મેટલમાં સતત પાંચમા દિવસે મજબૂતી, ITમાં પીછેહઠ, શૅરબજાર સાંકડી રેન્જમાં માઇનસ

24 December, 2025 09:05 AM IST  |  Mumbai | Anil Patel

જિયો સાથે ટેક્નૉલૉજી પાર્ટનરશિપના પગલે કાઇનેટિક એન્જિનિયર બે દિવસમાં પચીસ ટકા વધી ગઈ : રાહત-પૅકેજની થીમમાં વોડાફોન ૪ મહિનામાં ૧૦૦ ટકા વધીને સવાબાર નજીક નવી ટોચે : તાતા મોટર્સ મહિનામાં ૩૧ ટકાની મજબૂતી સાથે નવા બેસ્ટ લેવલે : અંબુજા સાથે મર્જરના ફેવરેબલ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એશિયન બજારો બે દિવસની મજબૂતી બાદ મંગળવારે પણ બહુધા સુધર્યાં છે, પણ સુધારાનું પ્રમાણ ઘણું સીમિત હતું. સિંગાપોર તથા તાઇવાન અડધા ટકા આસપાસ પ્લસ થયા છે. સાઉથ કોરિયા, થાઇલૅન્ડ ફિલિપીન્સ નહીંવત્થી સાધારણ તથા ઑસ્ટ્રેલિયા એકાદ ટકો વધ્યું છે. સામે ઇન્ડોનેશિયા પોણા ટકા નજીક નરમ હતું. જપાન હૉન્ગકૉન્ગ નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ હતાં. યુરોપ રનિંગમાં સાધારણ સુધર્યું હતું. નેવું બજાર ડૉલર પાર થયેલો બિટકૉઇન ઘટીને ૮૭,૫૭૬ ડૉલર થયો છે. બ્રૅન્ટક્રૂડ ૬૨ ડૉલર નજીક ટકેલું હતું. વિશ્વ બજારમાં સોનું ચાલુ કૅલૅન્ડર વર્ષમાં ૫૧મી વખત નવા બેસ્ટ લેવલે ગયું છે. રનિંગમાં ગઈ કાલે કૉમેક્સ ગોલ્ડ એક ટકો વધીને ૪૫૧૬ ડૉલર તથા હાજર સોનું ૦.૯ ટકા વધીને ૪૪૮૫ ડૉલર દેખાયું છે. ચાંદી પણ નવા શિખર સાથે સવા ટકો વધીને ૭૦ ડૉલર નજીક સરકી છે.

સેન્સેક્સ આગલા બંધથી ૧૨૩ પૉઇન્ટ ઉપર ૮૫,૬૯૦ ખૂલી છેવટે ૪૩ પૉઇન્ટના મામૂલી ઘટાડે ૮૫,૫૨૫ તો નિફ્ટી પાંચ પૉઇન્ટ સુધરી ૨૬,૧૭૭ જેવો બંધ થયો છે. માર્કેટ દિવસનો મોટો ભાગ માઇનસ ઝોન હતું. શૅરઆંક નીચામાં ૮૫,૩૪૩ થઈ ઉપરમાં ૮૫,૭૦૫ જોવાયો હતો. માર્કેટ બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ રહેતાં NSE ખાતે વધેલા ૧૮૩૫ શૅર સામે ૧૩૨૧ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૪૫,૦૦૦ કરોડ વધીને ૪૭૫.૭૦ લાખ કરોડ થયું છે. સેન્સેક્સના નજીવા ઘટાડા સામે મેટલ ઇન્ડેક્સ પાંચમા દિવસની આગેકૂચમાં ૧૩માંથી ૧૦ શૅરના સથવારે અડધો ટકો વધ્યો છે. NMDC ૩.૯ ટકા વધીને ૮૧ના બંધમાં એમાં મોખરે હતી. મિનરલ્સ ઉદ્યોગના ૧૪માંથી ૧૩ શૅર વધ્યા છે. નાઇલ લિમિટેડ ૪.૮ ટકા ઊંચકાઈને ૧૬૪૦ થઇ છે. કચ્છ મિનરલ્સ, MOIL, ઓસ્સા મિનરલ સવાત્રણથી પાંચ ટકા તો GMCG સવાબે ટકા અપ હતી. પાવર, યુટિલિટી, FMCG, એનર્જી જેવાં સેક્ટોરલ અડધા ટકા આસપાસ વધ્યાં હતાં. IT ઇન્ડેક્સ ૭૭માંથી ૪૩ શૅરની નરમાઈ વચ્ચે પોણો ટકો ડાઉન થયો છે. સાસ્કેન આગલા દિવસની તેજી આગળ વધારતાં ઉપરમાં ૧૩૮૨ વટાવી ૫.૬ ટકાની આગેકૂચમાં ૧૩૮૨ હતો. કોફૉર્જમાં માનસ નબળુ પડતાં ભાવ નીચામાં ૧૭૩૯ થઈ ૪.૮ ટકા ગગડી ૧૭૭૯ રહ્યો છે.

નિફ્ટી ખાતે કોલ ઇન્ડિયા ઉપરમાં ૪૦૧ થઈને ૩.૬ ટકાના જમ્પમાં ૪૦૦ બંધ આપી મોખરે રહી છે. લાગે છે કે ભારત કોલનો પબ્લિક ઇશ્યુ ટૂંકમાં આવવો જોઈએ. શ્રીરામ ફાઇનૅન્સ ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિક લગાવતાં ૯૬૦ થઈ અઢી ટકા વધીને ૯૫૮ રહી છે. તાતા મોટર્સ પૅસેન્જર એક ટકા વધી ૩૬૩ હતી. તાતા મોટર્સ ૪૨૮ નજીક નવી સર્વોચ્ચ સપાટી બતાવી ૩.૫ ટકા વધી ૪૨૬ બંધ આવી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ સવા ટકો વધીને ૧૧,૬૭૫ હતી. સિમેન્ટ ઉદ્યોગના ૪૧માંથી ૨૪ શૅર ગઈ કાલે પ્લસ હતા. ઓરિએન્ટ સિમેન્ટ ૪.૨ ટકા વધી હતી. જેકે સિમેન્ટ્સ સાડાત્રણ ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અઢી ટકા, પ્રિઝમ જૉન્સન ૧૭ ટકા પ્લસ હતી. HDFC બૅન્ક એકાદ ટકો સુધરી ૯૯૬ બંધમાં બજારને ૧૧૫ પૉઇન્ટ ફળી છે.

તાજેતરની રૅલી બાદ ઇન્ફોસિસ સવા ટકો ઘટીને ૧૬૬૮ રહી છે. TCS પણ ૦.૪ ટકા ઘટી છે. ભારતી ઍરટેલ ૧.૨ ટકા નરમ પડી છે. એનો પાર્ટપેઇડ ૧૭૨૯ના બેસ્ટ લેવલે જઈને સવા ટકો ઘટી ૧૭૦૩ હતો. રિલાયન્સ સાધારણ ઘટાડે ૧૫૭૧ રહી છે.

આરઝેડ ગ્રુપની નજારા ટેક્નૉલૉજીઝ બમણા કામકાજે ઉપરમાં ૨૫૫ વટાવી સવાછ ટકા ઊછળી ૨૪૧ થઈ છે. વોડાફોન સવાબાર નજીક નવી ઐતિહાસિક ટૉપ બનાવી સવા ટકો વધીને ૧૨ બંધ હતી. ૧૪ ઑગસ્ટના રોજ ૬.૧૨ની બૉટમ બની હતી. રાજેશ એક્સપોર્ટ્સ ૩ ગણા વૉલ્યુમે ૩.૬ ટકા ગગડી ૨૨૩ બંધ આપી એ-ગ્રુપમાં ઘટેલા શૅરમાં મોખરે હતી. જિયો થિંગ્સ સાથે ટેક્નૉલૉજી પાર્ટનરશિપના કરારના પગલે કાઇનેટિક એન્જિનિયરિંગ વધુ ૧૫.૮ ટકા ઊછળી ૩૪૧ થઈ છે. ભાવ શુક્રવારે ૨૭૨ બંધ હતો. પ્રિઝમ જૉન્સન ૧૬૨ ગણા વૉલ્યુમે ૧૭ ટકા ઊછળીને ૧૫૨ બંધ થઈ છે. 

બજેટ નજીકમાં હોવાની છડી પોકારતા રેલવે શૅરોમાં ચમકારો જોવાયો

અમદાવાદી યુગ ડેકોર ૧૦નો એક એવા બે શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ રૂપિયાના ભાવથી રાઇટમાં ઍક્સ રાઇટ થતાં ગઈ કાલે ૩.૨ ટકા વધીને ૨૪ બંધ થઈ છે. GRM ઓવરસીઝ એક શૅરદીઠ બે બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૫૧૭ના શિખરે જઈને સવાત્રણ ટકા વધીને ૫૦૦ હતી. જ્યુપિટર વેગન્સ વૉલ્યુમ સાથે બૅક-ટુ-બૅક તગડા જમ્પમાં ઉપરમાં ૩૫૮ બતાવી ૮.૧ ટકા ઊછળી ૩૩૬ રહી છે. ભાવ વર્ષ પહેલાં ૫૪૩ હતો જે ચાલુ મહિને ૯ ડિસેમ્બરના રોજ ૨૪૭ના તળિયે પહોંચ્યો હતો. આગલા દિવસના મોટા ઉછાળા પછી MCX ગઈ કાલે ૧૦,૯૨૯ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી નજીવો સુધરીને ૧૦,૮૧૯ બંધ થયો છે.

મહારાષ્ટ્રના થાણેની ઍન્ટની વેસ્ટ હૅન્ડલિંગને થાણે મહાનગર પાલિકા તરફથી ભિવંડીના અટકોલી ખાતે દૈનિક ૬૦૦થી ૮૦૦ ટનની ક્ષમતાવાળો મિક્સ સૉલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા ૩૨૯ કરોડનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૫૫૫ થઈને છ ટકાની તેજીમાં ૫૨૬ બંધ થયો છે. સંઘવી મૂવર્સની સબસીડિયરીએ ૪૨૯ કરોડનો ઑર્ડર મેળવતાં શૅર નવ ગણા કામકાજે ૩૭૯ નજીક જઈને ૫.૪ ટકા ઊંચકાઈ ૩૬૬ થયો છે. GPT ઇન્ફ્રા પ્રોજેક્ટસે ૬૭૦ કરોડનો હાઇવે પ્રોજેક્ટસ મેળવતાં ભાવ ૧૧૭ થઈ ૩ ટકા વધી ૧૧૧ રહ્યા છે.

ઔરંગાબાદની બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર ઍન્ટિટી તરફથી ૧૫૪ નજીકની ફ્લોર પ્રાઇસથી આશરે પોણાસાત ટકાનું સંપૂર્ણ હોલ્ડિંગ બ્લૉકડીલ મારફત વેચાયું છે. શૅર ગઈ કાલે તગડા વૉલ્યુમે ૧૮૦ની ઑલટાઇમ હાઈ બતાવી સવાછ ટકાની મજબૂતીમાં ૧૬૮ બંધ હતો. કંપની શૅરદીઠ ૯૦ના ભાવથી ૨૧૫૦ કરોડનો ઇશ્યુ મે મહિનામાં લાવી હતી જે ૪૩ ગણો છલકાયો હતો. હિન્દુસ્તાન ઝિન્ક ૬૧૬ નજીક નવી ટૉપ દેખાડી અડધો ટકો વધીને ૬૧૦, નાલ્કો ૨૯૪ના શિખરે જઈને ૨૯૦ના લેવલે ફ્લૅટનો હિન્દુસ્તાન કૉપર ૪૧૪ના બેસ્ટ લેવલે જઈને એક ટકો વધીને ૪૦૮ બંધ થઈ છે.

સરકારની ૬૫.૨ ટકા માલિકીની ઇર્કોન ઇન્ટરનૅશનલ ૧૯ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૭૭ બતાવી ૮ ટકા ઊછળીને ૧૬૯ બંધમાં એ-ગ્રુપ ખાતે ઝળકી છે. અન્ય રેલવે શૅરમાં રેલ વિકાસ નિગમ સાત ગણા કામકાજે ૩૪૯ થઈ ૨.૮ ટકા ઊંચકાઈને ૩૪૨, આઇઆરએફસી ૭ ગણા કામકાજે ૩.૮ ટકા વધી ૧૨૧, રેલટેલ કૉર્પોરેશન પાંચ ટકાના જમ્પમાં ૩૫૯, રાઇટસ લિમિટેડ ચાર ટકાની મજબૂતીમાં ૨૪૨, ટિટાગર રેલ સિસ્ટમ્સ ૨.૩ ટકા વધીને ૮૩૭, ઓરિએન્ટલ રેલ ૩.૭ ટકાના જોરમાં ૧૫૩, ભારત અર્થ મૂવર ૨.૪ ટકા વધીને ૧૮૪૦ તથા ટેક્સમાકો રેલ દોઢ ટકો ઊછળીને ૧૩૪ બંધ થઈ છે.

સતત ખોટ કરતી મીશો લિમિટેડ ઍ​ન્ટિ કલાઇમેક્સમાં ત્રણ દિવસમાં એની ટૉપથી ૨૬ ટકા ગગડી ગઈ કાલે ૧૮૮ નીચે બંધ થયો છે. ૧૧૧ની ઑફર પ્રાઇસ સામે આ શૅર ૧૦મીએ લિસ્ટિંગમાં ૧૬૨ થઈ સતત વધતો રહીને ૧૮ ડિસેમ્બરના રોજ ઉપરમાં ૨૫૫ નજીક વિક્રમી સપાટીએ ગયો હતો. ભાવ ગઈ કાલે ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૧૮૨ની અંદર ગયો હતો. કોરોના રેમેડીઝ ૧૩૩૭નું વર્સ્ટ લેવલ બતાવીને અડધો ટકો વધીને ૧૩૬૨ હતી. ૧૫ ડિસેમ્બરના રોજ ભાવ ૧૪૯૯ના શિખરે ગયો હતો.

ACC, ઓરિએન્ટ સિમેન્ટ અને સાંઘી સિમેન્ટનું અંબુજામાં મર્જર

અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની ACC તથા ઓરિએન્ટ સિમેન્ટ્સ દ્વારા અંબુજા સિમેન્ટ્સ સાથે મર્જરનો નિર્ણય લેવાયો છે. હાલ ACCમાં અંબુજા સિમેન્ટ્સ ૫૦.૦૫ ટકા હો​લ્ડિંગ ધરાવે છે. જ્યારે ઓરિએન્ટ સિમેન્ટમાં એનો હિસ્સો ૭૨.૭ ટકા નજીક છે. મર્જરની યોજના અનુસાર ACCના શૅરધારકોને ૧૦નો એક એવા ૧૦૦ શૅરદીઠ અંબુજા સિમેન્ટનો બેનો એક એવા ૩૨૮ શૅર મળશે. ACCનો શૅર સોમવારે ૧૭૭૬ નજીક બંધ હતો, જ્યારે અંબુજા સિમેન્ટ ૫૪૦ બંધ થયો હતો. આ ધોરણે ACCના શૅરધારકોને ૧૦૦ શૅર પ્રમાણે ૧,૭૭,૫૮૦ રૂપિયાના હોલ્ડિંગ બદલ અંબુજાના ૩૨૮ શૅર એટલે ૧,૭૭,૧૨૦ રૂપિયાના શૅર મળવાના છે એટલે કે ૪૮૦ રૂપિયાનું નુકસાન થયું.

ઓરિએન્ટ સિમેન્ટના શૅરધારકોને એકની ફેસવૅલ્યુવાળા ૧૦૦ શૅર સામે અંબુજા સિમેન્ટના ૩૩ શૅર અપાશે. ઓરિએન્ટ સિમેન્ટ સોમવારે ૧૬૩.૮૫ બંધ થયો હતો. આ ધોરણે એના શૅરધારકોને ૧૬,૩૮૫ રૂપિયાના હોલ્ડિંગ બદલ અંબુજાના જે ૩૩ શૅર મળશે એની વૅલ્યુ ૧૭,૮૨૦ રૂપિયા થવા જાય છે. મતલબ કે મર્જરથી ઓરિએન્ટના શૅરધારકને અહીં ૧૪૩૫ રૂપિયાનો ફાયદો થાય છે. 
મર્જરની રેકૉર્ડ-ડેટ હવે પછી જાહેર થશે. મર્જરની પ્રક્રિયા એકાદ વર્ષમાં પૂરી થવાની શક્યતા છે. ગઈ કાલે ACCનો શૅર નીચામાં ૧૭૪૬ થઈ સવા ટકો ઘટીને ૧૭૫૪ બંધ થયો છે. જ્યારે ઓરિએન્ટ સિમેન્ટ ઉપરમાં ૧૮૦ થઈ સવાચાર ટકા વધીને ૧૭૧ હતો. અંબુજા સિમેન્ટ ૧૩ ગણા કામકાજે ઉપરમાં ૫૬૩ વટાવી સવા ટકો વધીને ૫૬૪૭ નજીક બંધ થયો છે. અદાણી ગ્રુપ કહે છે કે મર્જરના લીધે કંપનીનું નફાનું માર્જિન મેટ્રિક ટન સિમેન્ટદીઠ કમસે કમ ૧૦૦ રૂપિયા વધી જશે. આ ઉપરાંત સાંઘી સિમેન્ટનું પણ અંબુજામાં મર્જર થવાનું છે. સાંઘી સિમેન્ટ્સનો ૧૦નો એક એવા ૧૦૦ શૅરદીઠ અંબુજાના ૧૨ શૅર અપાશે. સાંઘી સિમેન્ટ્સ સોમવારે ૬૨ બંધ હતો. આ ધોરણે ૬૨૦૦ના હોલ્ડિંગ સામે ૬૪૮૦ રૂપિયાના શૅર મળવાના હોવાથી એના શૅરધારકોને મર્જરથી ૨૮૦ રૂપિયાનો ફાયદો થાય છે. સાંઘીમાં અંબુજા સિમેન્ટનું હોલ્ડિંગ ૫૮.૧ ટકા છે. મર્જર પછી અંબુજા સિમેન્ટ્સની ઇક્વિટીમાં ૩૨૬૫ લાખ શૅર કે ૬૫૩૦ લાખ રૂપિયાનો વધારો થશે. સરવાળે પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૭.૭ ટકાથી ઘટીને ૬૦.૯ ટકા જેવું જોવાશે. જેપી મૉર્ગન દ્વારા અંબુજા સિમેન્ટમાં ૫૮૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે નેચરલ વ્યુ યથાવત્ જાળવી રખાયો છે. સાંઘી અઢી ટકા વધી છે. 

ગ્લોબલ ઓસિયન અને માર્ક ટેક્નોક્રેટ્સનું લિસ્ટિંગ આજે

આજે મેઇન બોર્ડમાં ગુજરાત કિડનીનો ઇશ્યુ બંધ થવાનો છે. બેના શૅરદીઠ ૧૧૪ની અપરબૅન્ડ સાથે ૨૫૧ કરોડ નજીકનો આ IPO અત્યાર સુધીમાં કુલ ૨.૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ સાડાત્રણનું છે. SME સેગમેન્ટમાં ૪ ભરણાં જે સોમવારે ખૂલ્યાં હતાં એમાં બીજા દિવસના અંતે ગઈ કાલે કલકત્તાની સનડ્રેક્સ ઑઇલનો ૧૦ના શૅરદીઠ ૮૬ની અપરબૅન્ડ સાથે ૩૨૨૫ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૧.૧ ગણો, જયપુરની શ્યામ ધાણી ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૭૦ની અપર બૅન્ડ સાથે ૩૮૪૯ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૨૫૦ ગણો, હૈદરાબાદી દાચીપલ્લી પબ્લિશર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડ સાથે ૪૦૩૯ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૭૦ ટકા તથા અન્ય હૈદરાબાદી કંપની EPW ઇન્ડિયાનો પાંચના શૅરદીઠ ૯૭ના ભાવનો ૩૧૮૧ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૬૦ ટકા ભરાઈ ચૂક્યો છે. શ્યામ ધાણીમાં હાલ ૫૪ રૂપિયા, દાચીપલ્લીમાં ઝીરો, સનડ્રેક્સમાં એક રૂપિયો તથા EPWમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.

ગઈ કાલે જે પાંચ SME IPO ખૂલ્યા છે એમાં પ્રથમ દિવસે અપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ની અપરબૅન્ડ સાથે ૪૭૯૬ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૪.૨ ગણો, બાઈ કાકાજી પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૮૬ની અપરબૅન્ડ સાથે ૧૦૫ કરોડ પ્લસનો BSE SME ઇશ્યુ કુલ સવા ગણો, ધારા રેલ પ્રોજેક્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૬ની અપરબૅન્ડમાં ૫૦૨૦ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૨.૩ ગણો, નાન્ટા ટેક લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૨૨૦ની અપરબૅન્ડ સાથે ૩૧૮૧ લાખનો BSE SME IPO કુલ ૧૦ ટકા તથા એડમેક સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૨૩૯ની અપરબૅન્ડ સાથે ૪૨૬૦ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૪ ટકા ભરાયો છે. હાલ ધારા રેલમાં ૧૫ રૂપિયા, બાઈ કાકાજીમાં ૧૫ રૂપિયા, અપોલો ટેક્નોમાં ૧૦ રૂપિયા, નાન્ટામાં ૧૨ રૂપિયા અને એડમેકમાં ઝીરો પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં બોલાય છે.

પુણેની KSH ઇન્ટરનૅશનલ પાંચના શૅરદીઠ ૩૮૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે ૩૭૦ ખૂલી ૩૫૫ નજીક બંધ રહેતાં ૭.૭ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આજે SME કંપની ગ્લોબલ ઓસિયન લૉજિસ્ટિક તથા માર્ક ટેક્નોક્રેટ્સ લિસ્ટિંગમાં જશે. હાલ માર્ક ટેક્નોક્રેટ્સમાં ૨ રૂપિયા તથા ગ્લોબલ ઓસિયનમાં ઝીરો પ્રીમિયમ છે. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange