14 May, 2025 08:16 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
બોનસની રેકૉર્ડ ડેટ માથે રહેતાં BSE લિમિટેડ ૩૬૦ની તેજીમાં નવી ટૉપ દર્શાવી લાખેણી થવાની તૈયારીમાં: લૉક-ઇન પિરિયડ પૂરો થતાં સ્વિગી જંગી વૉલ્યુમે નવા વર્સ્ટ લેવલે ગઈ : જેફરીઝના બુલિશ-વ્યુ અને નફામાં ૨૧૪૦ ટકાની વૃદ્ધિ છતાં યુપીએલ પોણાપાંચ ટકા ખરડાઈ : પરિણામ પૂર્વે ભારતી ઍરટેલ અને તાતા મોટર્સ ડાઉન : નફામાંથી ખોટમાં આવી જવા છતાં સાગર સિમેન્ટ સુધરી, રેમન્ડ લાઇફ સ્ટાઇલ ફ્લૅટ બંધ : આગલા દિવસની પાંચ આંકડાની તેજી આગળ વધારતાં પાકિસ્તાની શૅરબજાર ૧૨૯૮ પૉઇન્ટ પ્લસ
ચાઇના સાથે યારી દોસ્તીની નવી કવાયતમાં અમેરિકન શૅરબજાર હરખાયું છે. ડાઉ ઇન્ડેક્સ સોમવારની મોડી રાત્રે પોણાત્રણ ટકા કે ૧૧૬૧ પૉઇન્ટ તો નૅસ્ડૅક સવાચાર ટકા કે ૭૭૯ પૉઇન્ટ વધીને બંધ થયા છે. એની પાછળ એશિયન બજાર પણ સીમિત સુધારામાં રહ્યાં છે. જપાન દોઢ ટકા નજીક, તાઇવાન એક ટકો, ન્યુ ઝીલૅન્ડ પોણો ટકો, ઑસ્ટ્રેલિયા અડધો ટકો, મલેશિયા સવાબે ટકા, ફિલિપીન્સ પોણાબે ટકા, સિંગાપોર, થાઇલૅન્ડ-ચાઇના નહીંવતથી સાધારણ વધ્યાં છે. હૉન્ગકૉન્ગ બે ટકા નજીક માઇનસ હતું. યુરોપ રનિંગમાં પોઝિટિવ બાયસ સાથે ફ્લૅટ જણાયું છે. બિટકૉઇન રનિંગમાં પોણો ટકો વધી ૧,૦૩,૫૧૬ ડૉલર ચાલતો હતો. ઘરઆંગણે સોમવારની ૨૯૭૫ પૉઇન્ટની સવાચાર વર્ષની મોટી છલાંગ લગાવ્યા પછી બજારને હાંફ ચડ્યો છે. સેન્સેક્સ મંગળવારે ૧૨૮૨ પૉઇન્ટ ખરડાઈ ૮૧,૧૪૮ તથા નિફ્ટી ૩૪૬ પૉઇન્ટ બગડી ૨૪,૫૭૮ બંધ થયો છે. લગભગ આખો દિવસ માઇનસ ઝોનમાં રહેલો શૅરઆંક ઉપરમાં ૮૨,૫૭૩ અને નીચામાં ૮૧,૦૪૩ દેખાયો હતો. બન્ને બજારનાં મોટા ભાગનાં ઇન્ડાઇસીસ રેડ ઝોનમાં હતાં, પરંતુ ઘટાડો સેન્સેક્સ-નિફ્ટીની દોઢ ટકાની નબળાઈ કરતાં બહુધા નાનો હતો. એક માત્ર આઇટી બેન્ચમાર્ક સવાબે ટકા અને એના ભારમાં ટેક્નૉલૉઝિસ ઇન્ડેક્સ ૨.૪ ટકા ડાઉન હતો. અન્યમાં FMCG, ઑટો, એનર્જી, રિયલ્ટી, પાવર, યુટિલિટીઝ, ટેલિકૉમ, બૅન્ક નિફ્ટી, નિફ્ટી મેટલ ઇત્યાદિ પોણાથી સવા ટકો નરમ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે દોઢ ટકો, નિફ્ટી ફાર્મા સવા ટકો, હેલ્થકૅર એક ટકો, કૅપિટલ ગુડ્સ એક ટકો વધ્યા છે. સ્મોલકૅપ ઇન્ડેક્સ એક ટકો તો મિડકૅપ સાધારણ સુધર્યા છે. સરવાળે સારી એવી મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NES ખાતે વધેલા ૧૯૪૭ શૅરની સામે ૯૩૭ જાતો ઘટેલી હતી. બજારનું માર્કેટકૅપ પણ માત્ર ૧.૪૩ લાખ કરોડ જેવું ઘટીને ૪૩૧.૧૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. BSE લિમિટેડ દ્વારા એક શૅરદીઠ બે બોનસના હેતુસર ૨૩ મેની રેકૉર્ડ ડેટ નક્કી કરાઈ છે. શૅર ગઈ કાલે ૭૩૪૬ની ઑલટાઇમ હાઈ બનાવી સવાપાંચ ટકા કે ૩૬૦ રૂપિયાની તેજીમાં ૭૩૧૫ બંધ રહેતાં માર્કેટકૅપ ૯૯,૦૩૪ કરોડ રૂપિયા થઈ ગયું છે. જાણકારો ૨૩ મે પૂર્વે ભાવ ૮૧૦૦ ઉપર જવાની વાત લાવ્યા છે. MCX બે ટકા બગડી ૫૯૩૫ હતી.
સીઝફાયરના જશનમાં સોમવારે પાકિસ્તાની બજાર સાડાનવ ટકા કે ૧૦,૧૨૪ પૉઇન્ટના જંગી ઉછાળે ૧,૧૭,૨૯૮ બંધ રહ્યા પછી ગઈ કાલે પણ તેજી આગલા ધપી છે. કરાચી શૅરબજાર આગલા બંધ સામે ૨૫૩૧ પૉઇન્ટ પ્લસ, ૧,૧૯,૮૨૯ ખુલ્યા બાદ ત્યાંથી ૨૯૬૯ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૧,૧૬,૮૬૦ થયું હતું. આંક છેલ્લે ૧૨૯૮ પૉઇન્ટ વધીને ૧,૧૮,૫૯૬ દેખાયો છે.
પ્રાઇમરી માર્કેટમાં ગુજરાતના સાણંદ ખાતેની એક્રીશન ફાર્માસ્યુટિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની અપર બૅન્ડમાં ૨૯૭૫ લાખનો NSE SME ઇશ્યુ આજે કરવાની છે. છેલ્લા દોઢ વર્ષ દરમ્યાનના કંપનીના નફાના આંકડા ચકરાવે ચડાવે એવા છે, દમ લાગતો નથી. ગ્રે માર્કેટમાં ૮-૯ રૂપિયા જેવું પ્રીમિયમ સંભળાય છે.
ધારણા કરતાં નબળાં રિઝલ્ટ વચ્ચે હીરો મોટોકૉર્પ સુધારામાં
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી પાંચ અને નિફ્ટીના ૫૦માંથી ૧૩ શૅર પ્લસ હતા. ડિફેન્સની થીમ કામે લાગતાં નિફ્ટી ખાતે ભારત ઇલેક્ટ્રિક ૪ ટકાની મજબૂતીમાં ૩૩૬ બંધ આપી મોખરે હતો. પરિણામ પછી હીરો મોટોકૉર્પ બે ટકા વધીને ૪૦૬૩ રહી છે. કંપનીએ ૧૧૨૪ કરોડની એકંદર ધારણા કરતાં ઓછો, ૧૦૮૧ કરોડ નેટ નફો કર્યો છે. કંપનીનો બજાર હિસ્સો સતત ઘટી રહ્યો છે. જિયો ફાઇનૅન્સ દોઢ ટકા તથા ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો સુધરી હતી. સનફાર્મા એક ટકાના સુધારામાં ૧૭૦૩ બંધ આપી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બની છે. અદાણી પોર્ટ્સ અડધો ટકો તો બજાજ ફાઇનૅન્સ સામાન્ય વધી હતી.
HDFC બૅન્ક ૧.૮ ટકા બગડી બજારને સૌથી વધુ ૨૨૫ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક સવા ટકો ઘટતાં એમાં બીજો ૧૧૨ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૨.૩ ટકા, કોટક બૅન્ક સવા ટકો, ઍક્સિસ બૅન્ક પોણો ટકો માઇનસ થઈ છે. સ્ટેટ બૅન્ક લગભગ પોણો ટકો માઇનસ થઈ છે. સ્ટેટ બૅન્ક લગભગ ફ્લૅટ હતી. આગલા દિવસનો હીરો ઇન્ફોસિસ ત્રણ ગણા કામકાજે નીચામાં ૧૫૬૫ થઈ ૩.૫ ટકા ખરડાઈ ૧૫૬૯ના બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બનીને સેન્સેક્સને ૧૭૭ પૉઇન્ટ ભારે પડી છે. ટીસીએસ પોણાત્રણ ટકા, HCL ટેક્નૉ ત્રણેક ટકા, વિપ્રો બે ટકા અને લાટિમ નહીંવત નરમ હતી. ટેક મહિન્દ્ર ફ્લૅટ રહી છે. ભારતી ઍરટેલ પરિણામ પૂર્વે અઢી ટકા ઘટી ૧૮૨૪ હતી. તાતા મોટર્સ પણ રિઝલ્ટ પૂર્વે પોણાબે ટકા ડાઉન થઈ છે. મારુતિ એક ટકો અને મહિન્દ્ર દોઢ ટકો ઢીલી હતી. અન્યમાં પાવરગ્રીડ સવાત્રણ ટકા, NTPC પોણાબે ટકા, હિન્દાલ્કો અઢી ટકા, તાતા કન્ઝ્યુમર સવાબે ટકા, ટ્રેન્ટ બે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ બે ટકાની નજીક, આઇશર પોણાબે ટકા બગડી છે. રિલાયન્સ ૧.૪ ટકા ઘટી ૧૪૧૬ના બંધમાં બજારને ૧૧૬ પૉઇન્ટ નડી છે.
કૅર રેટિંગ્સ પરિણામ પાછળ ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર
સિપ્લા દ્વારા ૧૦૨૩ કરોડની એકંદર અપેક્ષા સામે ૩૦ ટકાના વધારા સાથે ૧૨૨૨ કરોડનો ત્રિમાસિક નફો હાંસલ કરાયો છે. શૅર પોણાચાર ગણા વૉલ્યુમે અડધો ટકો વધી ૧૫૧૯ બંધ થયો છે. તાતા સ્ટીલનો નેટ પ્રૉફિટ ૧૧૩ ટકા વધીને ૧૩૦૧ કરોડ આવ્યો છે, એકંદર ધારણા ૧૦૬૨ કરોડની હતી. આમ છતાં શૅર બમણા વૉલ્યુમે સવા ટકો ઘટી ૧૪૯ રહ્યો છે. રેમન્ડની આવક ૧૦૯ ટકા વધી છે, પણ ચોખ્ખો નફો ૪૨ ટકા ગગડી ૧૩૩ કરોડ થયો છે. શૅર પોણા ટકાની નરમાઈમાં ૧૫૬૧ હતો. કૅર રેટિંગ્સ ૫૩ ટકાના વધારામાં ૪૨૬૦ લાખના ચોખ્ખા નફાના પગલે ૧૪ ગણા કામકાજ વચ્ચે ૧૩ ટકા કે ૧૭૫ રૂપિયાની તેજીમાં ૧૫૫૦ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧૫૧૮ બંધ થઈ છે. એની પાછળ ક્રિસિલ ૨.૩ ટકા તો ઇકરા લિમિટેડ દોઢ ટકા પ્લસ હતી. શેલે હોટેલ્સે ૫૦ ટકાના વધારામાં ૧૨૪ કરોડ નેટ નફો કર્યો છે. શૅર એક ટકાના સુધારે ૮૭૩ હતો.
સાગર સિમેન્ટ્સ પોણાબાર કરોડના નેટ નફામાંથી ૭૩ કરોડની ચોખ્ખી ખોટમાં આવી છે, પરંતુ શૅર સાધારણ વધી ૨૨૦ રહ્યો છે. ટીડી પાવર સિસ્ટમ્સ ૮૩ ટકાના વૃદ્ધિદરથી ૫૩ કરોડના નફાના જોરમાં નવ ટકા ઊછળી ૪૬૪ હતી. કાર્બોરેન્ડમ યુનિવર્સલ નફામાં ૭૯ ટકાનું ગાબડું પડતાં નીચામાં ૯૫૭ બતાવી સવા ટકાની નરમાઈમાં ૯૮૬ રહી છે. રેમન્ડ લાઇફ સ્ટાઇલ ૨૩૬ કરોડના નફામાંથી ૪૫ કરોડની નેટ લૉસમાં સરકી પડી છે એની અસરમાં શૅર બગડી નીચામાં ૯૩૦ થયા પછી છેવટે ૧૦૦૧ના લેવલે ફ્લૅટ બંધ થયો છે.
સ્વાવલંબનના નિર્ધારથી ડિફેન્સ શૅર ડિમાન્ડમાં
ચાઇનીઝ એન્ટ ગ્રુપે પેટીએમમાં બ્લૉકડીલ મારફત ૪ ટકા હોલ્ડિંગ વેચી ૨૦૬૬ કરોડની રોકડી કરતાં શૅર નીચામાં ૮૨૩ બતાવી એક ટકાની નબળાઈમાં ૮૫૬ બંધ થયો છે. યુપીએલનો ત્રિમાસિક નફો ૨૧૪૦ ટકાના ઉછાળે ૮૯૬ કરોડ નોંધાયો છે. જેફરીઝે ૮૧૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ કરી છે છતાં શૅર નીચામાં ૬૩૯ બનાવી ૪.૮ ટકા ગગડી ૬૪૩ રહ્યો છે. જેએમ ફાઇનૅન્શ્યલે અગાઉના ૨૭ કરોડ સામે આ વેળા ૧૩૫ કરોડ ચોખ્ખો નફો કરતાં શૅર ૧૩ ગણા કામકાજે ઉપરમાં ૧૧૬ વટાવી ૪.૨ ટકા ઊચકાઈને ૧૧૦ હતો. સ્વિગી લિમિટેડમાં નૉન-પ્રમોટર શૅરધારકો માટેનો લૉક-ઇન પિરિયડ પૂરો થતાં ભાવ ૨૮ ગણા જંગી વૉલ્યુમે ૨૯૭ની ઑલટાઇમ બૉટમ બનાવી ત્રણ ટકાના ઘટાડે ૩૧૦ બંધ થયો છે. ઝોમાટો ફેમ એટર્નલ પણ ૩.૪ ટકા બગડી ૨૩૨ રહી છે.
ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સમાં મેડ ઇન ઇન્ડિયાને અગ્રતા આપવાની વડા પ્રધાનની હાકલના પગલે ગઈ કાલે ડિફેન્સ શૅરમાં સારી ફેન્સી હતી. ભારત ડાયનેમિક્સ પાંચ ગણા કામકાજે ૧૭૫ રૂપિયા કે ૧૧.૨ ટકા ઊછળી ૧૭૪૫ થઈ છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૩.૮ ટકા કે ૧૬૯ રૂપિયા, માઝગાવ ડોક ૩.૪ ટકા, કોચિન શિપયાર્ડ ૩.૭ ટકા, ગાર્ડન રિચ ૫.૨ ટકા, આઇડિયા ફોર્જ સવાનવ ટકા, ભારત અર્થમૂવર ચાર ટકા કે ૧૨૫ રૂપિયા, ઝેન ટેક્નૉલૉઝિસ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં, ડેટા પેટર્ન્સ ચાર ટકા, અપોલો માઇક્રો ૪.૩ ટકા, પારસ ડિફેન્સ ૨.૮ ટકા, એમટાર ટેક્નૉ સવાત્રણ ટકા, ઍક્સિસ કેડસ પાંચ ટકા, તનેજા ઍરોસ્પેસ પાંચ ટકા મજબૂત બની છે.