22 January, 2026 09:17 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૨૫,૦૦૦ની અંદર ગયો, સેન્સેક્સ ૮૨,૦૦૦ નીચે બંધ આવ્યો : ડૉલર સામે રૂપિયો નવી વરવી નીચી સપાટી સાથે ૯૨ થવાની તૈયારી : સોનું સુપર રૅલી સાથે ઑલટાઇમ હાઈ, ૫૦૦૦ ડૉલરનો ભાવ સાવ નજીક : પરિણામ પહેલાં એટર્નલ પાંચ ટકા વધીને બન્ને બજારમાં ટૉપ ગેઇનર, બંધ બજારે ધારણાથી સારાં રિઝલ્ટ, નફો ૭૩ ટકા વધ્યો : SRF લિમિટેડ સારાં પરિણામ છતાં ગગડ્યો, એની પાછળ પેરન્ટ કામા હોલ્ડિંગ્સ પણ ખરડાઈ : હેવેલ્સ ઇન્ડિયા બે વર્ષના તળિયે, મોબીક્વિકમાં ઑલટાઇમ વર્સ્ટ લેવલ : પર્સિસ્ટન્ટનાં બહેતર રિઝલ્ટ અને બુલિશ વ્યુ બેકાર ગયાં
ગ્રીનલૅન્ડના મામલે અમેરિકા અને યુરોપ વચ્ચે ખટરાગ વધવા માંડ્યો છે. ફ્રાન્સ તરફથી એના રાષ્ટ્રપતિએ ટ્રમ્પના બોર્ડ ઑફ પીસમાં સામેલ થવાના નિમંત્રણનો અસ્વીકાર કરવામાં આવતાં ટ્રમ્પ ગિન્નાયા છે. ફ્રેન્ચ વાઇનની આયાત ઉપર ૨૦૦ ટકા ટૅરિફ નાખવાની ધમકી આપી દીધી છે. વાનરવેડાં કરવા માટે આ માણસને ટૅરિફ નામે જબરી માચિસ મળી ગઈ છે. એશિયા યુરોપનાં બજારોની બે દિવસની ખરાબી પછી અમેરિકન શૅરબજાર બગડવા માંડ્યું છે. ડાઉ ઇન્ડેક્સ મંગળવારની મોડી રાત્રે પોણા બે ટકા કે ૮૭૧ પૉઇન્ટ તો નાસ્ડેક ૨.૪ ટકા કે ૫૬૧ પૉઇન્ટ બગડ્યા છે. મતલબ કે ટ્રમ્પનો ઉત્પાત વત્તે-ઓછે અંશે બધાનો ભોગ લેશે એ વાત નક્કી છે. બુધવારે પણ બહુમતી એશિયન બજાર માઇનસ થયાં છે. ઇન્ડોનેશિયા ૧.૪ ટકા, તાઇવાન ૧.૬ ટકા, જપાન અને સિંગાપોર અડધા ટકા નજીક નરમ હતા, સામે થાઇલૅન્ડ દોઢ ટકા, સાઉથ કોરિયા અડધો ટકો અને ચાઇના નહીંવત્ સુધર્યું છે. યુરોપ પણ રનિંગમાં નહીંવતથી અડધા ટકા નજીક ડાઉન જોવાયું છે. કરાચી શૅરબજાર ૧,૮૯,૫૨૩ની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૧૭૬૪ પૉઇન્ટ ગગડી ૧,૮૬,૮૬૪ ચાલતું હતું. બિટકૉઇન એકાદ ટકાના સુધારામાં ૮૯,૩૩૭ ડૉલર દેખાયો છે. સોનામાં પાવરફુલ રૅલી અકબંધ રહેતાં ભાવ હાજરમાં ૪૮૮૭ ડૉલરની નવી ટૉપ બનાવી બે ટકા વધી ૪૮૬૩ ડૉલર તથા કૉમેક્સ ગોલ્ડ ૪૮૯૦ની વિક્રમી સપાટી નોંધાવી સવાબે ટકા વધીને ૪૮૬૯ ડૉલર જોવાયો છે. ચાંદી અડધો ટકો વધીને ૯૫ ડૉલર ઉપર હતી. બ્રૅન્ટક્રૂડ સવા ટકો ઘટીને ૬૪ ડૉલર ઉપર રહ્યું છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદા કૉપર, ઝિન્ક તથા ઍલ્યુમિનિયમ દોઢ ટકા આસપાસ નરમ હતા.
ડૉલર સામે રૂપિયો નવા વરવા વર્સ્ટ લેવલ સાથે હવે ૯૨ થવાની તૈયારીમાં દેખાય છે. શૅરબજાર બગડવાના મૂડમાં આગલા બંધથી ૩૮૫ પૉઇન્ટ જેવું નીચે, ૮૧,૭૯૫ની અંદર ખૂલી છેવટે ૨૭૧ પૉઇન્ટ ઘટી ૮૧,૯૦૯ તથા નિફ્ટી ૭૫ પૉઇન્ટ ઘટી ૨૫,૧૫૭ બંધ થયો છે. શૅરઆંક નરમ ખૂલ્યા બાદ નીચામાં ૮૧,૧૨૪ થયો હતો. આગલા બંધથી ૧૦૫૬ પૉઇન્ટના આ ધબડકા બાદ માર્કેટ ત્યાંથી ૧૨૮૩ પૉઇન્ટ ઊંચકાઈ ઉપરમાં ૮૨,૪૦૭ વટાવી ગયું હતું. નિફ્ટી ગઈ કાલે નીચામાં ૨૫ની અંદર, ૨૪,૯૨૦ નીચે જઈ ઉપરમાં ૨૫,૩૦૧ દેખાયો હતો. બગડેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૭૮ શૅર સામે ૨૧૪૧ જાતો ઘટી છે. માર્કેટકૅપ વધુ ૧.૭૨ લાખ કરોડ ઘટીને ૪૫૪.૧૦ લાખ કરોડ થયું છે.
ઝોમાટો ફેમ એટર્નલ પરિણામ પહેલાં સવાબે ગણા વૉલ્યુમે ૨૮૭ વટાવી પાંચ ટકા ઊછળી ૨૮૩ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની સેન્સેક્સને ૭૯ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ ૧૩૭૩ થયા બાદ બાઉન્સ બૅકમાં ૧૪૧૩ નજીક જઈ પોણો ટકો સુધરી ૧૪૦૪ થઈ છે. અલ્ટ્રાટેક દોઢ ટકા, ઇન્ડિગો એક ટકા, મેક્સ હેલ્થકૅર ૧.૧ ટકા, JSW સ્ટીલ સવા ટકો, હિન્દાલ્કો ૧.૨ ટકા પ્લસ હતી. ICICI બૅન્ક બે ટકા ગગડી બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. ટ્રેન્ટ પોણાબે ટકા, ભારત ઇલે. ૧.૬ ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકો, HDFC ૧.૨ ટકા, લાર્સન ૧.૧ ટકા, તાતા કન્ઝ્યુમર પોણાબે ટકા, અપોલો હૉસ્પિટલ સવા ટકા, અદાણી એન્ટર ૧.૧ ટકા, HDFC લાઇફ તથા નેસ્લે એકાદ ટકો ડાઉન હતી. MRPL ૭ ગણા કામકાજે ૯.૨ ટકાની તેજીમાં ૧૫૨ બંધ રહી એ ગ્રુપમાં ઝળકી છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૪ શૅરની ખરાબીમાં વધુ સવા ટકો બગડ્યો છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૪૬,૭૧૩ની નવ મહિનાની બૉટમ બનાવી પોણો ટકો ઘટી ૪૭,૩૩૯ બંધ હતો. એની ૧૨૧૮ જાતોમાંથી ૮૩૬ શૅર માઇનસ હતા. કાર્બા એક્સ્ટ્રુઝન ૧૧.૩ ટકા, રસેલ ટેક્સિસ ૧૦.૯ ટકા, પિકાડેલી ઍગ્રો ૧૦ ટકા ઊછળી સામા પ્રવાહે હતી. મિડકૅપમાં એક ટકાની નબળાઈ હતી. ITC હોટેલ્સ પરિણામના પગલે ૪ ટકા વધીને ૧૮૮ નજીક સરકી છે.
આજે મદુરાઈ ખાતેની હન્નાહ જોસેફ હૉસ્પિટલ ૧૦ના શૅરદીઠ ૭૦ની અપરબૅન્ડમાં કુલ ૪૨ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૧૧માં સ્થપાયેલી આ કંપની મદુરાઈ ખાતે બે એકર વિસ્તારમાં મલ્ટિ સ્પેશ્યલિટી ૧૫૦ બેડની હૉસ્પિટલ ચલાવે છે. ગયા વર્ષે ૨૨ ટકા વધારામાં ૭૭ ટકા વૃદ્ધિદરથી ૭૨૧ લાખના નફા સામે ચાલુ વર્ષના ૭ મહિનામાં ૪૨૭૫ કરોડની આવક ઉપર ૫૧૨ લાખનો ચોખ્ખો નફો કર્યો છે. દેવું ૩૧૬૪ લાખ છે. ઇશ્યુમાંથી ૩૫ કરોડ ઑન્કોલૉજી સેન્ટર ઊભું કરવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી. બીજી કંપની બરોડાની સાયોના એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૧૪૪ની અપર બૅન્ડમાં ૧૪૮૬ લાખનો BSE SME IPO આજે લાવશે. ૨૦૧૭માં સ્થપાયેલી આ પ્રિસિઝન કાસ્ટિંગ્સ કંપનીએ ગયા વર્ષે ૫૧.૭ ટકા વધારામાં ૨૩૧૮ લાખ આવક ઉપર ૪૧ ટકા વૃદ્ધિદરથી ૨૪૨ લાખ નફો કર્યા પછી ચાલુ વર્ષે આઠ મહિનામાં ૧૯૧૫ કરોડની આવક તથા ૨૪૫ લાખ નફો મેળવ્યો છે. દેવું છેલ્લા ૨૦ મહિનામાં ૩૧૭ ટકા વધીને ૨૨૬૧ લાખ થઈ ગયું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૩૮૯ લાખ થશે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ ઇપીએસ પોણાદસ જેવી છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૩.૨નો તથા ચાલુ વર્ષના આઠ મહિનાની કમાણીના ધોરણે ૧૫.૨૫નો પીઇ બતાવે છે.
કેરલા આયુર્વેદા કે KRM આયુર્વેદાનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૭૭૪૯ લાખનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૬ ગણા સહિત કુલ સવા ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૧૨ થયું છે. મેઇન બોર્ડમાં શૅડોફૅક્સ ટેક્નો.નો ૧૦ના શૅરદીઠ ૧૨૪ના ભાવનો ૧૯૦૭ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૬૩ ટકા તથા SME કંપની ડિજિલૉજિક સિસ્ટમ્સનો બેના શૅરદીઠ ૧૦૪ના ભાવનો ૮૧ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૪૫ ટકા ભરાયો છે. શૅડોફૅક્સમાં ૧ રૂપિયા ડિજિલૉજિકમાં ઝીરો પ્રીમિયમ છે.
સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની આવક ૭ ટકા વધવા છતાં નફો ૧૮ ટકા ઘટીને ૧૫૩ કરોડ થતાં શૅર નીચામાં ૩૨૬૬ થઈ પોણો ટકો ઘટી ૩૩૪૬ રહ્યો છે. શૉપર્સ સ્ટૉપ દ્વારા અઢી ટકાના વધારામાં ૧૪૧૮ કરોડ આવક ઉપર ૬૯ ટકાના ગાબડામાં ૧૬ કરોડ પ્લસનો નેટ નફો બતાવતાં ભાવ ૩૨૧ની ૪ વર્ષની બૉટમ દેખાડી ૫.૯ ટકા ખરડાઈને ૩૪૩ બંધ આવ્યો છે. એસઆરએફ લિમિટેડે સવાછ ટકાના વધારામાં ૩૭૧૨ કરોડની આવક ઉપર ૬૦ ટકાના વૃદ્ધિદરથી ૪૩૩ કરોડ નજીક નેટ નફો કર્યો છે. આમ છતાં શૅર ૯ ગણા વૉલ્યુમે નીચામાં ૨૬૬૮ થઈ સાડાછ ટકા કે ૧૮૮ રૂપિયા તૂટી ૨૬૮૫ બંધ થયો છે. કંપનીમાં ૫૧.૨ ટકા હોલ્ડિંગ ધરાવતી પેરન્ટ કંપની કામા હોલ્ડિંગ્સ પણ એના પગલે ૨૫૭૦ની ઇન્ટ્રા-ડે બૉટમ દેખાડી ૬.૯ ટકા બગડીને ૨૫૭૫ રહી છે.
કેપીઆઇ ગ્રીનની આવક ૪૪.૬ ટકા વધી છે. નેટનફો ૩૯.૪ ટકા વધીને ૧૧૮ કરોડ થયો છે. શૅર નીચામાં ૪૨૦ થઈ ૧.૮ ટકા ઘટી ૪૩૫ હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સે ૧૮ ટકાના વધારામાં ૪૩૯ કરોડથી વધુના નફા સાથે સારાં પરિણામ આપતાં બ્રોકરેજ હાઉસ યુબીએસ તરફથી ૭૪૯૦ તથા ઇન્વેસ્ટેક તરફથી ૬૬૬૫ની વધારેલી ટાગેટ પ્રાઇસથી બાયની ભલામણ જારી થઈ છે, પરંતુ શૅર નીચામાં ૬૦૨૬ બતાવી દોઢ ટકા ક ૯૯ રૂપિયા બગડીને ૬૨૪૪ બંધ આવ્યો છે.
કલ્યાણ જ્વેલર્સ સળંગ નવમા દિવસની ખરાબીમાં ૩૯૦ની બે વર્ષની બૉટમ બનાવી ૧૨.૧ ટકા ઝંખવાઈ ૩૯૭ બંધ રહ્યો છે. શૅર એક સપ્તાહમાં ૧૭.૩ ટકા તૂટી ગયો છે. અન્ય જ્વેલરી શૅરમાં ઓસમ એન્ટરપ્રાઇઝિસ ૮.૬ ટકા, મિશ્કા એક્ઝિમ ૩.૩ ટકા, એસએમ ગોલ્ડ પાંચ ટકા, પીએન ગાડગિલ સવા ટકો, બ્લુ સ્ટોન જ્વેલરી ૩.૬ ટકા, ગોલ્ડિયમ ઇન્ટર સાડાપાંચ ટકા, વૈભવ ગ્લોબલ ૧.૭ ટકા, રેનેસાં ગ્લોબલ ચાર ટકા, ઉદય જ્વેલરી દોઢ ટકા, પુષ્પા જ્વેલર ૨.૧ ટકા ડાઉન હતી. TBZ ૨.૩ ટકા, થંગમયિલ ૪.૮ ટકા, RBZ જ્વેલર્સ ૬ ટકા, ભક્તિ જેમ્સ પાંચ ટકા પ્લસ હતી.
ગઈ કાલે કુલ ૪ કંપની લિસ્ટેડ થઈ છે. મેઇન બોર્ડમાં એમેજી મીડિયા લેબ્સ ૫ના શૅરદીઠ ૩૬૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે ૪૩થી શરૂ થઈ છેલ્લે બોલાતા ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે ૩૧૭ ખૂલી ૩૪૮ બંધ રહેતાં ૩.૬ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. જામનગરની નર્મદેશ બ્રાસ ઇન્ડ. ૧૦ના શૅરદીઠ ૫૧૫ની વિક્રમી ઇશ્યુ પ્રાઇસ સામે BSEમાં ૪૯૫ ખૂલી ૪૭૦ બંધ થતાં ૮.૭ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. અમદાવાદી ઇન્ડો SMC લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૪૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થઈ ઉપરમાં ૩૬ થયા બાદ છેલ્લે ચાલતા ૧૦ના પ્રીમિયમ સામે BSEમાં ૧૪૯ ખૂલી ૧૫૫ બંધ આવતાં ૩.૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે ગુજરાતના મહેસાણાની GRE રિન્યુ એનર્ટેક ૧૦ના શૅરદીઠ ૧૦૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૯થી શરૂ થઈ છેલ્લે ચાલતા એકના પ્રીમિયમ સામે BSEમાં ૯૬ ખૂલી ૯૧ બંધ થતાં એમાં ૧૩ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. નવી દિલ્હીની આર્મર સિક્યૉરિટીનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ ઝીરો થયેલું છે.
દરમ્યાન નવી મુંબઈની યુનાઇટેડ વેન્ડર હોર્સ્ટ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ પહેલાં ગઈ કાલે નીચામાં ૨૬૯ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ભારત કોકિંગ કોલ ૩૮.૨૮ની સૌથી નીચી સપાટી બનાવી ૪.૨ ટકા ઘટી ૩૯.૦૬ હતી. ICICI પ્રુડેન્શિયલ ઍસેટ મૅનેજમેન્ટ શૅરદીઠ ૧૪.૮૫ના ડિવિડન્ડમાં એક્સ ડિવિડન્ડ થતાં ૦.૭ ટકા વધી ૨૮૪૫ રહી છે. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ દ્વારા ૮ ટકાના વધારામાં ૧૪૯૦ કરોડની આવક ઉપર અગાઉની ૧૦૦ કરોડની નેટલૉસ સામે ૨૫૨ કરોડનો ચોખ્ખો નફો હાંસલ થતાં શૅર ૨૦૧ ગણા જંગી કામકાજે ઉપરમાં ૧૪૨૨ થઈ ૯ ટકા કે ૧૧૧ રૂપિયાની તેજીમાં ૧૩૫૨ બંધ થયો છે. પરિણામ બાદ એમ્કે ગ્લોબલે ૧૫૫૦ અને જે. એમ. ફાઇનૅન્શિયલે ૧૫૩૦ની અપગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. સારાં પરિણામ પછી આગલા દિવસે ૭ ટકા તૂટેલી હેવેલ્સ ઇન્ડિયા ગઈ કાલે ૧૨૯૪ની બે વર્ષની બૉટમ દેખાડી બે ટકા ઘટીને ૧૩૧૫ રહી છે.
રિયલ્ટી ઇન્ડેક્સ નીચામાં ૬૦૩૧ની ૯ મહિનાની બૉટમ બતાવી સળંગ ૧૦મા દિવસની પીછેહઠમાં ૦.૬ ટકા ઘટી ૬૧૪૨ રહ્યો છે. ૫ જાન્યુઆરીના રોજ આંક ૭૧૧૪ હતો. ગોદરેજ પ્રૉપર્ટીઝ, ૩ ટકા, બ્રિગેડ એન્ટર. અઢી ટકા, લોઢા ડેવલપર્સ પોણો ટકા ઘટીને નવી મલ્ટિયર બૉટમે ગયા છે. ઑબેરૉય રિયલ્ટી દોઢ ટકા, ફિનિક્સ મિલ્સ ૧.૭ ટકા, શોભા લિમિટેડ ૧.૧ ટકા ડાઉન હતી. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૩૪માંથી ૧૯ શૅરની બુરાઈમાં વધુ એક ટકો કે ૫૭૩ પૉઇન્ટ ખરડાયો છે. ઝેન ટેક્નૉલૉજીઝ, જ્યોતિસીએનસી, પૉલિકૅબ, ભારત ડાયનેમિક્સ, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ, પ્રીમિયર એનર્જી, વારિરીન્યુએબલ, આઇનૉક્સ વિન્ડ, એસ્ટ્રલ, કેઇઆઇ ઇન્ડસ્ટ્રીઝ સવાથી સાડાત્રણ ટકા કપાઈ હતી. કાર્બોરેન્ડમ યુનિવર્સલ અઢી ટકા, એલ્જી ઇક્વિપ ૧.૮ ટકા, ટીમકેન ૨.૪ ટકા વધીને લાર્સનનાં પરિણામ ૨૮મીએ છે. શૅર નીચામાં ૩૭૨૨ થઈ ૧.૧ ટકા ઘટી ૩૭૬૫ હતો. ભારત ઇલે. દોઢ ટકો નરમ પડી છે, સુઝલોન ૪૫.૩૯ની વર્ષની બૉટમ બતાવી ૧.૭ ટકો ઘટીને ૪૫.૫૫ હતી.
બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૩ શૅરની નબળાઈમાં ૬૦૪ પૉઇન્ટ કે એક ટકો ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી ૮ શૅરના બગાડમાં એક ટકો ડૂલ થયો હતો. બૅન્કિંગ સેક્ટરના કુલ ૪૧માંથી ૨૭ શૅર ગઈ કાલે માઇનસ હતા. જેકે બૅન્ક ૪.૨ ટકા, IDBI બૅન્ક ૩ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક બે ટકા, ઇસફ સ્મૉલ બૅન્ક ૪.૭ ટકા મજબૂત હતી. સામે CSB બૅન્ક ૨.૮ ટકા, કૅપિટલ સ્મૉલ બૅન્ક ૨.૩ ટકા, યુનિયન બૅન્ક ૧.૭ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક દોઢ ટકા, કૅનરા બૅન્ક ૧.૭ ટકા ખરડાઈ છે. ICICI બૅન્ક બે ટકા ઘટીને ૧૩૪૮ બંધમાં બજારને ૧૬૨ પૉઇન્ટ તો HDFC બૅન્ક ૧.૨ ટકા ઘટી ૯૨૦ બંધમાં ૧૪૨ પૉઇન્ટ નડી છે. HDFC બૅન્ક નીચામાં ૯૧૫ થઈ હતી, વર્ષનું બૉટમ ૯૧૨ છે. સ્ટેટ બૅન્ક ૦.૯ ટકા ઘટીને ૪૨૧ રહી છે. આ પાંચ બૅન્કો થકી સેન્સેક્સને ગઈ કાલે કુલ ૩૭૪ પૉઇન્ટની હાનિ થઈ છે.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૮૩માંથી ૧૨૮ શૅરની નરમાઈમાં એક ટકા ઘટ્યો છે. મોબીક્વિક ૨૦૨ની ઑલટાઇમ બૉટમ બતાવી ૭.૨ ટકા તૂટી ૨૦૪ રહી છે. ઉતમ ઇન્વેસ્ટમેન્ટ ૬.૫ ટકા, ટૂરિઝમ ફાઇનૅન્સ ૬.૧ ટકા, દામ કૅપિટલ ૪.૧ ટકા, પેટીએમ ૪.૬ ટકા, ક્રિસિલ ૫.૩ ટકા, SMC ગ્લોબલ ૪.૧ ટકા, કેપ્રિ ગ્લોબલ ૪.૧ ટકા, મોતીલાલ ઓસવાલ ૭.૪ ટકા ડૂલ થઈ છે. ઇકરા એક ટકો, અરમાન ફાઇ. ૫.૩ ટકા, ગ્રો ૨.૮ ટકા ઊંચકાઈ હતી.