘટાડે ૩૬૪ રહ્યો છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange crypto currency bitcoin gold silver price european union