૨૦૨૨માં હૉટ કૉમોડિટી તરીકે ઊભરી રહેલું મસાલા કૉમ્પ્લેક્સ : જીરું-ધાણા કેન્દ્રસ્થાને રહેશે

17 January, 2022 03:20 PM IST  |  Mumbai | Mayur Mehta

સરકારે અનાજ-કઠોળ અને તેલીબિયાં પ્રોડક્ટના વાયદા બંધ કરતાં હવે સટોડિયાનું જોર પણ મસાલા પ્રોડક્ટ તરફ વધશે ઃ જીરું-ધાણાના વાવેતરમાં ૨૫ ટકાનો ઘટાડો અને હળદર-મરચાંના ઊભા પાક પર પ્રતિકૂળ હવામાનની અસરથી તેજીના ચાન્સિસ વધ્યા

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં બે વર્ષથી આખી દુનિયા કોરોનાના કેર સામે ઝઝૂમી રહી છે, પણ હવે મોટા ભાગની માર્કેટ કોરોનાકાળની અસરમાંથી બહાર નીકળી ચૂકી છે, કારણ કે કોરોનાને કારણે હવે રૂટીન લાઇફ પર બહુ મોટી અસર પડતી ઓછી થઈ છે. ખાસ કરીને ખાદ્ય સામગ્રીની માગ અને પુરવઠાની સ્થિતિ હવે સામાન્ય બની રહી છે. ૨૦૨૨ના આરંભ સાથે કૉમોડિટી માર્કેટમાં ધરમૂળથી પરિવર્તનનો દોર શરૂ થયો છે. નરેન્દ્ર મોદી સરકારે મોંઘવારીને કાબૂમાં લેવા એકઝાટકે અનાજ-કઠોળ અને તેલીબિયાંની ૯ ચીજોના વાયદા એક વર્ષ માટે બંધ કરી દીધા છે. આવા સંજોગોમાં ઍગ્રી કૉમોડિટી વાયદાની ચીજો મોટા પ્રમાણમાં ઘટી છે. કૉમોડિટી વાયદાબજાર સટોડિયાનું સ્વર્ગ ગણાય છે. સામાન્ય રીતે સટોડિયાઓ જ્યાંથી પૈસા મળે એ ચીજો પર સટ્ટો લગાવીને મોટી તેજી-મંદીની રમત રમતા હોય છે.
૨૦૨૨માં મસાલા કૉમ્પ્લેક્સની તેજી સટોડિયાઓના કેન્દ્રસ્થાને રહેશે, કારણ કે જે મસાલા આઇટમોના વાયદા ચાલે છે એ તમામમાં તેજીના બહુ જ સારા ચાન્સિસ દેખાય છે અને બીજી તરફ મોટી સટ્ટાકીય ઍગ્રી કૉમોડિટીના વાયદા બંધ થતાં હવે ડર વગર કામ કરવા માટે મસાલા ચીજો જ બચી છે. મસાલા આઇટમો જીવનજરૂરી ન હોવાથી એના પર સરકારનાં નિયંત્રણો આવવાનો પણ ડર નથી. મસાલા આઇટમોમાં જીરું-ધાણા ૨૦૨૨માં કેન્દ્રસ્થાને રહેશે, કારણ કે બન્ને મસાલા ચીજોનું વાવેતર અગાઉના વર્ષથી ૨૫ ટકા કરતાં વધારે ઘટ્યું છે. મરચાં અને હળદરમાં વાવેતર મોટું થયું હતું, પણ પછીથી પડેલા વરસાદ અને
પ્રતિકૂળ હવામાનથી બન્ને મસાલા પાકોના ઉતારા ઓછા આવવાની શક્યતા છે તેમ જ ક્વૉ‌લિટી પણ બગડવાની સંભાવના છે. 
જીરું અને ધાણાના વાયદા શરૂ થયા ત્યારથી એની ગણતરી હૉટ કૉમોડિટી તરીકે જ થાય છે. જીરું અને ધાણા વાયદામાં અનેક વખત મોટા સટ્ટા પણ ખેલાયા છે અને ભાવ વિક્રમી ઊંચાઈએ ભૂતકાળમાં પહોંચ્યા છે. જીરુંનું વાવેતર ગુજરાત અને રાજસ્થાન એમ  બે જ રાજ્યોમાં થાય છે, જ્યારે ધાણાનું વાવેતર ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થાય છે. જીરુંમાં તેજીતરફી લૉબી વાવેતર ૫૦થી ૫૫ ટકા ઘટ્યું હોવાની વાતો કરી રહ્યા છે તેમ જ જીરુંની નિકાસમાં ભારતનો કોઈ મોટો હરીફ ન હોવાથી આ વર્ષે જીરું તેજી માટે એકદમ હૉટ રહેશે એવું લોકો માની રહ્યા છે. ધાણામાં છેલ્લાં પાંચ વર્ષથી જૂનો સ્ટૉક સીઝનને અંતે રહેતો જ નથી. આવું આ વર્ષે પણ થયું છે અને વાવેતર પણ ઘટ્યું હોવાથી ધાણામાં મોટી તેજી થવાની વાતો બજારમાં જોરશોરથી થઈ રહી છે. 

જીરું-ધાણાના ખરીદદાર દેશો પાસે ભારત સિવાય વિકલ્પ ન હોવાથી મોટી તેજી થશે 
ભાસ્કર શાહ - ચૅરમૅન, ટાસ્ક ફોર્સ-સ્પાઇસિસ બોર્ડ 
મસાલા કૉમ્પ્લેક્સમાં જીરું-ધાણા ૨૦૨૨માં તેજીના કેન્દ્રસ્થાને રહેશે. જીરુંનું વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં મોટા પાયે ઘટ્યું છે. હાલના રિપોર્ટ પ્રમાણે જીરુંનું વાવેતર ગયા વર્ષથી ૩૫થી ૪૦ ટકા ઘટ્યું છે. એ ઉપરાંત કમોસમી વરસાદ અને ભારે ઠંડીની અસરે જીરુંના ક્રૉપમાં બગાડના પણ રિપોર્ટ અનેક વિસ્તારોમાં આવી રહ્યા છે. વર્લ્ડમાં જીરુંની નિકાસમાં ભારતના સ્પર્ધકો સિરિયા, ટર્કી, અફઘાનિસ્તાન, ઈરાન વગેરે દેશો અનેક વર્ષોથી સ્પર્ધાથી દૂર થઈ ચૂક્યા છે ત્યારે વિશ્વમાં ભારતીય જીરુંનો કોઈ સ્પર્ધક નથી. હાલ અનેક દેશોએ જીરુંની આયાત માટે પેસ્ટિસાઇડના પ્રમાણ વિશે વધુ પડતાં નિયંત્રણો લાદી દીધાં હોવાથી ભારતીય જીરુંની નિકાસ હાલમાં એકદમ ધીમી છે, પણ એપ્રિલના આરંભે રમઝાનના તહેવારો હોવાથી જીરુંની નિકાસ આગામી બે મહિના મોટા પ્રમાણમાં થશે એ નક્કી છે. હાલના પેસ્ટિસાઇડ વિશેનાં નિયંત્રણો નહીં દૂર થાય તો જીરું સ્મગલિંગથી નિકાસ થશે, કારણ કે ખરીદદાર દેશો પાસે ભારત સિવાય કોઈ વિકલ્પ નથી. જીરુંના ભાવ વધીને વાયદામાં ૨૦,૦૦૦ ઉપર થશે એ નક્કી દેખાય છે. ધાણાનું વાવેતર પણ ગયા વર્ષથી ૨૫થી ૩૦ ટકા ઘટ્યું હોવાથી સપ્લાયમાં મોટી ખેંચ રહેશે. ધાણામાં જૂનો સ્ટૉક પણ એકદમ ઓછો હોવાથી નિકાસની માગ નીકળશે ત્યારે ધાણામાં મોટી તેજી થશે. ધાણાના ભાવ પણ વાયદામાં વધીને ૧૨,૫૦૦ થવાની શક્યતા દેખાય છે.

જીરું વાયદો માર્ચ સુધીમાં ૨૦,૦૦૦ અને ધાણા વાયદો ૧૧,૫૦૦ રૂપિયા થશે 
યોગેશ મહેતા - ટ્રસ્ટી-ઇન્ડિયન સ્પાઇસ સ્ટેટ હોલ્ડર્સ અસોસિએશન 
જીરુંનાં ફન્ડામેન્ટલ્સ ઘણાં નબળાં છે, કારણ કે ૩૫ દેશોએ પેસ્ટિસાઇડ-યુક્ત જીરુંની આયાત કરવાનું બંધ કર્યું છે, જેમાં ભારતીય જીરુંનો સમાવેશ થાય છે. આ ૩૫ દેશોમાં યુરોપના ૩૧ દેશો, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, મૉરોક્કો અને ચીનનો સમાવેશ છે. આથી ૨૦૨૨માં જીરુંની નિકાસમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે. ૨૦૨૧માં ભારતીય જીરુંની ૨.૨૫ લાખ ટનની નિકાસ થઈ હતી. જીરુંનું વાવેતર ૨૫ ટકા ઘટ્યું છે છતાં ૨૦૨૨માં જીરુંનું ઉત્પાદન ૬૫ લાખ પૂરી થવાનો અંદાજ છે અને જૂનો સ્ટૉક ૨૫ લાખ ગૂણી કૅરિફૉર્વર્ડ થયો હોવાથી ૨૦૨૨માં જીરુંની બૅલૅન્સશીટ તેજીતરફી નથી, પણ હાલમાં સટોડિયાઓ જીરું વાયદામાં એકદમ સક્રિય હોવાથી માર્ચ સુધીમાં જીરું વાયદો ૨૦,૦૦૦ રૂપિયાની સપાટી પાર કરશે. ધાણામાં છેલ્લાં પાંચ વર્ષથી કૅરિફૉર્વર્ડ સ્ટૉક ઓછો થતો જાય છે એથી દર વર્ષે જેટલું ઉત્પાદન થાય એમાંથી વપરાશ થઈ રહ્યો છે. ચાલુ સીઝનમાં ધાણાનું વાવેતર પણ ૨૨થી ૨૫ ટકા ઘટ્યું છે. રશિયા, બલ્ગેરિયા, યુક્રેન વગેરે દેશો હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતથી સસ્તા ભાવે ધાણાની ઑફર કરી રહ્યા છે છતાં સટોડિયાઓ જીરુંની જેમ જ ધાણા વાયદામાં પણ સક્રિય હોવાથી માર્ચ સુધીમાં
ધાણા વાયદો ૧૧,૫૦૦ રૂપિયાની સપાટીએ પહોંચશે. હળદર-મરચાંમાં પણ સટ્ટાકીય તત્ત્વો સક્રિય હોવાથી તેના ભાવ પણ વધશે.

મસાલામાં હાલની તેજી વધુ પડતી સટ્ટાકીય હોવાથી લાંબી ટકવી મુશ્કેલ 
ખુશવંત જૈન - ડિરેક્ટર-ઇન્ડિયન સ્પાઇસ ઍન્ડ ફૂડ સ્ટફ અસોસિએશન 
ભારતીય મસાલા પાકોમાં હાલ સટ્ટાકીય તેજીનો માહોલ જામ્યો છે. ખાસ કરીને જીરું, ધાણા, વરિયાળીમાં વાવેતર ઘટ્યું હોવાની વાતો અને મરચાં-હળદરના પાકમાં નુકસાનીની વાતોને કારણે આ તમામ ચીજોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા છે. સામાન્ય રીતે ડિમાન્ડની તેજી લાંબી ચાલતી હોય છે, પણ અત્યારે મસાલાની દરેક ચીજોના ભાવ એટલા બધા વધી ગયા છે કે એની ડિમાન્ડ સતત ઘટી રહી છે. ખાસ કરીને આ તમામ મસાલા આઇટમોની મોટા પાયે નિકાસ થઈ રહી હોવાથી હાલમાં નિકાસની માગ દિવસે-દિવસે ઘટી રહી છે. જીરું અને ધાણામાં વાવેતર ઘટ્યાનો વધુ પડતો પ્રચાર થઈ રહ્યો હોવાથી સટ્ટાકીય તત્ત્વોએ ભાવ ઊંચકાવીને અવાસ્તવિક સ્તરે લાવી દીધા છે. જીરું-ધાણા, વરિયાળી વગેરે આઇટમોની નવી આવક માર્ચમાં શરૂ થશે. આટલા ઊંચા ભાવને કારણે ખેડૂતો સીઝનની શરૂઆતથી મોટો જથ્થો બજારમાં ઠાલવશે ત્યારે જો ડિમાન્ડ નહીં હોય તો તેજી લાંબી ચાલવી મુશ્કેલ બનશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોઈ ચીજમાં સટ્ટાકીય તેજી જોવા મળે ત્યારે ખરીદદારો દૂર થઈ રહ્યા છે. ભારતીય જીરું-મરચાંનો સૌથી મોટો ખરીદદાર ચીન છે, ચીને ઊંચા ભાવને કારણે હાલમાં ખરીદી ધીમી કરી દીધી છે. આવી સ્થિતિ ધાણાની છે. આપણા પ્રતિસ્પર્ધીઓના ભાવ ભારત કરતાં ઘણા નીચા હોવાથી અહીંથી ધાણાની નિકાસ બહુ ઓછી થઈ રહી છે. 

business news