બંગલા દેશના નિકાસ વેપારને લીધે અન્યનમાં સુધારો ચાલુ જ

12 June, 2021 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાશિકમાં કાંદાના ભાવ વધીને ૨૪૦૦ રૂપિયાની નજીક પહોંચ્યા

GMD Logo

કાંદામાં બંગલા દેશના નિકાસ વેપારને પગલે ભાવમાં સરેરાશ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકારી એજન્સી નાફેડ દ્વારા પણ અન્યનની ખરીદી ઊંચા ભાવથી થઈ રહી હોવાથી આગામી દિવસોમાં ભાવ હજી વધે તેવી સંભાવના છે. એશિયાની સૌથી મોટી મંડી લાસલગાંવમાં શુક્રવારે કાંદાની ૨૫ હજાર ક્વિન્ટલની આવક થઈ હતી અને ભાવ ક્વિન્ટલના ૮૦૦થી ૨૩૨૭ રૂપિયા સુધીના બોલાયા હતા. ડુંગળીના ભાવમાં છેલ્લા દસેક દિવસમાં ક્વિન્ટલે ૪૦૦થી ૫૦૦ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. નાશિકના વેપારીઓ કહે છે કે તાજેતરમાં નાશિક જિલ્લામાં બંગલા દેશ રેલવે રેક મારફતે કાંદાની નિકાસ થઈ છે. કાંદાના નિકાસ વેપાર ફરી ચાલુ થવાને કારણે ભાવ હજી વધે તેવી સંભાવના છે. બીજી તરફ સરકારી એજન્સીઓ મારફતે પણ કાંદાની સરેરાશ ૨૨૦૦થી ૨૩૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદી થઈ રહી છે. મહારાષ્ટ્ર કાંદા ઉત્પાદક શેતકરી સંગઠને સરકાર પાસે ડુંગળીની ખરીદી ૩૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી થાય તેવી માગણી સીઝનની શરૂઆતથી જ કરી છે, જે ભાવ આગામી દિવસોમાં જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીના ઊભા પાકને તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે મોટું નુકસાન પહોંચ્યું હોવાથી ડુંગળીની ક્વૉલિટીને અસર પહોંચી છે, જેને પગલે ભાવ એકધારા વધી રહ્યા છે. ગુજરાતમાં મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ ૬૦થી ૨૮૪ રૂપિયા અને સફેદના ભાવ ૨૦ કિલોના ૪૦થી ૨૮૦ રૂપિયા ક્વૉટ થયા હતા.

business news