ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

15 October, 2021 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીજળી ખર્ચના વધારાથી ત્રણ સ્મેલટર બંધ થતાં ઝિન્કના ભાવ ૧૪ વર્ષની ઊંચાઈએ; સેમી કન્ડક્ટરની અછતને લીધે પૅસેન્જર વાહનોનું વેચાણ ઘટ્યું અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

સપ્ટેમ્બરમાં હોલસેલ ફુગાવો ઘટીને છ મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો

દેશમાં સપ્ટેમ્બર મહિનાનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવાનો દર ૧૦.૬૬ ટકાની છ મહિનાની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ક્રૂડ પેટ્રોલિયમના ભાવની વૃદ્ધિ થવા છતાં ખાદ્ય પદાર્થોના ભાવ ઘટવાને લીધે આ જથ્થાબંધ ફુગાવો ઘટ્યો છે.

આની પહેલાં માર્ચમાં ૭.૮૯ ટકાનો દર રહ્યો હતો. ત્યાર બાદ સતત છ મહિના સુધી ફુગાવાનો દર દ્વિઅંકી રહ્યો છે. ગત ઑગસ્ટમાં દર ૧૧.૩૯ ટકા હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દર ૧.૩૨ ટકા હતો.

સપ્ટેમ્બર ૨૦૨૧માં ક્રૂડ ઉપરાંત ખનિજ તેલ, મૂળ ધાતુ, ખાદ્ય પદાર્થો સિવાયની ચીજવસ્તુઓ, નૅચરલ ગૅસ, કેમિકલ વગેરેના ભાવ વધ્યા હતા. આ મહિનામાં ખાદ્ય પદાર્થોના ભાવ એકંદરે ૪.૬૯ ટકા ઘટ્યા હતા. શાકભાજીના ભાવમાં ૩૨.૪૫ ટકાનો તથા બટેટાના ભાવમાં ૪૮.૯૫ ટકાનો ઘટાડો થયો હતો. મૅન્યુફેક્ચર્ડ વસ્તુઓના ભાવમાં ૧૧.૪૧ ટકા વધારો થયો હતો.

 

વીજળી ખર્ચના વધારાથી ત્રણ સ્મેલટર બંધ થતાં ઝિન્કના ભાવ ૧૪ વર્ષની ઊંચાઈએ

ચાઇનીઝ માર્કેટમાં ઑક્ટોબર ૨૦૦૭ પછીની અને લંડન મેટલ એક્સચેન્જમાં જુલાઈ ૨૦૦૭ પછીની ઊંચાઈ વર્લ્ડના અગ્રીમ હરોળના ઝિન્કના ઉત્પાદક નાયરસ્ટારે યુરોપમાં ઝિન્કનું ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરતાં ઝિન્કના ભાવ ૧૪ વર્ષની ટોચે પહોંચ્યા હતા.

શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જમાં સૌથી વધુ ટ્રેડ થતા નવેમ્બર ઝિન્ક કૉન્ટ્રૅક્ટ આઠ ટકા વધીને પ્રતિ ટન ૨૫,૭૦૦ યુઆન ટ્રેડ થઈ રહ્યા હતા, જે ઑક્ટોબર ૨૦૦૭ બાદની ટોચ છે. લંડન મેટલ એક્સચેન્જમાં ત્રણ મહિનાનો ઝિન્ક કૉન્ટ્રૅક્ટ ૬.૯ ટકા જેટલો વધીને પ્રતિ ટન ૩૬૩૭.૫૦ ડૉલરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે જુલાઈ ૨૦૦૭ બાદની ટોચ છે.

નાયરસ્ટારે કહ્યું કે યુરોપના ત્રણ ઝિન્ક સ્મેલટરમાં ઉત્પાદન ૫૦ ટકા જેટલું ઘટાડવામાં આવશે. ઉત્પાદનમાં ઘટાડા કરવા પાછળનું કારણ હાલનાં સપ્તાહોમાં વીજળીના ખર્ચમાં થયેલો તોતિંગ વધારો છે તેમ જ એશિયા અને યુરોપમાં ઊર્જા કટોકટી પણ છે જે આ વર્ષના અંત સુધી રહેશે એવો અંદાજ છે. નાયરસ્ટાર એ નેધરલૅન્ડ્સની ૧૫૦ વર્ષ જૂની ઝિન્ક, લીડ અને અન્ય બેઝમેટલનું ઉત્પાદન કરતી કંપની છે. ચીનમાં ઊર્જા કટોકટીને લીધે કાચા માલમાં વધારો થવાથી સપ્ટેમ્બરમાં એન્યુઅલ ફૅક્ટરી ગેટ ભાવ અપેક્ષા કરતાં વધુ વધ્યા છે. ઉદ્યોગો વીજળીની અછતથી પિડાઈ રહ્યા છે. ચીનની આર્થિક વૃદ્ધિ ધીમી પડીને વર્ષ ૨૦૨૨માં ૫.૫ ટકા થવાનો અંદાજ છે.

 

સપ્ટેમ્બરમાં નિકાસ ૨૨.૬૩ ટકા વધી

સપ્ટેમ્બર મહિનામાં એન્જિનિયરિંગ ગુડ્ઝ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જેવાં મુખ્ય ક્ષેત્રોમાં સારી કામગીરીને પગલે નિકાસમાં ૨૨.૬૩ ટકાનો વધારો થઈને મૂલ્ય ૩૩.૭૯ અબજ ડૉલર થયું હતું. સત્તાવાર આંકડાઓ મુજબ આ મહિનામાં આયાતનું પ્રમાણ ૮૪.૭૭ ટકાના વધારા સાથે ૫૬.૩૯ અબજ ડૉલર પર પહોંચ્યું હતું. આમ, વેપારખાધ ૨૨.૫૯ અબજ ડૉલરની રહી છે, જે ગયા વર્ષે સમાન મહિનામાં ૨.૯૬ અબજ ડૉલર હતી.

 

સેમી કન્ડક્ટરની અછતને લીધે પૅસેન્જર વાહનોનું વેચાણ ઘટ્યું

સેમી કન્ડક્ટરની અછતને લીધે ગયા મહિને પૅસેન્જર વાહનોના હોલસેલ વેચાણમાં વર્ષાનુવર્ષ ધોરણે ૪૧ ટકાનો ઘટાડો થયો છે. ઑટો ક્ષેત્રના સંગઠન એસઆઇએએમે ગુરુવારે જણાવ્યા મુજબ સેમી કન્ડક્ટરની કમી હોવાથી ઉત્પાદન ઘટ્યું હતું અને એને પગલે ઉત્પાદકો ડિલર્સ સુધી વાહનો પહોંચાડી શક્યાં ન હતાં. આમ, ગયા મહિને પૅસેન્જર વાહનોનું વેચાણ ૧,૬૦,૦૭૦ યુનિટ થયું હતું. એની તુલનાએ ગયા વર્ષે આ જ મહિનામાં વેચાણ ૨,૭૨,૦૨૭ યુનિટનું થયું હતું.

સંગઠને જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં ૧૫,૨૮,૪૭૨ યુનિટ ટૂ-વ્હીલરનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં થયેલા ૧૮,૪૯,૫૪૬ની તુલનાએ ૧૭ ટકા ઓછું હતું.

 

કેન્દ્ર સરકારે રવી સીઝન માટે ૨૮,૬૫૫ કરોડ રૂપિયાની અતિરિક્ત ખાતર સબસિડી આપી

કેન્દ્ર સરકારે ખેડૂતોને લાભ થાય એ માટે રવી સીઝનમાં ૨૮,૬૫૫ કરોડ રૂપિયાની અતિરિક્ત ખાતર સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. સરકારે ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) અને ત્રણ સૌથી વધુ વપરાતા એનકેપી (નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશ્યમ) ગ્રેડ્સ માટે આ સ્પેશ્યલ વન-ટાઇમ પૅકેજ જાહેર કર્યું છે.

સબસિડીના દર ન્યુટ્રીયન્ય બેઝ્ડ સબસિડી (એનબીએસ) સ્કીમ અંતર્ગત છે, જેમાં મે ૨૦૨૧માં જાહેરાત કરવામાં આવી હતી એ જ ભાવ છે. ડીએપી માટે પ્રતિ ગૂણી ૪૩૮ રૂપિયા (પ્રતિ ટન ૮૭૬૦ રૂપિયા) અને એનપીકે માટે પ્રતિ ગૂણી ૧૦૦ રૂપિયા (પ્રતિ ટન ૨૦૦૦ રૂપિયા) અતિરિક્ત ચુકવણી કરવામાં આવશે.  

ઍગ્રો કેમ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ કલ્યાણ ગોસ્વામીએ કહ્યું કે અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ. આ અતિરિક્ત સબસિડીથી ખેડૂતોને ફાયદો થશે.

 

સરકારી વીમા કંપનીઓને ખર્ચ ઘટાડવાનું કહેવાયું

નાણાં મંત્રાલયે સરકારી જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીઓને શાખાઓનું વ્યવહારીકરણ કરીને આર્થિક તંદુરસ્તી વધારવાની દૃષ્ટિએ ખર્ચમાં ઘટાડો કરવા જણાવ્યું છે.

જાહેર ક્ષેત્રની ચાર જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીઓમાંથી નૅશનલ ઇન્શ્યૉરન્સ, ઓરિયેન્ટલ ઇન્શ્યૉરન્સ અને યુનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ ખોટ કરતી કંપનીઓ છે. ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ એક માત્ર નફો કરનારી સરકારી કંપની છે.

સરકારી જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીઓનું ખાનગીકરણ કરવા માટે બજેટમાં કરાયેલી જાહેરાતને અનુલક્ષીને સંસદે ખાનગીકરણ માટેના ખરડાને મંજૂરી આપી છે.

business news