17 April, 2025 07:56 AM IST | Panama City | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય અમેરિકાના દેશ પનામાના પાટનગર પનામા સિટીમાં હવે નાગરિકો કરવેરા, ફી, ટિકિટનું પેમેન્ટ કરવા માટે બિટકૉઇન, ઇથેરિયમ અને સ્ટેબલકૉઇનનો ઉપયોગ કરી શકશે એવી જાહેરાત શહેરના મેયર માયર મિઝરાકી માતાલોને કરી છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ – ઍક્સ પરની પોસ્ટમાં માયરે જણાવ્યું છે કે ‘સરકારી વ્યવહારો માટે ડિજિટલ ઍસેટ્સનો ઉપયોગ કરનારું દેશનું આ પ્રથમ શહેર છે. શરૂઆતમાં બિટકૉઇન અને ઇથેરિયમ ઉપરાંત યુએસડીટી અને યુએસડીસી એ બન્ને સ્ટેબલકૉઇનનો ઉપયોગ કરી શકાશે.’
આ નિર્ણયને પગલે ક્રિપ્ટો પેમેન્ટનું ડૉલરમાં રૂપાંતર કરી આપનારી બૅન્કની મદદથી વ્યવહારો કરી શકાશે. અહીંની સરકારી સંસ્થાઓ ડૉલરમાં નાણાં સ્વીકારી શકે છે. નોંધનીય છે કે પનામાની રાષ્ટ્રીય ધારાસભા સમગ્ર દેશમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માગે છે એમાં ક્રિપ્ટોનો ઉપયોગ પણ સામેલ છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં બુધવારે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૧૫ ટકા ઘટી ગયું હતું, જ્યારે બિટકૉઇનમાં ૦.૫૨ ટકા અને ઇથેરિયમમાં ૨.૧૯ ટકા ઘટાડો થયો હતો. એક્સઆરપી અને સોલાના પણ ૨-૨ ટકા ઘટ્યા હતા.