07 October, 2026 02:43 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકાર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના માળખામાં મોટા ફેરફારો કરીને હજારો કરોડ રૂપિયાની જમા ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (ITC) મુક્ત કરવાની તૈયારીમાં છે. બુધવારે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં કાયદામાંથી ધરપકડની સત્તા હટાવવા, કેસ કરવાની મર્યાદા વધારવા અને ઈ-વે બિલના નિયમો હળવા કરવાના પ્રસ્તાવો રજૂ થશે. GST 2.0 હેઠળ રજિસ્ટ્રેશન, રિટર્ન અને રીફન્ડની પ્રક્રિયાને ડેટા-આધારિત તથા ઑટોમેટેડ બનાવવામાં આશે.
પ્લાન્ટ-મશીનરી અને ઇનપુટ સર્વિસ પરનો ટૅક્સ પાંચ વર્ષમાં માસિક હપ્તામાં રીફન્ડ આપવાની તથા કર્મચારીઓના સ્વાસ્થ્ય-જીવન વીમા, આઉટડોર કેટરિંગ, ટેલિકૉમ-ટાવર, ફૅક્ટરી બહારની પાઇપલાઇન અને ૧૩ સીટ સુધીનાં વાહનો પર બ્લૉક થયેલી ITC ખોલવાની વિચારણા છે. ફૂડ, ફાર્મા, ટેક્સટાઇલ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા પાંચ ટકાના સ્લૅબવાળા ઉદ્યોગોને રીફન્ડથી મૂડી મળશે. સપ્લાયર ટૅક્સ ન ભરે તો પ્રામાણિક ખરીદદારની ITC કાપવાને બદલે સપ્લાયર પાસેથી વસૂલાત કરવામાં આવશે.
કસ્ટમ્સ અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ડેટાને જોડીને ડૉક્યુમેન્ટ્સ અપલોડ કર્યા વિના રીફન્ડ આપવામાં આવશે અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીઓની વિદેશી બ્રાન્ચને અપાતી સર્વિસ નિકાસ ગણાશે. ૧૦,૦૦૦ રૂપિયાથી ઓછા વિવાદમાં શો-કૉઝ નોટિસ બંધ થતાં વર્ષે ૯૫,૦૦૦ નોટિસ ઘટશે. પાંચ કરોડ રૂપિયાના ટર્નઓવરવાળા વેપારીઓને વાર્ષિક રિટર્નની છૂટ અને ૩ દિવસમાં રજિસ્ટ્રેશન મળશે.