રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ભારત સરકારની ઝોળી ભરી દીધી

23 May, 2026 08:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક પડકારોની વચ્ચે રેકૉર્ડબ્રેક ૨.૮૬ લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વિશ્વભરમાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ભારતની સેન્ટ્રલ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ભારત સરકારની ઝોળીમાં ભારેભરખમ ડિવિડન્ડની રકમ ટ્રાન્સફર કરી છે. આ રેકૉર્ડ સરપ્લસ ટ્રાન્સફર ૨૦૨૬-’૨૭ના વર્ષની શરૂઆતમાં જ સરકારને નાણાકીય સહાય આપશે, કેમ કે સરકાર વૈશ્વિક સ્તરે ઊર્જાના વધતા ભાવોના પડકારોનો સામનો કરી રહી છે. આ ડિવિડન્ડ ટ્રાન્સફરે પણ નવો રેકૉર્ડ બનાવ્યો છે. ગયું નાણાકીય વર્ષ જે ૨૦૨૫ની ૩૧ માર્ચે પૂરું થયું એ માટે RBIએ સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. એ પહેલાંના વર્ષમાં આ રકમ ૨.૧૧ લાખ કરોડ રૂપિયા હતી. જોકે આ વર્ષે ડિવિડન્ડમાં વધારો થઈને આ આંકડો ૨.૮૬ લાખ કરોડ રૂપિયા થયો છે.

આ ભારેભરખમ ડિવિડન્ડમાં સૌથી મોટું યોગદાન અમેરિકાના ડૉલર સામે રૂપિયો ૧૦ ટકા ગગડ્યો એ પણ કારણભૂત છે. RBIની બૅલૅન્સશીટમાં વિદેશી મુદ્રાસંપત્તિઓના મૂલ્યાંકનમાં લાભ થયો હતો. એવું માનવામાં આવે છે કે RBI મુદ્રાબજારમાં સક્રિય રોકાણ કરીને આ લાભ કમાઈ છે, કેમ કે રૂપિયાને વધુ નબળો પડતો રોકવા માટે ડૉલર વેચ્યા હતા. RBIએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ બોર્ડે અકાઉન્ટિંગ વર્ષ ૨૦૨૫-’૨૬ માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટને ૨,૮૬,૫૮૮.૪૬ કરોડ રૂપિયાનું સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. RBIની કુલ આવક ગયા વર્ષની સરખામણીએ ૨૬.૪૨ ટકા વધી છે, જ્યારે રિસ્ક પ્રોવિઝન પહેલાંનો ખર્ચ ૨૭.૬ ટકા વધ્યો છે.’

reserve bank of india indian government indian economy share market stock market business news india