નાશિકમાં કાંદાના ભાવ ઉત્પાદન ખર્ચથી નીચે પહોંચ્યા: ક્વિન્ટલે ૨૦૦થી ૨૫૦ રૂપિયા ઘટ્યા

05 August, 2021 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથમાં નવા કાંદાની આવક શરૂ થતાં અને શ્રાવણ મહિનો નજીક આવતાં ભાવ તૂટ્યા

પ્રતીકાત્મક તસવીર

નાશિકમાં કાંદાની બજારમાં ભાવ ઘટવા લાગ્યા છે. શ્રાવણ મહિનો નજીક આવતાં અને સાઉથમાં નવા કાંદાની આવક શરૂ થવાને પગલે કાંદાના ભાવ છેલ્લા એકાદ સપ્તાહમાં ક્વિન્ટલે ૨૦૦થી ૨૫૦ રૂપિયા ઘટી ગયા છે. જોકે બીજી તરફ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે સરકારની પ્રતિકૂળ નિકાસ નીતિને કારણે ભાવ ઘટી ગયા છે.

મહારાષ્ટ્ર કાંદા ઉત્પાદક સંગઠનના અધ્યક્ષ ભારત દિઘોલોએ જણાવ્યું હતું કે કાંદાના ભાવ જુલાઈ મહિનામાં ૨૨૦૦થી ૨૫૦૦ રૂપિયા હતા જે હાલ ઘટીને ૧૫૦૦થી ૧૬૦૦ રૂપિયા થઈ ગયા છે, જેની સામે ખેડૂતોની ઉત્પાદન પડતર જ ૧૮૦૦ રૂપિયા છે. ખાતર, બિયારણ, દવા અને મજૂરી બધું જ મોંઘું થઈ ગયું છે. કાંદાના ભાવઘટાડા અંગે તેમણે કહ્યું કે ભાવ ઘટવાનાં મુખ્ય ત્રણ કારણો છે, જેમાં પહેલું કારણ નિકાસ વેપારો પહેલાંની તુલનાએ ઓછા છે. ભારતમાંથી બંગલા દેશ, શ્રીલંકા, ગલ્ફ, મલેશિયા અને સિંગાપોરમાં નિકાસ થતી હતી, પરંતુ સરકાર દ્વારા ગમે ત્યારે નિકાસ બંધ કરી દેવામાં આવતી હોવાથી આ બાયરો બીજા દેશો તરફ વળ્યા છે. પાકિસ્તાન ભારતની તુલનાએ આ દેશોને સસ્તા કાંદા નિકાસ કરે છે, જેને પગલે આપણા ખેડૂતોને નીચા ભાવ મળી રહ્યા છે.

આ ઉપરાંત શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો હોવાથી કાંદા ખાનાર વર્ગમાં વપરાશ સાવ ઘટી જશે. આ ઉપરાંત ત્રીજું કારણ સાઉથમાં નવા કાંદા છૂટક-છૂટક આવવા લાગ્યા છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં કેટલાક વિસ્તારમાં નવા કાંદાની છૂટીછવાઈ આવક ચાલુ થઈ છે.

નાશિકની લાસણગાંવ મંડીમાં કાંદાની આવક બુધવારે ૧૬,૪૦૦ ક્વિન્ટલની હતી અને ભાવ ૯૦૦થી ૧૯૦૦ રૂપિયાના હતા, જ્યારેઍવરેજ મૉડલ ભાવ ૧૬૫૦ રૂપિયા હતા જે ગત સપ્તાહે ૧૮૩૦ રૂપિયા બોલાયા હતા.

કાંદાના કેટલાક વેપારીઓ કહે છે કે મધ્ય પ્રદેશમાં વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ છે, જેને પગલે આગામી દિવસોમાં બજારને ટેકો મળી શકે છે. ગુજરાતમાં વરસાદની કમી હોવાથી ચોમાસું વાવેતરને અસર પહોંચશે.

business news