NSEL અને ટ્રેડર્સ વચ્ચેની ઐતિહાસિક સેટલમેન્ટ ​સ્કીમને NCLTની મંજૂરી

02 December, 2025 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેટલમેન્ટ ​સ્કીમ હેઠળ ૫૬૮૨ ટ્રેડર્સને ૨૦૨૪ની ૩૧ જુલાઈએ તેમની લેણી રકમના આધારે કુલ ૧૯૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવવાની છે

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL) અને ટ્રેડર્સ વચ્ચે નક્કી થયેલી વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમને નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેન્ચે મંજૂરી આપી દીધી છે.

NSELએ પોતાની પેરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીઝ લિમિટેડની સહાયથી ૫૬૮૨ ટ્રેડર્સ સાથે પરસ્પરની સહમતીથી વન ટાઇમ ફુલ ઍન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરવા માટેની ​સ્કીમ ઑફ સેટલમેન્ટ માટે માનનીય ટ્રિબ્યુનલ સમક્ષ મંજૂરી પ્રસ્તુત કરી હતી.

NSELએ આ સેટલમેન્ટ ​સ્કીમ સંબંધે મતદાન કરાવ્યું હતું, જેમાં સંખ્યાની દૃષ્ટિએ ટ્રેડર્સમાંથી ૯૨.૮૧ ટકા તથા મૂલ્યની દૃષ્ટિએ ૯૧.૩૫ ટકા લેણી રકમ ધરાવતા ટ્રેડર્સે ​સ્કીમની તરફેણમાં મત આપ્યો હતો.

સેટલમેન્ટ ​સ્કીમ હેઠળ ૫૬૮૨ ટ્રેડર્સને ૨૦૨૪ની ૩૧ જુલાઈએ તેમની લેણી રકમના આધારે કુલ ૧૯૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવવાની છે. આ ચુકવણી માટે એવું સેટલમેન્ટ થયું છે કે ટ્રેડર્સ પોતાના તમામ અધિકારો 63 મૂન્સના હસ્તક કરશે અને 63 મૂન્સ ગ્રુપ સામેના તમામ કાનૂની કેસ બંધ કરવામાં આવશે.

અહીં જણાવવું રહ્યું કે NSELએ જુલાઈ ૨૦૧૩માં પેમેન્ટ કટોકટી બહાર આવ્યા બાદ ઑગસ્ટ ૨૦૧૩માં પણ 63 મૂન્સનો સહયોગ લીધો હતો અને જેમની લેણી રકમ ૧૦ લાખ રૂપિયા કરતાં ઓછી હતી એવા એકંદરે ૭૦૫૩ નાના ટ્રેડર્સને ૧૭૯ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. પેમેન્ટ કટોકટીના કેસમાં NSEL, 63 મૂન્સ તથા એના પ્રમોટર્સે એક પણ પૈસો લીધો નહીં હોવાનું મની-ટ્રેઇલ તપાસમાં સ્પષ્ટ થઈ ગયું હતું. આમ છતાં 63 મૂન્સે ટ્રેડર્સના હિતમાં સહયોગ આપવાનો નિર્ણય લીધો છે.

ઉક્ત કેસમાં જેમનાં નાણાં અટકી ગયાં હતાં એ તમામ ટ્રેડર્સ માટે NCLTની મંજૂરી મોટી રાહતના સમાચાર છે.

NSELના એમડી-સીઈઓ નીરજ શર્માએ આ સંબંધે કહ્યું હતું કે પેમેન્ટ કટોકટીના હલ માટે હાલની કેન્દ્રની અને રાજ્યની BJPની સરકારે અપનાવેલા સકારાત્મક અભિગમ વગર આ શક્ય બન્યું ન હોત. અગાઉ પી. ચિદમ્બરમે અને યુપીએની બીજી મુદતની સરકારે અકળ કારણોસર આ કેસનો નિવેડો લાવવા માટે કોઈ પગલું ભર્યું નહોતું.

એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમ (NIF)ના ચૅરમૅન ડૉ. શરદકુમાર સરાફે 63 મૂન્સ તથા NSEL દ્વારા થયેલા પ્રયાસ બદલ તથા કેસનો નિવેડો લાવવામાં મદદ કરનાર કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

business news