આવકવેરાના નવા પૉર્ટલ પર બે કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરાયાં

15 October, 2021 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭ કરોડ કરતાં વધુ રિટર્નનું ઈ-વેરિફિકેશન થયું હોવાની બાબત નોંધપાત્ર છે

પ્રતીકાત્મક તસવીર

આવકવેરા વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે અત્યાર સુધીમાં બે કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાં છે અને વિભાગના નવા પૉર્ટલની કામગીરી ‘નોંધપાત્ર રીતે સ્થિર’ થઈ છે.

કરદાતાઓને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે આવકવેરા રિટર્ન વહેલી તકે ફાઇલ કરવાનો અનુરોધ કરતાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સે કહ્યું છે કે તમામ પ્રકારનાં રિટર્ન ઈ-ફાઇલિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.

નવા પૉર્ટલ પર આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે બે કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાં છે, જેમાંથી આઇટીઆર ૧ અને ૪નું પ્રમાણ ૮૬ ટકા છે. ૧.૭ કરોડ કરતાં વધુ રિટર્નનું ઈ-વેરિફિકેશન થયું હોવાની બાબત નોંધપાત્ર છે, એમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આઇટીઆરની પ્રક્રિયા શરૂ કરવા અને જો કોઈ હોય તો રિફંડ જારી કરવા માટે આધાર ઓટીપી અને અન્ય પદ્ધતિઓ દ્વારા ઈ-વેરિફિકેશનની પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ છે.

આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩૬.૨૨ લાખથી વધુ રિફંડ જારી કરવામાં આવ્યાં છે. આઇટીઆર ૨ અને ૩ની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, એમ બોર્ડે જણાવ્યું હતું.

નવું પૉર્ટલ ગત સાતમી જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રારંભિક સમયગાળામાં કરદાતાઓને એનો ઉપયોગ કરવામાં તકલીફ પડી હતી.

સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેનાં આવકવેરા રિટર્ન ભરવાની નિયત તારીખ બે વાર વધારી છે. વ્યક્તિગત કરદાતા માટે છેલ્લી તારીખ આગામી ૩૧ ડિસેમ્બર છે.

business news