ઇન્ફ્લેશનરી પ્રેશર વધતાં ઇન્ટરેસ્ટ રેટ ધારણાથી વહેલા વધવાની ધારણાએ સોનામાં પ્રૉફિટ-બુકિંગ

28 October, 2021 12:39 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ સતત સાતમા મહિને વધતાં ઇકૉનૉમિક ક્રાઇસિસનો ભય હળવો થયો

પ્રતિકાત્મક તસવીર

અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં ઇન્ફલેશનરી પ્રેશર ઝડપથી વધી રહ્યું છે ત્યારે યુરો એરિયા, જપાન, કૅનેડાની સેન્ટ્રલ બૅન્કોની પૉલિસી મીટિંગ ગુરુવારે હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ટાઇમફ્રેમ જાહેર થવાની શક્યતાએ સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૬૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૭૯ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહો
અમેરિકન ફેડ દ્વારા ટેપરિંગ શરૂ થવાનું નિશ્ચિત મનાઈ રહ્યું હોવાથી બૉન્ડ યીલ્ડ વધ્યા હતા એની અસરે વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટ્યું હતું. વળી ઇન્ફલેશનરી પ્રેશર અનેક દેશોમાં ધારણાથી વધુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો નિર્ણય ધારણાથી વહેલો આવવાની ધારણાને કારણે પણ સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. સોનું સોમવારે ઓવરનાઇટ વધીને ૧૮૦૯.૬૬ ડૉલર હતું જે બુધવારે
ઘટીને ૧૭૮૮.૯૦ ડૉલર થયું હતું. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ પણ ઘટ્યાં હતાં, જ્યારે પેલેડિયમમાં નજીવો સુધારો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ સપ્ટેમ્બરમાં ૧૬.૩ ટકા વધ્યું હતું જે ઑગસ્ટમાં ૧૦.૧ ટકા વધ્યું હતું જ્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ગત વર્ષથી ૪૪.૭ ટકા વધ્યું હતું, સતત સાતમા મહિને ચીનમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ વધ્યું હતું. અમેરિકામાં નવા મકાનોનું સેલ્સ સપ્ટેમ્બરમાં ૧૪ ટકા વધીને છ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં ઘટ્યું હતું. ઑસ્ટ્રેલિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૬૦.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૬૨.૮ પૉઇન્ટ હતો, ઇનપુટ મટિરિયલ્સની શૉર્ટેજ અને સપ્લાય ચેઇન ઇશ્યુને કારણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટ્યો હતો. જોકે ન્યુ ઑર્ડર નવ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા.
ઑસ્ટ્રેલિયાનું ઇન્ફલેશન ત્રીજા ક્વૉર્ટરમાં ઘટીને ત્રણ ટકા થયું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં સાડાબાર વર્ષની ઊંચાઈએ ૩.૮ ટકા હતું. યુરો એરિયામાં હાઉસહોલ્ડ લોનનો રેશિયો સપ્ટેમ્બરમાં ૪.૧ ટકા વધ્યો હતો જે ઑગસ્ટમાં ૪.૨ ટકા વધ્યો હતો. ફ્રાન્સનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ઘટીને ૯૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૦૧ પોઇન્ટ હતો. જર્મનીનું ઇમ્પોર્ટ પ્રાઇસ ઇન્ફલેશન સપ્ટેમ્બરમાં ૧૭.૭ ટકા વધીને ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. જોકે માર્કેટની ધારણા ૧૮ ટકા વધારાની હતી. જર્મનીનો કન્ઝયુમર્સ કલાયમેન્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૦.૯ ટકા વધ્યો હતો જે ઑક્ટોબરમાં ૦.૪ ટકા વધ્યો હતો. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટના ડેટા ધારણા કરતાં સારા આવતાં ચાઇનીઝ ઇકૉનૉમિક ક્રાઇસિસનો ભય થોડો હળવો થયો હતો અને સોનું ઊંચા મથાળેથી ઘટયું હતું. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ  ટર્મ
જપાન, યુરો એરિયા, કૅનેડાની સેન્ટ્રલ બૅન્કોની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવા અંગે ઠોસ ચર્ચા થવાની ધારણા છે. ખાસ કરીને ફેડ જ્યારે ટેપરિંગ શરૂ કરવા જઇ રહ્યું છે ત્યારે હવે દરેક બેન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે ઉતાવળી બની છે, પણ હાલ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો તાત્કાલિક નિર્ણય લેવો કોઈને માટે શક્ય નથી. ફેડની રાહે જો એક પણ દેશની સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો ટાઇમ પિરિયડ જાહેર કરે તો સોનામાં મોટો ઘટાડો આવી શકે એમ છે.
ચીનમાં પ્રોપટી જાઇન્ટ એવરગ્રાન્ડેને ગવર્નમેન્ટ ઓથોરિટીએ ડેબ્ટનાં નાણાં પોતાનાં ફંડમાંથી ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય પ્રૉપર્ટી ડેવલપર મૉડર્ન લૅન્ડ ડિફોલ્ટર થતાં ચાઇનીઝ ગનર્વમેન્ટ ઇકૉનૉમિક ક્રાઇસિસને ખાળવા આક્રમક બની છે. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ બુધવારે સતત ત્રીજે દિવસે માર્કેટમાં ૨૦૦ અબજ યુઆન ઠાલવ્યા હતા, પણ ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ સપ્ટેમ્બરમાં સતત સાતમા મહિને વધતાં ઇકૉનૉમિક ક્રાઇસિસનું દબાણ હળવું થયું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બેન્ક ઑફ જપાન અને બૅન્ક ઓફ કેનેડાના નિર્ણય માર્કેટની ધારણાથી વિપરિત આવશે તો સોનામાં ઉછાળો જોવા મળશે, પણ જો ઇન્ટરેસ્ટ રેટ વધારવા અંગે કોઈ સંકેત મળશે તો સોનામાં ઘટાડો આગળ વધી શકે છે. રોઇટર્સના ટેક્નિકલ ઍનૅલિસ્ટો સોનાની નેચરલ રેન્જ ૧૭૮૩થી ૧૭૯૫ ડૉલરની બતાવી રહ્યા છે.

business news