08 April, 2026 09:20 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાનના ભુક્કા બોલાવી દેવાની ડાયલૉગબાજી સાથે ટ્રમ્પની ડેડલાઇન આજે પૂરી થવાની છે ત્યારે અત્યાર સુધી ઈરાન અણનમ અને મક્કમ છે. તારે જે ભડાકા કરવા હોય એ કરી લે એવું ટ્રમ્પને રોકડું પરખાવી દીધું છે. ઇસ્લામાબાદ એકોર્ડના નામે સીઝફાયર માટે પડદા પાછળના ખેલ ચાલુ છે, એનાં હજી કોઈ ધાર્યાં પરિણામ આવ્યાં નથી. ટ્રમ્પ બાંધી મુઠ્ઠી જળવાઈ રહે એ રીતે કોઈક છટકબારી શોધવાની મથામણ કરે છે. શું થાય છે એની ખબર સવારે આ વંચાતું હશે ત્યાં સુધીમાં પડી જશે. દરમ્યાન બ્રેન્ટક્રૂડ દોઢ ટકો વધીને ૧૧૨ ડૉલર ભણી જઈ રહ્યા છે. સોનું સાધારણ તો ચાંદી અડધા ટકા જેવી ઢીલી છે. બિટકૉઇન પણ સામાન્ય ઘટાડે ૬૮,૬૬૦ ડૉલર ચાલે છે. શૅરબજારો હજી હોપ-ફૅક્ટર ઉપર છે. ગઈ કાલે મોટા ભાગનાં એશિયન બજાર સુધર્યાં છે. તાઇવાન બે ટકા, સાઉથ કોરિયા પોણો ટકો, થાઇલૅન્ડ અડધો ટકો, ચાઇના અને જપાન સાધારણ વધીને બંધ થયા છે. હૉન્ગકૉન્ગ પોણો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ અને સિંગાપોર નહીંવત નરમ હતું. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી સાધારણ તો અન્ય બજાર અડધાથી એક ટકો પ્લસ હતાં. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૮૦૫ પૉઇન્ટ વધીને ૧,૫૨,૦૧૩ ચાલતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૩.૦૭ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૯૨.૮૭ થઈને ૯૨.૯૨ આસપાસ રહ્યો છે.
સેન્સેક્સ સુધારાની હૅટ-ટ્રિક બાદ આગલા બંધથી ૨૭૩ પૉઇન્ટ નરમ, ૭૩,૭૩૪ ખૂલી છેવટે ૫૧૦ પૉઇન્ટની આગેકૂચમાં ૭૪,૬૧૬ ઉપર તથા નિફ્ટી ૧૫૫ પૉઇન્ટ વધીને ૨૩,૧૨૪ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૩,૨૮૨ તથા ઉપરમાં ૭૪,૬૮૬ થયો હતો. મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૦૮૨ શૅર સામે ૧૧૪૯ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૭૩ લાખ કરોડ વધીને ૪૨૯.૨૪ લાખ કરોડ થયું છે. IT ઇન્ડેક્સ સર્વાધિક ૨.૪ ટકા કે ૬૯૮ પૉઇન્ટ પ્લસ થયો છે. એના ૮૦માંથી ૫૯ શૅર વધ્યા હતા. ડિજિટાઇડ સૉલ્યુશન્સ ૭.૪ ટકા, ઇમુદ્રા ૭.૬ ટકા, રામકો સિસ્ટમ્સ સાડાછ ટકા, ડાયનાકૉન્સ સિસ્ટમ્સ પોણાચાર ટકા ઊંચકાઈ છે. રિયલ્ટી ઇન્ડેક્સ પોણાબે ટકા, મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા, નિફ્ટી FMCG પોણો ટકો પ્લસ હતો. નિફ્ટી ખાતે વિપ્રો ૩.૮ ટકા તથા સેન્સેક્સમાં HCL ટેક્નો ૨.૮ ટકા વધીને ટૉપ ગેઇનર બન્યા છે. સામે ડૉ. રેડ્ડીઝ લૅબ પોણાબે ટકા ગગડીને ૧૧૯૬ બંધમાં નિફ્ટી ખાતે તથા ઇન્ડિગો ૦.૯ ટકા બગડીને ૪૨૭૨ બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૧ ટકા, મહિન્દ્ર અડધો ટકો, અદાણી પોર્ટ્સ અડધો ટકો, અપોલો હૉસ્પિટલ ૦.૬ ટકા ઘટ્યા છે.
ટિટાગર રેલ ઉપરમાં ૭૨૩ વટાવીને ૮.૮ ટકાની તેજીમાં ૬૯૬ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. અન્ય રેલવે શૅરમાં જ્યુપિટર વેગન્સ ૩ ટકા, ઓરિયેન્ટલ રેલ ૭.૪ ટકા, કારનેક્સ માઇક્રો ૭.૫ ટકા મજબૂત હતા. રેઇનબો ચિલ્ડ્રન મેડિકૅર ૪૭ રૂપિયા કે ૪ ટકા, ફર્સ્ટક્રાય ૭ ટકા, લૉઇડ એન્ટરપ્રાઇઝિસ ૮.૪ ટકા તેજીમાં હતી. ફોર્સ મોટર્સ ૫.૯ ટકા કે ૧૨૫૩ રૂપિયા ખરડાઈને ૧૯,૯૨૭ થ? છે. બાયોકોન સવાચાર ટકાની ખરાબીમાં ૩૪૦ હતી.
રિલાયન્સ આગલા દિવસના લગભગ સાડાત્રણ ટકાના ધબડકા બાદ ગઈ કાલે નીચામાં ૧૨૯૧ થઈ નહીંવત ઘટીને ૧૩૦૪ બંધ થયો છે. જિયો ફાઇનૅન્શ્યલ ૨૩૫ના લેવલે ફ્લૅટ રહી છે. બોફા તરફથી HDFC બૅન્કમાં ૧૧૭૫ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૯૫૦ તથા ICICI બૅન્કમાં ૧૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૧૫૦૦ કરાઈ છે. ગઈ કાલે HDFCનો શૅર નીચામાં ૭૬૦ થઈ નજીવો વધી ૭૭૨ તથા ICICI બૅન્કનો ભાવ નીચામાં ૧૨૧૭ થઈ સવા ટકો વધીને ૧૨૪૬ બંધ થયો છે. તો આગલા દિવસે ૪ ટકા વધેલી ઍક્સિસ બૅન્ક ગઈ કાલે નીચામાં ૧૨૨૧ થઈ ૦.૪ ટકા વધી ૧૨૫૧ થઈ છે. સ્ટેટ બૅન્ક સાધારણ ઘટીને ૧૦૩૦ અને કોટક બૅન્ક અડધો ટકો સુધરીને ૩૫૩ હતી.
TCSનાં પરિણામ નવમીએ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૫૪૪ બતાવી ૨.૭ ટકા વધીને ૨૫૪૦ બંધમાં બજારને ૫૭ પૉઇન્ટ ફળ્યો છે. HCL ટેક્નૉલૉજીઝ ૨.૮ ટકા વધીને ૧૪૪૧ હતો. એનાં રિઝલ્ટ ૨૧મીએ આવશે. ઇન્ફોસિસનાં પરિણામ ૨૩ એપ્રિલે છે. ભાવ ગઈ કાલે અઢી ટકા વધીને ૧૩૪૦ હતો. ટેક મહિન્દ્ર દોઢ ટકા વધીને ૧૪૭૩ થઈ છે. એનાં પરિણામ બાવીસમીએ નક્કી થયાં છે. આ ૪ IT શૅર ગઈ કાલે બજારને કુલ ૨૦૪ પૉઇન્ટ લાભદાયી નીવડ્યાં છે. વિપ્રોમાં પરિણામ માટે બોર્ડ મીટિંગ ૧૬મીએ છે. શૅર ગઈ કાલે દોઢા વૉલ્યુમે ૩.૮ ટકા વધીને ૨૦૫ બંધ થયો છે. લાટિમ કે લાર્સન માઇન્ડટ્રીમાં રિઝલ્ટ ૨૩ એપ્રિલે આવશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૪૫૩ થઈ ૩.૨ ટકા કે ૧૩૮ રૂપિયા વધીને ૪૪૪૩ હતો. રેવન્યુ અપડેટ સારી આવતાં આગલા દિવસે ૭.૯ ટકા કે ૨૮૦ રૂપિયાની તેજી બતાવનાર ટ્રેન્ટ ગઈ કાલે ઉપરમાં ૩૮૯૨ થઈને છેવટે સાધારણ ઘટાડે ૩૮૨૩ રહી છે. ટાઇટન આગલા દિવસના સાડાત્રણ ટકાના ઉછાળા બાદ ગઈ કાલે નીચામાં ૪૧૭૨ બતાવીને ૦.૩ ટકા ઘટી ૪૨૩૧ હતી. ઇન્ડિગો ૦.૯ ટકાના ઘટાડે ૪૨૭૨ બંધ આવી છે.
ગઈ કાલે નવી મુંબઈની વિવિડ ઇલેક્ટ્રોમેક ૧૦ના શૅરદીઠ ૫૫૫ની તગડી ઇશ્યુ-પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે પહેલેથી જ ઝીરો પ્રીમિયમ સામે NSEમાં ૫૬૫ ખૂલી ઉપરમાં ૫૯૩ અને નીચામાં ૫૫૬ બતાવી ૫૬૩ બંધ થતાં નજીવો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં બે ચાલુ ભરણાંમાંથી ૨૭ માર્ચે ખૂલેલો જયપુરની એમિયાક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો આશરે ૩૨ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે કુલ ૧.૬ ગણો ભરાયો છે. તો લખનઉની સેફ્ટી કન્ટ્રોલ્સ ઍન્ડ ડિવાઇસિસનો સોમવારે ખૂલેલો ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવનો ૪૮ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૮૨ ટકા ભરાયો છે. બન્ને ભરણાં આજે બંધ થશે. ગ્રેમાર્કેટમાં બન્નેમાં પ્રીમિયમ ઝીરો છે.
નવી દિલ્હીની ઍવાક્સ અપૅરલ્સ ઍન્ડ ઑર્નામેન્ટસ એક શૅરદીઠ ૩ બોનસમાં મંગળવારે એક્સ બોનસ થઈ છે. શૅર સોમવારે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૬૦ નીચે બંધ રહ્યો હતો. બોનસ બાદ થતાં ગઈ કાલે એમાં કોઇ ટ્રેડિંગ થયું નહોતું. નાશિકની આર. એમ. ડ્રીમ સ્પિન્કલર્સ સિસ્ટમ્સ ૭ શૅરદીઠ પાંચ બોનસમાં દસમીએ બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૭ ઉપર જઈ ત્યાં જ બંધ થયો છે. થાણેની ફેબ્રિક્સ બનાવતી કંપની ગ્રેવિટી ઇન્ડિયા ૩ શૅરદીઠ ૨૩ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ભાવોભાવ ૭૦ કરોડના રાઇટ ઇશ્યુમાં આજે એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૨ નજીક જઈ અડધો ટકો સુધરી ૧૧.૫૫ બંધ થયો છે. ૨૦ ફેબ્રુઆરીએ ભાવ સાડાઅઢારની વર્ષની ટોચે ગયો હતો. થાણેની ચાર્ન્સ તથા ગાર્મેન્ટ બનાવતી કંપની અલકા ઇન્ડિયા પરિણામ પહેલાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૮ ઉપર નવું શિખર બનાવી ત્યાં જ બંધ થઈ છે.
ડૉમિનોઝ પીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ દ્વારા માર્ચ ક્વૉર્ટરનું બિઝનેસ અપડેટ કમજોર જાહેર થતાં શૅર ૪૧૦ની પોણાછ વર્ષની બૉટમ બનાવી ૧૦.૫ ટકા ગગડીને ૪૧૩ બંધ થઈ છે. વૉલ્યુમ ૧૫ ગણું હતું. ભાવ વર્ષ પહેલાં ૨૧ એપ્રિલે ૭૪૪ની ટોચે હતો. પીત્ઝાહટવાળી દેવયાની ઇન્ટરનૅશનલ અડધો ટકો ઘટીને ૯૯ તથા સેફાયર ફૂડ્સ ૦.૭ ટકા ઘટીને ૧૫૮ હતી. મૅક્ડોનાલ્ડ ફેમ વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ નીચામાં ૪૪૪ થઈ ૨.૧ ટકા ઘટીને ૪૪૬ રહી છે. વિક્રમકામત હૉસ્પિટાલિટી પોણો ટકો ઘટીને ૩૮ બંધ થઈ છે. બૅન્ગલોરની પિકોઝ હોટેલ્સ ઍન્ડ પબ્સ ઉપરમાં ૨૮૯ બતાવીને ૧૦.૭ ટકાની તેજીમાં ૨૮૯ થઈ છે.
જેપી મૉર્ગન તરફથી હિન્દાલ્કોમાં ૧૧૨૫ની નવી ટાર્ગેટ-પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જાહેર કરાયો છે. જ્યારે વેદાન્તામાં ૬૮૦ની ટાર્ગેટ-પ્રાઇસ વધારી તેણે ૮૫૦ કરી છે. હિન્દાલ્કોનો શૅર ગઈ કાલે ઉપરમાં ૯૬૫ બતાવી ત્રણેક ટકા વધીને ૯૫૪ બંધ થયો છે. વેદાન્તાનો ભાવ ઉપરમાં ૭૧૯ થઈ ૩.૪ ટકા ઊંચકાઈ ૭૧૩ હતો. ઍલ્યુમિનિયમ ઉત્પાદક સરકારી કંપની નાલ્કો ૪૧૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો વધીને ૪૧૨ રહી છે. સ્વાન ડિફેન્સને આશરે ૧૫૦૦થી ૩૦૦૦ કરોડ રૂપિયાની રેન્જમાં બલ્ક કરીઅર બનાવવાનો ઑર્ડર મળતાં શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૦૩ વટાવી ત્યાં જ બંધ થયો છે.
નાચકા તરફથી દીપિકા પાદુકોણની સ્કિનકૅર બ્રાન્ડ 82Eમાં હિસ્સો ખરીદવાની વિચારણા ચાલી રહી હોવાની જાણ કરાઈ છે. નાયકાનો શૅર ગઈ કાલે ઉપરમાં ૨૫૩ વટાવી છેવટે બે ટકા ઘટી ૨૪૭ થયો છે. ઓલા ઇલેક્ટ્રિક સતત ૩ દિવસના સુધારા બાદ ગઈ કાલે નીચામાં ૨૮.૩૦ થઈ સવા ટકો ઘટી ૨૯ રહી છે. એથર એનર્જી ૭૯૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવાત્રણ ટકા ગગડી ૭૬૦ રહી છે. TVS મોટર નજીવી ઘટીને ૩૪૭૯ તો બજાજ ઑટો સવા ટકો વધીને ૯૦૫૦ નજીક બંધ રહી છે.
કલ્યાણ જ્વેલર્સ માર્ચ ક્વૉર્ટરમાં ૬૪ ટકાનો રેવન્યુ ગ્રોથ મેળવતાં શૅર પ્રારંભિક ઝમકમાં ૪૩૮ નજીક ગયો હતો. અંતે ભાવ દોઢ ટકા ઘટીને ૪૧૪ બંધ થયો છે. રાજેશ એક્સપોર્ટસ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૬ વટાવી ત્યાં જ બંધ હતી. સ્કાયગોલ્ડ ૨.૨ ટકા, થંગમયિલ જ્વેલરી અઢી ટકા, રેનેસાં ગ્લોબલ પોણો ટકો, આરબીઝેડ જ્વેલ્સ પાંચ ટકા પ્લસ હતી. TBZ અડધોટકો સુધરીને ૧૩૩ હતી. નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક ૧૯માંથી ૧૪ શૅરના સુધારા વચ્ચે એક ટકા વધ્યો છે. એમટાર ટેક્નૉલૉજીઝ ૩૯૮૧ની નવી હાઈ બાદ આઠ ટકા કે ૨૯૧ રૂપિયા વધીને ૩૯૨૪ હતી. ઍસ્ટ્રામાઇક્રો ૫.૭ ટકા, ઝેન ટેક્નૉલૉજીઝ ૩.૨ ટકા, ડેટા પેટર્ન્સ સવા બે ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ ૩ ટકા, ગાર્ડન રીચ બે ટકા, DCX ઇન્ડિયા ૧.૮ ટકા, રસેલ ટેક્સિસ સવા બે ટકા મજબૂત બની છે.
બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૭ શૅરના સુધારામાં ૦.૨ ટકા કે ૧૦૭ પૉઇન્ટ સુધર્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની નરમાઈમાં પોણો ટકો નરમ થયો છે. ફિનો પેમેન્ટ બૅન્ક બે ટકા વધી ૧૨૬ હતી. જના સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક ૧.૪ની આગેકૂચમાં ૩૯૦ થઈ છે. ડીસીબી બૅન્ક ઉપરમાં ૧૭૪ બતાવી દોઢ ટકો વધીને ૧૭૩ હતી. સામે બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૯ ટકા, યુનિયન બૅન્ક ૧.૩ ટકા, પીએનબી ૧.૯ ટકા, સૂર્યોદય બૅન્ક ૩.૪ ટકા, RBL બૅન્ક સવા ટકો, બંધન બૅન્ક ૨.૪ ટકા, તામિલનાડુ બૅન્ક પોણાત્રણ ટકા નરમ હતી.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ સાધારણ સુધર્યો છે. એના ૧૯૦માંથી ૯૪ શૅર પ્લસ હતા. મોનાર્ક નેટવર્થ ઉપર ૨૯૪ થઈ ૩.૪ ટકા ઊંચકાઈ ૨૮૯ હતી. ફાઇવ પૈસા કૅપિટલ ૩.૪ ટકા, ક્રેડિટ એક્સેસ પાંચ ટકા, મનીબૉક્સ પોણાછ ટકા વધી છે. SME ગ્લોબલ ૩.૫ ટકા, દામ કૅપિટલ ૩.૬ ટકા, IIFL ૨.૮ ટકા, મહિન્દ્ર ફાઇનૅન્સ ૧.૩ ટકા, મોબીક્વિક ૩.૨ ટકા, કૅફિન ટેક ૧.૧ ટકા ઘટી છે.