સેબીના ચૅરમૅન : એનએસઈના આઇપીઓની દરખાસ્તને આગળ વધારવા વિચારણા કરીશું

26 March, 2025 07:02 AM IST  |  Mumbai | Kanu J Dave

ડિફેન્સ શૅરોની આગેકૂચ જારી, નિફ્ટી-સેન્સેક્સમાં દોઢ ટકાનો સુધારો, બજાર સતત છઠ્ઠા દિવસે સુધર્યું, ગાર્ડન રિચને મોટો ઑર્ડર મળ્યો : રોકાણકારોની રક્ષા માટે સેબીના નવા નિર્ણયો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સોમવારે સપ્તાહની શરૂઆતના દિવસે જ જાણે ૨૭ માર્ચ, ગુરુવારના રોજ પૂરા થનારા ઇન્ડેક્સોના વલણના હવાલા કેવા આવશે એનો ચિતાર આપી દીધો છે. જે પાંચ ઇન્ડેક્સો પર એફઍન્ડઓમાં સોદા થાય છે એમાં મુખ્ય અને મહત્ત્વનો ઇન્ડેક્સ નિફ્ટી પ્રીઓપન સેશનમાં 23,350 અને 23,732 વચ્ચે રમીને 23,515ના સ્તરે સેટલ થયો હતો. સવાનવે નિયમિત બજાર શરૂ થયું ત્યારે 23,488 અને સાડાત્રણે 23,658 બોલાતાં ઓપન ટૂ ક્લોઝ 170 પૉઇન્ટ્સ વધ્યો હતો. પ્રીવિયસ ક્લોઝ 23,350 સામે 138 પૉઇન્ટ્સના ગૅપથી ખુલ્યો હોવાથી એકંદરે 308 પૉઇન્ટ્સ, 1.32 ટકા ઊછળી 23,658ના સ્તરે બંધ હતો. 50માંથી 41 શૅરો વધ્યા એમાં છ શૅરો બાવન સપ્તાહની ઊચી સપાટીથી 2 ટકા સુધીના ડિસ્ટન્સ પર આવી ગયા હતા. એમાં ભારતી ઍરટેલ 1716 રૂપિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ 1061 રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક 1361 રૂપિયા, બજાજ ફાઇનૅન્સ 9079 રૂપિયા, એચડીએફસી બૅન્ક 1802 રૂપિયા, આઇશર મોટર્સ 5426 રૂપિયા અને કોટક બૅન્ક 2180 રૂપિયાનો સમાવેશ થાય છે. સામે પક્ષે બજાર આટલું સુધર્યું હોવા છતાં બાવન સપ્તાહના બૉટમેથી બે ટકાની રેન્જમાં હોય એવા નિફ્ટી શૅરો પણ છે. આ યાદીમાં હીરો મોટોકૉર્પ 3625 રૂપિયા અને ટાઇટન 3076 રૂપિયા આ બે જ શૅરો છે. બજારે નીરક્ષીર વિવેકથી તેજી કયા શૅરોમાં છે અને ક્યાં નથી એનો આ રીતે ઘટસ્ફોટ કર્યો છે એ ધ્યાનમાં રાખીને સોદા કરી શકીએ એટલે જ એનએસઈ આ પ્રકારના આંકડાઓ ઉપલબ્ધ કરે છે. નિફ્ટીમાં ટૉપ ફાઇવ ગેઇનર્સમાં 4.86 ટકા સાથે કોટક બૅન્ક 2180 રૂપિયા, એનટીપીસી 4.47 ટકા વધી 367 રૂપિયા, સ્ટેટ બૅન્ક 3.69 ટકાના ગેઇને 781 રૂપિયા, ટેક મહિન્દ્ર 3.60 ટકા સુધરી 1459 રૂપિયા અને પાવરગ્રીડ 3.14 ટકા વધી 292 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. નિફ્ટીમાં ઘટનારા શૅરોમાં 2.79 ટકા તૂટી ઇન્ડસઇન્ડ બૅન્ક 667.75 રૂપિયા થયો એની તથા પોણાત્રણ ટકાના ઘટાડે ટાઇટન 3076 રૂપિયા થઈ ગયો એની નોંધ લેવી ઘટે. એનટીપીસીએ પહેલી એપ્રિલથી કેરાન્દરી કોલસાની ખાણમાંથી વ્યાપારી ધોરણે કામગીરી શરૂ થવાની જાહેરાત કરી એની સારી અસર થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૨૪ પછી પહેલી વાર સતત છ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી સુધર્યાં છે. બન્ને ઇન્ડેક્સ મુખ્ય અવરોધ સ્તરોને વટાવી બે મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે અને નિફ્ટી ૨૦૨૫માં પાછો પૉઝિટિવ ઝોનમાં આવી ગયો છે. સેન્સેક્સ પણ 78,000 વટાવી ઇન્ટ્રા ડેમાં 78,107નો હાઈ નોંધાવી અંતે 1078 પૉઇન્ટ્સ, 1.40 ટકાના ગેઇને 77,984ની સપાટીએ વિરમ્યો છે. એનએસઈના આઇપીઓ વિશે બોલતાં સેબીના નવનિયુક્ત ચૅરમૅન તુહિન કાંત પાન્ડેયએ સ્પષ્ટતા કરી હતી કે એનએસઈના આઇપીઓની દરખાસ્ત પર અમે વિચારણા કરી એને આગળ કેમ વધારી શકાય એનો વિચાર કરીશું. વિવિધ ક્ષેત્રોના શૅરોમાં વ્યાપક ખરીદી જોવા મળી એમાં નિફ્ટી ફાઇનૅન્શ્યલના શૅરોમાં  વિશેષ વધારો જોવા મળ્યો છે. બજારની આ તેજીમાં માર્ચ મહિનામાં જ બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન 35  લાખ કરોડ રૂપિયા જેટલું વધ્યું  છે. જેમ-જેમ ડૉલર સામે રૂપિયો મજબૂત થતો જાય છે, તેમ-તેમ શૅરબજાર પણ સુધરતું જાય છે અને એમાં એફઆઇઆઇની લેવાલીએ પણ સેન્ટિમેન્ટને બળ આપ્યું છે. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ 2.20 ટકા  સુધરી, 1111 પૉઇન્ટ્સ ઊછળી 51,704 બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 1.67 ટકાના ગેઇને વધીને 11,699 પર બંધ થયો હતો. ઇન્ડિયા વીક્સમાં લગભગ 9 ટકાનો વધારો આગામી દિવસોમાં બજારમાં ચંચળતા વધવાનો નિર્દેશ કરે છે. સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓને મોટા ઑર્ડર મળતાં ઇન્ડિયા ડિફેન્સ વધુ 3.41 ટકા વધી 6440 થયો હતો. પીબી હેલ્થમાંના રોકાણ વિશે પીબી ફિનટેકે સ્પષ્ટતા કર્યા પછી પાંચ સત્રોમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. શૅર સોમવારે ચારેક ટકા વધી 1676 રૂપિયાના સ્તરે બંધ હતો. પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) દ્વારા પ્રસ્તાવિત સુધારાઓની અસરે ગૅસ શૅરોમાં પણ તેજી જોવા મળી હતી. ગેઇલ પોણાચાર ટકા વધી 181 રૂપિયા અને ઇન્દ્રપ્રસ્થ ગૅસ અઢી ટકા વધી 203 રૂપિયા બંધ હતા.

નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ સોમવારે પણ સાડાત્રણ ટકા વધી 6460 થયો, એના 4 શૅરોમાં 5થી 7 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ ઇન્ડેક્સના ઝેનટેક સવાસાત ટકા વધી 1524 રૂપિયા, એમટાર ટેક્નૉલૉજીઝ 7.14 ટકાના ગેઇને 1440 રૂપિયા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ સાડાછ ટકા વધી 4143 રૂપિયા અને ભારત ડાયનેમિક્સ 5.17 ટકા સુધરી 1359 રૂપિયા બંધ હતા. આ ઇન્ડેક્સનો ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ નજીવા ગેઇને 1705 રૂપિયા બંધ હતો. ગાર્ડન રિચ શિપબિલ્ડર્સે જર્મન કંપની સાથે બે વધુ મલ્ટી પર્પઝ જહાજો માટે કરાર કર્યો છે. દરેક એમપીવી 120 મીટર લાંબું અને 17 મીટર પહોળું હશે. 6.75 મીટરનાં મહત્તમ ડ્રાફ્ટવાળાં આ જહાજ 7,500 ટન કાર્ગો વહન કરી શકશે. ડિફેન્સ પીએસયુ ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (જીઆરએસઈ)એ સોમવારે જણાવ્યું હતું કે તેણે જર્મનીસ્થિત કાર્સ્ટન રેહડર શિફ્સમેકલર અને રીડેરી જીએમબીએચ સાથે સાતમા અને આઠમા 7,500 ડીડબ્લ્યુટી એમપીવીના નિર્માણ અને ડિલિવરી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીનો કુલ ઑર્ડર આઠ જહાજો પર પહોંચી ગયો છે. કુલ કરાર મૂલ્ય આશરે 108 મિલ્યન ડૉલર જેટલો છે. દરેક જહાજમાં બલ્ક, જનરલ અને પ્રોજેક્ટ કાર્ગોને સમાવવા માટે એક જ કાર્ગો હોલ્ડ હશે અને કન્ટેનર હેચ કવર પર લઈ જવામાં આવશે. આ જહાજો ખાસ કરીને ડેક પર બહુવિધ મોટા પવનચક્કી બ્લેડ વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

FII, DIIની નેટ લેવાલી
શુક્રવારે FIIની 3055 કરોડ રૂપિયાની અને DIIની નેટ 98 કરોડ રૂપિયાની લેવાલી રહેતાં કૅશ સેગમેન્ટમાં એકંદરે 3153 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. 

કૅટેગરી-ટૂમાં આવતાં ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્સને ‘એ’ રેટિંગથી નીચેના લિસ્ટેડ ડેબ્ટમાં રોકાણની છૂટ   
ઉપરાંત સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ બોર્ડ મીટિંગ બાદ જારી કરાયેલી એક પ્રેસ-રિલીઝમાં જણાવ્યું હતું કે ‘એ અથવા એનાથી નીચું રેટિંગ ધરાવતી લિસ્ટેડ ડેબ્ટ સિક્યૉરિટીઝમાં કૅટેગરી-ટૂ એઆઇએફને છૂટ આપી આવાં રોકાણોને અનલિસ્ટેડ સિક્યૉરિટીઝમાં રોકાણ સમાન ગણવામાં આવશે જેથી તેઓ અનલિસ્ટેડ સિક્યૉરિટીઝમાં લઘુતમ રોકાણ શરતોનું પાલન કરી શકે.’ લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ ઍન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ (એલઓડીઆર) નિયમોમાં ફેરફાર બાદ ઉપલબ્ધ અનલિસ્ટેડ સિક્યૉરિટીઝના પ્રમાણમાં ઘટાડાનો ઉકેલ લાવવા માટે ૨૦૨૫ની ૭ ફેબ્રુઆરીએ જારી કરાયેલા કન્સલ્ટેશન પેપર દ્વારા આ ફેરફારનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. એઆઇએફની આ શ્રેણી મુખ્યત્વે અનલિસ્ટેડ સિક્યૉરિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે. તેમને તેમના ભંડોળના 50 ટકાથી વધુ અનલિસ્ટેડ સિક્યૉરિટીઝમાં રોકાણ કરવાની જરૂર હોય છે, પરંતુ એલઓડીઆરમાં સુધારા સાથે, અનલિસ્ટેડ ડેટ સિક્યૉરિટીઝનું માર્કેટ સાંકડું થયું એથી હવે આ ફેરફાર કરાયો છે.

સેબીના બોર્ડ મેમ્બર્સ-અધિકારીઓના ડિસ્ક્લોઝર માટે કમિટી
સેબીએ પોતાના બોર્ડ મેમ્બર્સ અને અધિકારીઓ માટે ડિસ્ક્લોઝર ધોરણો અને હિતોના ટકરાવની સમીક્ષા કરવા એક ઉચ્ચ કક્ષાની કમિટીનું ગઠન કરી એ અહેવાલ ત્રણ માસમાં આપશે એવી જાહેરાત પણ કરી છે. 

માર્કેટ કૅપિટલાઇઝેશનમાં પાંચ લાખ કરોડ રૂપિયાનો વધારો
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 415.65 (410.79) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 418.29 (413.31) લાખ કરોડ રૂપિયા થતાં સોમવારે રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

સેબીની બોર્ડ મીટિંગમાં આ મહત્ત્વના નિર્ણયો સોશ્યલ મીડિયામાં ઇન્ટરમીડિયરીઝની જાહેરાતો
સેબીની સોમવારે મળેલી મીટિંગમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લોવાયા હતા. ડિજિટલ પ્લૅટફૉર્મ પર થતાં ફ્રૉડને અટકાવવા નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. શૅરબજારના કોઈ પણ ઇન્ટરમીડિયરીએ સોશ્યલ મીડિયા પર જાહેરાત કરતાં પહેલાં પોતાની આઇડેન્ટિટીને વેરિફાય કરવી પડશે. એટલું જ નહીં, સાથે તેમના સેબી પોર્ટલ પર મુકાયેલા કૉન્ટૅક્ટ નંબર્સ અને ઈ-મેઇલ આઇડી પણ આપવા પડશે. આ નિયમો અનુસાર સેબી પોર્ટલ પર વિગતો મૂકવા માટે સેબીએ 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. પાલન નહીં કરનારને એ પછી સોશ્યલ મીડિયામાં જાહેરાત કરતાં અટકાવાશે. 

nifty sensex sebi stock market share market bombay stock exchange national stock exchange ipo icici bank finance news business news