અમેરિકા-ચીનમાં કોરોનાના નવા કેસ એકાએક વધતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડથી સુધારો

05 August, 2021 03:12 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનમાં વુહાનની તમામ પબ્લિકનું યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્ણયથી કોરોનાનો ડર વધ્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં મંગળવારે એક જ દિવસમાં એક લાખ કરતાં વધુ કેસ નીકળતાં તેમ જ ચીનમાં કોરોનાના નવા કેસ સતત પાંચમા દિવસે વધતાં તેમ જ વુહાનની તમામ ૧.૧ કરોડની પબ્લિકનું ટેસ્ટિંગ યુદ્ધના ધોરણે ચાલુ કરાતાં સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સુધર્યું હતું અને સોનામાં સુધારો જોવા મળ્યો હતો જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૮૯ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

ચીન-અમેરિકામાં કોરોનાના કેસમાં થયેલો એકાએક વધારો અને વુહાનની પૂરેપૂરી વસ્તીનું ટેસ્ટિંગ ચાઇનીઝ ઑથોરિટી દ્વારા ચાલુ કરાતાં સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સુધર્યું હતું તેમ જ કોરોનાના વધી રહેલા કેસને કારણે ડૉલર ઘટ્યો હતો જેનાથી સોનામાં ખરીદીનું આકર્ષણ ફરી વધ્યું હતું. અમેરિકી ડૉલર સતત વધી રહ્યો હતો એ બુધવારે ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સોનું ઘટતાં ચાંદી પણ ૦.૪ ટકા ઘટી હતી તેમ જ પ્લૅટિનમ અને પેલેડિયમમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ જુલાઈમાં વધીને ૫૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૧૪ મહિનાની નીચી સપાટીએ ૫૦.૩ પૉઇન્ટ હતો. અમેરિકન મૉર્ગેજ ઍપ્લિકેશન ૩૦ જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧.૭ ટકા ઘટી હતી જે અગાઉના સપ્તાહે ૫.૭ ટકા વધી હતી. યુરો એરિયામાં રીટેલ સેલ્સ જૂનમાં ૧.૫ ટકા વધ્યું હતું જે સતત બીજે સપ્તાહે વધ્યું હતું, પણ મે મહિનામાં ૪.૧ ટકાના વધારા સામે જૂન મહિનાનો વધારો ઘણો ઓછો હતો અને માર્કેટની ૧.૭ ટકાની ધારણા કરતાં પણ રીટેલ સેલ્સમાં વધારો ઓછો થયો હતો. યુરો એરિયામાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જુલાઈમાં વધીને ૬૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૬૦.૬ પૉઇન્ટ હતો પણ જૂન મહિનામાં ૫૯.૫ પૉઇન્ટ હતો. યુરો એરિયાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ જુલાઈમાં વધીને ૧૫ વર્ષની ઊંચાઈએ ૫૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૬૦.૪ પૉઇન્ટ પણ જૂનમાં ૫૮.૩ પૉઇન્ટ હતો. બ્રિટનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જુલાઈમાં વધીને ૫૯.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૭.૭ પૉઇન્ટ હતો, પણ જૂનમાં ૬૨.૨ પૉઇન્ટ હતો. ભારતનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ જુલાઈમાં વધીને ૪૫.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૪૧.૨ પૉઇન્ટ હતો, પણ માર્કેટની ધારણા ૪૯ પૉઇન્ટની હતી. જપાનનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સતત ત્રીજે મહિને ઘટીને જુલાઈમાં ૪૮.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૪૮.૯ પૉઇન્ટ હતો. ચીન, યુરો એરિયાના ઇકૉનૉમિક ડેટા બુલિશ અને જપાન-યુરો એરિયાના ઇકૉનૉમિક ડેટા નબળા હોવાથી સોનાની માર્કેટમાં પણ અસર મિશ્ર જોવા મળી હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

ચીનમાં સતત પાંચમા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો હતો જેમાં કોરોના વાઇરસનું ઉદ્ગમ સ્થાન ગણાતા વુહાનમાં સ્થિતિ ભયંકર બની રહી છે. ચાઇનીઝ ગવર્નમેન્ટે વુહાનની ૧.૧ કરોડની વસ્તીનું ટેસ્ટિંગ યુદ્ધના ધોરણે ચાલુ કર્યું છે, જે વધુ ભયંકર સ્થિતિનો સંકેત આપે છે. અમેરિકામાં મંગળવારે એક લાખથી વધુ કોરોનાના નવા કેસ નીકળ્યા હતા. અમેરિકાના કેટલાક વિસ્તારમાં હૉસ્પિટલોમાં જગ્યા ન હોવાના અહેવાલો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે. વર્લ્ડમાં પણ રવિવાર-સોમવારે બે દિવસ કેસ ઘટ્યા બાદ મંગળવારે એકાએક નવા કેસ વધીને ૬.૧૪ લાખે પહોંચ્યા હતા. કેટલાક દેશોમાં બે દિવસ કેસ ઘટ્યા બાદ મંગળવારે નવા કેસમાં થયેલો વધારો ડરામણો બની રહ્યો હતો. અમેરિકા-ચીનની કોરોનાની સ્થિતિ વધુ ભયંકર બની રહી હોવાથી સોનાનું સેફ હેવન સ્ટેટ્સ મજબૂત બન્યું હતું. અમેરિકન ફેડનું વિરોધાભાસી વલણ સામે કોરોનાના વધી રહેલા કેસને કારણે સોનાનું શૉર્ટથી મિડિયમ ટર્મ પ્રોજેક્શન ફરી તેજીમય બની રહ્યું છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૦૫૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૮૫૮

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૮,૨૪૧

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news