ટ્રમ્પ હૅપી થયાના સંકેત વહેતા થવાથી ૭૧૫ પૉઇન્ટ ગગડેલું બજાર ૩૦૨ પૉઇન્ટ વધ્યું

13 January, 2026 08:12 AM IST  |  Mumbai | Anil Patel

NSEના ઇશ્યુને ટૂંકમાં લીલી ઝંડી મળવાની શક્યતા, અનલિસ્ટેડ માર્કેટમાં ભાવ ૨૩૦૦ રૂપિયા : પરિણામ પહેલાં TCSમાં પોણા ટકાનો સુધારો, માથે રિઝલ્ટ વચ્ચે ઇન્ફી બન્ને બજારમાં ટૉપ લૂઝર: ઝી એન્ટરટેઇનમેન્ટમાં ઑગસ્ટ ૨૦૦૯ પછીની બૉટમ સાથે નરમાઈ

પ્રતીકાત્મક તસવીર

સળંગ પાંચ દિવસની ખરાબીમાં ૨૧૮૬ પૉઇન્ટ તેમ જ ૧૩.૫૩ લાખ કરોડના ધોવાણ બાદ શૅરબજારે નવા સપ્તાહની શરૂઆત ભારે ઊથલપાથલથી કરી છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૪૧ પૉઇન્ટ નરમ ખૂલી છેવટે ૩૦૨ પૉઇન્ટના સુધારામાં ૮૩,૮૭૮ તથા નિફ્ટી ૧૦૭ પૉઇન્ટ વધી ૨૫,૭૯૦ સોમવારે બંધ થયો છે. માર્કેટ નરમ ખૂલ્યા બાદ ઘસાતું રહીને નીચામાં ૮૨,૫૬૧ થઈ ગયું હતુ. નિફ્ટીમાં ૨૫,૪૭૩ની ઇન્ટ્રા-ડે બૉટમ દેખાઈ હતી. ત્યાર પછી બીજા સત્રના આરંભે ચોઘડિયું બદલાયું, ભારત ખાતે અમેરિકાના રાજદૂત સેર્ગિયો ગોર તરફથી ટ્રેડ ડીલને લઈ ભારત અમેરિકા વચ્ચે સક્રિયતા વધી ગઈ હોવાની જાણ કરતાં આજે ઊભય પક્ષી-બેઠક હોવાની માહિતી અપાઈ હોવાના અહેવાલ વહેતા થયા. સેન્સેક્સ જે આગલા બંધથી ૭૧૫ પૉઇન્ટ નીચે ગયો હતો એ શાર્પ બાઉન્સ બૅક સાથે નીચલા મથાળેથી ૧૧૦૧ પૉઇન્ટ ઊછળીને ઉપરમાં ૮૩,૯૬૨ થઈ ગયો હતો. નિફ્ટીમાં ઇન્ટ્રા-ડે બૉટમથી ૩૪૦ પૉઇન્ટના જમ્પમાં ૨૫,૮૧૩ની ઇન્ટ્રા-ડે હાઈ બની હતી. બજાર ટ્રેડ ડીલને લઈને કેટલું ડેસ્પરેટ છે એ આના પરથી પુરવાર થાય છે. બજારની માર્કેટ બ્રેડ્થ તો નેગેચિવ જ રહી છે. NSEમાં વધેલા ૧૨૪૭ શૅર સામે ૧૮૯૧ જાતો માઇનસ થઈ છે. માર્કેટકૅપ ૧.૦૧ લાખ કરોડ રૂપિયાના વધારામાં હવે ૪૬૮.૭૩ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના ૦.૪ ટકા સુધારા સામે સ્મૉલકૅપ ૦.૭ ટકા, મિડકૅપ ૦.૪ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૮ ટકા, ટેલિકૉમ અડધો ટકો, હેલ્થકૅર અડધો ટકો, રિયલ્ટી ૧.૧ ટકા, પાવર ૦.૪ ટકા, નિફ્ટી મીડિયા દોઢ ટકા, નિફ્ટી ઑટો ૦.૩ ટકા ડાઉન હતો. મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા કે ૭૦૪ પૉઇન્ટ ઊંચકાયો છે. IT બેન્ચમાર્ક TCS તથા HCL ટેક્નોનાં રિઝલ્ટ માથે હોવા છતાં ૦.૩ ટકા કે ૧૦૯ પૉઇન્ટ નરમ હતો. એના ૭૭માંથી ૫૪ શૅર ઘટ્યા છે. બૅન્ક નિફ્ટી ૧૯૯ પૉઇન્ટ વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૭ ટકા પ્લસ હતો.

સરકારની ૭૨.૬ ટકા માલિકીની આઇએફસીઆઇ ૩૦ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૫૮.૩૦ બતાવી ૧૪.૯ ટકાના જમ્પમાં ૫૬.૩૦ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. પોર્સ મોટર્સ સવા છ ટકા કે ૧૧૭૮ રૂપિયા ઊંચકાઈને ૧૯,૮૯૨ થઈ છે. જીઆરએમ પાવર સવાનવ ટકાની મજબૂતીમાં ૧૧૧ દેખાઈ છે. શક્તિ પમ્પસ ૧૩ ગણા વૉલ્યુમે ૫.૨ ટકા વધીને ૭૨૧ રહી છે. નફામાંથી ભારે ખોટમાં સરી પડેલી તાતાની તેજસ નેટવર્કસ ૪૬ મહિનાની બૉટમ ૩૬૪ થઈ ૯.૪ ટકા ગગડી ૩૭૭ બંધમાં એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. જીઇવર્નોવા સવાછ ટકા કે ૧૮૦ રૂપિયાની વધુ ખરાબીમાં ૨૭૨૦ થઈ છે. ઍડ્વાન્સ્ડ એન્ઝાઇમ્સ ૫.૯ ટકા, બાલાજી એમાઇન્સ ૫.૨ ટકા તથા ગોકલદાસ એક્સપોર્ટસ ૫.૮ ટકા ડાઉન હતી. રેલવે કંપની કાર્નેકસમાઇક્રો આઠ ગણા કામકાજે નીચામાં ૧૦૧૧ થઈને ૯.૫ ટકા બગડી ૧૦૯૦ બંધ આવી છે. ૨૫૦૦ લોકોમોટિવ માટે સેફ્ટી સિસ્ટમ્સ કવચની ડિલિવરી સમયસર કરવામાં કંપની નિષ્ફળ ગઈ છે એની અસર જોવાઈ છે. સેન્ટમ ઇલેક્ટ્રૉનિક્સ ૮૫ ગણા કામકાજે ઉપરમાં ૨૫૦૪ વટાવી ૧૦.૭ ટકા કે ૨૨૩ રૂપિયાની તેજીમાં ૨૩૧૦ બંધ આવી છે. ડ્રેજિંગ કૉર્પોરેશન ૭.૪ ટકા ઊંચકાઈ ૧૦૨૯ હતી. એલકેપી ફાઇનૅન્સ બુલરનમાં ૧૧૮૦ના નવા શિખરે જઈને ૪.૫ ટકા ઘટી ૧૦૭૩ થઈ છે. આ શૅર વર્ષ પહેલાં ૧૬૬ હતો. ઝી એન્ટરટેઇનમેન્ટ ૮૮ની ઑગસ્ટ ૨૦૦૯ પછીની બૉટમ બતાવી ૯૦ નીચે સવા ટકો ઘટીને બંધ આવી છે. તાતા કેમિકલ્સ ૭૪૨ની જુલાઈ-૨૦૨૧ પછીની નીચી સપાટી દેખાડી ૦.૩ ટકાના સુધારામાં ૭૫૦ હતી. 

ખોટ કરતી એમેજી મીડિયા લૅબ્સનો ૧૭૮૯ કરોડનો ઇશ્યુ આજે

આજે ત્રણ નવાં ભરણાં છે. મેઇન બોર્ડમાં બૅન્ગલોરની એમેજી મીડિયા લૅબ્સ પાંચના શૅરદીઠ ૩૬૧ની અપર બૅન્ડમાં ૧૭૮૯ કરોડનો ઇશ્યુ કરવાની છે. એમાંથી ૯૭૩ કરોડની ઑફર ફોર સેલ છે. કંપની વર્ષોથી સતત ખોટમાં છે. એ ક્લાઉડ બેઝડ બ્રૉડકાસ્ટ તથા કનેક્ટેડ ટીવી ટેક્નૉલૉજી ક્ષેત્રે કામ કરે છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૨૯.૮ ટકા વધારામાં ૧૨૨૩ કરોડ આવક ઉપર ૭૨ ટકાના ઘટાડામાં ૬૮૭૧ લાખની નેટલૉસ કરી છે. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ૭૩૪ કરોડની આવક ઉપર ૬૪૭ લાખ નફો કંપનીએ બતાવ્યો છે. રિઝર્વ માઇનસ ૨૫૫૭ લાખ છે. દેવું નથી. ઇશ્યુ બાદ પ્રમોટર્સ હોલ્ડિંગ માત્ર ૧૪ ટકા રહેવાનું છે. કંપનીની મોટા ભાગની રેવન્યુ અમેરિકાથી આવે છે એ પણ હાલના તબક્કે જોખમ કહી શકાય. ગ્રેમાર્કેટમાં ૪૩થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૧૬ બોલાય છે. અમદાવાદની ઇન્ડો એસએમસી લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૪૯ની અપરબૅન્ડમાં આશરે ૯૨ કરોડનો BSE SME ઇશ્યુ મંગળવારે લાવશે. એમાંથી ૫૨ કરોડ વર્કિંગ કૅપિટલ પેટે વાપરશે. કંપની ઇલેક્ટ્રિકલ, ઇન્ડસ્ટ્રિયલ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. ગયા વર્ષે ૩૯૪ ટકા વધારામાં ૧૩૯ કરોડ નજીકની આવક ઉપર ૪૧૫ ટકાના વૃદ્ધિદરથી ૧૫૪૪ લાખ નફો બતાવનારી આ કંપનીએ ચાલુ વર્ષે ૬ મહિનામાં ૧૧૨ કરોડ પ્લસની આવક ઉપર ૧૧૪૬ લાખ નેટ મહિનામાં ૧૧૨ કરોડ પ્લસની આવક ઉપર ૧૧૪૬ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું દોઢ વર્ષમાં ૧૭૭૦ લાખથી વધીને ૪૯૩૫ લાખ થઈ ગયું છે. ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થયેલું પ્રીમિયમ વધી ૩૫ ચાલે છે. ગુજરાતીના મહેસાણાના દેદિયાસણ ગામની GRE રિન્યુ એનરટેકનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપરબૅન્ડ સાથે કુલ ૩૯૫૬ લાખનો BSE SME IPO આજે આવશે. સોલર એનર્જી સૉલ્યુશન્સ બિઝનેસમાં પ્રવૃત્ત આ કંપની LED લાઇટિંગ પ્રોડક્ટ્સ બનાવે છે. ગયા વર્ષે સાડાઆઠ ટકા ઘટાડામાં ૮૪૩૭ લાખની આવક ઉપર ૨૯ ટકા ઘટાડામાં ૭૦૩ લાખ નફો કર્યો છે ચાલુ વર્ષે ૬ મહિનામાં આવક ૪૪ કરોડ તથા નફો ૪ કરોડ થયો છે. ગ્રેમાર્કેટમાં ૯થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ત્યાં જ છે. 

TCSનો નફો ૧૪ ટકા ડાઉન, શૅરદીઠ ૫૭ રૂપિયાનું ઇન્ટરિમ

IT જાયન્ટ TCS પરિણામ પહેલાં સવાયા કામકાજે પોણો ટકો વધીને ૩૨૩૬ નજીક બંધ હતો. બજાર બંધ થયા પછી કંપની તરફથી પાંચ ટકા વધારામાં ૬૭,૦૮૭ કરોડની આવક ઉપર ૧૪ ટકા ઘટાડામાં ૧૦,૬૫૭ કરોડ નેટ પ્રૉફિટ સાથે શૅરદીઠ ૫૭ રૂપિયાનું બમ્પર ઇન્ટરિમ જાહેર કરાયું છે. બજારની ધારણા ૬૬,૮૪૯ કરોડની આવક તથા ૧૩,૦૦૬ કરોડના નેટ નફાની હતી. કંપનીએ સરકારના નવા કામદાર કાયદાને લઈ ૨૧૨૮ કરોડની વન ટાઇમ જોગવાઈ કરી છે. એના લીધે નફામાં મોટો ઘટાડો થયો છે. HCL ટેક્નો રિઝલ્ટ પહેલાં સાધારણ વધી ૧૬૬૮ બંધ હતો. વિપ્રો અડધો ટકો તો ટેક મહિન્દ્ર નહીંવત પ્લસ હતી, પરંતુ જેનાં રિઝલ્ટ ૧૪મીએ છે એ ઇન્ફોસિસ દોઢા વૉલ્યુમે ૧.૨ ટકા જેવા ઘટાડે ૧૫૯૬ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. અન્યમાં તાતા મોટર્સ પૅસેન્જર એક ટકો, આઇશર એક ટકા નજીક, બજાજ ફાઇનૅન્સ તથા બજાજ ઑટો પોણાથી એક ટકા નજીક નરમ હતી.

નિફ્ટી ખાતે કોલ ઇન્ડિયા સવાત્રણ ટકા ઊંચકાઈને ૪૩૨ તથા સેન્સેક્સમાં તાતા સ્ટીલ પોણાત્રણ ટકા વધીને ૧૮૩ના બંધમાં ટૉપ ગેઇનર હતી. ICICI બૅન્ક એક ટકાથી વધુની આગેકૂચમાં ૧૪૧૯ના બંધમાં બજારને ૯૬ પૉઇન્ટ તો સ્ટેટ બૅન્ક દોઢ ટકો વધીને ૧૦૧૫ના બંધમાં ૫૩ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ નીચામાં ૧૪૫૧ થઈને અડધો ટકો સુધરી ૧૪૮૩ હતી. એનાં પરિણામ ૧૬મીએ છે. જિયો ફાઇનૅન્સ સાધારણ વધી હતી. સેન્સેક્સ નિફ્ટી ખાતે નોંધપાત્ર વધેલા અન્ય શૅરમાં એશિયન પેઇન્ટ્સ અઢી ટકા, હિન્દાલ્કો ૨.૧ ટકા, ટ્રેન્ટ ૨.૧ ટકા, JSW સ્ટીલ બે ટકા, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટસ ૧.૪ ટકા, SBI લાઇફ ૧.૩ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૪ ટકા, અલ્ટ્રાટેક સવા ટકો, ગ્રાસિમ ૧.૧ ટકા, નેસ્લે એક ટકો સામેલ છે. 

નર્મદેશનો ૫૧૫ના વિક્રમી ભાવનો SME ઇશ્યુ પ્રથમ દિવસે પાર

મેઇન બોર્ડમાં ભારત કોકિંગ કોલનો ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવનો ૧૦૭૧નો ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ આશરે ૩૪ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૧૧નું છે. તો SME કંપની ડીફ્રેઇલ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૭૪ના ભાવનો ૧૩૭૭ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે ૧૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૨ ચાલે છે. ગઈ કાલે જામનગરની નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૫૧૫ની વિક્રમી ઇશ્યુ પ્રાઇસ સાથે ૪૪૮૭ લાખનો BSE SME ઇશ્યુ ખૂલ્યો છે. પ્રથમ દિવસે એને રીટેલમાં ૭ ટકા અને કુલ ૧.૧ ગણો પ્રતિસાદ મળ્યો છે. બૅન્ગલોરની અવના ઇલેક્ટ્રૉસિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૫૯ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૩૫૨૨ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૩.૮ ગણો અને કુલ અઢી ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૪થી શરૂ થયા બાદ હાલ પાંચ બોલાય છે. નર્મદેશમાં પ્રીમિયમના કામકાજ હજી શરૂ થયાં નથી. દરમ્યાન નવી દિલ્હીની ગૅબિયન ટેક્નૉલૉજીઝનો ૧૦ શૅરદીઠ ૮૧ના ભાવવાળો BSE SME ઇશ્યુ આજે લિસ્ટેડ થવાનો છે. હાલ પ્રીમિયમ ૩૨ બોલાય છે. 

તેજસ નેટવર્ક્સ નફામાંથી ખોટમાં આવતાં ૪૬ મહિનાના તળિયે

મુંબઇની ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ એક શૅરદીઠ ચારના બોનસમાં આજે એક્સ બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૧૩૧ થઈ પોણાબે ટકા વધીને ૩૦૯૮ બંધ થયો છે. નવી દિલ્હીની બેસ્ટ ઍગ્રોલાઇફ બે શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૪૬ બતાવી અડધો ટકો વધીને ૪૩૮ હતો. SMK એગ પ્રોડક્ટસ ૧૦ના શૅરદીઠ પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે સવાસાત ટકા તૂટી ૧૬૦ રહી છે. કોટક મહિન્દ્ર બૅન્ક પાંચના શૅરદીઠ એક રૂપિયામાં વિભાજનમાં બુધવારે એક્સ સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે નીચે ૨૧૦૬ થઈ ૦.૪ ટકા વધીને ૨૧૩૫ બંધ થયો છે. સળંગ છ દિવસથી પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ રહેતી અમદાવાદી એ વન લિ. ગઈ કાલે પાંચ ટકા તૂટી ૩૭ થઈ છેલ્લે ત્યાં જ બંધ આવી છે. સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝમાં ૧૬મીએ બોનસ માટે બોર્ડ-મીટિંગ છે. ભાવ નીચામાં ૧૫૯૦ જઈ પાંચ ટકા ગગડી ત્યાં જ બંધ હતો. તાતા એલેક્સી પરિણામની પૂર્વસંધ્યાએ ઉપર ૫૭૫૯ થઈને નજીવી સુધરી ૫૬૯૫ રહી છે.

સેબી ચીફ તરફથી NSEના ઇશ્યુને ક્લીઅરન્સ ટૂંકમાં અપાશે એવો નિર્દેશ થયો છે. અન-લિસ્ટેડ માર્કેટમાં શૅરનો ભાવ ૯ જાન્યુઆરીના રોજ ૧૯૭૫ હતો એ હાલ વધીને ૨૩૦૦ થઈ ગયો છે. ૧૩ જૂન ૨૫માં ભાવ ૨૩૭૭ના બેસ્ટ લેવલે જોવાયો હતો, મિડ-એપ્રિલમાં રેટ ૧૫૪૫ના તળિયે હતો. દરમ્યાન BSE લિમિટેડનો શૅર ગઈ કાલે નીચે ૨૬૮૫ થઈ સાડાચાર ટકા વધીને ૨૭૯૦ હતો. ક્યુપિડ લિમિટેડમાં ત્રીજી વખતના બોનસ માટે ૨૯મીએ બોર્ડ મીટિંગ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૩૯ થઈ સવાબે ટકા વધીને ૪૩૧ બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. કંપનીએ છેલ્લે જાન્યુઆરી ૨૪માં શૅરદીઠ એકનું બોનસ આપ્યું હતું.

ડીમાર્ટવાળી એવન્યુ સુપરમાર્ટ્સનો ત્રિમાસિક નફો ૧૭ ટકા વધીને ૮૫૬ કરોડ આવતાં શૅર ૪ ગણા કામકાજે ઉપરમાં ૩૯૧૮ નજીક ગયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૩૭૬૩ થઈ પોણો ટકો વધીને ૩૮૩૩ બંધ થયો છે. ઇરેડાએ ૧૫ ટકા વધારામાં ૧૩૮૧ કરોડ ચોખ્ખો નફો મેળવતાં ભાવ ૧૪૨ વટાવી સાડાત્રણ ટકા વધીને ૧૪૧ રહ્યો છે. તાતાની તેજસ નેટવર્કસ ૧૬૬ કરોડ નજીકના નફામાંથી ૧૯૬ કરોડ પ્લસની ત્રિમાસિક ખોટમાં આવતાં ભાવ ૩૬૪ની ૪૬ મહિનાની બોટમ બતાવીને સાડાનવ ટકા લથડી ૩૭૭ બંધ થયો છે. ૨૪ જૂન ૨૦૨૫માં ૧૧૫૦ની વર્ષની ટોચે જોવાયો હતો. સિગ્નેચર ગ્લોબલે મંદ માગને લઈને પ્રી-સેલ્સ ગાઇડન્સિસ ડાઉનવર્ડ કરતાં ભાવ ૯૩૫ની બે વર્ષની બૉટમ બતાવી ૬.૫ ટકા તૂટી ૯૪૩ થયો છે. ગ્લોબસ સ્પિરિટ્સનો ત્રિમાસિક નફો ૭૦ લાખથી ઊછળીને ૩૧૪૦ લાખ થવા છતાં શૅર ઉપરમાં ૧૧૨૫ થઈને છેલ્લે ૩.૩ ટકા ગગડીને ૧૦૨૩ બંધ આવ્યો છે. 

business news share market stock market sensex nifty national stock exchange bombay stock exchange