બધી સમસ્યાઓના મૂળમાં છે ભાવવધારો

03 October, 2022 02:57 PM IST  |  Mumbai | Jitendra Sanghvi

ડૉલર સિવાયનાં અન્ય ચલણો સામે રૂપિયો મજબૂત થયો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ફરી એક વાર રિઝર્વ બૅન્કે રેપોરેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. મે, જૂન, ઑગસ્ટ અને ગયા અઠવાડિયાના કુલ ૧૯૦ પૉઇન્ટના વધારા સાથે રેપોરેટ ૫.૯૦ ટકા થયો છે જે છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઊંચો છે. મૉનેટરી પૉલિસી કમિટીના ‘વિધડ્રૉઅલ ઑફ અકોમોડેશન’ (થોડી પણ છૂટછાટ ગમે ત્યારે પાછી ખેંચી લેવી) અભિગમની જાળવણી ભવિષ્યમાં પણ વ્યાજના દર વધવાની શક્યતા દર્શાવે છે. આ દર ૬.૫ ટકા સુધી જઈ શકે એવું બૉન્ડ માર્કેટના ઑપરેટરોનું અનુમાન છે. બીજા શબ્દોમા, રેપોરેટ ઊંચા લેવલે સ્થિર થાય એ પહેલાં એમાં ૬૦ બેસિસ પૉઇન્ટનો વધારો થઈ શકે. 

આ જાહેરાત સાથે રિઝર્વ બૅન્કે ફિસ્કલ ૨૩ના આર્થિક વિકાસના દરનો એનો અંદાજ (૭.૨માંથી ૭ ટકા) ઘટાડ્યો છે, તો ભાવવધારાનો અંદાજ જાળવી રાખ્યો છે (૬.૭ ટકા).

એક મહિને ફેડ દ્વારા વ્યાજના દરનો વધારો, એના ઞણતરીના કલાકો/દિવસોમાં વિશ્વની અનેક કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા આવો વધારો અને પછીને મહિને આપણી રિઝર્વ બૅન્ક દ્વારા આવો વધારો આ સિલસિલો છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલ્યા કરે છે. 

ડૉલર સિવાયનાં ચલણો સામે રૂપિયો મજબૂત થયો છે

ફેડના વધારાથી ડૉલર મજબૂત થાય એટલે ભારત સહિત અન્ય ઊભરતા દેશોમાંથી કૅપિટલ આઉટફ્લો શરૂ થતાં અને ચાલુ રહેતાં જે-તે દેશોનાં ચલણોની બાહ્ય કિંમતનો ઘટાડો થયા કરે છે. ભારતનો રૂપિયો પણ રોજ નવી નીચી સપાટી સર કરે છે (સપ્ટેમ્બર ૨૯ના રોજ ૮૧.૮૬) એટલે રિઝર્વ બૅન્ક એના રિઝર્વમાંથી રૂપિયાને બચાવવા બજારમાં ડૉલર ઠાલવે છે. આપણું વિદેશી હૂંડિયામણ ઝડપથી ઘટતું જવાનું  મુખ્ય કારણ આ હતું એમ આપણે માનીએ છીએ. હવે પ્રસિદ્ધ કરાયેલ માહિતી મુજબ ન તો રૂપિયાનું અવમૂલ્યન એટલું અલાર્મિંગ છે કે ન તો વિદેશી હૂંડિયામણનો ઘટાડો એટલા ખતરાની ઘંટી જેવો. ચાલુ વરસે (એપ્રિલ એકથી) રૂપિયાની ડૉલર સામેની કિંમતમાં ૬.૮ ટકાનો, જ્યારે મુખ્ય ચલણોની બાસ્કેટની કિંમતમાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. એનું સાદું અર્થઘટન એ થાય કે ડૉલર છોડીને અન્ય કરન્સીઓના સંદર્ભમાં રૂપિયો મજબૂત થયો છે.

વિદેશી હૂંડિયામણનો ઘટાડો મુખ્યત્વે ચલણના વૅલ્યુએશનને કારણે; ડૉલર વેચવાને કારણે નહીં

ફિસ્કલ ૨૩ના પૂર્વાર્ધ (એપ્રિલ-સપ્ટેમ્બર)માં આપણા વિદેશી હૂંડિયામણમાં ૭૦ બિલ્યન ડૉલરનો ઘટાડો થયો છે. આમાંનો બે તૃતીયાંશ (૪૫થી ૫૦ બિલ્યન ડૉલર) ઘટાડો ફેડ દ્વારા વ્યાજના દર વધતાં જે તે ચલણના વૅલ્યુએશનના ફેરફારને આધારિત છે. એટલે આપણા ચલણ (રૂપિયો)ને સ્થિર રાખવા માટે વ્યાજના દર વધારવાની જરૂર નથી .

આપણે માની લીધું હતું કે આપણા વિદેશી હૂંડિયામણનો તાજેતરનો ઘટાડો રિઝર્વ બૅન્કે રૂપિયાને બચાવવા બજારમાં ડૉલર વેચ્યા એને કારણે હતો એ યથાર્થ નથી. રૂપિયાની કિંમતનો ઘટાડો ડૉલર સામે બીજાં ચલણોના ઘટાડાના સંદર્ભમા મૂલવવો જોઈએ. સપ્ટેમ્બર ૨૩ના અઠવાડિયે આપણા વિદેશી હૂંડિયામણમાં આઠ બિલ્યન ડૉલરનો ઘટાડો થયો, જેમાં ૭.૭ બિલ્યન ડૉલરનો ઘટાડો વિદેશી હૂંડિયામણ વેચવાને કારણે નહીં, પણ ચલણોની કિંમતના ઘટાડાને કારણે હતો. 

ફિસ્કલ ૨૩ના પ્રથમ ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર ૧૩.૫ ટકા હતો. જે તે પછીનાં બધાં (ત્રણ) ક્વૉર્ટરમાં ઘટશે એટલે ઓવરઑલ આર્થિક વિકાસનો દર ઘટશે. એપ્રિલ-જૂનનો ભાવવધારો સપ્લાય ચેઇનના ડિસલોકેશનને કારણે હતો. નજીકના ભવિષ્યમાં વૈશ્વિક મંદી માગના (ખાસ કરીને નિકાસો ઘટવાને લીધે) ઘટાડામાં પરિણમશે. જેને કારણે ભાવવધારાને બ્રેક લાગશે અને નજીકના ભવિષ્યનો ભાવવધારો ધીમો પડશે. જોકે સપ્ટેમ્બરમાં ભાવવધારો ૭ ટકા ઉપરનો હશે. રિઝર્વ બૅન્કે વ્યાજના દર વધારવામાં આ ગણતરી કરી જ છે. 

વિશ્વનો વિદેશવેપાર ડૉલરમાં થતો હોવાથી ડૉલર મજબૂત થવાને લીધે ભાવવધારો થતાં જે દેશો ઊર્જા અને ખાદ્ય પદાર્થો આયાત કરે છે એના વિકાસનો દર ઘટે છે એટલે રિઝર્વ બૅન્ક પણ જિયો-પૉલિટિકલ તણાવ, સપ્લાય ચેઇનના ભંગાણ અને દુકાળને કારણે થતા ભાવવધારાને રોકવાની મથામણ કરે છે. 

ધિરાણ વેગ પકડતાં બૅન્કો ડિપોઝિટ પરના વ્યાજદર હજી વધારશે

૪૦ મહિના પછી લિ​ક્વિડિટીની ખેંચ વર્તાવા માંડી છે. બૅન્ક ધિરાણમાં થઈ રહેલ વધારાને કારણે બૅન્કોને વધારે નાણાંની જરૂર પડશે. એટલે નજીકના ભવિષ્યમાં બૅન્કો ટૂંકી મુદતની ડિપોઝિટ પરનો વ્યાજનો દર વધારીને આ જરૂરિયાત પૂરી કરશે. વધુ નાણાં ઊભાં કરવા સરકારે સ્મૉલ સેવિંગ્ઝ સ્કીમના દરમાં નજીવો વધારો કર્યો છે. આમ થાય તો જ બૅન્કોને ધિરાણ માટે જરૂરી નાણાં મળતા રહે, સિસ્ટમમાં લિ​ક્વિડિટીની અછત ઊભી ન થાય અને ધિરાણ માટે વ્યાજના દરનો વધારો અસહ્ય ન બને. આમ ન થાય તો મૂડીરોકાણની પ્રવૃત્તિઓ ધીમી પડતાં સ્લોડાઉન અને મંદીની સંભાવના વધી જાય. 

રિઝર્વ બૅન્કે રૂપિયાની કિંમત સ્થિર રાખવા માટે કોઈ વધારાનાં પગલાં જાહેર નથી કર્યાં. બૅન્કના ગવર્નર ડૉ. દાસે એ વાત પર ભાર મૂક્યો છે કે ભાવવધારાનો લક્ષ્યાંક (૪ ટકા) સિદ્ધ થશે તો રૂપિયાના દરની વૉલેટિલિટી દૂર થશે અને આપોઆપ એમાં સ્થિરતા આવશે.

ભાવવધારા પર રોક લગાવીને રૂપિયાની બાહ્ય કિંમતનો ઘટાડો અટકાવી શકાય

રિઝર્વ બૅન્કે ભાવવધારાનો ચાર ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે એવો કોઈ લક્ષ્યાંક રૂપિયાની ડૉલર સામેની કિંમત (એક્સચેન્જ રેટ)નો રાખ્યો નથી. રિઝર્વ બૅન્કની મધ્યસ્થી માત્ર રૂપિયાની કિંમતની વૉલેટિલિટી ઘટાડવા માટે અને રૂપિયાની ડૉલર સામે કઈ ચોક્કસ કિંમત હોવી જોઈએ એની અપેક્ષા ઘટાડવા માટે જ હોય છે. 

આજની પરિસ્થિતિમાં રિઝર્વ બૅન્ક માટે વ્યાજના દર વધારવાનું અનિવાર્ય બન્યું છે. ફેડ દ્વારા સતત વ્યાજના દર ન વધારાતા હોય (એને પગલે સંખ્યાબંધ દેશોની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજના દર ન વધારતી હોય) એ પરિસ્થિતિમાં માત્ર આપણા ભાવવધારાને  કન્ટ્રોલમાં કરવાનાં પગલાં લેવાં પડે, આપણા અને ફેડના વ્યાજના દર જળવાઈ રહે અને સ્ટૉક માર્કેટનું વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણ બહાર ખેંચાય નહીં, નવું મૂડીરોકાણ પણ આવ્યા કરે,  રૂપિયાની ડૉલર સામેની કિંમત પણ ઘટે નહીં અને આપણે ઇમ્પોર્ટેડ ઇન્ફલેશનનો સામનો કરવાનો વારો ન આવે. 

ડૉલર મજબૂત થાય એટલે વ્યાજદર વધારવા પડે

આજના અમેરિકાના ઉગ્ર ભાવવધારાને કારણે ફેડ એવા ફાઇટિંગ મૂડમાં છે કે અમેરિકામાં વ્યાજના દર ૨૦૦૮ની વિશ્વની નાણાકીય કટોકટીના સમય પછીના સૌથી ઊંચા છે. ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૧૪ પર પહોંચ્યો છે. એકાદ મહિનામાં એ ૧૧૭ પર પહોંચશે. ડૉલર દિવસે-દિવસે મજબૂત થતો જાય છે એમ વિશ્વનાં અન્ય ચલણો નબળાં પડતાં જાય છે. યુરો અને પાઉન્ડ તેમ જ જપાનનો યેન પણ વરસોની નીચી સપાટીએ પહોંચ્યો છે. 

બે વરસની મુદતના અમેરિકન ટ્રેઝરી પરનું વળતર વધીને ૪.૧ ટકા થયું છે અને ૧૦ વરસના બૉન્ડ પરનું વળતર ૩.૭ ટકા. જે વિદેશી પોર્ટફોલિયો મૂડીનો આઉટફલો વધારશે. એક્સચેન્જ રેટના જોખમને ગણતરીમાં લઈએ તો વિદેશી પોર્ટ ફોલિયો મૂડીરોકાણ આકર્ષક નહીં રહે. wરૂપિયા પરનું દબાણ આપણા ભાવવધારાને લીધે નહીં, પણ અમેરિકામા વધતા જતા વ્યાજના દરને કારણે છે. એ દર સતત વધતા જ જાય તો રિઝર્વ બૅન્ક ક્યાં સુધી વ્યાજના દર વધાર્યા કરે. ફેડની સાથે હરીફાઈમાં ઊતરવાનું પણ મોંઘું પડે. તો બીજું પગલું રિઝર્વ બૅન્ક એના વિદેશી હૂંડિયામણના રિઝર્વમાંથી બજારમાં ડૉલર વેચીને રૂપિયાને મજબૂત રાખી શકે. જોકે સારું એવું વિદેશી હૂંડિયામણ વેચવાને કારણે રૂપિયા સિસ્ટમમાંથી ખેંચાઈ જતાં રૂપિયાની પ્રવાહિતા (ઉપલબ્ધિ) ઘટતી જાય છે. 

હવે રિઝર્વ બૅન્કે ડૉલર બજારમાં વેચીને રૂપિયાની કિંમત અમુક સ્તરે ટકાવી રાખવાની એની નીતિ છે જ નહીં એવી સ્પષ્ટતા કરી છે. 

જોકે રિઝર્વ બૅન્ક રૂપિયાની કિંમત ખૂબ નીચી ઊતરી જવા તો  ન જ  દે. આમ થાય એ ભારત જેવા ઊભરતા દેશ માટે હિતાવહ નથી. વિશ્વના પાંચમા નંબરનું અર્થતંત્ર (ભારત) અમેરિકાના ફેડેરલ રિઝર્વને ઘૂંટણિયે તો ન જ પડી શકે. તો ઉપાય શું? ઉપાય એક જ કે ડૉલરનો ઇન્ફ્લો વધે એવાં બીજાં પગલાં લેવાં. બૅન્કોએ કામ ચલાઉ રીતે બિનજરૂરી આયાતો (સોના જેવી ચીજોની) પર પાબંધી મૂકવાનું સૂચન પણ કર્યું છે .

બધી કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા કરાઈ રહેલ વધારાને કારણે ૨૦૨૨માં વ્યાજના દર ૨૦૨૧ કરતાં બમણા થઈ જશે. જે હાલના સર્વવ્યાપી ભાવવધારાને કન્ટ્રોલ કરવા માટે પૂરતા નહીં હોય. જો વ્યાજના દરનો વધારો એક લિમિટથી વધારે કરાશે તો વિશ્વનું અર્થતંત્ર ચોક્કસપણે મંદીમાં સરી પડશે.

વિકસિત દેશો મહામારીના સમયમાં એમના દ્વારા અપાયેલી વધુપડતી રાહતોને લીધે થયેલા વેતનવધારાને કારણે ભાવવધારાથી પીડાઈ રહ્યા છે. ભારત જેવા ઊભરતા દેશો મંદીના નહીં તો રોકડ નાણાંની ખેંચના જોખમનો સામનો કરી રહ્યા છે. 

કરન્ટ અકાઉન્ટ ડેફિલિટ વધી, અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રૂડના ભાવ ગમે ત્યારે વધી શકે

ભારતનું અર્થતંત્ર બીજા દેશોની સરખામણીમાં આર્થિક વિકાસના દર બાબતે ઘણું સધ્ધર છે. એમ છતાં વિશ્વભરમાં વ્યાજના દરો વધતાં રૂપિયો ડૉલર સામે નબળો પડે તો પણ વૈશ્વિક મંદીની વધતી જતી સંભાવના વચ્ચે ભારતની નિકાસો ચોક્કસ ધીમી પડવાની. જે ઊભરતા દેશો અમેરિકાની કડક મૉનેટરી પૉલિસીને નહીં અનુસરે એ મૂડીરોકાણકારોની સહાનુભૂતિ ચોક્કસપણે ગુમાવવાના. એટલે રિઝર્વ બૅન્ક સામેના વિકલ્પો મર્યાદિત અને ગૂંચ ઊભી કરે એવા છે. 

વ્યાજના વધતા જતા દર વચ્ચે ફિસ્કલ ડેફિસિટનું ફિસ્કલ ૨૩નો લક્ષ્યાંક જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર એનું માર્કેટ બૉરોઇંગ દસ હજાર રૂપિયા જેટલું ઘટાડશે. રેવન્યુના સારા વધારાને કારણે આ શક્ય બનશે. આપણી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ફિસ્કલ ૨૩ના પ્રથમ ક્વૉર્ટરમાં વધી  છે (૨.૮ ટકા જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૫ ટકા હતી). ક્રૂડના ભાવો કામચલાઉ રીતે ઘટ્યા છે. યુક્રેન-રશિયાના યુદ્ધનો અંત નજીકમાં નથી એટલે એ ગમે ત્યારે વધી શકે. જે આપણા આર્થિક વિકાસની પાટે ચડી રહેલ ગાડીને ઊથલાવી શકે. સતત સતર્ક રહેવું જ રહ્યું.

business news inflation