05 August, 2021 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેબીના ચૅરમૅન અજય ત્યાગી
મૂડીબજારમાં રોકાણની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવાના ઉદ્દેશ્યથી સેબી રોકાણકારો માટેનું હકપત્ર ઘડવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં રોકાણકારોના અધિકારો અને જવાબદારીઓની નોંધ લેવા ઉપરાંત રોકાણકારોની ફરિયાદોના નિરાકરણ માટેની વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવશે.
સેબીના ચૅરમૅન અજય ત્યાગીએ સંસ્થાના વર્ષ ૨૦૨૦-’૨૧ના વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે કેન્દ્રીય બજેટમાં કરાયેલી જાહેરાત અનુસાર રોકાણકારો માટેનું હકપત્ર જાહેર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સેબી માટે તથા એના નિયમન હેઠળ આવતી સંસ્થાઓ માટે અલગ-અલગ હકપત્રો બનાવવાનું પણ આયોજન છે.
રોકાણકારો માટેનાં વિવિધ કાર્યો કેટલી સમયમર્યાદામાં પૂરાં થવાં જોઈએ એ પણ આ હકપત્રમાં નિશ્ચિત કરવામાં આવશે, એમ અહેવાલમાં જણાવાયું છે.
ત્યાગીએ વધુમાં જણાવ્યું છે કે સેબી સોના માટેનું હાજર એક્સચેન્જ, સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રીટેલ રોકાણકારોનો સહભાગ વધારવા માટેનાં કાર્યો કરવાની છે.
દેશની પ્રાઇમરી સિક્યૉરિટીઝ માર્કેટમાં તેજી હજી અકબંધ હોવાનું નવા આઇપીઓમાં આવેલી અરજીઓ પરથી સ્પષ્ટ થાય છે.
બુધવારે ચોથી ઑગસ્ટના રોજ કામકાજ બંધ થવાના સમયે ચાર આઇપીઓ છલકાઈ ગયા હતા. એક્સેરો ટાઇલ્સ લિમિટેડનો આઇપીઓ તો ૩.૯૬ ગણો ભરાઈ ગયો હતો. ઉપરાંત વિન્ડલાસ બાયોટેક લિમિટેડનો ઇશ્યુ ૨.૮૧ ગણો, દેવયાની ઇન્ટરનૅશનલ લિ.નો ઇશ્યુ ૨.૪૬ ગણો અને કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ લિ.નો ઇશ્યુ ૧.૭૯ ગણો ભરાયો હતો.
એક્સેરો ટાઇલ્સની ૧૬૧.૦૯ કરોડની ઇશ્યુ સાઇઝની સામે રીટેલ રોકાણકારો માટેનો હિસ્સો ૮.૦૬ ગણો ભરાયો હતો. આ જ રીતે ૧૮૩૮ કરોડના દેવયાની ઇન્ટરનૅશનલના ઇશ્યુમાં રીટેલ રોકાણકારોએ ૧૦.૪૪ ગણી અરજી કરી હતી.
કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સનો ઇશ્યુ ૧૨૧૩.૩૩ કરોડનો છે. તેમાં રીટેલ રોકાણકારોએ ૮.૫૪ ગણી અરજી કરી હતી તથા વિન્ડલાસ બાયોટેકના ૪૦૧.૫૪ કરોડના ઇશ્યુમાં એમની અરજી ૫.૪૫ ગણી હતી. દેવયાની ઇન્ટરનૅશનલના ઇશ્યુમાં કર્મચારીઓ માટેના હિસ્સામાં ૧.૪૯ ગણી અરજીઓ આવી હતી. આ ચારે ઇશ્યુ છઠ્ઠી ઑગસ્ટના રોજ બંધ થવાના છે.
કેરલાના નાણાપ્રધાન કે. એન. બાલગોપાલે જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ)ના માળખામાં ફેરફાર કરવાની માગણી કરતાં કહ્યું છે કે આ માળખામાં રહેલી ત્રુટીઓને કારણે દરેક રાજ્ય અને દરેક ગ્રાહકને નુકસાન થયું છે. એને લીધે રાજ્યોને મળનારા મહેસૂલને પણ ફટકો પડ્યો છે.
બાલગોપાલના કહ્યા મુજબ જીએસટીના અમલનાં ચાર વર્ષ દરમિયાન રાજ્યની કરવેરાની આવકમાં ૬૧ ટકાનો ઘટાડો થયો છે, કારણ કે જીએસટીનું માળખું જ ખામીભરેલું છે. આ વાત ફક્ત કેરળને નહીં, બધાં જ રાજ્યોને લાગુ પડે છે.
નોંધનીય છે કે બાલગોપાલે રાજ્યસભાના સભ્ય તરીકે વર્ષ ૨૦૧૫માં જીએસટીનો વિરોધ કર્યો હતો. તેમણે એક મુલાકાતમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે જીએસટીના તંત્રમાં માલસામાનનું પરિવહન ઝડપી થશે અને ગ્રાહકોને ઘટેલા ભાવનો ફાયદો થશે, પરંતુ કમનસીબે આ બન્ને ઉદ્દેશો સાકાર થયા નથી. ગ્રાહકોએ વધુ ભાવ ચૂકવવો પડી રહ્યો છે તથા મોટાપાયે કરચોરી ચાલી રહી છે. કરવેરાની આવકમાં પણ વધારો થયો નથી. આ તંત્રનો લાભ ફક્ત કેટલીક કૉર્પોરેટ્સને તથા કેન્દ્ર સરકારને થયો છે.
રિઝર્વ બૅન્કે જૂની બૅન્ક નોટો અને સિક્કાઓ ઑનલાઇન ખરીદી-વેચાણ કરનારી અનધિકૃત એન્ટિટીથી લોકોને સાવધાન કર્યા છે. કમિશનના આધારે જૂની નોટો અને સિક્કાઓનો આ ધંધો કરનારા લોકો રિઝર્વ બૅન્કનું નામ કે લોગો અનધિકૃતપણે વાપરીને લોકોને ઠગતા હોવાનું કહેવામાં આવ્યું છે.
કેન્દ્રીય બૅન્કે લોકોની જાગરૂકતા માટે બહાર પાડેલી નોંધમાં કહ્યું છે કે રિઝર્વ બૅન્ક કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લઈને આવા વ્યવહાર કરતી નથી. તેણે આવા વ્યવહાર માટે પોતાના વતી ચાર્જ કે કમિશન લેવા માટેનો અધિકાર પણ કોઈને આપ્યો નથી.
દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગયા એપ્રિલ-જૂનના ગાળામાં ૬૫૦૪ કરોડ રૂપિયાનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો કર્યો છે, જે પાછલા વર્ષે સમાન ગાળામાં થયેલા ૪૧૮૯.૩૪ કરોડ રૂપિયાના નફાની સામે ૫૫ ટકા વધારે છે.
બૅન્કની સ્ટેન્ડઅલોન ચોખ્ખી આવક ૭૪,૪૫૭.૮૬ કરોડ રૂપિયાથી વધીને ૭૭,૩૪૭.૧૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેની કુલ નોન પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) ગયા વર્ષના જૂનના અંતે ૫.૪૪ ટકા હતી, જે આ વર્ષે ૫.૩૨ ટકા થઈ ગઈ છે. આ જ રીતે ચોખ્ખી એનપીએ ૧.૮થી ઘટીને ૧.૭ ટકા થઈ છે.
કન્સોલિડેટેડ ધોરણે બૅન્કનો ચોખ્ખો નફો ૫૫ ટકા વધીને ૭૩૭૯.૯૧ કરોડ રૂપિયા થયો છે. એ જ રીતે કુલ આવક વધીને ૯૩,૨૬૬.૯૪ કરોડ રૂપિયા થઈ છે.
અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડે એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં ૨૧૯ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો કર્યો છે, જે એક વર્ષ પહેલાંના ૨૨ કરોડની સામે લગભગ ૧૦ ગણો વધારે છે. કંપનીએ સ્ટૉક એક્સચેન્જને મોકલેલા ફાઇલિંગમાં જણાવ્યા મુજબ તેની કુલ આવક સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં વધીને ૧૦૭૯ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ પહેલાં સમાન ગાળામાં ૮૭૮ કરોડ રૂપિયા હતી. કંપનીનું વીજળીનું વેચાણ ગયા વર્ષના એપ્રિલ-જૂનના ૧૩૮૫ મિલ્યન યુનિટની સામે ૨૦૫૪ મિલ્યન યુનિટ થયું હતું.
સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ કસ્ટમ્સની કાર્યપ્રણાલી તથા નિયમનકારી અનુપાલન વિશે માહિતી પૂરી પાડનારી વેબસાઇટ લૉન્ચ કરી છે. બુધવારે લૉન્ચ કરાયેલી વેબસાઇટ - www.cip.icegate.gov.in/CIP માં તમામ માહિતી વિનામૂલ્યે પ્રાપ્ત થશે. બોર્ડે નિવેદનમાં જણાવ્યા મુજબ આ વેબસાઇટ પર એફએસએસએઆઇ, ડ્રગ કન્ટ્રોલર વગેરે જેવી સહયોગી સરકારી સંસ્થાઓને લગતી માહિતી આયાત-નિકાસ માટે ઉપલબ્ધ રહેશે.
ખાંડ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક ખાંડની તેજીને પગલે ઘરઆંગણે પણ સરેરાશ ભાવ છેલ્લા બે દિવસમાં ક્વિન્ટલે ૧૦૦થી ૧૨૫ રૂપિયા ઊંચકાઈ ગયા છે. બીજી તરફ રેટિંગ એજન્સી ફિચે વૈશ્વિક ભાવનો અંદાજ વધાર્યો છે, જેને પગલે પણ આગામી દિવસોમાં ટેકો મળી શકે છે. ખાસ કરીને બ્રાઝિલમાં છેલ્લાં ૧૦૦ વર્ષનું સૌથી ખરાબ વાતાવરણ હોવાથી શેરડીના ઊભા પાક માટે ખતરો છે.