બજેટ અને ટ્રેડ-ડીલના વિશફુલ થિન્કિંગ પાછળ શૅરબજાર વધુ ૪૮૭ પૉઇન્ટ અપ

29 January, 2026 07:49 AM IST  |  Mumbai | Anil Patel

સ્ટેટ બૅન્ક નવા બેસ્ટ લેવલ સાથે માર્કેટકૅપમાં ICICI બૅન્કથી આગળ નીકળી ગઈ : મેટલ ઇન્ડેક્સ લાઇફટાઇમ હાઈ, હિન્દુસ્તાન કૉપર, હિન્દુસ્તાન ઝિંક, તાતા સ્ટીલ, વેદાન્તા, નાલ્કો, JSW સ્ટીલ, જિંદલ સ્ટીલ, હિન્દાલ્કોમાં નવાં શિખર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉલરનું વર્ચસ હાલકડોલક થવા માંડ્યું છે. ડૉલર ઇન્ડેક્સ ૯૬ની અંદર, લગભગ ૪ વર્ષના તળિયે જઈ ૯૬ ઉપર દેખાયો છે. ૨૦૨૫ના વર્ષારંભે એ ૧૦૯.૬૫ની ૩ વર્ષની ટોચે હતો. મતલબ કે યુરો, પાઉન્ડ, કૅનેડિયન ડૉલર, જૅપનીઝ યેન, સ્વિસ ફ્રાન્ક તથા સ્વિડીશ ક્રોનિએ જેની ૬ કરન્સીના બાસ્કેટ સામે ડૉલર એકાદ વર્ષમાં સવાબાર ટકાથી વધુ નબળો પડી ચૂક્યો છે. અમેરિકન શૅરબજાર ભલે તેજીમાં હોય, પણ એનું અર્થતંત્ર નબળું પડવા માંડ્યું છે. એનો આ સંકેત છે. અમેરિકન ફેડની મીટિંગ ચાલુ છે. બુધવારની મોડી રાત્રે આઉટકમ જાહેર થશે. બજારનાં વર્તુળો ફેડરેટમાં ૦.૨૫ ટકાના ઘટાડાની શક્યતા જુએ છે. વિશ્વબજારમાં કૉમેક્સ ગોલ્ડ ૫૩૪૫ ડૉલરની ઑલટાઇમ હાઈ બનાવી પોણાચાર ટકા ઊછળી ૫૩૧૨ ડૉલર તથા હાજર સોનું ૫૩૧૨ના શિખરે જઈને બે ટકા વધીને ૫૨૭૮ ડૉલર દેખાયું છે. ચાંદી એક ટકો વધીને ૧૧૩ ડૉલર ઉપર ચાલતી હતી. સિલ્વર વાયદો સાડાછ ટકા ઊંચકાઈ ૧૧૩ ડૉલર નજીક હતો. મેટલ રૅલી ચાલુ છે, ગોલ્ડમૅન સાક્સ તરફથી ચાઇનીઝ ડિમાન્ડ કમજોર પડવાના વરતારામાં આ રૅલી જોખમી હોવાની જાણ કરાઈ છે. રોકાણની ક્ષમતાના મામલે MSCI તરફથી વૉર્નિંગ જારી થતાં ગઈ કાલે ઇન્ડોનેશિયન માર્કેટ ૮ ટકા તૂટ્યું છે. સામે હૉન્ગકૉન્ગ અઢી ટકા, સાઉથ કોરિયા ૧.૭ ટકા, તાઇવાન દોઢ ટકો, ચાઇના અને થાઇલૅન્ડ સાધારણ પ્લસ હતા. યુરોપ રનિંગમાં બહુધા સાધારણથી માંડી પોણો ટકો માઇનસ હતું. બિટકૉઇન ૮૯,૪૦૪ ડૉલર દેખાયો છે. બ્રૅન્ટ ક્રૂડ ૬૭ ડૉલર વટાવી ગયું છે.

ઘરઆંગણે યુરોપિયન યુનિયન સાથે થયેલા

ફ્રી-ટ્રેડ કે મુક્ત વેપારના કરારને લઈને દેશને જબ્બર ફાયદો થશે એવો પ્રચાર પુરજોશમાં શરૂ થયો છે. સરકાર એને મધર ઑફ ઑલ ડીલ્સ (અર્થાત્ ડીલ-માતા?) ગણાવી રહી છે. જોકે હાલ બધું હવામાં છે. કરારનો અમલ શરૂ થતાં વર્ષ લાગી જશે. એની ખરી અસર બે-ત્રણ વર્ષે પરખાશે. બજેટ માથે છે એટલે એની થીમના ગપગોળા પણ જોરમાં છે. ત્યાર પછી ૬ ફેબ્રુઆરીએ રિઝર્વ બૅન્કની મીટિંગ છે. એમાં રેપોરેટ ૦.૨૫ ટકા ઘટવાની હવા ચાલે છે અને આ બધાની સંયુક્ત અસરમાં સેન્સેક્સ ગઈ કાલે ૩૫ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૮૧,૮૯૨ ખૂલી છેવટે ૪૮૭ પૉઇન્ટ વધીને ૮૨,૩૪૫ નજીક તથા નિફ્ટી ૧૬૭ પૉઇન્ટની આગેકૂચમાં ૨૫,૩૪૩ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૮૨,૫૦૪ તથા નીચામાં ૮૧,૮૧૫ દેખાયો હતો. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૪૫૨ શૅર સામે ૭૪૦ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૫.૮૬ લાખ કરોડ વધીને ૪૫૯.૫૩ લાખ કરોડ થયું છે. FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા જૂજ અપવાદ સિવાય તમામ ઇન્ડાઇસિસ પ્લસ હતા. કૅપિટલ ગુડ્સ ૫.૩ ટકા, ઑઇલ-ગૅસ ૪ ટકા એનર્જી ૩.૪ ટકા, મેટલ ઇન્ડેક્સ બે ટકા, પાવર ઇન્ડેક્સ ૩ ટકા, યુટિલિટી બે ટકા મજબૂત હતો.

ભારત ઇલે.નો નફો ૨૦ ટકા વધીને ૧૫૭૯ કરોડ થયો છે. શૅર ૮.૯ ટકા ઊછળીને ૪૫૩ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની બજારને ૧૧૨ પૉઇન્ટ ફળ્યો છે. ONGC સવાઆઠ ટકા, એટર્નલ અને કોલ ઇન્ડિયા ૫-૫ ટકા, હિન્દાલ્કો ૩.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ, પાવરગ્રીડ તથા ટ્રેન્ટ બે ટકા આસપાસ મજબૂત હતી. મારુતિ સુઝુકીએ આવકમાં ૨૯ ટકા વધારા સામે ૪ ટકા વૃદ્ધિદરથી ૩૭૯૪ કરોડનો ઓછો નફો બતાવતાં શૅર ૨.૪ ટકા કે ૩૬૪ રૂપિયા ગગડી ૧૪,૮૭૭ બંધ હતો. એશિયન પેઇન્ટ ઢીલા રિઝલ્ટમાં ૪.૩ ટકા તૂટી સેન્સેક્સમાં તો તાતા કન્ઝ્યુમર ૪.૭ ટકા ગગડી નિફ્ટીમાં ટૉપ લૂઝ હતી. રિલાયન્સ ૧.૨ ટકા વધીને ૧૩૯૭ થઈ છે. લાર્સન પરિણામ પહેલાં નજીવી સુધરી ૩૭૯૩ હતી. એનું માર્કેટ કૅપ ICICI કરતાં વધીને હવે ૪.૮૧ લાખ કરોડને વટાવી ગયું છે. 

મહિન્દ્ર લૉજિસ્ટિક્સ પોણાત્રણ વર્ષે નફામાં આવતાં શૅરમાં ઉછાળો

મારિકો લિમિટેડે ૨૭ ટકા વધારામાં ૩૫૩૭ કરોડની આવક ઉપર ૧૨ ટકા વધારામાં ૪૪૭ કરોડ નફો કર્યો છે. ધારણા ૪૫૯ કરોડના નફાની હતી. શૅર ઉપર ૭૫૬ થઈ સવા ટકો ઘટીને ૭૩૬ થયો છે. રામકૃષ્ના કે આર. કે. ફૉર્જિંગ્સે સવાબે ટકા વધારામાં ૧૦૯૯ કરોડ આવક ઉપર ૩૫ ટકાની ખરાબીમાં ૧૩૬૦ લાખ નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૪૯૪ બતાવી ૨.૯ ટકા વધીને ૫૧૨ થયો છે. બિકાજી ફૂડ્સની આવક ૧૧ ટકા વધીને ૭૯૦ કરોડ થઈ છે, પણ નફો ૨૯ કરોડથી ઊછળીને ૬૨ કરોડે પહોંચ્યો છે. શૅર ઉપરમાં ૬૮૫ થઈ ૨.૪ ટકા વધીને ૬૬૨ હતો. દૂદલા ડેરીની આવક ૧૪ ટકા વધી છે, પણ નફો આઠ ટકા વધીને ૬૮૭૦ લાખ થયો છે. શૅર ઉપર ૧૨૦૯ બતાવી સાધારણ ઘટી ૧૧૭૨ થયો છે.

મેટ્રો બ્રૅન્ડ્સ તરફથી ૧૫ ટકા વધારામાં ૮૧૧ કરોડની આવક ઉપર ૩૬ ટકા વધારામાં ૧૨૮ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ કરાયો છે. ભાવ ઉપર ૧૧૭૧ થઈ બે ટકા ઘટીને ૧૦૩૮ રહ્યો છે. પીસી જ્વેલર્સે ૩૭ ટકાના વધારામાં ૮૭૫ કરોડ આવક ઉપર ૨૮ ટકા વૃદ્ધિદરથી ૧૯૦ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર સવાત્રણ ટકા ગગડીને સાડાદસ હતો. ટીવીએસ મોટર દ્વારા ૩૭ ટકા વધારામાં ૧૨,૪૭૬ કરોડની આવક ઉપર નવા લેબરકાંડના પગલે ૪૧.૩૭ કરોડની વન-ટાઇમ પ્રોવિઝન કર્યા પછી પણ ૫૨ ટકા વૃદ્ધિદરથી ૯૪૦ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૩૭૫૦ થઈ ૪ ગણા કામકાજે ૪.૭ ટકા વધીને ૩૭૩૩ બંધ થયો છે.

મહિન્દ્ર લૉજિસ્ટિક્સે ૯૦૩ લાખની નેટ લૉસ સામે આ વેળા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૩૨૫ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. ડિસેમ્બર ૨૦૨૨ના ક્વૉર્ટર બાદ કંપની પ્રથમ વાર નફામાં આવતાં શૅર ૩૫૩ની ઇન્ટ્રાડે હાઈ બનાવી ૧૫.૮ ટકાની તેજીમાં ૩૪૦ બંધ રહ્યો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં ૨૭૨ ગણું નોંધાયું હતું. આવક એકંદર ધારણા કરતાં ૯ ટકા વધુ, ૧૮૯૮ કરોડ થઈ છે. 

કૅપિટલ ગ્રુડ્સ ઇન્ડેક્સમાં ૩૩૧૬ પૉઇન્ટ કે ૫.૩ ટકાની જોરદાર તેજી

મેટલ ઇન્ડેક્સ બુલરન જાળવી રાખતાં ૪૦,૦૫૦ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧૩માંથી ૧૦ શૅરની આગેકૂચમાં ૨.૧ ટકા કે ૮૧૪ પૉઇન્ટ વધીને ૩૯,૮૭૦ થયો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૨,૧૫૯ની ઑલટાઇમ હાઈ દેખાડી ૨.૩ ટકા ઊંચકાઈ ૧૨,૧૦૬ હતો. અહીં ૧૫માંથી ૧૨ શૅર પ્લસ હતા. વિશ્વબજારમાં કૉપરની તેજી પાછળ હિન્દુસ્તાન કૉપર ૩ ગણા કામકાજે ૬૩૭ની મલ્ટિયર ટૉપ બનાવી ૧૨.૯ ટકાના જમ્પમાં ૬૩૫ બંધ થયો છે. ૨૦૧૦ની ૧ જાન્યુઆરીએ ભાવ ૬૫૬ના સર્વોચ્ચ શિખરે ગયો હતો. નાલ્કો બમણા વૉલ્યુમે ૪૦૮ની વિક્રમી સપાટી દેખાડી ૫.૬ ટકા વધીને ૪૦૬, વેદાન્તા ૭૪૨ની લાઇફટાઇમ હાઈ બનાવી ૪.૫ ટકા વધીને ૭૩૭, હિન્દાલ્કો ૧૦૦૮ની સૌથી ઊંચી સપાટીએ જઈ ૩.૮ ટકા વધીને ૯૯૯, તાતા સ્ટીલ ૧૯૫ના બેસ્ટ લેવલ બાદ ૦.૭ ટકા વધીને ૧૯૩, જિંદલ સ્ટીલ ૧૧૨૨ નજીક ઑલટાઇમ હાઈ થઈ ૩.૪ ટકા વધીને ૧૧૧૯, એપીએલ અપોલો ટ્યુબ્સ ૨૦૯૬ના શિખરે જઈને ૨૦૯૦, JSW સ્ટીલ ૧૨૩૦ ઉપર નવી ટૉપ હાંસલ કરી નજીવા ઘટાડે ૧૨૧૮, હિન્દુસ્તાન ઝિન્ક ૭૩૩ નજીક નવી ટોચે જઈ અઢી ટકા ઘટીને ૭૦૮ બંધ થઈ છે. લૉઇડ્સ મેટલ્સ ૩.૮ ટકા, અદાણી એન્ટર ૧.૮ ટકા, NMDC ૩.૪ ટકા પ્લસ હતી.

ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૧૦ શૅરના સથવારે ૪ ટકા તથા એનર્જી ઇન્ડેક્સ ૩૩માંથી ૩૧ શૅરના જોરમાં ૩.૪ ટકા ઊંચકાયો છે. ઑઇલ ઇન્ડિયા ૪૯૭ની ટોચે જઈને ૧૨ ગણા કાકમાજમાં ૯.૩ ટકા ઊછળી ૪૯૦ અને ONGC ૨૬૯ની સવા વર્ષની ટૉપ બનાવી ૮.૩ ટકાની મજબૂતીમાં ૨૬૮ બંધ થઈ છે. અન્યમાં પ્રભા એનર્જી ૧૦ ટકા, એશિયન એનર્જી ૯.૬ ટકા, ગેઇલ ૬ ટકા, MRPL ૪.૯ ટકા, દીપ ઇન્ડસ્ટ્રીઝ ૬.૧ ટકા, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ૫.૮ ટકા, પેટ્રોનેટ ૪.૮ ટકા, કોલ ઇન્ડિયા ૫.૧ ટકા, આઇઓસી ૨.૪ ટકા, સાંડૂર મૅન્ગેનીઝ ૪ ટકા વધીને બંધ થઈ છે.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૪માંથી ૩૪ શૅર પ્લસમાં આપી ૫.૩ ટકા કે ૩૩૧૬ પૉઇન્ટ ઊછળ્યો છે. ડેટા પૅટર્ન્સ, ભારત ઇલે, સીજી પાવર, સિમેન્સ એનર્જી, માઝગાવ ડોક, ABB, ઝેન ટેક્નૉલૉજી, ભારત ડાયનેમિક્સ, કોચિન શિપયાર્ડ, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ જેવા શૅર ૬થી ૧૩ ટકાની તેજીમાં હતા. 

ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝમાં ૨૦ ટકાની તેજીની સર્કિટ લાગી

કલકત્તાની ટ્રાવેલ્સ રેન્ટલ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૫ના ભાવથી શૅરદીઠ એકના રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ રાઇટ થતાં પોણાત્રણ ટકા વધીને ૧૭ નજીક રહી છે. હિન્દુસ્તાન ઝિન્કમાં ૬૧.૮ ટકા હોલ્ડિંગમાંથી વેદાન્તા દ્વારા ૧.૬ ટકા કે આશરે ૬૭૩ લાખ શૅરને શૅરદીઠ ૬૮૫ની ફ્લોર પ્રાઇસથી વેચવાનો નિર્ણય લેવાયો છે એના પગલે હિન્દુસ્તાન ઝિન્ક ગઈ કાલે ઉપર ૭૩૨ થઈ અઢી ટકા ઘટીને ૭૦૮ બંધ થઈ છે. વેદાન્તા ૭૪૨ના શિખરે જઈને ૪.૫ ટકા વધીને ૭૩૭ હતી. ઇન્દોરની ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝ દ્વારા ૧૭૩ ટકાના વધારામાં ૧૯ કરોડના નેટ નફા સાથે શૅરદીઠ ૩નું મેઇડન બોનસ જાહેર થયા પછી ભાવ મંગળવારે ૧૦ ટકા ગગડી ૭૪૧ નીચે બંધ થયો હતો, ગઈ કાલે શૅર ૮૮૯ નજીક જઈ ૨૦ ટકા ઊછળીને ત્યાં જ રહ્યો છે. ૭ જાન્યુના રોજ ૧૦૩૦ની વિક્રમી સપાટી બની હતી. બોનસ માટે રેકૉર્ડ ડેટ ૨૭ ફેબ્રુઆરી નક્કી થઈ છે.

વોડાફોને ૧.૯ ટકાના વધારામાં ૧૧,૩૨૩ કરોડની ત્રિમાસિક આવક મેળવી છે. નેટ લૉસ ૨૦ ટકા ઘટીને ૫૨૮૬ કરોડ થઈ છે. શૅર ગઈ કાલે  ઉપર ૧૦.૦૭ બતાવી એક ટકો વધી ૯.૯૪ બંધ હતો. એશિયન પેઇન્ટ્સ દ્વારા પોણાચાર ટકા વધારામાં ૮૮૬૭ કરોડની આવક ઉપર સાડાચાર ટકા ઘટાડામાં ૧૦૬૦ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર નીચે ૨૪૫૧ થઈ ૪.૩ ટકા તૂટી ૨૫૧૧ રહ્યા છે. મુંબઈના ગોરેગામ ખાતેની ઇજનેરી કંપની નેસ્કો લિમિટેડે આવકમાં ૨૦ ટકા વધારા સામે પાંચ ટકા ઘટાડામાં ૧૦૫ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઉપર ૧૧૧૫ થઈ ૦.૭ ટકા ઘટીને ૧૧૦૦ હતો. બેના શૅરની બુકવૅલ્યુ ૩૯૭ ઉપર છે. બોનસ મે ૨૦૧૦માં આવ્યું હતું.

વિશાલ મેગામાર્ટ તરફથી ૧૭ ટકા વધારામાં ૩૬૭૦ કરોડની આવક ઉપર ૧૯ ટકા વૃદ્ધિદરથી ૩૧૩ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૧૨૬ થઈ ૪ ટકા ખરડાઈ ૧૨૦ રહ્યો છે. RPG લાઇફ સાયન્સે આવકમાં ૪ ટકા ઘટાડા સામે ૩૭ ટકાની નબળાઈમાં ૨૨ કરોડ નેટ નફો કર્યો છે. શૅર નીચે ૧૮૭૭ થઈ પાંચ ટકા તૂટી ૧૯૯૫ હતો. સનટેડ રિયલ્ટી દ્વારા ૧૧૨ ટકા વધારામાં ૩૪૪ કરોડની આવક ઉપર ૩૭ ટકા વૃદ્ધિદરથી ૫૮ કરોડ પ્લસનો નફો મેળવાયો છે. શૅર ઉપરમાં ૩૮૬ બતાવી દોઢ ટકો વધી ૩૭૫ બંધ આવ્યો છે. 

શૅડોફૅક્સ અને ડિજિલૉજિકનાં લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં ગયાં

ગઈ કાલે મેઇન બોર્ડમાં શૅડોફૅક્સ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૧૨૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૬ રૂપિયાથી શરૂ થઈ છેલ્લે ૪ રૂપિયાના ડિસ્કાઉન્ટમાં બોલાતાં પ્રીમિયમ સામે ૧૧૩ ખૂલી ૧૧૦ બંધ થતાં ૧૧.૪ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. SME કંપની ડિજિલૉજિક સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૪ની ઇશ્યુ પ્રાઇસ અને પાંચથી શરૂ થયા બાદ તરત ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે BSEમાં ૮૩ ખૂલી ૭૯ બંધ રહેતાં એમાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કેરલા આયુર્વેદા કે KRM આયુર્વેદાનું લિસ્ટિંગ આજે છે. હાલ ૨૦નું પ્રીમિયમ બોલાય છે.

ગઈ કાલે ખૂલેલાં ૩ SME ભરણાંમાં નવી દિલ્હીની એમસેફ ઇક્વિપમેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૩ની અપરબૅન્ડ સાથે ૬૬૪૨ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૨.૭ ગણા સહિત કુલ ૨.૪ ગણો, જોધપુરની કનિષ્ક ઍલ્યુમિનિયમનો ૧૦ના શૅરદીઠ ૭૩ના ભાવનો ૨૯૨૦ લાખનો ઇશ્યુ રીટેલમાં ૨૨ ટકા સહિત કુલ ૧૭ ટકા અને અમદાવાદી ઍક્રિશન ન્યુટ્રાવેદાનો ૧૦ના શૅરદીઠ ૧૨૯ના ભાવનો ૨૪૭૭ લાખ રૂપિયાનો ઇશ્યુ રીટેલમાં ૨૧ ટકા સહિત કુલ ૨૦ ટકા ભરાયો છે. હાલ એમસેફમાં ૨૩, કનિષ્કમાં ઝીરો તથા ઍક્રિશનમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.

મહારાષ્ટ્રના અમરાવતી ખાતેની કસ્તુરી મેટલ કમ્પોઝિટનો ૧૦ના શૅરદીઠ ૬૪ના ભાવનો ૧૭૬૧ લાખનો BSE SME IPO બીજા દિવસના અંતે કુલ ૧.૮ ગણો ભરાયો છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange