NSEમાં ઇન્વેસ્ટર્સ અકાઉન્ટ્સની સંખ્યા બાવીસ કરોડની ઉપર ગઈ

16 April, 2025 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબર, ૨૦૨૪માં UCCની સંખ્યા વીસ કરોડને વટાવી ગઈ હતી. ૨૦૨૫ની ૩૧ માર્ચે UCCની સંખ્યા ૧૧.૩ કરોડ થઈ હતી જે ૨૦૨૫ની ૨૦ જાન્યુઆરીએ ૧૧ કરોડ હતી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE)માં રોકાણકારોનાં કુલ ખાતાં એટલે કે યુનિક ક્લાયન્ટ કોડ્સ (UCC)ની સંખ્યા બાવીસ કરોડની ઉપર પહોંચી ગઈ છે. ઑક્ટોબર, ૨૦૨૪માં UCCની સંખ્યા વીસ કરોડને વટાવી ગઈ હતી. ૨૦૨૫ની ૩૧ માર્ચે UCCની સંખ્યા ૧૧.૩ કરોડ થઈ હતી જે ૨૦૨૫ની ૨૦ જાન્યુઆરીએ ૧૧ કરોડ હતી.

NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે ‘ભારતમાં રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બે કરોડ અકાઉન્ટ માત્ર છ મહિનાના ગાળામાં ખૂલ્યાં છે જે વિશ્વના વિપરીત વાતાવરણમાં પણ રોકાણકારોના મૂડીબજારમાં રહેલા મજબૂત વિશ્વાસને દર્શાવે છે. આ વૃદ્ધિ પાછળનું કારણ ઝડપી ડિજિટલાઇઝેશન અને મોબાઇલ-ટ્રેડિંગનું વધેલું ચલણ છે, કારણ કે મોબાઇલ દ્વારા કૅપિટલ માર્કેટનો એક્સેસ કરવાનું  આસાન બન્યું છે. આ વૃદ્ધિ એ પણ દર્શાવે છે કે રીટેલ સામેલગીરીને વધારવાના પ્રયત્નો સફળ રહ્યા છે. રોકાણકારોની સમજમાં પણ વધારો થયો છે. NSEની આ સિદ્ધિ નાણાકીય ઇકોસિસ્ટમ પુખ્ત બની હોવાનો સંકેત આપે છે.

રોકાણકારો વિવિધ બ્રોકરો પાસે ખાતાં ખોલાવી શકે છે. સૌથી અધિક ક્લાયન્ટ કોડ્સ મહારાષ્ટ્રમાં (૩.૮ કરોડ) અને એ પછીના ક્રમે ઉત્તર પ્રદેશ (૨.૪ કરોડ)માં છે. ગુજરાતમાં ૧.૯ કરોડ અને રાજસ્થાન તેમ જ પશ્ચિમ બંગાળમાં ૧.૩ કરોડ ક્લાયન્ટ કોડ નોંધાયેલા છે. 

national stock exchange mutual fund investment stock market share market finance news business news