પાંચ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ફિનફ્લુઅન્સર્સ હવે સેલિબ્રિટી ગણાશે

26 June, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ સાથેની પેઇડ પાર્ટનરશિપમાં પ્રોડક્ટના ચોક્કસ દાવા કરવા પર પ્રતિબંધ, સોશ્યલ મીડિયા ક્રીએટર્સ માટે કમ્પ્લાયન્સનો મોટો પડકાર

SEBI

માર્કેટ રેગ્યુલેટર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)નો નવો ડ્રાફ્ટ ઍડ કોડ ભારતના ફાઇનૅન્સ ઇન્ફ્લુઅન્સર્સ (ફિનફ્લુઅન્સર્સ) માટે એક નવો કાનૂની પડકાર લાવવા જઈ રહ્યો છે. આ નવા પ્રસ્તાવ અંતર્ગત જો કોઈ સોશ્યલ મીડિયા ક્રીએટરના કોઈ એક પ્લૅટફૉર્મ પર પાંચ લાખથી વધુ ફૉલોઅર્સ હશે તો તેને સત્તાવાર રીતે સેલિબ્રિટી તરીકે ગણવામાં આવશે. સેબી હેઠળ રજિસ્ટર્ડ સંસ્થાઓ જેવી કે શૅરબ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફન્ડ અને ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર્સ સાથે જોડાયેલી જાહેરાતો માટે આ નિયમ લાગુ પડશે. આ સેલિબ્રિટી ટૅગ સાંભળવામાં ભલે ગ્લૅમરસ લાગે; પણ ક્રીએટર્સ માટે એ વધુ સ્ક્રુટિની, કાગળકામ અને નિયમો લઈને આવશે જેને કારણે પેઇડ પાર્ટનરશિપમાં પ્રોડક્ટ-સ્પેસિફિક પિચ કરવા પર બ્રેક લાગશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક વાર ક્રીએટર પાંચ લાખની મર્યાદા પાર કરશે એટલે SEBI સ્પૉન્સર્ડ કન્ટેન્ટ પર એક મજબૂત લક્ષ્મણરેખા ખેંચી લેશે. આ પૉલિસી હેઠળ ક્રીએટર્સ કોઈ ચોક્કસ બ્રૅન્ડનો પ્રચાર કરી શકશે, પરંતુ પ્રોડક્ટને લઈને કોઈ ચોક્કસ દાવા કરી શકશે નહીં. ઉદાહરણ તરીકે પેઇડ કન્ટેન્ટમાં ‘હું આ પ્લૅટફૉર્મ પર ભરોસો કરું છું’ એમ કહેવું યોગ્ય ગણાશે, પરંતુ ‘આ ફન્ડે જોરદાર રિટર્ન આપ્યું છે’ અથવા ‘રોકાણ કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ ઍપ છે’ એવાં પ્રમોશનલ વાક્યો વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. SEBIના આ કડક પગલાથી સામાન્ય રોકાણકારોની સુરક્ષામાં મોટો વધારો થશે, પરંતુ ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગની પ્રક્રિયા થોડી ધીમી પડી શકે છે.

business news sebi mutual fund investment share market stock market national stock exchange bombay stock exchange social media