હવે સાકરના વેચાણમાં પણ રૅશનિંગ

27 August, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ અને સુપરમાર્કેટોમાં પ્રતિ બિલ માત્ર એકથી પાંચ કિલો સાકર વેચવાની લિમિટ સેટ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં મુખ્ય તહેવારોની મોસમ પહેલાં પુરવઠાની અછતને કારણે D-માર્ટ જેવા રીટેલર્સ અને બિગ બાસ્કેટ, બ્લિન્કિટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવાં ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સે ગ્રાહકો માટે સાકરની ખરીદી પર નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. અછતને લીધે છેલ્લા બે મહિનામાં સાકરના છૂટક ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો છે. કેટલાક રીટેલર્સે ખરીદી ત્રણથી પાંચ કિલો સુધી મર્યાદિત કરી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પૅકેજ્ડ ફૂડ કંપનીઓ માત્ર સાકર માટે જ નહીં, રસોઈના તેલ માટે પણ ઊંચા ખર્ચનો સામનો કરી રહી છે.

રીટેલ અને ઈ-કૉમર્સ કંપનીઓને એક ઓર્ડરમાં માત્ર એક કિલોના બે કે ૩ પૅક અથવા પાંચ કિલોના એક પૅકનું વેચાણ કરવાની સીમા આપવામાં આવી છે. દિલ્હીમાં ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ બ્લિન્કિટ પ્રીમિયમ ક્રિસ્ટલ શુગર અને ક્રિસ્ટલ વાઇટ શુગર જેવી બ્રૅન્ડ્સ માટે પ્રતિ ટ્રાન્ઝૅક્શન પાંચ કિલોના એક પૅક સુધી મર્યાદિત ખરીદી કરે છે. દિલ્હીમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર શુગર માટે ૧ કિલોનાં બે પૅકની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. પુણેમાં બ્લિન્કિટના ગ્રાહકોને તેમના શૉપિંગ કાર્ટમાં ૧ કિલોનાં ફક્ત ત્રણ પૅક ઉમેરવાની મંજૂરી આપી રહ્યું છે, જ્યારે બિગ બાસ્કેટે ચોક્કસ બ્રૅન્ડ માટે ૧ કિલોનાં પાંચ પૅક સુધીની મર્યાદા મૂકી છે. સુપરમાર્કેટ ચેઇન D-માર્ટના પુણે સ્ટોરમાં પ્રતિ બિલ પાંચ કિલો સાકરની ખરીદીનો નિયમ બનાવવામાં આવ્યો છે.

business news food and drink food news indian economy india