05 November, 2025 08:52 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘વૉલસ્ટ્રીટ’ના CEO તરફથી બજારના હાલના ઊંચા વૅલ્યુએશનને અનુચિત ગણાવતાં માર્કેટ દસેક ટકા ઘટવાની શક્યતા દર્શાવાઈ છે. આવી અમંગળ વાણીથી વિશ્વભરનાં બજારો વત્તે-ઓછે અંશે દુભાયાં છે. તમામ અગ્રણી એશિયન બજાર મંગળવારે ઘટ્યાં છે. સાઉથ કોરિયા અઢી ટકા, જપાન એક ટકો, હૉન્ગકૉન્ગ તથા તાઇવાન પોણો ટકો, સિંગાપોર અને થાઇલૅન્ડ અડધા ટકાથી વધુ તો ચાઇના સાધારણ નરમ બંધ થયું છે. યુરોપ રનિંગમાં પોણા ટકાથી માંડી પોણાબે ટકા નીચે દેખાયું છે. બિટકૉઇન ૧૦૩૬૦૦ ડૉલરની લગભગ સાડાચાર મહિનાની બૉટમ બતાવી રનિંગમાં ૩.૨ ટકા કે ૩૫૧૪ ડૉલરની ખરાબીમાં ૧૦૩૬૩૫ ડૉલર દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ સવા ટકો ઘટી ૬૪ ડૉલર જોવા મળ્યું છે.
ઘરઆંગણે આગલા બંધથી ૨૨ પૉઇન્ટ જેવા નામકે વાસ્તે સુધારામાં ૮૪,૦૦૦ ખૂલેલો સેન્સેક્સ ઉપરમાં ૮૪,૦૬૮ થઈ માઇનસ ઝોનમાં સરકી ગયો હતો. શૅરઆંક નીચામાં ૮૩,૪૧૩ બતાવી છેવટે ૫૧૯ પૉઇન્ટ ઘટી ૮૩,૪૫૯ તથા નિફ્ટી ૧૬૬ પૉઇન્ટ ઘટીને ૨૫,૫૯૮ બંધ થયો છે. બન્ને બજારનાં લગભગ તમામ ઇન્ડાઇસિસ માઇનસ હતાં. ટેલિકૉમ બેન્ચમાર્ક ભારતીના જોરમાં એકાદ ટકો વધીને ૩૧૦૯ની વર્ષની નવી ટોચે બંધ થયો છે. પાવર યુટિલિટીઝ બેન્ચમાર્ક એકથી દોઢ ટકા કટ થયો છે. અનિલ અંબાણીની રિલાયન્સ પાવર સવાસાત ટકા તથા રિલાયન્સ ઇન્ફ્રા પાંચ ટકા વધુ ખરડાઈ છે. મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૧ શૅરના બગાડમાં દોઢેક ટકા જેવો પીગળ્યો છે. આઇટી ઇન્ડેક્સ ૭૭માંથી ૬૦ શૅરની નરમાઈમાં ૧.૧ ટકા ડાઉન હતો. FMCG તેમ જ ઑટો ઇન્ડેક્સ પોણા ટકા આસપાસ ડૂલ થયા છે. રિયલ્ટી અને હેલ્થકૅર અડધો-પોણો ટકો નરમ હતા. રોકડું અને બ્રૉડર માર્કેટ પણ પોણા ટકા જેવું ઘટ્યું છે. સરવાળે ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૩૪ શૅર સામે ૨૦૬૨ જાતો નરમ હતી. માર્કેટ કૅપ ૨.૭૨ લાખ કરોડના ઘટાડામાં ૪૬૯.૭૯ લાખ કરોડ રૂપિયા જોવા મળ્યું છે.
દમદાર પરિણામ સાથે ઑક્ટોબરમાં ૧૦૦૦ કરોડ પ્લસના વેચાણની જાહેરાતમાં આગલા દિવસે ૨૦ ટકા ઊછળેલી થંગમયિલ જ્વેલરી ગઈ કાલે ૩૦૯૩ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૧૬.૮ ટકા કે ૪૩૮ રૂપિયાના ઉછાળે ૩૦૪૧ થઈ છે. MCX માથે પરિણામ વચ્ચે ૯૬૨૭ની નવી ટૉપ દેખાડી ૨.૨ ટકા ઘટીને ૯૩૨૦ રહી છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસનાં નબળાં પરિણામ, ૨૫,૦૦૦ કરોડનો રાઇટ ઇશ્યુ કરશે
અદાણી એન્ટરપ્રાઇઝિસનાં પરિણામ બજાર બંધ થયા પછી આવ્યાં હતાં. કંપનીએ ૬ ટકાના ઘટાડામાં ૨૧૨૪૯ કરોડની આવક પર ૮૪ ટકા વૃદ્ધિદરથી ૩૧૯૯ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે. જોકે ૩૫૮૩ કરોડનો વન ટાઇમ ગેઇન બાદ કરો તો નફો ખોટમાં આવી જાય છે. આ વન ટાઇમ ગેઇન અગાઉ અદાણી વિલ્મર તરીકે ઓળખાતી હાલની AWL ઍગ્રી બિઝનેસમાંનો હિસ્સો વેચવાના કારણે મળેલી આવક છે. વધુમાં કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા ૨૫,૦૦૦ કરોડનું ભંડોળ રાઇટ ઇશ્યુથી ઊભું કરવાનું નક્કી થયું છે. કંપનીએ અગાઉ પણ મેગા રાઇટ કર્યો હતો જે હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે શૅરના ભાવ તૂટવા માંડતાં વિધડ્રૉ કરવાની ફરજ પડી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શૅર ગઈ કાલે બે ટકા ઘટીને ૨૪૧૮ બંધ થયો છે.
3M ઇન્ડિયાનો નફો ૫૭ કરોડ વધ્યો, શૅર ૪૯૯૮ રૂપિયા વધ્યો
મોબીક્વિકની નેટ લૉસ ૪ કરોડથી વધીને ૨૯ કરોડ આવતાં શૅર નીચામાં ૨૪૯ બતાવી ૪.૮ ટકા બગડી ૨૫૨ રહ્યો છે. ગેલન્ટ ઇસ્પાતનો નેટ પ્રૉફિટ ૭૮ ટકા વધી ૮૭ કરોડ વટાવી જતાં શૅર પ્રારંભિક મજબૂતીમાં ૫૮૦ થયા બાદ છેવટે સવા ટકો સુધરી ૫૬૫ થયો છે. જેકે પેપરની આવક ચારેક ટકા વધી છે, પણ નફો ૪૨ ટકા ઘટી ૭૫ કરોડની અંદર ઊતરી ગયો છે. શૅર નીચામાં ૩૮૦ થઈ ૨.૮ ટકા બગડી ૩૮૬ બંધ રહ્યો છે. ગૉડફ્રે ફિલિપ્સનો નફો ૨૩ ટકા વધી ૩૦૫ કરોડ થયો છે, પણ આવક સવાપાંચ ટકા ઘટી ૧૨૮૯ કરોડ રહી છે. શૅર નીચામાં ૨૯૪૬ બતાવી પોણાત્રણ ટકા ઘટી ૩૦૨૧ હતો.
3M ઇન્ડિયાની આવક ૧૪ ટકા વધી છે. નફો ૪૩ ટકા વધી ૧૯૧ કરોડ આવ્યો છે. એમાં શૅર ૫૬૯૧ ગણા ચિક્કાર વૉલ્યુમે ઉપરમાં ૩૬૬૬૬ બતાવીને સવાસોળ ટકા કે ૪૯૯૮ રૂપિયાના ઉછાળે ૩૫૬૮૦ બંધ થયો છે. વેબસોલ એનર્જીનો નફો સવાદસ ટકા વધી ૪૬ કરોડ વટાવી ગયો છે. માર્જિન પોણો ટકો ઘટ્યું છે. શૅર નીચામાં ૧૧૮૨ થઈ ચાર ટકા ગગડી ૧૨૧૦ બંધ હતો. એસજેએસ એન્ટરપ્રાઇઝિસ આવકમાં ૨૫ ટકા વધારા સામે ૪૮.૭ ટકા વૃદ્ધિદરથી ૪૩ કરોડ પ્લસના નફામાં ૨૪ ગણા કામકાજે ૬ ટકાની મજબૂતીમાં ૧૭૩૦ના બેસ્ટ લેવલે બંધ થયો છે. ટ્રાવેલ કંપની TBO ટેકની આવક ૨૬ ટકા વધીને ૫૬૮ કરોડ તથા નફો સવાબાર ટકા વધીને ૬૭ કરોડ થયો છે. માર્જિન સવા ટકો ઘટ્યું છે, પરંતુ શૅર ૧૫ ગણા કામકાજે ઉપરમાં ૧૬૬૯ વટાવી ૬ ટકા કે ૯૧ રૂપિયાના જમ્પમાં ૧૫૮૮ થયો છે. ફેસવૅલ્યુ એકની છે.
પરિણામ પાછળ ટાઇટન બેસ્ટ ગેઇનર તો પાવરગ્રિડ ટૉપ લૂઝર બની
ભારતી ઍરટેલ દ્વારા અગાઉના ૪૧૫૩ કરોડ સામે આ વેળા ૮૬૫૧ કરોડના નફા સાથે બહેતર પરિણામ રજૂ થયાં છે. જેફરીઝ તરફથી ૨૬૩૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ અપાયું છે. શૅર ગઈ કાલે ૨૧૩૬ નજીક નવી વિક્રમી સપાટી નોંધાવી ૧.૯ ટકા વધી ૨૧૧૩ બંધ થતાં કંપનીનું માર્કેટકૅપ ૧૨.૦૪ લાખ કરોડ વટાવી ગયું છે. પાવરગ્રિડ કૉર્પોરેશને ૬ ટકાના ઘટાડા સાથે ૩૫૬૬ કરોડ નેટ પ્રૉફિટ સાથે ઢીલાં રિઝલ્ટ રજૂ કરતાં શૅર નીચામાં ૨૭૮ થઈ ૩.૧ ટકા ઘટી ૨૭૯ હતો. ટાઇટન ૫૯ ટકા વધારામાં ૧૧૨૦ કરોડ નફા પાછળ ૩૮૨૬ની નવી ટૉપ બનાવી ૨.૩ ટકા વધી ૩૮૧૩ રહ્યો છે.
અદાણી પોર્ટ્સની આવક ૨૯.૭ ટકા વધીને ૯૧૧૭ કરોડ તથા નફો ૨૭.૨ ટકા વધી ૩૧૦૯ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૧૪૬૭ નજીક જઈ ૧૪૪૪ના લેવલે ફ્લૅટ રહ્યો છે. સ્ટેટ બૅન્કનો ત્રિમાસિક નફો ૧૦ ટકા વધી ૨૦૧૬૦ કરોડ નજીક આવ્યો છે જેમાં યસ બૅન્કનો ૧૩.૨ ટકા હિસ્સો વેચવાથી થયેલો ૪૫૯૩ કરોડનો વન ટાઇમ ગેઇન પણ સામેલ છે. પરિણામ બાદ શૅર ગઈ કાલે ૯૫૭ રહ્યો છે. મહિન્દ્રનો ત્રિમાસિક નફો ૧૮ ટકા વધી ૪૫૨૧ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૩૬૩૧ થઈ એક ટકો વધી ૩૫૮૧ હતો.
અન્યમાં એટર્નલ ૨.૮ ટકા, તાતા સ્ટીલ ૧.૯ ટકા, મારુતિ ૧.૮ ટકા, ભારત ઇલેક્ટ્રિક ૧.૭ ટકા, ટ્રેન્ટ ૧.૧ ટકા, સનફાર્મા ૦.૯ ટકા, ઇન્ફી સવા ટકો, આઇટીસી સવા ટકો, લાર્સન દોઢ ટકો ઘટી છે. તાતા મોટર અઢી ટકા બગડી ૪૦૬ હતી. નિફ્ટી ખાતે કોલ ઇન્ડિયા ૨.૮ ટકા ખરડાઈ ૩૭૭ રહી છે. ONGC બે ટકા કપાઈ છે. રિલાયન્સ પોણો તો જિયો ફાઇનૅન્સ દોઢ ટકો ડાઉન થઈ છે.
ધોનીના બૅકિંગવાળી ફિનબડ ફાઇનૅન્સનો SME ઇશ્યુ ગુરુવારે
SME સેગમેન્ટમાં ગુરુવારે બૅન્ગલોરની ફિનબડ ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૪૨ની અપરબૅન્ડમાં ૭૧૬૮ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપની બૅન્કો તેમ જ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ પાસેથી પર્સનલ લોન, હાઉસિંગ લોન, બિઝનેસ લોન મેળવવામાં લોકોને મદદ કરી એ બદલ કમિશન પેટે આવક મેળવે છે. કંપનીએ ગયા વર્ષે ૧૭ ટકા વધારામાં ૨૨૩ કરોડની આવક પર ૫૦ ટકા વૃદ્ધિદરથી ૮૫૦ લાખ નેટ નફો કર્યો છે. પ્રથમ ૩ મહિનામાં ચાલુ વર્ષે કંપનીએ ૮૬ કરોડ જેવી આવક પર ૩૩૩ લાખ ચોખ્ખો નફો કર્યો છે. દેવું ૨૦૪૮ લાખનું છે. પ્રમોટર્સની શૅરદીઠ સરેરાશ પડતર ૩૦ પૈસા કરતાંય નીચી છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૩૨ નજીકનો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ દરમ્યાન ગઈ કાલે જે બે ભરણાં ખૂલ્યાં છે એમાં મેઇન બોર્ડની બિલ્યન બ્રેઇન્સ ગૅરેજ વેન્ચર્સ અર્થાત્ ગ્રોનો બેના શૅરદીઠ ૧૦૦ના ભાવનો કુલ ૬૬૩૨ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૯ ગણા સહિત કુલ ૫૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ વધીને ૧૮ થયું છે. રાજકોટની શ્રીજી ગ્લોબલ FMCGનો ૧૦ના શૅરદીઠ ૧૨૫ના ભાવનો ૮૫ કરોડનો મોંઘો અને મોટો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૪૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી.
લેન્સકાર્ટ સૉલ્યુશન્સનો બેના શૅરદીઠ ૪૦૨ના ભાવનો ૭૨૭૮ કરોડનો મેઇન બોર્ડનો અતિ મોંઘો ઇશ્યુ ગઈ કાલે એના આખરી દિવસે કુલ ૨૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ૮૫વાળું પ્રીમિયમ ગગડીને હાલમાં ૫૩ થયું છે. MTRવાળી ઓર્કલાનું લિસ્ટિંગ ગુરુવારે છે. પ્રીમિયમ ૭૧ ચાલે છે. નવી દિલ્હીની ગેમ ચેન્જર્સ ટેક્સફૅબ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૪ ખૂલી ૧૦૯ બંધ થતાં એમાં ૭.૨ ટકા કે શૅરદીઠ ૭.૩૫ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.
હિટાચી એનર્જી ૪૦૭ ટકાની નફાવૃદ્ધિમાં ૨૫૯૩ રૂપિયા ઊછળ્યો
સુઝલોન એનર્જી દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૨૦૧ કરોડની સામે આ વેળા ૧૨૭૯ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. નફામાં તગડા વધારામાં ૭૧૭ કરોડની ડીફર્ડ ટૅક્સ પ્રોવિઝનનો સિંહફાળો છે. શૅર ગઈ કાલે ૩૯ ગણા કામકાજમાં ઉપરમાં ૬૧.૪૦ નજીક જઈ સવા ટકો સુધરી ૬૦ બંધ થયો છે. હીરો મોટોકૉર્પનું ગયા મહિનાનું વેચાણ ચાર ટકા ઘટીને આવતાં શૅર ચાર ગણા કામકાજે નીચામાં ૫૨૫૮ થઈ ૪.૧ ટકા કે ૨૨૮ રૂપિયા ગગડીને ૫૩૦૯ બંધ થયો છે. બજાર ઑટોનું વેચાણ આઠ ટકા વધ્યું છે, પણ શૅર નીચામાં ૮૭૧૫ થઈ પોણાબે ટકા ઘટી ૮૭૬૧ રહ્યા છે. ગ્લાન્ડ ફાર્માએ પોણાછ ટકાના વધારામાં ૧૪૮૭ કરોડની આવક પર સવાબાર ટકા વધારામાં ૧૮૪ કરોડ નેટ નફો કર્યો છે. શૅર છ ગણા કામકાજે ૧૮૯૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૩.૪ ટકા ગગડીને ૧૯૦૬ હતો.
હિટાચી એનર્જી તરફથી ૧૮ ટકાના વધારામાં ૧૮૩૩ કરોડની આવક પર અગાઉના બાવન કરોડ સામે ૨૬૪ કરોડનો તગડો નફો હાંસલ થતાં શૅર ૬૧ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૨૦૬૬૧ થઈ ૧૪.૫ ટકા કે ૨૫૯૩ રૂપિયાની તેજીમાં ૨૦૫૩૦ બંધ આવ્યો છે. ફેસવૅલ્યુ બે રૂપિયા છે. સિટી યુનિયન બૅન્કે NPA તેમ જ પ્રોવિઝનિંગમાં ઘટાડા સાથે સવાપંદર ટકા વધારામાં ૩૨૯ કરોડનો ચોખ્ખો નફો બતાવતાં ભાવ ૨૨૬૧ના શિખરે જઈ ૯.૭ ટકા ઊંચકાઈ ૨૫૯ થયો છે.
અરવિંદ સ્માર્ટસ્પેસની આવક ૪૭ ટકા ઘટી છે. નફો ૬૫ ટકા ગગડી સવાચૌદ કરોડ થયો છે. શૅર નીચામાં ૬૦૪ બતાવી ૧.૮ ટકા ઘટી ૬૧૭ રહ્યો છે. નિવાબુપા હેલ્થ ઇન્શ્યૉરન્સની નેટ પ્રીમિયમની આવક ૧૭ ટકા વધી ૧૪૨૨ કરોડ થઈ છે, પણ કંપની ૧૩ કરોડના નેટ નફામાંથી ૩૫ કરોડની ખોટમાં સરી પડી છે. શૅર નીચામાં ૭૩.૬૦ થયા બાદ બાઉન્સ બૅકમાં ૩.૨ ટકા વધીને ૭૬ ઉપર બંધ થયો છે.