વધતા ક્રૂડ વચ્ચે ઘરઆંગણે અશાંતિમાં શૅરબજારમાં નરમાઈ આગળ વધી

24 July, 2026 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિણામ પૂર્વે ફ્લૅટ રહેલી ઇન્ફોસિસે બંધ બજારે ૭૯૦૩ કરોડની ધારણા સામે ૭૭૬૯ કરોડ નેટ નફો બતાવ્યો, કંપનીના CEO પદેથી સલીલ પારેખ વિદાય લેશે

પ્રતીકાત્મક તસવીર

માથે પરિણામ વચ્ચે અદાણી પોર્ટ્‍સ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ સેન્સેક્સ નિફ્ટીમાં વર્સ્ટ પર્ફોર્મર ઃ અદાણી ગ્રુપના તમામ શૅર ડાઉન, રિલાયન્સ નરમાઈની હૅટ-ટ્રિક સાથે નવું ઐતિહાસિક બૉટમ બનાવવાની તૈયારીમાં ઃ ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૨૦૦ ટકાની નફાવૃદ્ધિ પાછળ લાઇફટાઇમ હાઈ ઃ પરિણામ પૂર્વે ફ્લૅટ રહેલી ઇન્ફોસિસે બંધ બજારે ૭૯૦૩ કરોડની ધારણા સામે ૭૭૬૯ કરોડ નેટ નફો બતાવ્યો, કંપનીના CEO પદેથી સલીલ પારેખ વિદાય લેશે

વિશ્વબજારમાં ક્રૂડ વધીને ૯૮ ડૉલર વટાવી ગયું છે. એકંદર નબળા મૉન્સૂનની ફિકર અેની જગ્યાએ છે. આગામી સમયમાં ફુગાવો અવશ્ય માથું ઊંચકવાનો છે. ટ્રમ્પ તરફથી એક યા બીજા સ્વરૂપમાં ટૅરિફ વધારવાની ધમકી ચાલુ છે. આ બધા વચ્ચે જંતરમંતર ખાતે શરૂ થયેલું જેન-ઝીનું આંદોલન હવે એક નવી જવાળા બની દેશભરમાં ફેલાય અેવી દહેશત આકાર લઈ રહી છે. આ આંદોલનના ઔચિત્ય કે સારા-નરસાપણાની ચર્ચા અહીં મારે કરવી નથી, પરંતુ જે કોઈ સ્થિતિ નિર્માણ થઈ છે અે માટે જવાબદારની યાદીમાંથી સરકાર હરગિજ બાકાત નથી એ વાત બહું સ્પષ્ટ છે. ઈશ્વર ખરેખર હોય તો તે સૌને સદબુદ્ધિ આપે એવી આશા રાખીએ. ઘરઆંગણે શૅરબજારે ઘટાડાતરફી વલણ જાળવી રાખ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૪૦ પૉઇન્ટ નરમ ખૂલી ૩૬૪ પૉઇન્ટના ઘટાડે ૭૬,૩૯૧ તથા નિફ્ટી ૧૨૭ પૉઇન્ટની નરમાઈમાં ૨૩,૮૬૯ ગઈ કાલે બંધ થયો છે. માર્કેટ આરંભથી અંત સુધી નેગેટિવ હતું. શૅરઆંક ઉપરમાં ૭૬,૭૨૬ અને નીચામાં ૭૬,૧૫૧ થયો હતો. માર્કેટ બ્રેડ્થ ખરડાયેલી જ રહી છે. NSEમાં વધેલા ૧૧૫૫ શૅર સામે ૨૧૦૫ કાઉન્ટર માઇનસ હતાં. માર્કેટકૅપ વધુ ૩.૪૧ લાખ કરોડના ઘટાડે હવે ૪૭૬.૬૪ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકાના ઘટાડા સામે રિયલ્ટી ઇન્ડેક્સ, પાવર, PSU બૅન્ક નિફ્ટી, યુટિલિટીઝ, બૅન્ક નિફ્ટી, ટેલિકૉમ, ઑઇલ-ગૅસ જેવાં સેક્ટોરલ એકથી દોઢ ટકો ડાઉન થયાં છે. મેટલ અને કૅપિટલ ગુડ્સમાં ૦.૯ ટકાની નબળાઈ હતી. ઑટો ઇન્ડેક્સ હીરો મોટોકૉર્પ પોણાચાર ટકા, બજાજ ઑટો અઢી ટકા તથા બૉશ અને મહિન્દ્રાની પોણાબે ટકાની મજબૂતી પાછળ અડધો ટકો સુધરી સામા પ્રવાહે હતો. 
નિફ્ટી ખાતે બજાજ ઑટો વધુ અઢી ટકા વધીને પોણાબે વર્ષની નવી ટૉપ સાથે ૧૧,૨૮૩ બંધ આપી બૅક-ટુ-બૅક બેસ્ટ ગેઇનર બન્યો છે. સેન્સેક્સમાં મહિન્દ્રા પોણાબે ટકાના સુધારે ૩૨૨૯ બંધ આપી મોખરે હતી. TCS દોઢ ટકા, HCL ટેક્નૉલૉઝિસ ૦.૬ ટકા, વિપ્રો નહીંવત પ્લસ હતી. લાટિમ અડધો ટકો ઘટી છે. ઇન્ફોસિસ પરિણામ પૂર્વે નેગેટિવ બાયસમાં ૧૦૫૨ નીચે બંધ આપી ફ્લૅટ રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના પરિણામ ૨૯મીએ છે. શૅર ૪.૪ ટકા કે ૧૩૮ રૂપિયા તૂટી ૩૦૧૦ના બંધમાં નિફ્ટીમાં ટૉપ લુઝર બન્યો છે તો અદાણી પોર્ટ્‍સ દોઢા વૉલ્યુમે સવાબે ટકા બગડી સેન્સેક્સમાં ટૉપ લુઝર હતી. અેનાં રિઝલ્ટ્સ પણ ૨૯મીએ છે. અદાણીના અન્ય શૅરમાં કહેવાતાં સારાં પરિણામ વચ્ચે અદાણી ગ્રીન સવાછ ટકા ગગડી ૧૩૮૦, અદાણી એનર્જી પોણાબે ટકા ઘટી ૧૬૯૩ તથા અદાણી પાવર ૨.૧ ટકા બગડી ૨૧૨ હતી. અદાણી ટોટલ અઢી ટકા ડૂલ થઈ છે. ACC પોણાબે ટકા, અંબુજા સિમેન્ટ દોઢ ટકાથી વધુ, PSP પ્રોજેક્ટ્સ સાડાછ ટકા, સેમિન્ડીયા પ્રોજેક્ટ્સ પાંચ ટકાની નીચલી સર્કિટમાં, ઓરિયેન્ટ સિમેન્ટ સવાબે ટકા અને NDTV સાધારણ કટ થઈ છે. 
રિલાયન્સ નરમાઈની હૅટ-ટ્રિકમાં એક ટકો ઘટી ૧૨૭૫ના બંધમાં બજારને ૭૭ પૉઇન્ટ નડી છે. આ શૅર ટૂંકમાં નવું ઐતિહાસિક બૉટમ બતાવશે એમ લાગે છે. HDFC પણ કંઈક આવા જ ટ્રેન્ડમાં વધુ ૦.૭ ટકા ઘટી ૭૪૮ થઈ છે. ICICI બૅન્ક અડધો ટકો, સ્ટેટ બૅન્ક સવા ટકો, અૅક્સિસ બૅન્ક ૧.૪ ટકા નરમ હતી. ઉક્ત ચાર બૅન્કો બજારને કુલ ૧૯૫ પૉઇન્ટ ભારે પડી છે. અન્યમાં બજાજ ફાઇનૅન્સ બે ટકા, ઇન્ડિગો ૧.૯ ટકા, તાતા સ્ટીલ સવા ટકો, શ્રીરામ ફાઇનૅન્સ ત્રણ ટકા, નેસ્લે ત્રણ ટકા, ગ્રાસીમ ૧.૭ ટકા, JSW સ્ટીલ દોઢ ટકા, મારુતિ સુઝુકી એક ટકો, તાતા મોટર્સ પૅસેન્જર એક ટકો ઘટી હતી. કોટક મહિન્દ્રા બૅન્ક અડધા ટકાથી વધુ સુધરી છે. 
સિંગાપોર તથા ઇન્ડોનેશિયાના સામાન્ય ઘટાડાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર સુધર્યાં છે. સાઉથ કોરિયા સવાચાર ટકા, હૉન્ગકૉન્ગ સવા ટકો તો અન્યત્ર નહીંવતથી સાધારણ સુધારો હતો. યુરોપ ખાતે રનિંગમાં અડધાથી એક ટકાની નરમાઈ હતી. લંડન ફુત્સી નેગેટિવ બાયસમાં ફ્લૅટ હતો. ડૉલર સામે રૂપિયો અગાઉના ૯૬.૫૮ના બંધ સામે ૯૬.૫૭ દેખાતો હતો. ઇન્ફીએ બંધ બજારે ૧૪ ટકા વધારામાં ૪૮,૨૧૧ કરોડની આવક ઉપર ૧૨ ટકા વધારામાં ૭૭૬૯ કરોડ નેટ નફો બતાવ્યો છે. અપેક્ષા ૭૯૦૩ કરોડના નફાની હતી. કંપનીના CEO તરીકે સલીલ પારેખે ૨૦૨૭ની ૧ એપ્રિલે વિદાય લેવાનું જાહેર કર્યું છે. 

મિલવર્ક્સ ટેક્નૉલૉઝિસ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં નવા શિખરે 
ગઈ કાલે કલકત્તાની સ્ટોફીન ભારત ૧૦ના શૅરદીઠ ૧૮૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૭થી શરૂ થઈ ૨૭ થયા બાદ છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે BSE ખાતે ૨૦૫ ખૂલી ૨૧૫ બંધ રહેતાં ૧૫ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મેઇન બોર્ડમાં મહારાષ્ટ્રના ચંદ્રપુરની કેલીબર માઇનિંગનો ૧૦ના શૅરદીઠ ૪૨૪ના ભાવનો ૪૫૦ કરોડનો ઇશ્યુ આજે લિસ્ટિંગમાં જવાનો છે. પ્રીમિયમ ૬૭ હતું અે હાલમાં વધી ૭૬ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા શૅરમાં ગઈ કાલે SBI ફન્ડ્સ મૅનેજમેન્ટ ૫૭૫ની નવી બૉટમ બતાવી સવા ટકો ઘટીને ૫૭૮, અલ્પાઇન ટેક્સવર્લ્ડ ૯૦ના નવા તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ તો મિલવર્ક્સ ટેક્નૉલૉઝિસ ૭૨૮ની નવી ટૉપ દેખાડી પાંચ ટકા વધી ત્યાં જ બંધ થઈ છે. 
અગાઉ એમ.બી. પરીખ ફીનસ્ટૉક્સ તરીકે ઓળખાતી સુરતની કાલિન્દ લિમિટેડ બે શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ બોનસ તથા એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ઉપરમાં ૮૪ થઈ નજીવો સુધરી ૮૧ બંધ રહ્યો છે. હરિયાણાના હિસ્સાર ખાતેની પી.એસ. રાજ સ્ટીલ્સ ૧૦ના શૅરના બે રૂપિયામાં તેમ જ મુંબઈના મુલુન્ડ-વેસ્ટની જ્યુપિટર લાઇફ લાઇન હૉસ્પિટલ્સ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે, શુક્રવાર એક્સ-સ્પ્લિટ થશે. ગઈ કાલે પી.એસ. રાજ સ્ટીલ્સ ઉપર ૪૧૧ બનાવી એક ટકો સુધરી ત્યાં જ તથા જ્યુપિટર લાઇફ લાઇન નીચામાં ૧૫૪૨ થઈ પોણો ટકો સુધરી ૧૫૧૫ બંધ રહી છે. 

સિલ્વર સ્ટૉર્મ પાર્ક્સનો ૮૨ કરોડનો ઇશ્યુ આજે ખૂલશે
આજે, શુક્રવારે SME સેગમેન્ટમાં કેરલમના તિસૂરની સિલ્વર સ્ટૉર્મ પાર્ક્સ અૅન્ડ રિસૉર્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૩ની અપરબૅન્ડમાં કુલ ૮૨ કરોડનો BSE SME IPO કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા, રીટેલ પોર્શન ૩૫ ટકાનો છે. વર્ષ ૧૯૯૮માં સ્થપાયેલી આ કંપની એમ્યુઝમેન્ટ પાર્ક્સ, વૉટર પાર્ક્સ, સ્નો પાર્ક્સ ચલાવે છે તેમ જ હૉસ્પિટલિટી સેક્ટરને લગતી અન્ય સેવા પૂરી પાડે છે. કંપની કેરલમ ઉપરાંત ઝારખંડના જમશેદપુર અને ઉતર પ્રદેશના લખનઉમાં પણ કાર્યરત છે. કંપનીએ ગયા વર્ષે ૪૨ ટકા વધારામાં ૪૪૮૫ લાખની આવક ઉપર ૯૭ ટકા વૃદ્ધિદરથી ૧૯૧૦ લાખનો નેટ નફો બતાવ્યો છે. દેવું એક જ વર્ષમાં ૨૯૯૫ લાખથી તગડા વધારામાં ૬૫૦૭ લાખ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૨૪ કરોડ દેવાની ચુકવણીમાં તથા ૪૧ કરોડ રૂપિયા કૅપિટલ એક્સપેન્ડિચરમાં વપરાશે પ્રમોટર્સની શૅરદીઠ પડતર જણાવાઈ નથી. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૨૨૬૮ લાખ થશે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ શરૂ થયું નથી. 
ગઈ કાલે મેઇન બોર્ડમાં ૪ મહિના બાદ પ્રથમ વાર એકસાથે ત્રણ ભરણાં ખૂલ્યાં છે. બૅન્ગલોર અર્બનની ઇન્ડો-મીમ (MIM) લિમિટેડનો એકના શૅરદીઠ ૪૮૫ની અપરબૅન્ડ સાથે કુલ ૩૮૧૧ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૮૫ ટકા સહિત કુલ એકાદ ગણો ભરાયો છે. પ્રીમિયમ હાલ ૧૯૦ ચાલે છે તો કાનપુરની લોહિયા કૉર્પનો એકના શૅરદીઠ ૪૨૫ની અપરબૅન્ડ સાથે ૧૧૦૧ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૬૫ ટકા સહિત કુલ ૨૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ ગગડી ૧૭ જેવું છે. ભોપાલની એકસ્ટ્રાનેટ ટેક્નૉલૉઝિસનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ની અપરબૅન્ડમાં કુલ ૧૬૭ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૩ ગણા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટી ૧૦ આસપાસ ચાલે છે. રાજકોટની SME કંપની મેટલિક ટેકનોફોર્જનો ૧૦ના શૅરદીઠ ૭૭ના ભાવનો કુલ ૫૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં સાડાછ ગણા સહિત કુલ દસેક ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ નથી. કલકત્તાની શ્રી બાલાજી માલા ટેક્સટાઇલ્સનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૧૯ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૯ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૬નું છે. 

નફો ૬૯ ટકા ધોવાતાં ડૉ. રેડ્ડીઝ લૅબ સવા વર્ષના તળિયે 
અગ્રણી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ દ્વારા સાડાપાંચ ટકા ઘટાડામાં ૮૧૦૦ કરોડ નજીકની આવક ઉપર ૬૮.૭ ટકાના ધબડકામાં ૪૪૩ કરોડ નેટ નફો દર્શાવાયો છે. બ્લુમબર્ગની એકંદર ધારણા ૭૩૭ કરોડના ચોખ્ખા નફાની હતી. શૅર ગઈ કાલે ૧૦૮૦ના તળિયે જઈ ૧.૪ ટકા ઘટી ૧૧૬૬ થયો છે. ઝોમૅટો ફેમ એટર્નલનાં પરિણામ આગલા દિવસે બજાર બંધ થવાના ટાંકણે જ આવ્યાં હતાં. કંપનીએ ૧૮૨ ટકા વધારામાં જૂન ક્વૉર્ટરમાં ૨૦,૨૧૧ કરોડની આવક ઉપર ૨૬૮ ટકા વધારામાં ૯૨ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. બજારના વિશ્લેષકોની ધારણા ૩૩૫ કરોડના નેટ પ્રૉફિટની હતી. વળી માર્ચ ક્વૉર્ટરના ૧૭૪ કરોડના મુકાબલે જૂન ક્વૉર્ટરનો નફો ૪૭ ટકા ઘટ્યો છે. અેની પણ નોંધ લેવી રહી. શૅર આગલા દિવસે ૧.૨ ટકા ઘટીને ૨૮૩ બંધ રહ્યા પછી ગઈ કાલે ઉપરમાં ૨૯૬ થઈ ૧.૨ ટકા વધી ૨૮૭ થયો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક તરફથી જૂન ક્વૉર્ટરમાં નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એક ટકો વધીને ૪૬૮૫ કરોડ થઈ છે પણ નેટ નફો ૪૭ ટકા વધીને ૧૦૦૩ કરોડ આવ્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૯૯૯ થઈ છ ટકા તૂટી ૧૦૦૫ હતો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમે સ્ટૅન્ડ અલોન ધોરણે ૨૦.૮ ટકા વધારામાં ૧.૪૫ લાખ કરોડની આવક ઉપર અગાઉના ૪૩૭૧ કરોડના ચોખ્ખા નફા સામે આ વેળા ૧૧,૫૨૬ કરોડની તગડી નેટ લોસ દર્શાવી છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૭૭ થઈ અઢી ટકા ઘટી ૩૮૫ રહ્યો છે. શૉપર્સ સ્ટૉપની ત્રિમાસિક આવક ૧૧.૨ ટકાના વધારામાં ૧૨૯૧ કરોડ થઈ છે. નેટ લોસ ૧૫૭૦ લાખથી થોડીક ઘટી ૧૪૩૦ લાખ રહી છે. શૅર ઉપરમાં ૩૯૨ થઈ નજીવો ઘટી ૩૭૫ હતો.
અગ્રણી દવા કંપની સિપ્લાએ જૂન ક્વૉર્ટરમાં ધારણાથી નબળો દેખાવ કરતાં સવાબે ટકા વધારામાં ૭૧૧૯ કરોડની આવક ઉપર ૩૯ ટકા ઘટાડામાં ૭૮૯ કરોડ નેટ નફો કર્યો છે. એકંદર ધારણા ૭૧૩૯ કરોડની આવક તથા ૮૪૦ કરોડના ચોખ્ખા નફાની હતી. શૅર ૧૪૨૬ની ઇન્ટ્રા-ડે શોપથી ગગડી ૧૩૬૬ થઈ દોઢ ટકા ઘટી ૧૩૯૪ હતો. વિશાલ મેગા માર્ટ્સ દ્વારા ૧૮.૭ ટકા વધારામાં ૩૭૨૭ કરોડની આવક ઉપર ૨૬ ટકા વધારામાં ૨૫૯ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે પણ શૅર નીચામાં ૧૦૬ બનાવી બે ટકા ઘટી ૧૧૦ રહ્યો છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange