રિઝર્વ બૅન્કે વ્યાજદર જાળવી રાખ્યો, બજાર પ્રારંભિક ઘટાડા બાદ ૨૬૬ પૉઇન્ટ અપ

07 February, 2026 07:33 AM IST  |  Mumbai | Anil Patel

બિટકૉઇન ૪ મહિનામાં ૧,૨૬,૧૯૮ ડૉલરની ઑલ ટાઇમ હાઈથી બાવન ટકા તૂટીને ૬૦,૦૭૫ ડૉલરની ૧૭ મહિનાની નીચી સપાટીએ, ભારતીય કરન્સીમાં રેટ ૧૧૨ લાખ રૂપિયાથી ગગડી ૫૪.૨૫ લાખનો  : બેવડા નફાના જોશમાં MRF વૉલ્યુમ સાથે ૧૧,૫૬૧ રૂપિયાની તેજીમાં : સરકારી બૅન્કોમાં નરમ વલણ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વિશ્વ બજારોમાં નરમાઈ ચાલુ રહી છે. જપાન તથા થાઇલૅન્ડના અડધા ટકા આસપાસના સુધારાને બાદ કરતાં ગઈ કાલે તમામ અગ્રણી એશિયન બજાર માઇનસ હતાં જેમાં ઇન્ડોનેશિયા સવાબે ટકા, સાઉથ કોરિયા દોઢ ટકા, હૉન્ગકૉન્ગ ૧.૪ ટકા, સિંગાપોર પોણો ટકો ડાઉન થયું છું.  યુરોપ રનિંગમાં અડધાથી પોણો ટકો ઢીલું હતું. બિટકૉઇનની બુરાઈ વધી રહી છે. ભાવ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નીચામાં ૬૦,૦૭૫ ડૉલરના ૧૭ મહિનાના તળિયે જઈને રનિંગમાં સવાનવ ટકા ખરડાઈને ૬૪,૪૬૬ ડૉલર ચાલતો હતો. ૨૦૨૫ની ૬ ઑક્ટોબરે ભાવ ૧,૨૬,૧૯૮ ડૉલરની વિક્રમી સપાટીએ ગયો હતો. ત્યાંથી ૪ મહિનામાં બાવન ટકાનો કડાકો બોલાઈ ચૂક્યો છે. બ્રૅન્ટક્રૂડ સવા ટકો વધીને ૬૮ ડૉલર ઉપર આવી ગયું છે. હાજર સોનું એકાદ ટકો સુધરીને ૪૮૩૫ ડૉલર તો કૉમેક્સ સિલ્વર ૬ ટકાની ખરાબીમાં ૭૨.૪૦ ડૉલર દેખાતી હતી. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદા એક-સવા ટકો નીચે હતા, ટીન સવાચાર ટકા તૂટ્યું છે. ડૉલર સામે રૂપિયો ઘટાડે નીચામાં ૯૦.૮૬ વટાવી ૯૦.૭૪ ચાલતો હતો.

૨૦૨૫-’૨૬ના વર્ષની છેલ્લી પૉલિસી-મીટિંગમાં રિઝર્વ બૅન્ક તરફથી વ્યાજદર યથાવત્ જાળવી રખાયો છે. ફુગાવાનો અંદાજ સહેજ અપગ્રેડ કરાયો છે.

સાથે-સાથે GDP ગ્રોથરેટનું અનુમાન પણ જરાક અપગ્રેડ કરવામાં આવ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૪ પૉઇન્ટ જેવી મામૂલી નબળાઈમાં ૮૩,૨૪૯ ખૂલી છેવટે ૨૬૬ પૉઇન્ટના સુધારામાં ૮૩,૫૮૦ તથા નિફ્ટી ૫૧ પૉઇન્ટ વધી ૨૫,૬૯૪ બંધ આવ્યો છે. નરમ ઓપનિંગ બાદ બજાર નીચામાં ૮૨,૯૨૫ થયું હતું. ત્યાંથી ઊંચકાઈ સેન્સેક્સ ઉપરમાં ૮૩,૬૧૨ થયો હતો. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૩૧૧ પૉઇન્ટ તથા નિફ્ટી ૩૭૩ પૉઇન્ટ પ્લસ થયો છે. નબળી માર્કેટ બ્રેડથમાં NSE ખાતે વધેલા ૧૩૪૦ શૅરની સામે ૧૭૮૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૬૧,૦૦૦ કરોડ વધી ૪૬૭.૩૧ લાખ કરોડ રહ્યું છે. મોટા ભાગનાં સેક્ટોરલ સુધર્યાં હતાં. પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅરના ઘટાડે અડધો ટકો ડાઉન હતો. IT ઇન્ડેક્સ ૧.૪ ટકા, હેલ્થકૅર અડધો ટકો, ઑટો ૦.૩ ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૦.૭ ટકા ઘટ્યો છે. FMCG ઇન્ડેક્સ ૨.૧ ટકા પ્લસ હતો.

ITC પાંચ ટકાની મજબૂતીમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની ૩૨૬ બંધ રહી છે. કોટક મહિન્દ્ર બૅન્ક ૩.૪ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર અઢી ટકા, ભારતી ઍરટેલ ૨.૩ ટકા, બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા, પાવરગ્રીડ સવા ટકો વધી છે. નિફ્ટી ખાતે HDFC લાઇફ ૨.૪ ટકા તથા સેન્સેક્સમાં ટીસીએસ ૧.૭ ટકા ઘટી છે. ટેક મહિન્દ્ર ૧.૭ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૩ ટકા, બજાજ ઑટો ૧.૨ ટકા, એશિયન પેઇન્ટ્સ સવા ટકો, સ્ટેટ બૅન્ક ૦.૭ ટકા, એટર્નલ ૧.૨ ટકા, વિપ્રો ૧.૧ ટકા, ઇન્ફી ૦.૯ ટકા નરમ હતી. HDFC બૅન્ક ૦.૯ ટકા ઘટી ૯૪૧ બંધમાં બજારને ૧૦૭ પૉઇન્ટ નડી છે. રિલાયન્સ સાંકડી વધઘટે, સરેરાશ કરતાં ૩૦ ટકા કામકાજે અડધો ટકો વધી ૧૪૫૧ રહી છે.

એ ગ્રુપમાં ૨૭૪૪ રૂપિયાની તેજીમાં હિટાચી એનર્જી ટૉપ ગેઇનર બની છે. કૉન્ફોર્ડબાયો ૧૪ ટકા, ગોડફ્રે ફિલિપ્સ ૧૦.૪ ટકા, ડેટા પૅટર્ન્સ ૭.૮ ટકા મજબૂત હતી. ટાયર કંપની MRF લિમિટેડે ૧૫ ટકા વધારામાં ૮૦૫૦ કરોડ આવક ઉપર ૧૧૯ ટકા વધારામાં ૬૯૨ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૩ રૂપિયા ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર દસેક ગણા કામકાજે ઉપરમાં ૧,૪૯,૦૦૦ થઈ ૮.૬ ટકા કે ૧૧,૫૬૧ રૂપિયાની તેજીમાં ૧,૪૬,૪૯૫ બંધ થયો છે. આશાપુરા માઇનકેમનો નફો ૨૦ ટકા ગગડી ૮૪ કરોડ આવતાં શૅર બમણા કામકાજે નીચામાં ૫૯૬ બતાવી ૧૦.૭ ટકા ખરડાઈ ૬૦૯ બંધમાં એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. ભારત અર્થમૂવર્સની આવક ૨૩ ટકા વધી છે, પણ કંપની ૨૪ કરોડના નફામાંથી ૨૨ કરોડની ખોટમાં આવી છે. શૅર નીચામાં ૧૫૭૨ થઈ ૭.૬ ટકા તૂટી ૧૬૧૫ હતો. નજારા ટેકનો ૬.૧ ટકા બગડી ૨૬૦ હતી.

મુંબઈની AI કંપની ફ્રૅક્ટલ ઍનાલિટિક્સનો ઇશ્યુ સોમવારે

મેઇન બોર્ડમાં ત્રણેક સપ્તાહના વેકેશનનો અંત આવતો હોય એમ સોમવારે બે ભરણાં ખૂલવાનાં છે. મુંબઈના ગોરેગામ-ઈસ્ટ ખાતેની ફ્રૅક્ટલ ઍનાલિટિક્સ એકના શૅરદીઠ ૯૦૦ની અપરબૅન્ડમાં કુલ ૨૮૩૪ કરોડનો IPO લાવશે. એમાંથી ૧૮૧૦ કરોડ ઑફર ફોર સેલ છે. ૩ વર્ષના નફાનો ટ્રેક-રેકૉર્ડ ન હોવાથી ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા રખાયો છે. રીટેલ માટે ૧૦ છે. ૨૦૦૦માં સ્થપાયેલી આ કંપની અત્યારે હૉટ ફેવરિટ એવા AI સેક્ટરમાં છે. ગયા વર્ષે ૨૫.૬ ટકા વધારામાં  ૨૨૦ કરોડ પ્લસનો નેટ નફો કરી કંપની અગાઉની ૫૪૭૦ લાખની નેટલૉસમાંથી બહાર આવી છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૧૫૯૪ કરોડ તથા નેટનફો ૭૧ કરોડ નજીક રહ્યાં છે. દેવું ૨૭૪ કરોડથી વધુ છે. ઇશ્યુમાંથી જે ૧૦૨૩ કરોડ કંપનીમાં જવાના છે એમાંથી ૨૬૫ કરોડ રૂપિયા સબસિડિયરીઝના દેવાની ચુકવણીમાં વપરાશે. ૧૨૧ કરોડના ખર્ચે નવી ઑફિસ લેવાશે. ૫૭ કરોડના લૅપટૉપ ખરીદાશે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ હાલ માત્ર ૧૮.૨ ટકા છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૧૮૦થી શરૂ થયા બાદ ઘસાતું રહી ૫૮ થયા બાદ હાલ ૯૮ ચાલે છે.

નવી દિલ્હીની આય ફાઇનૅન્સ બેના શૅરદીઠ ૧૨૯ની અપરબૅન્ડમાં ૩૦૦ કરોડની OFS સહિત કુલ ૧૦૧૦ કરોડનો ઇશ્યુ સોમવારે કરશે. ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા, રીટેલ પોર્શન ૧૦ ટકા છે. ૧૯૯૩માં સ્થપાયેલી આ કંપની મુખ્યત્વે માઇક્રો સ્કેલ MSMES મીડિયમ અને સ્મૉલ સ્કેલ બિઝનેસને લોન આપવાનું કામકાજ કરે છે. ગયા વર્ષે ૧૧૦ ટકા વધારામાં ૧૫૦૫ કરોડની આવક ઉપર ૬૨.૬ ટકા વધારામાં ૧૭૫ કરોડ પ્લસ નેટ પ્રૉફિટ કર્યો છે. ચાલુ વર્ષે ૬ મહિનામાં આવક ૮૬૩ કરોડ અને નફો ૬૪૬૦ લાખ થયો છે. દેવું ૫૨૧૮ કરોડ છે. દોઢ વર્ષમાં દેવું ૨૮ ટકા વધ્યું છે. ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી એક રૂપિયો થયા પછી હાલ ઝીરો છે. 

પરિણામ પાછળ હિટાચી એનર્જી ૨૬૫૬ ઊછળીને A ગ્રુપમાં ઝળકી

સરકારની ૯૬.૫ ટકા માલિકીની LIC લિમિટેડનો ત્રિમાસિક નફો ૧૭.૫ ટકા વધી ૧૨,૯૩૦ કરોડ આવતાં ભાવ ગઈ કાલે પચીસ ગણા કામકાજમાં ઉપરમાં ૯૦૭ બતાવી ૭ ટકા ઊંચકાઈ ૯૦૦ બંધ થયો છે. જૅપનીઝ હિટાચીની ૭૧.૩ ટકા માલિકીની હિટાચી એનર્જી ઇન્ડિયાએ ૨૯ ટકા વધારામાં ૨૧૬૮ કરોડની આવક ઉપર ૯૦.૩ ટકા વૃદ્ધિદરથી ૨૬૧ કરોડ ચોખ્ખો નફો હાંસલ કરતાં શૅર ઉપરમાં ૨૨૦૭૩ બનાવી ૧૩.૮ ટકા કે ૨૬૫૬ રૂપિયાની તેજીમાં ૨૧,૮૫૦ થયો છે. બે રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૦૨૩ રૂપિયા છે. મલ્ટિપ્લેક્સ PVR આઇનૉક્સ દ્વારા સાડાનવ ટકાના વધારામાં ૧૮૮૦ કરોડની આવક ઉપર બમણાથી વધુ, ૯૫૪૦ લાખ નેટનફો દર્શાવાયો છે. ભાવ ઉપરમાં ૧૦૧૦ નજીક જઈને બે ટકા વધીને ૧૦૦૧ હતો.

હીરો મોટોકૉર્પ તરફથી ૨૧ ટકા વધારામાં ૧૨,૩૨૮ કરોડની આવક ઉપર ૧૨ ટકા વધારામાં ૧૩૪૮ કરોડ નેટ પ્રૉફિટ સાથે શૅરદીઠ ૧૧૦નું ઇન્ટરિમ જાહેર કરાયું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૫૮૪૨ વટાવી અંતે સાધારણ ઘટાડામાં ૫૭૫૦ બંધ થયો છે. માઝગાવ ડૉક દ્વારા સાડાચૌદ ટકા વધારામાં ૩૬૦૧ કરોડની આવક ઉપર નવ ટકા વધારામાં ૮૮૦ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ કરાયો છે. શૅર ઉપરમાં ૨૪૩૮ થઈને નજીવો સુધરીને ૨૪૦૧ રહ્યો છે. ભારતી ઍરટેલની ડિસેમ્બર ક્વૉર્ટરમાં આવક સવાતેર જેવી વધીને ૩૯,૨૨૬ કરોડ થઈ છે, પણ ચોખ્ખો નફો ૫૫ ટકા ગગડીને ૬૬૩૧ કરોડ આવ્યો છે. શૅર જોકે ઉપરમાં ૨૦૪૭ બતાવી દોઢ ટકો વધીને ૨૦૨૩ બંધ થયો છે. ભારતી ઍરટેલની ૭૦ ટકા માલિકીની સબસિડિયરી ભારતી હેક્સા કૉમની આવક પોણાપાંચ ટકા વધીને પણ ૪૨ કરોડના એક્સેપ્શનલ ગેઇનના લીધે નફો ૮૨ ટકા ઊછળી ૪૭૩ કરોડ વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૧૭૨૯ થઈ ૪ ટકાની મજબૂતીમાં ૧૬૯૫ બંધ આવ્યો છે. ઇન્ડ્સ ટાવર અડધો ટકો ઘટીને ૪૪૦ ઉપર હતી. 

મુંબઈના વરલીની CKK રીટેલ માર્ટનું લિસ્ટિંગ સુસ્ત નીવડ્યું

SME સેગમેન્ટમાં ગઈ કાલે બે નવાં ભરણાં ખૂલ્યાં છે. અમદાવાદની બાયોપોલ કેમિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૩૧૨૬ લાખનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧૮ ટકા સહિત કુલ ૧૩ ટકા ભરાયો છે, જ્યારે નોએડાની પાન HR સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૭૮ના ભાવનો ૧૭૦૪ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧૦ ટકા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે,. ગ્રેમાર્કેટમાં બાયોપોલમાં ઝીરો અને પાન HRમાંય ઝીરો પ્રીમિયમ  છે.

બ્રૅન્ડેડ પ્રોડક્ટસનો બિઝનેસ કરતી નવી દિલ્હીની બ્રૅડમૅન રીટેલનો ૧૦ના શૅરદીઠ ૧૭૬ના ભાવનો ૮૬૦૯ લાખ રૂપિયાનો NSE SME IPO ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૯૩ ગણા સહિત કુલ ૧૧૫ ગણા પ્રતિસાદમાં તો નવી દિલ્હીનીય ગ્રોવર જ્વેલ્સનો ૧૦ના શૅરદીઠ ૮૮ના ભાવનો ૩૩૮૩ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૧૬ ગણા સહિત કુલ ૧૯ ગણો રિસ્પૉન્સમાં પૂરો થયો છે. બ્રૅડમૅનમાં ૨૬વાળું પ્રીમિયમ હાલમાં સુધરી ૨૮ છે. ગ્રોવર જ્વેલ્સમાં અઢી રૂપિયાવાળું પ્રીમિયમ યથાવત્ છે.

મુંબઈના વર્લી ખાતેની CKK રીટેલ માર્ટ ૧૦ના શૅરદીઠ ૧૬૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે NSEમાં ૧૬૩ ખૂલી ૧૭૧ બંધ રહેતાં એમાં પાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી એક્રિશન ન્યુટ્રાવેદ ગઈ કાલે ૧૭૬ના તળિયે જઈને પાંચ ટકા તૂટી ૧૭૬, એમસેફ ઇક્વિપમેન્ટસ ૧૩૬ના તળિયે જઈને પોણાત્રણ ટકા ઘટી ૧૩૯ તથા કનિષ્ક ઍલ્યુમિનિયમ ૫૦ની નીચી સપાટી બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ બંધ હતી. કસ્તુરી મેટલ ૭૨ ઉપરની ટોચે જઈને પાંચ ટકા વધી ત્યાં રહી છે. 

ITમાં નરમાઈની હૅટ-ટ્રિક, TCS સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર

એન્થ્રોપિકના અટૅકનું નૅસ્ડૅક નરમાઈની હૅટ-ટ્રિકમાં વધુ દોઢ ટકો બગડ્યું છે. ટેક્નૉલૉજી શૅરોમાં ખુવારી વધી છે. એના પગલે ઘરઆંગણે પણ IT બેન્ચમાર્ક સતત ત્રીજા દિવસની ખરાબીમાં નીચામાં ૩૩,૯૮૪ થઈ ૧.૪ ટકા કે ૪૯૧ પૉઇન્ટ ઘટીને ૩૪,૩૫૨ બંધ રહ્યો છે. ITના ૭૭માંથી ૫૭ શૅર નરમ હતા. હેવી વેઇટ્સમાં ઇન્ફોસિસ નીચામાં ૧૪૮૦ થઈ ૦.૯ ટકા ઘટી ૧૫૦૭ તથા TCS ૨૯૧૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૧.૭ ટકા ઘટી ૨૯૪૧ બંધ થયો છે. HCL ટેક્નૉલૉજીઝ એક ટકા, ટેક મહિન્દ્ર ૧.૭ ટકા, વિપ્રો ૧.૧ ટકા તથા લાટિમ ૨.૩ ટકા કે ૧૨૮ રૂપિયા ડૂલ થઈ છે. આઇરિસ રેગટેક ૫.૯ ટકા, રામકો સિસ્ટમ્સ પોણાનવ ટકા, ડી-લિન્ક ઇન્ડિયા સાડાછ ટકા, હેક્સાવેર ૪.૧ ટકા, બીએલએસ ઈ-સર્વિસિસ ચાર ટકા, એક્સેલ્યા પોણાપાંચ ટકા, સિએન્ટ ૩.૧ ટકા, બિરલા સૉફ્ટ સાડાપાંચ ટકા, પર્સિસ્ટન્ટ સવાબે ટકા, કોફૉર્જ સાડાત્રણ ટકા, તાતા એલેક્સી ૩.૯ ટકા, સિગ્નેટી ૪ ટકા, તાતા ટેક્નો ૪ ટકા ઘટી હતી. નેટવર્ક પિપલ સર્વિસિસ ઉપરમાં ૧૩૬૬ બતાવીને સવાસાત ટકાની તેજીમાં ૧૩૧૦ થઈ છે. ઇનોવાના થિન્ક લૅબ દસેક ટકા ઊછળી ૩૯૦ હતી.

ગઈ કાલે FMCG ઇન્ડેક્સ બે ટકા પ્લસ હતો. એના ૯૩માંથી ૪૮ શૅર માઇનસ હતા, પરંતુ ન જાણે કેમ સિગારેટ અને ટબેકો શૅરમાં ફૅન્સી જોવા મળી છે. ગોડફ્રે ફિલિપ્સ ૨૧ ગણા વૉલ્યુમ સાથે ઉરપમાં ૨૨૪૦ થઈ સાડાદસ ટકા કે ૨૦૭ રૂપિયાના ઉછાળે ૨૧૮૯ બંધ થઈ છે. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૨૪૩ બતાવી સવાત્રણ ટકાની મજબૂતીમાં ૨૩૭ હતી. ITC ૬ ગણા વૉલ્યુમે ૩૨૮ની ઇન્ટ્રા-ડે હાR દેખાડી ૩૨૬ના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. બજારને Sના કારણે ૧૨૯ પૉઇન્ટનો ફાયદો થયો હતો. અન્ય સિગારેટ કંપની એલિટકોન ઇન્ટરનૅશનલ ઉપરમાં ૬૯ થઈ પાંચ ટકા વધીને ત્યાંજ  રહી છે. એનટીસી ઇન્ડસ્ટ્રીઝ ૧૮૩ની ઇન્ટ્રા-ડે હાઇ બાદ દોઢ ટકા ઘટીને ૧૭૬ હતી. સિન્નાર બીડી ઉદ્યોગ બે ટકા નરમ હતી. અવન્તિ ફીડ્સ ૫.૩ ટકા ગગડી છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange bitcoin crypto currency indian rupee reserve bank of india