30 January, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ટ્રમ્પની દાદાગીરીને વશ થયા વિના અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર યથાવત્ રખાયો છે. મોટા ભાગના વિશ્લેષકો ફેડ-રેટમાં ઘટાડાની ધારણા લઈને બેઠા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે ટકરાવ પણ વધવા માંડ્યો છે. સરવાળે સોનું હાજરમાં ૫૬૦૨ ડૉલરની ઑલટાઇમ હાઈ બતાવી પોણાબે ટકા વધીને ૫૫૧૦ ડૉલર તથા વાયદામાં સોનું ૫૬૨૬ ડૉલરના શિખરે જઈ ૩.૭ ટકા વધી ૫૫૩૯ ડૉલર જોવા મળ્યું છે. ચાંદી પણ વાયદામાં ૧૨૦ ડૉલર વટાવીને પોણાત્રણ ટકા વધી ૧૧૬.૭૧ ડૉલર તથા હાજર ચાંદી ૧૨૦.૪૪ ડૉલરની ટૉપ બનાવી ૧૧૬.૮૦ ડૉલર દેખાઈ છે. ઘરઆંગણે MCX સિલ્વર ૪.૧૦ લાખ રૂપિયા નજીક પહોંચીને સવાપાંચ ટકાની તેજીમાં ૪.૦૫ લાખને પાર તો MCX ગોલ્ડ ૧.૮૧ લાખ નજીક જઈ સાડાપાંચ ટકાના ઉછાળે ૧.૭૫ લાખ રૂપિયા જોવા મળ્યું છે. બિટકૉઇન સવા ટકાના ઘટાડામાં ૮૭૯૬૯ ડૉલર હતો. ગુરુવારે મોટા ભાગનાં એશિયન બજાર પ્લસ હતાં. સાઉથ કોરિયા એક ટકો, હૉન્ગકૉન્ગ ૦.૭ ટકા, સિંગાપોર તથા જપાન સાધારણ વધ્યાં છે. ઇન્ડોનેશિયા ૮ ટકાની બુધવારની ખુવારી પછી ગઈ કાલે વધુ ૧.૯ ટકા ડૂલ થયું છે. તાઇવાન પોણો ટકો અને થાઇલૅન્ડ અડધો ટકો નરમ હતું. પાકિસ્તાની શૅરબજાર ૧૮,૮૯૨૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ રનિંગમાં ૬૩૪૫ પૉઇન્ટ કે ૩.૪ ટકા લથડીને ૧૮,૨૦૩૫ દેખાયું છે. યુરોપ રનિંગમાં બહુધા અડધો–પોણો ટકો ઉપર ચાલતું હતું.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૪ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૮૨,૩૬૯ ખૂલી ૨૨૨ પૉઇન્ટ વધીને ૮૨,૫૬૬ નિફ્ટી ૭૬ પૉઇન્ટ વધીને ૨૫,૪૧૯ બંધ થયો છે. સુસ્ત ઓપનિંગ બાદ નીચામાં ૮૧૭૦૮ થયેલું બજાર ક્રમશઃ વધીને ઉપરમાં ૮૨,૬૯૦ થયું હતું. માર્કેટ બ્રેડ્થ નબળી પડી છે. NSEમાં વધેલા ૧૩૮૩ શૅર સામે ૧૮૨૨ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪૩,૦૦૦ કરોડ વધી ૪૫૯.૯૬ લાખ કરોડ થયું છે. મેટલ ઇન્ડેક્સ ૪૧,૦૧૬ની નવી ટૉપ બનાવી ૧૩માંથી ૧૦ શૅરની તેજીમાં ૨.૭ ટકા વધી ૪૦૯૪૧ બંધ થયો છે. પાવર ઇન્ડેક્સ ૨.૨ ટકા, યુટિલિટી દોઢ ટકો, ઑઇલ-ગૅસ એક ટકો, ટેલિકૉમ ૧.૧ યુટિલિટી દોઢ ટકો પ્લસ હતો. PSU બૅન્ક નિફ્ટી ૦.૮ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ દોઢ ટકો, ઑટો પોણો ટકો, FMCG ૦.૯ ટકા, આઇટી ૦.૯ ટકો નરમ હતો.
હિન્દુસ્તાન કૉપર ૨૦ ટકાની તેજીમાં ૭૫૯, નાલ્કો ૫.૬ ટકાની આગેકૂચમાં ૪૨૯, વેદાન્તા ૩.૯ ટકા ઊંચકાઈને ૭૬૫, તાતા સ્ટીલ ૪.૪ ટકાની મજબૂતીમાં ૨૦૨, હિન્દાલ્કો અઢી ટકા વધી ૧૦૨૫, જિન્દલ સ્ટીલ ૪.૭ ટકા વધીને ૧૧૭૦, JSW સ્ટીલ ૧.૯ ટકા વધીને ૧૨૪૧ના શિખરે બંધ થઈ છે. વેદાન્તાનું માર્કેટકૅપ ૩ લાખ કરોડ નજીક ગયું છે. તાતા સ્ટીલ સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બની છે. મિનરલ્સ શૅરમાં GMDC સાડાદસ ટકાના જમ્પમાં ૬૧૮ હતી. આશાપુરા માઇન ૮.૨ ટકા, નાઇલ લિમિટેડ ૮.૨ ટકા, ગ્રેવિટા ઇન્ડિયા ૩.૭ ટકા, NMDC ૩.૯ ટકા, MOIL ૩.૨ ટકા વધી છે. કોલ ઇન્ડિયા ૪૬૧ના શિખરે જઈ અઢી ટકા વધીને ૪૫૬ હતી.
લાર્સનની ૩.૭ ટકા કે ૧૩૯ રૂપિયાની તેજી બજારને ૧૩૭ પૉઇન્ટ ફળી છે. સ્ટેટ બૅન્ક ૦.૪ ટકા વધી ૧૦૬૬ના બેસ્ટ લેવલે બંધ થઈ છે, પણ ICICI બૅન્ક સવા ટકો વધતાં માર્કેટકૅપની રીતે એ સ્ટેટ બૅન્કથી આગળ આવી ગઈ છે. ઍક્સિસ બૅન્ક ૩.૫ ટકા વધીને ૧૩૬૬ની ટોચે બંધ રહેતાં બજારને ૧૧૦ પૉઇન્ટ ફળ્યા છે. એશિયન પેઇન્ટ્સ ૩.૭ ટકા ગગડીને ૨૪૧૮ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. ઇન્ડિગો ૨.૩ ટકા, મારુતિ સુઝુકી ૨.૫ ટકા કે ૩૭૭ રૂપિયા, TCS ૧.૭ ટકા, તાતા કન્ઝ્યુમર ૨.૨ ટકા ગગડી છે. રિલાયન્સ ૦.૪ ટકાની નરમાઈમાં ૧૩૯૧ હતી. આઇટીસી રિઝલ્ટ પૂર્વે પોણો ટકા ઘટીને ૩૧૯ થઈ છે. તાતા મોટર્સ પરિણામ પૂર્વે ૪૭૫ના શિખરે જઈ સાધારણ વધી ૪૭૦ રહી છે. એટર્નલ ૩.૩ ટકા, NTPC ૨.૮ ટકા, અદાણી પોર્ટ્સ અઢી ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૩.૪ ટકા પ્લસ હતી. ઑઇલ ઇન્ડિયા પાંચ ટકા તથા ONGC ૨.૨ ટકા વધીને નવી ટોચે બંધ રહી છે.
ઇજનેરી જાયન્ટ લાર્સને સાડાદસ ટકા વધારામાં ૭૧,૪૫૦ કરોડની આવક પર એકંદર ૪૪૧૩ કરોડની ધારણા સામે સવાચાર ટકા ઘટાડામાં ૩૨૧૫ કરોડ નેટ નફો કર્યો છે. નવા લેબરકાંડને કારણે ૧૧૯૧ કરોડની વનટાઇમ જોગવાઈ ન કરવામાં આવી હોત તો નેટ નફો ઘટવાને બદલે વધીને આવ્યો હોત. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૯૬૦ થઈને ૩.૭ ટકા વધી ૩૯૩૨ રહ્યો છે. કોચીન શિપયાર્ડ દ્વારા ૧૭.૭ ટકા વધારામાં ૧૩૫૦ કરોડની આવક પર ૧૮.૩ ટકાના ઘટાડામાં ૧૪૫ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૧૬૫૭ થઈ પોણો ટકો ઘટી ૧૬૧૦ હતો. ગાર્ડનરિચ શિપબિલ્ડર્સે ૪૯ ટકા વધારામાં ૧૮૯૬ કરોડની આવક પર ૭૪ ટકા વધારામાં ૧૭૧ કરોડ ચોખ્ખો નફો મેળવી શૅરદીઠ ૭.૧૫ રૂપિયા ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૬૪૦ બતાવી અઢી ટકા વધીને ૨૫૮૩ હતો.
લોઢા ડેવલપર્સે ૧૪.૪ ટકા વધારામાં ૪૬૭૩ કરોડ આવક પર સવા ટકાના વધારામાં ૯૫૭ કરોડ નેટ નફો કર્યો છે. ભાવ નીચામાં ૯૦૩ થઈ ૨.૪ ટકા વધી ૯૫૦ હતો. ફિનિક્સ મિલ્સે ૧૫ ટકા વધારામાં ૧૧૨૧ કરોડ આવક તથા સવાચાર ટકા વૃદ્ધિદરમાં ૨૭૬ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૭૫૯ થઈ ૨.૭ ટકા ઘટી ૧૬૮૨ બંધ હતો. થાયરોકૅર દ્વારા ૧૮ ટકા વધારામાં ૧૯૬ કરોડની આવક પર બાવન ટકા વૃદ્ધિદરથી ૨૯ કરોડ નેટ નફો હાંસલ થયો છે. શૅર ૭.૫ ટકા ગગડી ૪૨૪ હતો. મહિન્દ્ર ફાઇનૅન્સની આવક ૧૪ ટકા વધારા છતાં નફો ૧૦ ટકા ઘટી ૮૨૪ કરોડ થયો છે. શૅર ૧.૪ ટકા વધી ૩૭૪ હતો. હેરિટેજ ફૂડ્સની આવક ૮ ટકા વધી પરંતુ નફો ૨૦ ટકા ઘટીને ૩૪૬૦ લાખ રહ્યો છે. શૅર ૮.૬ ટકા તૂટી ૩૬૨ થયો છે. ગ્લાન્ડ ફાર્માએ ૨૨.૫ ટકા વધારામાં ૧૬૯૫ કરોડની આવક પર ૨૮ ટકા વધારામાં ૨૬૨ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૮૪૯ થઈ ૬.૮ ટકા ઊછળી ૧૮૦૩ હતો.
કેરાલા આયુર્વેદા કે KRM આયુર્વેદા ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થઈને છેલ્લે બોલાતા બાવીસના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૭૨ ખૂલી ૧૮૧ બંધ થતાં ૩૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. વડોદરાની સાયોના એન્જિનિયરિંગનો SME ઇશ્યુ આજે લિસ્ટિંગમાં જશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. આગલા દિવસે ૧૧.૪ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૧૦ નજીક બંધ થયેલી શૅડોફૅક્સ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ૧૦૦ની અંદર જઈ સવાઆઠ ટકા તૂટીને ૧૦૧ રહી છે તો ૨૪ ટકા લિસ્ટિંગ લૉસમાં ૭૯ બંધ થનારી ડીજીલૉજિક સિસ્ટમ્સ બે ટકા વધીને ૮૦ બંધ આવી છે.
ઇલેક્ટ્રોડ્સ તથા વેલ્ડિંગ ઇક્વિપમેન્ટ્સ બનાવતી ડી. એચ. ઇન્ડિયા લિમિટેડ ચાર શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં શુક્રવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર આગલા દિવસની ૧૩ ટકાની તેજી બાદ ગઈ કાલે ઉપરમાં ૧૮૯ થઈ ૧૧.૪ ટકા ઊછળીને ૧૮૫ બંધ હતો. કૅપ્રિકોર્ન સિસ્ટમ્સ ગ્લોબલ સૉલ્યુશન્સ એક શૅરદીઠ છના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ ૨૦૬૪ બંધ હતી. સોદો ૨૭મીનો છે. અગાઉ એમ. બી. પરીખ ફિનસ્ટૉક્સ તરીકે ઓળખાતી અરુનીસ એબૉડ ૧૦૦ શૅરદીઠ ૧૩૯ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૭ના ભાવથી રાઇટ ઇશ્યુમાં આજે એક્સ-રાઇટ થશે. શૅર ગ, કાલે ઉપરમાં ૧૭૫ બતાવી ૨.૩ ટકા વધીને ૧૭૧ રહ્યો છે. શૅરનો ભાવ વર્ષ પૂર્વે ૧૧.૩૦ હતો એ ચાલુ મહિને ૯ જાન્યુઆરીએ વધીને ૧૮૦ના શિખરે ગયો હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ વર્ષ પૂર્વે ૭૦.૨ ટકા હતું. હાલમાં એ ૧૮.૪ ટકા છે. મની-લૉન્ડરિંગના મામલે ચાલી રહેલી કારવાઈના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા અનિલ અંબાણી ગ્રુપની વધુ ૧૮૦૦ કરોડની ઍસેટ્સ ટાંચમાં લેવાઈ છે. આ સાથે અટેચમેન્ટનો કુલ આંકડો ૧૨,૦૦૦ કરોડ પર પહોંચ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રા ૨૭મીના ભાવ પ્રમાણે ૧૩૪ તથા રિલાયન્સ પાવર ૫.૫ ટકા ગગડીને ૨૮ બંધ થઈ છે.
SBI કાર્ડ્સનો નફો ૪૫ ટકા વધીને ૫૫૬ કરોડ થયો છે. શૅર નીચામાં ૭૫૧ બતાવી ૧.૮ ટકા ઘટીને ૭૬૮ હતો. બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝની આવક ૬.૯ ટકા વધવા છતાં ચોખ્ખો નફો ૩૦.૬ ટકા ગગડી ૪૧૩ કરોડ થયો છે. શૅર નીચામાં ૨૩૪૭ થઈ ૧.૮ ટકા ઘટી ૨૨૬૬ હતો. સ્ટાર હેલ્થ દ્વારા ૪૦ ટકા ઘટાડામાં ૧૨૮ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. ધારણા ૧૧૭ કરોડના નફાની હતી. શૅર ઉપરમાં ૪૬૦ થઈ અઢી ટકા વધી ૪૫૨ રહ્યા છે. NSDLની ત્રિમાસિક આવક પોણો ટકો ઘટી ૩૫૯ કરોડ આવી છે, નફો ૪.૪ ટકા વધી ૮૯૬૦ લાખ થયો છે. શૅર નીચામાં ૯૭૦ બતાવી ૩.૧ ટકા ઘટીને ૯૮૦ હતો. સામી હોટેલ્સે આવકમાં સાડાપંદર ટકાના વધારા સામે ૭૩.૭ ટકા વૃદ્ધિદરથી ૩૯૬૦ લાખ નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપર ૧૮૧ થઈ ૪.૫ ટકા ગગડી ૧૬૯ થયો છે.
ક્વેસકૉર્પની આવક સવાબે ટકા ઘટી છે, પણ નેટ પ્રૉફિટ ૩૧.૯ ટકા વધીને ૫૫ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૨૧૨ થઈ એક ટકો વધી ૨૦૪ હતો. MCX સવાયા કામકાજે ૨૭૦૬ના બેસ્ટ લેવલે જઈ પોણાચાર ટકા વધીને ૨૬૯૦ થઈ છે. પેટીએમ પરિણામ પૂર્વે પોણો ટકો ઘટીને ૨૬૯૦ થઈ છે. પેટીએમ પરિણામ પૂર્વે પોણો ટકો ઘટીને ૧૧૬૯ નીચે બંધ આવી છે. અદાણી પાવરની આવક ૯ ટકા ઘટતાં નફો ૧૯ ટકાના ઘટાડામાં ૨૪૮૦ કરોડ થયો છે. શૅર પોણાબે ગણા કામકાજે પોણા ટકાની નરમાઈમાં ૧૩૪ની અંદર બંધ હતો. આગલા દિવસે ૨૦ ટકાની તેજીમાં ૮૮૯ બંધ રહેલી ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ઉપરમાં ૯૧૮ થયા બાદ વેચવાલીના જોરમાં ૮૧૬ બતાવી ૪.૯ ટકા તૂટી ૮૪૫ થઈ છે.
સ્વિગીએ બજાર બંધ થયા બાદ ૫૪ ટકા વધારામાં ૬૧૪૮ કરોડ આવક દર્શાવી છે, પણ એની નેટ લૉસ ૭૯૯ કરોડથી વધીને ૧૦૬૫ કરોડ પર પહોંચી છે. નવા લેબર-કોડને પગલે કંપનીએ ૧૦ કરોડની વનટાઇમ પ્રોવિઝન કરી છે. શૅર ગઈ કાલે પરિણામ પૂર્વે ઉપરમાં ૩૩૦ થઈ સવા ટકા જેવા સુધારામાં ૩૨૭ બંધ થયો છે.
આજે શુક્રવારે વરલીની CKK રીટેલ માર્ટ ૧૦ના શૅરદીઠ ૧૬૩ની અપરબૅન્ડમાં ૮૮ કરોડ પ્લસનો NSE SME IPO કરવાની છે. એમાંથી ૧૬ કરોડ પ્રમોટર્સના ઘરમાં જશે. કંપની ૪૩ કરોડ વર્કિંગ કૅપિટલ પેટે વાપરશે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની પૅકેજડ ઍગ્રો કૉમોડિટીઝ તથા ઍગ્રો પ્રોડક્ટસ, ફ્રૂટ ૫૯૫ બેઝ્ડ જૂસ તેમ જ કોલ્ડ ડ્રિન્ક્સનું રીટેલ તેમ જ હોલસેલમાં ડિસ્ટ્રિબ્યુશન કરે છે. ઈ-કૉમર્સમાં પણ એ પ્રવૃત્ત છે. ઇશ્યુમાં ૫૦ ટકા પોર્શન QIB માટે તથા રીટેલ માટે ૩૫ ટકા હિસ્સો છે. કંપનીએ ગયા વર્ષે ૨૯ ટકા વધારામાં ૩૦૨ કરોડ નજીકની આવક પર એટલા જ વૃદ્ધિદરમાં ૧૬૩૬ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૧૬૦ કરોડ તથા નફો ૮૫૯ લાખ થયો છે. છેલ્લા દોઢ વર્ષમાં દેવું ૯૩ ટકા વધીને ૩૬૧૬ લાખ થયું છે. કંપનીના પેરોલ પર ૩૬ માણસો કામ કરે છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા અઢી રૂપિયા પ્લસની છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૯૩૭ લાખ રૂપિયા થશે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૯.૩ની અને ૬ મહિનાના નફા પ્રમાણે ૧૮.૪નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
બુધવારે ખૂલેલા ત્રણ SME ઇશ્યુમાં એમસેફ ઇક્વિપમેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૩ના ભાવનો ૬૬૪૨ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૩ ગણો, કનિષ્ક ઍલ્યુમિનિયમનો ૧૦ના શૅરદીઠ ૭૩ના ભાવનો ૨૯૨૦ લાખનો ઇશ્યુ કુલ ૫૦ ટકા તથા એક્રીશન ન્યુટ્રાવેદાનો ૧૦ના શૅરદીઠ ૧૨૯ના ભાવનો ૨૪૭૭ લાખનો ઇશ્યુ કુલ ૬૨ ટકા ભરાઈ ચૂક્યો છે. કસ્તૂરી મેટલ કમ્પોઝિટનો ૧૦ના શૅરદીઠ ૬૪ના ભાવનો ૧૭૬૧ લાખનો ઇશ્યુ એના આખરી દિવસે રીટેલમાં ૧૬ ગણા સહિત કુલ ૧૮ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલમાં એમએફમાં ૨૩ પ્રીમિયમ ચાલે છે.