11 April, 2026 07:30 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકા-ઈરાન વચ્ચેની વૉરમાં ઇન્ટરિમ સીઝફાયરની હાલતને લઈને છેલ્લા બે દિવસમાં કશો ફરક નથી પડ્યો, પરંતુ શૅરબજારોની ચાલમાં જબરો ફરક પડ્યો છે. યુદ્ધવિરામ વચ્ચે બન્ને પક્ષો વચ્ચે તંગદિલી વધતાં ગુરુવારે બગડેલાં શૅરબજારો એની એ જ સ્થિતિ હોવા છતાં વળતા દિવસે સારા એવા વધ્યાં છે. એટલે જ કહેવાય છે કે બજારને કશું ગણિત હોતું જ નથી અથવા એમ પણ કહી શકાય કે બજારને એનું આગવું ગણિત હોય છે. તનાવભર્યા સીઝફાયર વચ્ચે શાંતિ-મંત્રણા માટે વીક-એન્ડમાં ઇસ્લામાબાદ ખાતે અમેરિકા, ઈરાન, ઇઝરાયલની મીટિંગ મળવાની છે. એમાં શું રંધાય છે એના પર નજર છે. બ્રેન્ટ ક્રૂડ ૯૬ ડૉલર નજીકના આગલા બંધ સામે ૯૮ ડૉલર વટાવીને ગઈ કાલે ૯૭.૭૫ ડૉલર આસપાસ ચાલતું હતું. હાજર સોનું અડધો ટકો ઘટીને ૪૭૪૪ ડૉલર, કૉમેક્સ ગોલ્ડ સવા ટકો ઘટીને ૪૭૬૦ ડૉલર, ચાંદી પોણાબે ટકા ઘટીને ૭૫ ડૉલર દેખાઈ છે. બિટકૉઇન ૭૨,૨૦૦ ડૉલર વટાવી રનિંગમાં ૭૧,૬૦૯ ડૉલર હતો. તમામ અગ્રણી એશિયન શૅરબજાર ગઈ કાલે વધીને બંધ થયાં છે. ઇન્ડોનેશિયા બે ટકા, જપાન ૧.૯ ટકા, તાઇવાન તથા સાઉથ કોરિયા દોઢ ટકા આસપાસ, થાઇલૅન્ડ પોણો ટકો, ચાઇના-હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ હતાં. યુરોપ રનિંગમાં નજીવો સુધારો દાખવતું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૬૫,૫૧૭ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧,૬૮,૨૯૦ બતાવી રનિંગમાં ૧૪૩૦ પૉઇન્ટ વધીને ૧,૬૬,૯૪૮ હતું. ડૉલર સામે રૂપિયો ૯૨.૬૭ના આગલા બંધ સામે ઉપરમાં ૯૨.૪૦ થઈ ૯૨.૬૦ જેવો ચાલતો હતો.
આગલા દિવસે ૯૩૧ પૉઇન્ટ બગડેલો સેન્સેક્સ ગઈ કાલે ૪૯૦ પૉઇન્ટ પ્લસ, ૭૭,૧૨૧ ખૂલી છેવટે ૯૧૮ પૉઇન્ટ વધીને ૭૭,૫૫૦ તથા નિફ્ટી ૨૭૫ પૉઇન્ટ વધીને ૨૪,૦૫૦ બંધ રહ્યો છે. શૅરઆંક નીચામાં ૭૬,૮૫૧ અને ઉપરમાં ૭૭,૬૨૨ થયો હતો. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ-બ્રેડ્થમાં NSEમાં ૨૬૬૭ શૅર વધ્યા હતા, સામે ૫૭૫ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૫.૪૪ લાખ કરોડ વધી ૪૫૦.૨૩ લાખ કરોડ થયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૪૨૩૧ પૉઇન્ટ કે ૫.૮ ટકા તથા નિફ્ટી ૧૩૩૭ પૉઇન્ટ કે ૫.૯ ટકા પ્લસ થયો છે. છેલ્લાં ૪ સપ્તાહની નબળાઈ બાદ પ્રથમ વાર વીકલી ધોરણે બજાર વધ્યું છે. સપ્તાહમાં બૅન્ક નિફ્ટી સાડાઆઠ ટકા મજબૂત થયો છે.
સેન્સેક્સ નિફ્ટીના ૧.૨ ટકાના સુધારા સામે રિયલ્ટી, પાવર, ફાઇનૅન્સ, ટેલિકૉમ, FMCG, યુટિલિટીઝ, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એકથી બે ટકા મજબૂત હતા. ઑટો ઇન્ડેક્સ ૨.૮ ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૩ ટકા ઊંચકાયો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ દોઢ ટકા આગળ વધ્યો છે. એકમાત્ર IT અપવાદ તરીકે ડૂલ થયો છે. કોલ ઇન્ડિયા ૪.૪ ટકા ગગડી નિફ્ટી ખાતે તો સનફાર્મા ૩.૭ ટકા ગગડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની છે. ત્યાર પછી ઘટાડામાં IT શૅરોની વણજાર લાગી હતી. ઇન્ફી, TCS અને HCL ટેક્નૉની નરમાઈ બજારને ૧૮૨ પૉઇન્ટ નડી છે. BSE લિમિટેડ ૩૩૩૦ની નવી ટૉપ બનાવીને પોણો ટકા વધીને ૩૨૮૧ તો MCX ૨૮૦૯ના નવા બેસ્ટ લેવલે જઈ અડધો ટકો વધીને ૨૬૬૮ રહી છે.
TCS તરફથી માર્ચ ક્વૉર્ટરમાં ૧૦ ટકા વધારામાં ૩૦,૬૯૮ કરોડની આવક તથા ૧૨ ટકા વધારામાં ૧૬,૭૧૮ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. બજારની એકંદર ધારણા ૬૮,૯૭૨ કરોડની આવક તથા ૧૩,૫૮૧ કરોડના નેટ નફાની હતી. એ જોતાં આ પરિણામ એકંદર સારાં કહી શકાય પરંતુ ડૉલરની રીતે કંપનીની આવકનો વૃદ્ધિદર અડધો ટકો ગયા વર્ષે ઘટ્યો છે. કૉન્સ્ટન્ટ કરન્સીની રીતે આ ઘટાડો ૨.૪ ટકા આવે છે. કંપનીએ લિસ્ટિંગ બાદ એના ઇતિહાસમાં પ્રથમ વાર ગયા વર્ષે ડૉલરની રીતે આવકમાં નેગેટિવ વૃદ્ધિદર બતાવ્યો છે. ઈવન, કોવિડના કપરા કાળમાં પણ એનો રેવન્યુ ગ્રોથ ડૉલરમાં અડધા ટકાનો નોંધાયો હતો. મતલબ કે કંપની હાલમાં કોવિડ કરતાંય વધુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. બીજું, કંપનીએ શૅરદીઠ ૩૧ રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે એ શૅરદીઠ ૪૦ રૂપિયાની અપેક્ષા કરતાં નીચું છે. કંપનીનું માર્જિન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની હરીફાઈને કારણે ભીંસમાં છે. આ બધાં કારણસર TCSનો શૅર પરિણામ બાદ ગઈ કાલે નીચામાં ૨૫૦૨ થઈ અઢી ટકા ગગડી ૨૫૨૪ બંધ થયો છે. વૉલ્યુમ સવા ગણું હતું. ટીસીએસ TCSની નબળાઈ બજારને ૫૪ પૉઇન્ટ નડી છે.
TCS પાછળ અન્ય IT હેવીવેઇટ ઇન્ફોસિસ પણ નીચામાં ૧૨૮૩ થઈ ત્રણેક ટકા તૂટીને ૧૨૯૨ બંધ થતાં બજારને ૧૧૫ પૉઇન્ટનો માર પડ્યો છે. HCL ટેક્નો દોઢેક ટકો ઘટીને ૧૪૪૦, ટેક મહિન્દ્ર ૦.૯ ટકા ઘટી ૧૪૫૨, વિપ્રો એક ટકો વધી ૨૦૫ તથા લાટિમ ૧.૪ ટકા કે ૬૩ રૂપિયા ઘટીને ૪૫૦૮ બંધ હતી. IT ઇન્ડેક્સ ૧.૭ ટકા કે ૫૧૭ પૉઇન્ટ ઘટ્યો છે. એના ૮૦માંથી ૫૧ શૅર સુધર્યા હતા. ઇન્ફોબીન્સ ૧૯ ટકા ઊછળી ૧૮૭ બંધમાં સામા પ્રવાહે હતી. ક્વિક હીલ ૩.૭ ટકા, ડિજિટાઇડ ૩.૬ ટકા, ઓરિયન પ્રો ૬.૧ ટકા, ડાયનાકૉન્સ ૬.૪ ટકા જેવી વધી છે.
હાલની તારીખે પ્રાઇમરી માર્કેટ આગામી સપ્તાહે આરામમાં જણાય છે. નવું એક પણ ભરણું દેખાતું નથી. મેઇનબોર્ડમાં અમદાવાદી ઓમ પાવર ટ્રાન્સમિશનનો ૧૦ના શૅરદીઠ ૧૭૫ની ઇશ્યુ પ્રાઇસવાળો ૧૫૦ કરોડનો ઇશ્યુ સોમવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૬૦ ટકા જેવું ભરાઈ ગયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ત્રણ રૂપિયા ચાલે છે. લખનઉની સેફ્ટી કન્ટ્રોલ્સ તથા જયપુરની એમિયાક ટેક્નૉલૉજીઝના SME ઇશ્યુ પણ સોમવારે લિસ્ટેડ થવાના છે. પ્રીમિયમ નથી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી નવી મુંબઈની વિવિડ ઇલેક્ટ્રોમેક આગલા દિવસના પોણાપાંચ ટકાના જમ્પ બાદ ગઈ કાલે ૬૪૧નું શિખર બતાવી ચાર ટકા વધી ૬૩૫ બંધ થઈ છે. શૅરદીઠ ૫૫૫ના ભાવનો ૧૩૧ કરોડનો આ SME IPO રીટેલમાં માત્ર ૩૬ ટકા ભરાયો હતો. પાવરિકા લિમિટેડ ૩.૪ ટકા વધી ૪૧૦ તો સાંઈ પેરન્ટલ ૪૨૪ના લેવલે ફ્લૅટ હતી. શૅરદીઠ ૨૧૨ના ભાવે ઇશ્યુ લાવનાર અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ્સ ગઈ કાલે ૧૨૦ના ઑલટાઇમ તળિયે જઈ ૩.૭ ટકા સુધરી ૧૨૬ રહી છે. હાઇનેસ માઇક્રો ઇલેક્ટ્રૉનિક્સ દોઢ ટકો વધીને ૧૧૯ હતી.
નાશિકની આર. એમ. ડ્રીપ સ્પ્રિન્કલર્સ ૭ શૅરદીઠ પાંચના બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૭.૫૫ થઈ ૨૭ નજીક બંધ થઈ છે. વિપ્રોમાં પરિણામ માટે બોર્ડ મીટિંગ ૧૬મીએ મળવાની છે. એમાં શૅરના બાયબૅકનો એજન્ડા પણ સામેલ છે. ભાવ ગઈ કાલે એને કારણે પાંચ ગણા કામકાજે પ્રારંભિક મજબૂતીમાં ઉપરમાં ૨૦૯ નજીક ગયો હતો. છેવટે શૅર એક ટકો સુધરીને ૨૦૫ થયો છે. કંપનીએ છેલ્લે જુન ૨૦૨૩માં શૅરદીઠ ૪૪૫ના ભાવે ૧૨,૦૦૦ કરોડનું બાયબૅક કર્યું હતું.
એશિયન પેઇન્ટ્સ ઉપરમાં ૨૩૭૪ બતાવી ૩.૮ ટકા વધી ૨૩૫૬ બંધમાં સેન્સેક્સ નિફ્ટીમાં ઝળકી હતી. બર્ગર પેઇન્ટ્સ ચાર ટકા તથા કન્સાઇ નેરોલેક ૩.૫ ટકા પ્લસ થઈ છે. ઑટોની ગાડી જોરમાં હોવાથી ગઈ કાલે મહિન્દ્ર ત્રણ ટકા, આઇશર ૩.૯ ટકા કે ૨૩૬ રૂપિયા, બજાજ ઑટો ૩.૧ ટકા કે ૨૯૬ રૂપિયા, મારુતિ સુઝુકી ૦.૯ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૨.૮ ટકા વધીને મેઇન ઇન્ડેક્સમાં મોખરે હતી. અન્ય ઑટો શૅરમાં અશોક લેલૅન્ડ સાડાચાર ટકા, હીરો મોટર સાડાચાર ટકા, એસ્કોર્ટ્સ સવાબે ટકા, ફોર્સ મોટર્સ પોણાબે ટકા, SML મહિન્દ્રા ૦.૬ ટકા વધી છે. ઇલેક્ટિક વ્હીકલ્સ સેગમેન્ટસમાં ઓલા ઇલેક્ટ્રિક તેજીની આગેકૂચમાં ૪૨ નજીક જઈ ૧૨.૫ ટકાના ઉછાળે ૪૧ થઈ છે. એથર એનર્જી ૮૭૫ નવી વિક્રમી સપાટી નોંધાવીને પાંચ ટકાના જમ્પમાં ૮૬૩ તો સુપરટેક EV બૅક-ટુ-બૅક ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૮ વટાવીને ત્યાં જ બંધ હતી.
વર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ ૭ ટકા ઊંચકાઈ હતી. બાય ધ વે હ્યુન્દાઇ મોટર દોઢ ટકો વધીને ૧૭૯૬ હતી.
રિલાયન્સ પાંખા વૉલ્યુમે દોઢ ટકો વધીને ૧૩૫૦ તો જિયો ફાઇનૅન્સ ૧.૯ ટકા વધીને ૨૪૩ રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૪ ટકા તો અદાણી પોર્ટ્સ બે ટકા પ્લસ હતી. અદાણી એનર્જી ૧૧૬૦ની મલ્ટીયર ટૉપ બનાવી સવાસાત ટકા ઊછળી ૧૧૫૮ થઈ છે. અદાણી ટોટલમાં સાડાપાંચ ટકાની તેજી હતી. ટાઇટન ૪૫૨૪ના શિખરે જઈને દોઢ ટકો વધી ૪૫૦૨ થઈ છે. ઇન્ડિગો ૨.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૩ ટકા, બજાજ ફિનસર્વ ૨.૧ ટકા, લાર્સન દોઢ ટકા, અલ્ટ્રાટેક ૧.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૩.૧ ટકા, ટ્રેન્ટ ૧.૮ ટકા, HDFC લાઇફ ૨.૨ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૭ ટકા, SBI લાઇફ એક ટકો વધી હતી.
આગલા દિવસની નરમાઈ બાદ બાઉન્સબૅકમાં બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅર પ્લસમાં આપી બે ટકા કે ૧૦૯૧ પૉઇન્ટ તથા PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની મજબૂતીમાં બે ટકા વધ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૩૬ શૅર વધ્યા છે. સેન્સેક્સ ખાતે હેવીવેઇટ ICICI બૅન્ક સવાત્રણ ટકા વધી ૧૩૨૨ બંધમાં બજારને ૨૪૯ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. HDFC બૅન્ક ૧.૭ ટકા વધતાં એમાં બીજા ૧૬૯ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. ઍક્સિસ બૅન્ક અઢી ટકા, સ્ટેટ બૅન્ક અઢી ટકા તથા કોટક મહિન્દ્ર બૅન્ક પોણો ટકો વધી છે. આ પાંચ શૅર બજારને કુલ ૬૦૪ પૉઇન્ટ ફળ્યા હતા.
IDBI બૅન્કના ડાઇવેસ્ટમેન્ટ માટે ધારી ઑફર ન મળતાં તમામ બિડ રદ કરીને મામલો હોલ્ટ પર મૂક્યા પછી સરકારને હાલની સ્થિતિમાં સમગ્ર મુદ્દા પર ફેરવિચારણા કરવાની ફરજ પડી છે. એના ભાગરૂપ બૅન્કના રિવૅલ્યુએશનની પ્રોસેસ હાથ ધરી છે. આ પૂરી થયા પછી સરકાર મહિનામાં ફરી બિડ મગાવશે. ગઈ કાલે IDBI બૅન્કનો શૅર પોણાત્રણ ટકા વધી ૭૪ થયો છે. ઇક્વિટાસ બૅન્ક ૩.૭ ટકા વધી ૬૧ વટાવી ગઈ છે. DCB બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, ફેડરલ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ-સિંધ બૅન્ક, યુનિયન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, ઉજ્જીવન બૅન્ક બેથી ચાર ટકા વધી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૯૦માંથી ૧૬૭ શૅરની હૂંફમાં ૨.૧ ટકા પ્લસ થયો છે. ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૧૦૨ ગણા જંગી વૉલ્યુમે ૧૫૬ વટાવી ૨૦ ટકા ઊછળી ત્યાં જ હતી. પ્રુડેન્ટ કૉર્પોરેટ ૭.૯ ટકા, ઇન્ડોસ્ટાર ૬ ટકા, IIFL કૅપિટલ ચાર ટકા, JSW હોલ્ડિંગ્સ પાંચ ટકા કે ૬૪૭ રૂપિયા મજબૂત હતી. ગ્રો ફેમ બિલિયન બ્રેઇન્સ બમણા વૉલ્યુમે ૧૯૮ના શિખરે જઈ ૩.૭ ટકા ઊછળી ૧૯૪ હતી.