16 September, 2025 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિજિટલ પેમેન્ટ્સની દુનિયામાં અગ્રણી કંપની પેપાલે લાખો યુઝર્સ માટે બે અત્યંત મહત્ત્વનાં ફીચર્સ લૉન્ચ કર્યાં છે. આ નવાં ફીચર્સ પર્સનલાઇઝ્ડ પેમેન્ટ લિન્ક્સ અને ક્રિપ્ટોકરન્સી પીઅર-ટુ-પીઅર પેમેન્ટ્સ છે જે પૈસા અને ક્રિપ્ટો મોકલવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવશે.
પૈસા મોકલવા માટે હવે યુનિક લિન્ક
આ નવા ફીચર હેઠળ પેપાલના યુઝર્સ હવે કોઈ પણ વ્યક્તિને પૈસા મોકલવા માટે અથવા પૈસા મગાવવા માટે એક વન-ટાઇમ યુનિક લિન્ક બનાવી શકશે. આ લિન્કને મેસેજિંગ ઍપ્સ, ઈ-મેઇલ કે સોશ્યલ મીડિયા દ્વારા તરત જ શૅર કરી શકાશે. લિન્ક પર ક્લિક કરતાં જ સામેવાળી વ્યક્તિ સીધા પૈસા મોકલી કે મેળવી શકશે. આનાથી યુઝરનેમ કે ફોનનંબર શોધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર આ લિન્ક ૧૦ દિવસમાં એક્સપાયર થઈ જાય છે જે સુરક્ષા માટે પણ મહત્ત્વનું છે.
ક્રિપ્ટોકરન્સી માટે પણ ઉપયોગ
પેપાલે હવે ક્રિપ્ટોકરન્સીને પણ પોતાના પ્લૅટફૉર્મ પર સીધી રીતે ઇન્ટિગ્રેટ કરી છે. આ ફીચરથી અમેરિકાના પેપાલના યુઝર્સ બિટકૉઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સી સીધી પેપાલ ઍપ દ્વારા અન્ય યુઝર્સને મોકલી શકશે. આ સુવિધા માત્ર પેપાલ અકાઉન્ટ્સ વચ્ચે જ નહીં, પરંતુ અન્ય ડિજિટલ વૉલેટ્સ પર પણ ક્રિપ્ટો ટ્રાન્સફર કરવા માટે હશે. પેપાલનો આ પ્રયાસ ક્રિપ્ટોકરન્સીને સામાન્ય વપરાશમાં લાવવા અને ડિજિટલ પેમેન્ટ્સના ભવિષ્યને વધુ મજબૂત બનાવવાનો છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડાનું વલણ હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૫૮ ટકા ઘટીને ૩.૯૭ ટ્રિલ્યન રહ્યું હતું. બિટકૉઇનમાં ૯.૩૮ ટકા અને ઇથેરિયમમાં ૧.૭૧ ટકાનો ઘટાડો થઈને ભાવ અનુક્રમે ૧,૧૪,૮૮૯ ડૉલર અને ૪૫૨૨ ડૉલર હતા. એક્સઆરપીમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થઈને ભાવ ૩.૦૨ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો.